ગ્રાઉન્ડ રિપોર્ટ : કર્ણાટકમાં 'ઑપરેશન MLA' બચાવોની હકીકત

યેદિયુરપ્પા અને વજુભાઈ વાળાની તસવીર Image copyright Getty Images

મુખ્યમંત્રી બનતાની સાથે જ બી.એસ. યેદિયુરપ્પાએ કેટલાક સરકારી અધિકારીઓની બદલી કરી નાખી છે.

વિધાનસભામાં શક્તિ પરીક્ષણ પૂર્વે કોંગ્રેસ અને જનતા દળે (સેક્યુલર) ધારાસભ્યોને 'બચાવી રાખવા' માટે કવાયત હાથ ધરી છે.

બંને પાર્ટીઓને આશંકા છે કે તેમના ધારાસભ્યોને તોડવામાં આવશે. આથી બંને પક્ષોએ તેમના ધારાસભ્યોને હૈદરાબાદ મોકલી દીધા છે.

આવું કરતાં પહેલાં બંને પક્ષોએ 'માહોલ ઊભો કર્યો' જેથી કરીને મીડિયાને પણ તેની જાણ ન થાય.


ખાનગી સુરક્ષા અને બાઉન્સર્સ

Image copyright Getty Images

ગુરુવારે કોંગ્રેસ તથા જેડીએસના ધારાસભ્યોને બસોમાં વિધાનસભા સુધી લાવવામાં આવ્યા, જેથી તેઓ શપથ ગ્રહણના વિરોધ પ્રદર્શનમાં સામેલ થઈ શકે.

ત્યારબાદ બપોરે લગભગ બે વાગ્યે કોંગ્રેસના ધારાસભ્યોને બેંગ્લુરુ-મૈસૂર રોડ પર આવેલા ઇગલટન રિસોર્ટમાં મોકલી દેવામાં આવ્યા.

જ્યારે જેડીએસના ધારાસભ્યોને શહેરની વિખ્યાત શાંગરી-લા હોટલ મોકલવામાં આવ્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

બંને સ્થળોએ બંને પક્ષોએ પ્રાઇવેટ સિક્યુરિટી તથા બાઉન્સર્સને તહેનાત કર્યા હતા.


એક MLA આઘાપાછા થયા

કોંગ્રેસના એક ધારાસભ્ય કોઈને કહ્યા વગર પોતાની ગાડીમાં રિસોર્ટથી શહેર તરફ નીકળી ગયા હતા.

જેના કારણે કોંગ્રેસની છાવણીમાં ચકચાર મચી ગઈ હતી. કારણ કે તેના એક ધારાસભ્ય આનંદસિંહ અગાઉથી જ 'લાપતા' હતા.

દોઢ કલાક બાદ માલૂમ પડ્યું હતું કે તેમને તાવ આવ્યો હતો અને તેઓ પોતાના ડૉક્ટર પાસે ગયા હતા.

તેઓ રિસોર્ટમાં પરત ફર્યા ત્યારે કોંગ્રેસે રાહતનો શ્વાસ લીધો હતો.

બીજી બાજુ, ધારાસભ્યોના પરિવારજનો રિસોર્ટ ખાતે ધસી ગયા હતા.


કહાસુની

Image copyright Getty Images

સાંજે લગભગ છ કલાકે એક ધારાસભ્યના ભત્રીજા વૈભવી કારમાં રિસોર્ટ ખાતે પહોંચ્યા હતા. પરંતુ ગાર્ડ્સે તેમને અંદર જતા અટકાવ્યા હતા.

આ અંગે ગાર્ડ્સ અને તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. રિસોર્ટની બહાર કેટલાક 'અજાણ્યા લોકો' જોવા મળ્યા હતા.

એક ગાર્ડે કહ્યું, 'બીજા જૂથના લાગે છે, અહીં જાસૂસી કરવા આવ્યા હોય એમ લાગે છે.'

આ દરમિયાન કોંગ્રેસને લાગ્યું કે ધારાસભ્યોને બેંગ્લુરુ જ નહીં, પ્રદેશમાં રાખવા ઘાતક સાબિત થઈ શકે છે.

મોડી સાંજે એવા અહેવાલ વહેતા કરવામાં આવ્યા હતા કે ધારાસભ્યોને ત્રણ પ્રાઇવેટ ચાર્ટર્ડ પ્લેન દ્વારા મોકલવામાં આવશે.

જોકે, આ અહેવાલોની વચ્ચે ધારાસભ્યોને બસ મારફત રવાના કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.


ક્યાંથી ક્યાં સુધી ?

Image copyright Getty Images

બસોને પહેલાં પુડ્ડુચેરી તરફ રવાના કરવામાં આવી, પરંતુ થોડા સમય બાદ બસોને હૈદરાબાદ તરફ વાળી દેવામાં આવી હતી.

દરમિયાન શાંગરી-લા હોટલમાં રહેલા ધારાસભ્યોને બે બસોમાં બેસાડીને કોચ્ચી રવાના કરવામાં આવ્યા હતા.

બસમાં બેઠેલા એક ધારાસભ્યે બીબીસીને જણાવ્યું કે તેમને એવું જણાવવામાં આવ્યું હતું કે બસ કોચ્ચી તરફ જઈ રહી છે. જોકે, રાતોરાત તેમની બસને પણ હૈદરાબાદ તરફ વાળી દેવામાં આવી હતી.

તેમણે ઉમેર્યું, "અમે હૈદરાબાદમાં છીએ. અમને આશા છે કે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ માટે રાજ્યપાલે આપેલી પંદર દિવસની મુદ્દતને સુપ્રીમ કોર્ટ ઘટાડીને સાત દિવસ કરી નાખશે.

"આમ કરવાથી અમારો તણાવ ઓછો થશે."

બીજી બાજુ ભાજપે 'હોર્સ ટ્રેડિંગ'ના આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે બંને પક્ષો તેના ધારાસભ્યોને દબાવીને રાખવા માગે છે.

હાલ સુપ્રીમ કોર્ટે આવતીકાલે એટલે કે શનિવારે ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ