કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી: ભાજપની દુશ્મનીથી લઈ કોંગ્રેસની મિત્રતા સુધી

કુમારસ્વામી

આખરે આઠ દિવસના રાજકીય નાટકના અંતે જેડીએસના કુમારસ્વામીએ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યાં છે.

જોકે, તેમની કેબિનેટની રચના વિધાનસભામાં બહુમત સાબિત કર્યા બાદ કરવામાં આવશે.

આ પહેલાં ભાજપના યેદિયુરપ્પાએ ફ્લોર ટેસ્ટનો સામનો કર્યા સિવાય રાજીનામું આપી દીધું હતું.

કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સૌથી વધારે 104 બેઠકો મળી હતી.

જેથી કુમારસ્વામીના આ શપથના દિવસને ભાજપ રાજ્યભરમાં 'જનાદેશ વિરોધી દિવસ' તરીકે મનાવી રહી છે.

58 વર્ષના કુમારસ્વામી બીજી વખત કર્ણાટકના મુખ્યમંત્રી બનશે. આ પહેલાં 2006-07માં ભાજપ સાથેના ગઠબંધનમાં તેઓ 20 મહિના સુધી મુખ્યમંત્રી રહ્યા હતા.

વર્ષ 2018માં વિધાનસભા ચૂંટણીના પરિણામની જાહેરાત બાદ કુમારસ્વામીએ કહ્યું હતું, "વર્ષ 2006માં ભાજપ સાથે જવાના મારા નિર્ણયથી મારા પિતાની કારકિર્દીમાં કાળો દાગ લાગી ગયો હતો.

"ભગવાને મને આ ભૂલ સુધારવાની તક આપી છે અને હું કોંગ્રેસ સાથે રહીશ."

પરંતુ શું કુમારસ્વામી અને કોંગ્રેસના સંબંધ હંમેશાંથી આટલા સારા અને ભાજપ સાથે હંમેશા ખરાબ રહ્યા છે?

આ સવાલના જવાબ માટે ઇતિહાસમાં જવું પડશે.

ભાજપ સાથે મિત્રતા

વર્ષ 2004ની વિધાનસભા ચૂંટણી બાદ જેડીએસ અને કોંગ્રેસે સાથે મળીને કર્ણાટકમાં સરકાર બનાવી, પરંતુ વર્ષ 2006 આવતા કુમારસ્વામીએ એક રમત રમી.

વર્ષ 2006માં પિતા એચ.ડી.દેવગૌડાની વાત ના માનતા કુમારસ્વામીએ કોંગ્રેસ સાથે ગઠબંધન તોડીને મુખ્યમંત્રી બનવા માટે ભાજપ સાથે દોસ્તી કરી.

તમે આ વાંચ્યું કે નહીં?

ભાજપ અને જેડીએસમાં એવો સોદો થયો કે સરકારનો અડધો કાર્યકાળ મુખ્યમંત્રી પદના ઉમેદવાર કુમારસ્વામી પાસે રહેશે અને અડધો કાર્યકાળ ભાજપ પાસે.

પરંતુ વર્ષ 2007ના ઓક્ટોબરમાં કુમારસ્વામી પોતાના વાયદાથી ફરી ગયા અને ભાજપમાંથી કોઈને મુખ્યમંત્રી ના બનવા દીધા અને સરકારને આપેલું સમર્થન પરત ખેંચી લીધું.

ત્યારબાદ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પોતાના દમ પર સત્તામાં આવી અને સરકાર બનાવી.

સિદ્ધારમૈયાનું દર્દ

બીજી તરફ સિદ્ધારમૈયાનું દર્દ અલગ છે. તેમણે ઘણાં વર્ષો સુધી દેવગૌડા સાથે નિષ્ઠાપૂર્વક રીતે કામ કર્યું, પરંતુ જ્યારે પાર્ટીની કમાન સોંપવાની વાત આવી તો દેવગૌડાએ પાર્ટીના જૂના વફાદાર સિદ્ધારમૈયાની જગ્યાએ તેમના દીકરા કુમારસ્વામીને પસંદ કર્યા.

પાર્ટીમાં પોતાને અસ્વીકૃતિ મળ્યા બાદ સિદ્ધારમૈયાએ અહિંદા (અલ્પસંખ્યક, ઓબીસી અને દલિત) બનાવ્યું અને કોંગ્રેસની મદદથી તેમણે મોટી છલાંગ લગાવી.

દેવગૌડા સાથે શરૂ થયેલી આ દુશ્મનીના પરિણામ સ્વરૂપે સિદ્ધારમૈયાએ વોક્કાલિગા સમુદાયના અધિકારીઓ સાથે પણ ભેદભાવ કર્યો.

ઉલ્લેખનીય છે કે દેવગૌડા વોક્કાલિગા સમાજના છે.

આના જવાબમાં કુમારસ્વામીએ ચતુરાઈ બતાવતા સિદ્ધારમૈયા દ્વારા દેવગૌડા પર કરવામાં આવતા રાજનીતિક હુમલાઓને સંપૂર્ણ રીતે વોક્કાલિગા સમુદાય પર થતા હુમલાના રૂપે દેખાડવાનું શરૂ કરી દીધું.

કુમારસ્વામીની રાજનીતિક સફર

કુમારસ્વામીએ વર્ષ 1996માં રાજનીતિમાં પગલાં માંડ્યાં. તેઓ સૌપ્રથમવાર 11મી લોકસભા ચૂંટણીમાં કનકપુરાથી ચૂંટાઈને લોકસભામાં આવ્યા હતા.

અત્યારસુધી તેઓ નવ વખત ચૂંટણી લડી ચૂક્યા છે જેમાંથી છ વાર જીત્યા છે. આ વિધાનસભા ચૂંટણીમાં તેમણે રમનગરમ વિધાનસભા બેઠક જીતી છે.

રાજનીતિમાં આવ્યા પહેલાં કુમારસ્વામી ફિલ્મ નિર્માતા અને ફિલ્મ વિતરક હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો