કર્ણાટક: એવું તે શું બન્યું કે અંતે યેદિયુરપ્પાએ રાજીનામું આપવું પડ્યું!

યેદિયુરપ્પા Image copyright Getty Images

કર્ણાટક વિધાનસભામાં ભાજપ બહુમત સાબિત કરી શકશે કે નહીં તે અંગેની અટકળોનો શનિવારે ચાર વાગ્યે ત્યારે અંત આવી ગયો જ્યારે યેદિયુરપ્પાએ વિધાનસભામાં જાહેર કર્યું કે તેઓ રાજીનામું આપશે.

તેમણે વિધાનસભામાં ભાષણ આપતાં કહ્યું કે રાજ્યના લોકોએ ભાજપને જનાદેશ આપ્યો હતો પરંતુ કોંગ્રેસ અને જેડીએસે મોકો જોઈને સંગઠન બનાવી લીધું અને લોકોના જનાદેશની પરવા ના કરી.

યેદિયુરપ્પાએ કહ્યું, "હું રાજ્યના લોકોની સેવા કરવા માગુ છું, ભલે હું વિપક્ષમાં હોઈશ કે સત્તામાં હોઈશ. હું રાજ્યના દરેક વિસ્તારમાં જઈશ અને લોકોને કહીશ કે અહીં શું સ્થિતિ હતી."

"હું ખેડૂતો અને દલિતો માટે કામ કરીશ. રાજ્યના લોકો માટે કામ કરીશ. ફરીથી હું 150 બેઠકો જીતીને પરત આવીશ."


રાજીનામું શા માટે આપવું પડ્યું?

Image copyright Getty Images

ભાજપને રાજ્યપાલે 15 દિવસમાં વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે કહ્યું હતું. જોકે, ભાજપ પાસે માત્ર 104 બેઠકો હતી. જેથી બહુમત માટે 8 બેઠકો ઘટતી હતી.

15 દિવસનો સમય આપવાના રાજ્યપાલના નિર્ણય સામે કોંગ્રેસ અને જેડીએસ સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. સુપ્રીમ કોર્ટે 19 મે શનિવારે 4 વાગ્યા સુધીમાં જ યેદિયુરપ્પાને બહુમત સાબિત કરવા માટે આદેશ કર્યો.

વરિષ્ઠ પત્રકાર અજય નાયકે બીબીસી સાથે વાત કરતાં આ મામલે જણાવ્યું કે ભાજપ લિંગાયતનું કાર્ડ રમીને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને પોતાના પક્ષમાં કરવા માગતો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટના 48 કલાકમાં બહુમત સાબિત કરવાના નિર્ણય બાદ ભાજપને આ સમય ન મળ્યો.

તમે આ વાંચ્યું કે નહીં?

અજય નાયકે કહ્યું, "સમય ન મળવાને કારણે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની નીતિને અનુસરીને યેદિયુરપ્પાએ રાજીનામું આપી દીધું."

તેમણે કહ્યું, "બીજું કારણ એ પણ હોઈ શકે કે છેલ્લી ઘણી ચૂંટણીઓમાં ઓછી બેઠકો હોવા છતાં ભાજપ સરકાર બનાવતો આવ્યો છે. આ વખતે પણ તેમને લાગ્યું હશે કે છેલ્લી ઘડીએ બહુમત મેળવી લઈશું, પણ આ વ્યૂહરચના પણ ખોટી પડી."

રાજકીય વિશ્લેષ્ક અને વરિષ્ઠ પત્રકાર અજય ઉમટે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "ભાજપે સરકાર રચવા દાવો કર્યો, પરંતુ તેમની પાસે સાદી બહુમતી પણ ન હતી અને અપક્ષો માત્ર બે જ હતા. જો ચૂંટાયેલા ધારાસભ્યોને તોડવા પડે, તો 14 ધારાસભ્યોને રાજીનામાં અપાવી તેમને ગેરહાજર રખાવવા કે ગેરલાયક ઠરાવવા તે શક્ય ન હતું. તેથી યેદિયુરપ્પાએ રાજીનામાનો માર્ગ પસંદ કર્યો."


સુપ્રીમ કોર્ટનો આદેશ ભાજપને નડ્યો?

Image copyright Getty Images

અજય ઉમટે સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે વાત કરતાં કહ્યું, "યેદિયુરપ્પાને જ્યારે સરકાર રચવા માટે આમંત્રણ અપાયું ત્યારે કોંગ્રેસે રાજ્યપાલના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. કોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે જો કોઈ પણ ધારાસભ્ય પક્ષના મેન્ડેટને તોડશે તો તેમને પક્ષાંતર ધારો લાગુ પડશે."

"ભાજપની મુખ્ય સ્ટ્રેટેજી એ હતી કે ચુંટાયેલો ધારસભ્ય જ્યાં સુધી શપથ ગ્રહણ ના કરે ત્યાં સુધી તેને પક્ષાંતર ધારો લાગુ પડતો નથી. પરંતુ સુપ્રીમ કોર્ટે આ બાબતને વખોડતા કહ્યું કે જો કોઈપણ ધારાસભ્ય ચૂંટાયા બાદ પક્ષના મેન્ડેટનું પાલન નહીં કરે તો તેને પક્ષાંતર ધારો લાગુ પડશે. જેથી કોઈ ધારાસભ્યો તૂટી શક્યા નહીં"

તેમણે કહ્યું, "ઉપરાંત સુપ્રીમ કોર્ટે વિધાનસભાની કાર્યવાહીને લાઇવ બતાવવાની સૂચના આપી હતી. જેથી એ સ્પષ્ટ થઈ ગયું હતું કે ભારતીય જનતા પાર્ટી માટે હવે તોડફોડ કરવાનું અશક્ય થઈ ગયું હતું. જો આ લાઇવ ના થયું હોત તો ગરબડ થવાની શક્યતા હતી."

સુપ્રીમના આ કડક વલણ બાદ ભાજપ નીતિમત્તા જાળવવા માટે તોડફોડ કરી શકે એવું શક્ય નહોતું. અંતે યેદિયુરપ્પા પાસે રાજીનામા સિવાય કોઈ વિકલ્પ રહેતો ન હતો.


હવે શું થશે?

Image copyright Getty Images

યેદિયુરપ્પાના રાજીનામા બાદ હવે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ કોંગ્રેસ અને જેડીએસના સંગઠનને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું છે.

હવે જેડીએસના કુમારસ્વામી બુધવારે મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે અને ત્યારબાદ વિધાનસભા સત્ર બોલાવી તેમાં બહુમત સાબિત કરશે.

કોંગ્રેસ અને જેડીએસ બહુમત સાબિત કરી શકે તો કર્ણાટકમાં તેમની સરકારમાં બનશે.

એક શક્યતા એવી પણ છે કે આ બંને પક્ષોનું સંગઠન પણ બહુમત સાબિત કરવામાં નિષ્ફળ જાય તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની નોબત આવી શકે છે.

આ મામલે અજય નાયકે કહ્યું, "કર્ણાટકમાં બે બેઠકોની ચૂંટણી હજી બાકી છે. કુમારસ્વામી બે બેઠકો પરથી લડ્યા હતા એટલે એક બેઠક પરથી રાજીનામું આપવું પડશે. એટલે કુલ ત્રણ બેઠકોની ચૂંટણી થશે."

"ધારો કે, ભાજપ તેમાં જીતી ગયું, તો તેમનો આંકડો 107 થશે. એટલે ભાજપ સતત એવા પ્રયત્નો કરતું રહેશે કે તેમને ઇચ્છનીય આંકડો મળે. એટલે એવું કહી શકાય કે કર્ણાટકમાં અસ્થિર સરકારનું નિર્માણ થશે. એવું પણ શક્ય છે કે રાજ્યમાં ગમે ત્યારે ફરીથી ચૂંટણી આવે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ