કર્ણાટક: બુધવારે કુમારસ્વામી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

કુમારસ્વામી Image copyright Reuters

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા મામલો ગૂંચવાયો હતો. જે બાદ સૌથી વધારે બેઠકો ધરાવતા ભાજપને કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું હતું. યેદિયુરપ્પાને બહુમતી સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. રાજ્યપાલ તરફથી પત્ર મળતાની સાથે જ યેદિયુરપ્પાએ બીજા દિવસે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

રાજ્યપાલના આ નિર્ણય સામે કોંગ્રેસ અને જેડીએસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. કોર્ટે શનિવારે 4 વાગ્યે યેદિયુરપ્પાને બહુમતી સાબિત કરવા માટે કહ્યું હતું. યેદિયુરપ્પાના નેતૃત્વવાળી સરકાર પાસે 222 બેઠકો વાળી વિધાનસભામાં કુલ 104 ધારાસભ્યો છે. જે સાધારણ બહુમતીથી 8 બેઠકો ઓછી હતી.

શનિવારે સવારે કર્ણાટકની વિધાનસભાનું સત્ર મળ્યું હતું. દિવસભરની કાર્યવાહીના અંતે સાંજે ચાર વાગ્યે ફ્લોર ટેસ્ટનો સમય આવ્યો હતો.

ફ્લોર ટેસ્ટ પહેલાં ભાજપના યેદિયુરપ્પાએ આશરે 10 મિનિટ જેટલું ભાષણ આપ્યું હતું અને તેમાં તેમણે કર્ણાટકની જનતાની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરવાની વાત કહી હતી. ઉપરાંત તેમણે કોંગ્રેસ અને જેડીએસ પર જનાદેશની અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતો.

જોકે, યેદિયુરપ્પાએ ફ્લોર ટેસ્ટનો સામનો કરીને બહુમત મેળવવાને બદલે તેમણે રાજીનામું આપવાનું પસંદ કર્યું હતું અને વિધાનસભામાં જ તેની જાહેરાત કરી દીધી હતી. અંતે તેમણે રાજ્યપાલ વજુભાઈ વાળાને મળીને રાજીનામું આપી દીધું હતું.

યેદિયુરપ્પાએ રાજીનામું આપ્યા બાદ જેડીએસના કુમારસ્વામી રાજ્યપાલને મળવા માટે પહોંચ્યા હતા.

જે બાદ તેમણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે કોંગ્રેસ અને જેડીએસના સંગઠનને રાજ્યપાલે સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું હતું.

તેમણે કહ્યું, "રાજ્યપાલે અમને વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે 15 દિવસનો સમય આપ્યો છે. હું બુધવારે મુખ્યમંત્રી પદના શપથ લઈશ. તે બાદ થોડા સમયમાં જ વિધાનસભાનું સત્ર બોલાવામાં આવશે. અમારે 15 દિવસની જરૂર નથી."

ઉપરાંત તેમણે કહ્યું, "આવતીકાલે જ અમે મારા પક્ષના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. કેબિનેટની રચના અંગેનો નિર્ણય ચર્ચા કર્યા બાદ લેવામાં આવશે."


17:00 ભાજપે રાહુલ ગાંધીના મોદી પરના વારનો તાત્કાલિક જ જવાબ આપ્યો હતો.

ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી અનંત કુમારે કહ્યું કે તેઓ વડા પ્રધાન વિશે શું કહી રહ્યા છે? આ એ વડા પ્રધાન છે જેમણે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર આપી છે.


16:45 કર્ણાટક વિધાનસભામાં ભાજપની સરકાર પડતાની સાથે જ રાહુલ ગાંધીએ દિલ્હીમાં પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં તેમણે સીધું વડા પ્રધાન પર નિશાન તાકતા કહ્યું કે મોદી એટલે જ ભ્રષ્ટાચાર

રાહુલ ગાંધીએ કહ્યું, "ભારત એક એવો દેશ છે જેમાં તમને બોલવાની આઝાદી મળેલી છે, પરંતુ મોદી અને અમિત શાહ આ આઝાદીનો ગેરઉપયોગ કરી મનફાવે તેમ બોલી રહ્યા છે."

"કર્ણાટકના ધારાસભ્યને ખરીદવાના પ્રયત્નોથી એવું જાણવા મળે છે કે નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચારને સમર્થન આપે છે."


16:15 યેદિયુરપ્પાએ જ્યપાલના નિવાસ સ્થાને જઈ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાને રાજીનામું આપ્યું હતું.


16.06: રાજીનામા બાદ યેદિયુરપ્પાએ કહ્યું બેઠકો મહત્ત્વની નથી, પરંતુ સરકાર વિરુદ્ધ ગુસ્સો મહત્ત્વનો છે.


16:05 હું મારા મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપું છું. હું રાજ્યપાલ પાસે જઈશ અને હું રાજીનામું આપી દઈશ.


16:00 યેદિયુરપ્પાએ કહ્યું, ચૂંટણી ક્યારે આવશે તે ખબર નથી, હું 150થી વધારે બેઠકો પર જીતીને ફરી આવીશ તેમાં કોઈ બે મત નથી. હું રાજ્યના દરેક વિસ્તારમાં જઈશ. હું તેમને અહીંની સ્થિતિ બતાવીશ. હું રાજ્યની જનતાનો આભાર વ્યક્ત કરું છું. હું જનાદેશ પર ગૌરવ અનુભવું છું."

"ધારાસભ્યોને હોટલમાં રાખી, પરિવારો સાથે પણ વાત કરવા ના દેવી આવી સ્થિતિ મારે નથી જોઈતી. હું હંમેશા ખેડૂતો અને દલિતો સાથે છું. હું વિરોધપક્ષમાં હોઈશ તો પણ લોકોના હક્ક માટે લડતો રહીશ."


15.55: યેદિયુરપ્પાએ સદનમાં કહ્યું, "પીએમ મોદી અને અમિત શાહે મને મુખ્યમંત્રી પદનો દાવેદાર બનાવ્યો છે. હું લોકોના પ્રેમ અને સહકારને નહીં ભૂલી શકું. જનતાએ કોંગ્રેસ અને જેડીએસનો અસ્વીકાર કર્યો છે. અમારી પાસે 104 બેઠકો છે."

"હવે ચૂંટણીનું પરિણામ આવી ગયું છે, મારી સામે આજે એક અગ્નિપરીક્ષા છે. હું જિંદગીભર જંગ લડતો રહ્યો. એકવાર વિચારી જુઓ, જો અમને 113 બેઠકો મળી હોત તો રાજ્યનું ચિત્ર બદલી જાત."


15:49 યેદિયુરપ્પાએ કહ્યું કે લોકોનો જનાદેશ કોંગ્રેસ કે જેડીએસને મળ્યો નથી. બંને પક્ષો એકબીજા પર આરોપો કરી અંદરોઅંદર ઝઘડો કરતા રહ્યા. બંને પક્ષો ચૂંટણીમાં હાર્યા બાદ લોકોના જનાદેશની વિરુદ્ધ પોતાના અધિકાર માટે મોકો જોઈને આ સંગઠન બનાવ્યું છે. જોકે, રાજ્યપાલે મને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું.

યેદિયુરપ્પાએ કહ્યું, "જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી ખેડૂતો સાથે કામ કરતો રહીશ, પીવાના પાણીની રાજ્યભરમાં મુશ્કેલી છે. અમે લોકોને પાણી આપી શકતા નથી. જ્યારે ખેડૂતો સહિત અન્ય લોકો આંસૂઓ વહાવી રહ્યા છે, ત્યારે લોકોએ અમને જનાદેશ આપ્યો છે."

"મજૂરો અને ખેડૂતો માટે મે ખૂબ જ લડાઈ કરી છે. રાજ્યના લોકોની સેવા કરવા માગુ છું. ખેડૂતોને બચાવવા છે. હું મારા જીવનને સમર્પિત કરવા માટે તૈયાર છું. સાડા છ કરોડ લોકો માટે મારું જીવન સમર્પિત કરવા માગુ છું. "


15:45 યેદિયુરપ્પાએ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલાં શરૂ કર્યું ભાષણ, થોડીવારમાં ખબર પડશે કે શું થશે.


15:35 લંચ બાદ વિધાનસભાની કાર્યવાહી શરૂ, 4 વાગ્યે થશે ફ્લોર ટેસ્ટ


15:30 કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ પીએમ નરેન્દ્ર મોદી ટ્વીટર પર ધારાસભ્યોની ખરીદી પર ટોણો મારતા લખ્યું કે, પીએમ મોદી ભ્રષ્ટાચાર અંગે બોલતા થાકતા નથી. શું તેઓમાં એટલી નૈતિકતા છે કે તેઓ ભાજપ અને યેદિયુરપ્પાને ધારાસભ્યોની ખરીદી રોકવાનું કહી શકે, અને કર્ણાટકમાં બે પક્ષોની મદદથી સરકાર બનાવવા દે.


15:20 કોંગ્રેસના ગુમ થયેલા ધારાસભ્ય પ્રતાપ ગૌડા વિધાનસભા પહોંચ્યા, કોંગ્રેસના નેતા ડી. શિવકુમારે કહ્યું કે પ્રતાપ ગૌડા અને આનંદ સિંહ બંને કોંગ્રેસના પક્ષમાં જ મત આપશે.


15:15 કર્ણાટકમાં હાજર બીબીસી સંવાદદાતા નીતિન શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ કોંગ્રેસના ગુમ થયેલા બે ધારાસભ્યો પર જ તમામ લોકોની નજર છે. બીજી તરફ કોંગ્રેસ અને જેડીએસના કેમ્પના લોકોનું કહેવું છે કે યેદિયુરપ્પા બહુમતી સાબિત નહીં કરી શકે તે અંગેનો તેમને વિશ્વાસ છે.

Image copyright Getty Images

15:00 કોંગ્રેસે એક ઓડિયો ટેપ જાહેર કરી છે જેમાં ભાજપના ધારાસભ્ય શ્રીરામુલ્લુ કોંગ્રેસના નેતા બીસી પાટીલને મંત્રી પદ અને પૈસાની લાલચ આપતા સંભળાય છે.

ટેપમાં બેલ્લારી બેઠકના એમપી કોંગ્રેસના નેતાને પૈસાની લાલચ આપતા કહે છે, "ચિંતા ના કરો. હવે કોઈ ચૂંટણી નહીં થાય. આંધ્ર અને તેલંગણાની જેમ અમે અમારા સ્પીકરને પસંદ કરશું અમે બહુમતી સાબિત કરીશું. કોઈ ધારાસભ્ય ગેરલાયક નહીં ઠરે. તમારે ચિંતા કરવાની જરૂર નથી "


14:53 કોંગ્રેસના નેતા ડી.કે. શિવકુમારે કહ્યું કે યેદિયુરપ્પા વિશ્વાસ મત પહેલાં ચોક્કસ રાજીનામું આપી દેશે.


14:32 કર્ણાટક વિધાનસભાની આસપાસ પોલીસે પરિસ્થિતિને જોતા સીઆરપીસીની કલમ 144 લાગુ દીધી છે. જેથી વિધાસભાની આસપાસ એક કિલોમીટરના વિસ્તારમાં પાંચ કે તેથી વધારે લોકો એકઠા થવા પર પ્રતિબંધ લાગી ગયો છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે દરેક ધારાસભ્ય માટે પણ સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

Image copyright Getty Images

14:07 કોંગ્રેસના બે ગાયબ ધારાસભ્યો આનંદસિંહ અને પ્રતાપ ગૌડા બેંગલુરુની ગોલ્ડ ફિંચ હોટલથી નીકળવાના અહેવાલ.


13:42 અમારા બે ધારાસભ્યો ના આવે તો પણ શક્તિ પરીક્ષણમાં યેદિયુરપ્પાને હારનો સામનો કરવો પડશે અને તેમને રાજીનામું આપવા સિવાય કોઈ વિકલ્પ નહીં હોય- જેડીએસ મહાસચિવ, દાનિશ અલી.


13:28 કર્ણાટકની વિધાનસભામાં ધારાસભ્યોને શપથ લેવડાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ.


13:23 કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે કોંગ્રેસે યેદિયુરપ્પાના નામ પર ફેક ઑડિયો જારી કર્યો છે.


13:21 કોંગ્રેસે પોતાના ઑફિશિયલ ટ્વિટર હૅન્ડલ પર એક ઑડિયો ટ્વીટ કર્યો છે. કોંગ્રેસનો દાવો છે કે આ ઑડિયોમાં યેદિયુરપ્પાનો અવાજ છે અને તેમના ધારાસભ્યોને ખરીદવાની કોશિશ થઈ રહી છે.


13:10 કોંગ્રેસ ધારાસભ્ય બીસી પાટીલે આરોપ લગાવ્યો કે ધારસભ્યોની પત્નીઓને ફોન કરવામાં આવતો રહ્યો જેથી તેઓ યેદિયુરપ્પાને સમર્થન કરે.


13:08 કોંગ્રેસ ધારાસભ્ય બીસી પાટીલે આરોપ લગાવ્યો કે ભાજપે તેમને મંત્રી પદ અને 15 કરોડ રૂપિયાની લાલાચ આપી.


13:00 પ્રો-ટેમ સ્પીકર કેજી બોપૈયાની ભૂમિકા શંકાસ્પદ રહી છે અને તેમની પર સુપ્રીમ કોર્ટે પણ વર્ષ 2011માં ટિપ્પણી કરી હતી. એટલા માટે અમારી શંકા ખોટી ન હતી. કુમારસ્વામી કર્ણાટકના આગલા મુખ્યમંત્રી બનશે.- વીરપ્પા મોઈલી


12:52 ભાજપનો અસલી ચહેરો દુનિયા સમક્ષ જાહેર થઈ ગયો છે. ભાજપને ખબર છે કે તેમની પાસે માત્ર 104 ધારાસભ્યો છે. તેઓ હજુ સુધી ધારાસભ્યોને ખરીદવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ અમારા બધા જ ધારાસભ્યો પાર્ટી સાથે છે. અમારા બે ધારાસભ્યો અમારી સાથે નથી પરંતુ તેઓ અમને જ સમર્થન કરશે- કોંગ્રેસ નેતા વીરપ્પા મોઈલી


12:46 જેડીએસ મહાસચિવ દાનિશ અલીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય તેમની વિરુદ્ધ નથી. પ્રો-ટેમ સ્પીકર શક્તિ પરીક્ષણ કરાવવાના છે, પરંતુ બધુ જ કોર્ટની નજર હેઠળ થશે અને બોપૈયા હવે કોઈ ભૂલ નહીં કરે.


12:26 સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિધાનસભામાં નિયમ હિસાબે શક્તિ પરીક્ષણ થશે. જાહીરના નિયમ અનુસાર મત વિભાજન થશે- કપિલ સિબ્બલ


12:23 જ્યારે સુપ્રીમ કોર્ટે લાઇવ પ્રસારણની વાત કરી દીધી છે, ત્યારે પ્રો-ટેમ સ્પીકરને હટાવવાની વાત પૂરી થઈ ગઈ હતી- કપિલ સિબ્બલ


12:21 શક્તિ પરીક્ષણના લાઇવ પ્રસારણની વાત આવી તો અમે તૈયાર થઈ ગયા હતા. માંગ હતી પારદર્શકતાની અને કોર્ટે તેને ગંભીરતાથી લીધી- કપિલ સિબ્બલ


12:19 સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો તમારે બીજા સ્પીકર જોઇતા હોય, તો વર્તમાન સ્પીકરને નોટિસ આપવી પડશે અને આજે જે શક્તિ પરિક્ષણ થવાનું છે તે થશે નહીં. પરંતુ અમે ઇચ્છતા હતા કે આજનું શક્તિ પરીક્ષણ રદ ના થાય. એટલા માટે અમે પારદર્શિતાની વાત રાખી- કપિલ સિબ્બલ


12:10 જેડીએસના મહાસચિવ દાનિલ અલીનું કહેવું છે કે સદનમાં મતવિભાજનની માંગ કરશે.


12:09 કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં મત વિભાજનની માંગ કરી ન હતી. વિધાનસભામાં ધ્વનિમતથી થઈ શકે છે શક્તિ પરીક્ષણ.


12:03 પ્રો-ટેમ સ્પીકર પર સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયને કોંગ્રેસ અને ભાજપ બંને પોતાની જીત ગણાવી રહી છે.


11:59 ટીવી રિપોર્ટ્સ અનુસાર કોંગ્રેસ ધારાસભ્ય આનંદ સિંહ હજુ સુધી વિધાનસભા નથી પહોંચ્યા.


11:50 પ્રો-ટેમ સ્પીકર કેજી બોપૈયા ધારાસભ્યોને શપથ અપાવી રહ્યા છે.


11:49 કોંગ્રેસના એક અને જેડીએસના બે ધારાસભ્યો વિધાનસભામાં પહોંચ્યા નથી.


11:30 ભાજપના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે કોંગ્રેસની બધી માંગોને સુપ્રીમ કોર્ટે રદ કરી દીધી છે. કોંગ્રેસની માંગ હતી કે આરવી દેશપાંડેને પ્રો-ટેમ સ્પીકર બનાવવામાં આવે. તેમણે કહ્યું કે વિધાનસભામાં મતવિભાજનની વાત પણ માનવામાં આવી નથી.


11:26 કોંગ્રેસની દલીલો પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રો-ટેમ સ્પીકરને કોઈ નોટિસ આપવામાં આવે તો શનિવારે શક્તિ પરીક્ષણ નહીં થઈ શકે. કોંગ્રેસ શક્તિ પરીક્ષણમાં વાર લાગવાને લઈને તૈયાર ન થઈ.


11:23 કર્ણાટક વિધાનસભામાં શક્તિ પરીક્ષણમાં કોંગ્રેસ અને જેડીએસની જીત નક્કી છે અને ભાજપની હાર થશે- અભિષેક મનુ સિંધવી


11:21 કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં શક્તિ પરીક્ષણનું લાઇવ ટેલિકાસ્ટ કરવા માટે કહ્યું છે.


11:10 યેદિયુરપ્પાએ વિધાનસભામાં શપથ લીધા.


11:09 કપિલ સિબ્બલનું કહેવું છે કે પ્રો-ટેમ સ્પીકરનો ઇતિહાસ કલંકિત રહ્યો છે.


11:07 કર્ણાટક વિધાનસભામાં શક્તિ પરીક્ષણનું લાઇવ ટેલિકાસ્ટ થઈ શકે છે.


11:06 કર્ણાટક વિધાનસભાની કાર્યવાહી શરૂ થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ