સુપ્રીમ કોર્ટના આ ત્રણ જજે કર્યો યેદિયુરપ્પાના ભાવિનો ફેંસલો

ફોટો Image copyright GETTY IMAGES/PRAKASH SINGH

સુપ્રીમ કોર્ટના ત્રણ જજો જસ્ટિસ સિકરી, જસ્ટિસ બોબડે તથા જસ્ટિસ ભૂષણની બેન્ચ કર્ણાટકના રાજકીય વિવાદની આગળની સુનાવણી હાથ ધરી. આ બેન્ચે જ મંગળવારની રાત્રે સુનાવણી હાથ ધરી હતી, જે બુધવાર સવાર સુધી ચાલી હતી.

બેન્ચે નવા ચૂંટાયેલા ધારાસભ્યોની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવા કર્ણાટકના ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસને આદેશ આપ્યો છે.

સાથે જ કોઈ નીતિ વિષયક નિર્ણય ન લેવા યેદિયુરપ્પાને નિર્દેશ આપ્યા છે.

સુપ્રીમ કોર્ટે બુધવારે વહેલી સવારે યેદિયુરપ્પાની શપથવિધિ નહીં અટકાવવાનો વચગાળાનો નિર્ણય આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ અને જેડીએસની અરજીને નકારી પણ ન હતી, એ અંગે પણ સુનાવણી કરવામાં આવશે.

કર્ણાટકમાં 222 બેઠકો પર ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં 104 બેઠકો સાથે ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો હતો.

78 બેઠકો સાથે કોંગ્રેસ બીજા ક્રમે જ્યારે 37 બેઠકો સાથે જેડીએસ ત્રીજા ક્રમે રહ્યા હતા.

ચૂંટણી બાદ કોંગ્રેસે વિના શરતે જેડીએસને ટેકો આપવાની તથા તેના ઉમેદવારને મુખ્યપ્રધાન તરીકે સ્વીકારવાની જાહેરાત કરી હતી.

Image copyright Getty Images

સુપ્રીમ કોર્ટે આ મામલે બી. એસ. યેદિયુરપ્પા સહિત બીજા પક્ષોને નોટિસ મોકલી જવાબ માંગ્યો હતો. આ સુનાવણીમાં કોર્ટે યેદિયુરપ્પાને બપોરના બે વાગ્યા સુધીમાં ધારાસભ્યોની યાદી સોંપવા જણાવ્યું હતું.

આ બધું થતા એવો પ્રશ્ન થવો સહજ છે કે આ રાજનીતિક બાબતે સુનાવણી કરનાર જજ છે કોણ. તો જાણો એ જજ અંગે જેઓ આ મહત્ત્વપૂર્ણ સુનાવણી કરી રહ્યા છે.


જસ્ટિસ એ. કે.સિકરી

Image copyright Getty Images

7 માર્ચ 1954માં જન્મેલા જસ્ટિસ અરુણ કુમાર સિકરીએ દિલ્હી યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેમણે વર્ષ 1999માં દિલ્હી હાઈકોર્ટમાં જજ તરીકે પદ સંભાળ્યું.

10 ઓક્ટોબર 2011ના રોજ તેઓ દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા. ત્યારબાદ 2012માં તેઓ પંજાબ અને હરિયાણાના મુખ્ય ન્યાયાધીશ બન્યા.

તેમણે સુપ્રીમ કોર્ટમાં પોતાનો કાર્યકાળ 12 એપ્રિલ 2013ના રોજ શરૂ કર્યો.

જસ્ટિસ સિકરીના નોંધપાત્ર ચુકાદાઓ અંગે વાત કરીએ તો તેમણે દિલ્હીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારબાદ તેમણે લિવ-ઈન રિલેશન અંગે પણ ચુકાદો આપ્યો હતો.


જસ્ટિસ અશોક ભૂષણ

Image copyright SUPREMECOURTOFINDIA.NIC.IN

ઉત્તર પ્રદેશના જૌનપુરમાં 5 જુલાઈ 1956ના રોજ જન્મેલા જસ્ટિસ અશોક ભૂષણે અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી 1979માં કાયદાનો અભ્યાસ કર્યો.

કેરળ હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશના પદ પર રહ્યા બાદ જસ્ટિસ ભૂષણે વર્ષ 2016માં સુપ્રીમ કોર્ટમાં પોતાનો કાર્યકાળ શરૂ કર્યો.

જસ્ટિસ ભૂષણ અને જસ્ટિસ સીકરીએ સાથે મળીને લિવ-ઈન રિલેશન અંગે ચુકાદો આપ્યો હતો કે બે પુખ્ત વ્યક્તિ લગ્નની ઉંમરે ના પહોંચ્યા હોય તો પણ તેઓ સાથે રહી શકે છે.

જસ્ટિસ અશોક ભૂષણનો કાર્યકાળ 4 જુલાઈ 2018 સુધીનો છે.


જસ્ટિસ શરદ અરવિંદ બોબડે

Image copyright SUPREMECOURTOFINDIA.NIC.IN

નાગપુરમાં 24 એપ્રિલ 1956ના રોજ જન્મેલા જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ નાગપુર યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી.

એક લાંબા સમય સુધી મુંબઈ હાઈકોર્ટમાં વકીલાત કર્યા બાદ જસ્ટિસ બોબડેએ વર્ષ 2000માં બોમ્બે હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો.

ત્યારબાદ તેઓ 16 ઓક્ટોબર 2012માં મધ્યપ્રદશ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા.

12 એપ્રિલ 2013ના રોજ જસ્ટિસ બોબડે સુપ્રિમ કોર્ટમાં જજ બન્યા. તેમનો કાર્યકાળ 23 એપ્રિલ 2021ના રોજ પૂરો થવાનો છે.

તેમણે એક મહિલાના 26મા અઠવાડિયે ગર્ભપાતની મંજૂરી આપી ન હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ