TOP NEWS: વજુભાઈ વાળાના રાજકોટ ઘરની બહાર કોંગ્રેસ દ્વારા દેખાવો

કોંગ્રેસી કાર્યકર્તાઓની તસવીર Image copyright Bipin Tankaria

કર્ણાટકમાં રાજ્યપાલ વજુભાઈ વાળાએ ભાજપને સરકાર રચવાનું આમંત્રણ આપ્યું હતું. જેના પગલે રાજકોટમાં વાળાના નિવાસસ્થાન બહાર કોંગ્રેસ દ્વારા દેખાવો યોજવામાં આવ્યા હતા.

દેખાવકારોના હાથમાં ભાજપ તથા વજુભાઈ વિરુદ્ધના બેનર્સ તથા કાર્ડ્સ હતા. કોંગ્રેસે ભાજપ તથા વજુભાઈ વાળા વિરુદ્ધ નારેબાજી કરી હતી.

સ્થાનિક પત્રકાર બિપીનભાઈ ટંકારિયાના જણાવ્યા મુજબ, કાર્યકરી પ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ મહેશ રાજપૂત, રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા, જીલ્લા પંચાયત પ્રમુખ નિલેશ વિરાણી સહિતના નેતાઓ તથા કાર્યકરો દેખાવોમાં સામેલ થયા હતા.

રાજકોટ પોલીસે 22 જેટલા કાર્યકરોની અટકાયત કરી છે. વાળાના નિવાસ સ્થાન બહાર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.


કેજરીવાલની પૂછપરછ થશે

Image copyright Getty Images

દિલ્હીના મુખ્ય સચિવ અંશુ પ્રકાશ સાથે મારઝૂડ મામલે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલની પૂછપરછ થશે.

શુક્રવારે સાંજે પાંચ કલાકે કેમ્પ કાર્યાલય ખાતે કેજરીવાલની પૂછપરછ થશે.

કેજરીવાલે સવારે 11 વાગ્યે પૂછપરછ માટે સમય આપવાનો ઇન્કાર કરતા સાંજે પાંચ વાગ્યાનો સમય નક્કી થયો હતો.

કેજરીવાલે માગ કરી હતી કે તેમની પૂછપરછનું ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવે. પરંતુ પોલીસે ઓડિયો-વીડિયો રેકોર્ડિંગ કરાવવાનો ઇન્કાર કરી દીધો હતો.


દેશની સ્થિતિ પાકિસ્તાન જેવી

Image copyright Getty Images

'દિવ્ય ભાસ્કર'ના અહેવાલ અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવતા આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની હાલત પાકિસ્તાન જેવી કરી દીધી છે.

છત્તીસગઢમાં એક સભાને સંબોધતા રાહુલે કહ્યું, ''70 વર્ષમાં પહેલી વાર ન્યાયાધીશને લોકો સમક્ષ આવીને કહેવું પડે છે કે તેમને ધમકાવવામાં આવે છે.

''આવું સરમુખુખત્યારશાહીમાં થતું હોય છે. પાકિસ્તાન અને આફ્રિકા જેવા દેશોમાં આ શક્ય છે.''

સભા દરમિયાન રાહુલે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પર બંધારણની સંસ્થાઓને 'પોતાના માણસો ભરી' 'કબજે' કરવાનો પણ આરોપ લગાવ્યો.


વડોદરામાં બે જૂથો આમનેસામને, 8ની ધરપકડ

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર વડોદરામાં બે જૂથો વચ્ચે થયેલાં ઘર્ષણને પગલે પોલીસે આઠ વ્યક્તિની ધરપકડ કરી છે.

પૈસાને લઈ થયેલી માથાકૂટ ઘર્ષણમાં ફેરવાઈ હોવાનું અખબારનું નોંધવું છે. વડોદરાથી 35 કિલોમીટર દૂર આવેલા વાઘોડીયા વિસ્તારમાં બનેલા આ બનાવને પગેલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવી દેવાયો છે.

વડોદરા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જેને પગલે અણછાજતી ઘટના બનતા અટકાવી શકાઈ હતી.

મુસ્લિમોના પવિત્ર માસ રમઝાનના પ્રથમ દિવસે જ બનેલી આ ઘટનાને વડોદરા પોલીસ ગંભીરતાથી લઈ રહી છે.


ગોવા, મણિપુરમાં કર્ણાટક મોડલ અપનાવો : કોંગ્રેસ

Image copyright Getty Images

'એનડી ટીવી ઇન્ડિયા'ની વેબસાઇટના એક રિપોર્ટ અનુસાર, કર્ણાટકમાં રાજ્યપાલ દ્વારા રાજ્યના સૌથી મોટા પક્ષને સરકાર બનાવવાં આમંત્રણ અપાયા બાદ હવે કોંગ્રેસે ગોવા, મણિપૂર અને મેઘાયલમાં પણ રાજ્યપાલને આવું જ કરવાની માગ કરી છે.

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદિપ સુરજેવાલાએ કહ્યું, ''યેદિયુરુપ્પા માત્ર એક જ દિવસના મુખ્યમંત્રી છે.''

તેમણે ઉમેર્યું, ''જો કર્ણાટકમાં ભાજપને સરકાર બનાવવાની તક મળે છે તો પછી ગોવા, બિહાર, મણિપુર અને મેઘાલયની સરકારોએ રાજીનામું આપી દેવું જોઈએ. અને સૌથી મોટા પક્ષને સરકાર રચવાની તક મળવી જોઈએ.''

રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે ગોવામાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા ચંદ્રકાંત કાવલેકર 16 ધારાસભ્યોની સહી સાથેનો એક ઔપચારિક પત્ર રાજ્યપાલને સોંપી સરકાર બનાવવાનો દાવો કરવા જઈ રહ્યા છે.

રિપોર્ટ અનુસાર આ જ પદ્ધતિ અનુસાર જેડીયુ બિહારમાં પણ સરકાર બનાવવાની માગ કરવાનું છે.


ગુજરાતના બંદરો પર સિગ્નલ

Image copyright Getty Images
ફોટો લાઈન ફાઇલ તસવીર

હવામાન ખાતા દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આગામી બાર કલાક દરમિયાન માછીમારો દરિયો ન ખેડે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, એડનની ખાડીમાં ઊભા થયેલા દબાણને કારણે 'સાગર' વાવાઝોડું ઊભું થયું છે. જે અરબી સમુદ્રમાં ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

ગુજરાતના તમામ મોટા પોર્ટ પર બીજા નંબરનું ચેતવણી સિગ્નલ લગાવી દેવાયું છે.

રાજ્યના મહેસૂલ વિભાગે વહીવટી તંત્રને સાવધ રહેવા સૂચના આપી છે.


પ. બંગાળમાં TMC અને BJP સામસામે?

Image copyright Getty Images

ગુરૂવારે પશ્ચિમ બંગાળમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં તૃણમુલ કોંગ્રેસનો વિજય થયો છે. રાત્રે દસ વાગ્યાની સ્થિતિ પ્રમાણે, ટીએમસીને 20,441 બેઠકો મળી હતી.

ઝી ન્યૂઝ વેબસાઇટ પર રાજ્યના ચૂંટણી પંચને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે ભાજપ 5,465 બેઠક પર વિજયી થયો છે.

સીપીએમ ત્રીજા ક્રમે રહ્યો છે, તેને 1,415 ગ્રામ પંચાયત બેઠકો મળી છે, જ્યારે 993 બેઠકો સાથે કોંગ્રેસ ચોથા ક્રમે છે.

14મી મેના દિસવે પશ્ચિમ બંગાળમાં 621 જિલ્લા પરિષદ, 6,123 પંચાયત સમિતિ તથા 31,802 ગ્રામ પંચાયત બેઠકો માટે ચૂંટણીઓ યોજાઈ હતી.

ચૂંટણીઓમાં 12 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે 43 લોકો ઘાયલ થયા હતા. સીપીઆઈ-એમ તથા કોંગ્રેસે આ ચૂંટણીઓને 'હાસ્યાસ્પદ' ગણાવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો