કોંગ્રેસે અમિત શાહને તેમના હથિયારથી કેવી રીતે હરાવ્યા?

અમિત શાહ Image copyright Getty Images
ફોટો લાઈન અમિત શાહ રાજનીતિના 'ચાણક્ય' કહેવાતા હતા

"તમે શું કરવાનું વિચારી રહ્યાં છો એ વાત છતી ન થવા દો, તેને બુદ્ધિપૂર્વક રહસ્ય બનાવી રાખો અને નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચવા માટે આગળ વધો."

ચાણક્યએ કંઈક કરી બતાવવા માટે આ સુવાક્ય આપ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષથી નાની-નાની રાજકીય જીત મેળવ્યા બાદ કોંગ્રેસને આ મંત્ર અપનાવવાની જરૂરિયાત હતી અને કર્ણાટકની ચૂંટણીમાં તેમણે એવું જ કર્યું.

હવે પરિણામ સામે છે. બી. એસ. યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા, પરંતુ તાજ ના પહેરી શક્યા.

બીજી તરફ, બેઠકોની બાબતમાં તેમની પાછળ રહેનાર કોંગ્રેસે બાજી મારી બતાવી.

આ બાજી જીતવા માટે તેમણે મુખ્યમંત્રીની ખુરશીની જતી કરવી પડી, પરંતુ એક મોટા રાજ્યમાં ભાજપને રોકવામાં સફળતા તો મળી.

અમિત શાહને ભાજપ અધ્યક્ષની સાથેસાથે રાજકારણના 'ચાણક્ય' પણ કહેવાતા હતા, પરંતુ કોંગ્રેસે આ વખતે તેમને પણ પાછળ પાડી દીધા.


કોંગ્રેસે પાઠ શીખ્યો

Image copyright Getty Images
ફોટો લાઈન કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનથી કર્ણાટકમાં સરકાર બની શકે છે

કોંગ્રેસ પક્ષ રાજનીતિમાં અતિ સક્રિયતા બતાવવામાં પરિપૂર્ણ રહ્યો છે એવું નથી, પરંતુ છેલ્લાં થોડાંક સમયથી એવી અટકળો હતી કે તેઓ ખૂબ જ ધીમે ચાલી રહ્યાં છે.

જોકે, ગોવા અને મણિપુરની ચૂંટણીથી શીખ મેળવી ચૂકેલા કોંગ્રેસે આ વખતે ચાલાકી બતાવી.

બંને રાજ્યે વિધાનસભા ચૂંટણીમાં કોઈ એક પક્ષને બહુમતી આપી ન હતી, પરંતુ કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યો. આમ છતાં ભાજપે ત્યાં સરકાર બનાવી લીધી.

તમે આ વાંચ્યું કે નહીં?

પરિણામ સમયે દિલ્હીમાં કોંગ્રેસી નેતાઓ નંબરો પર નજર રાખીને બેઠાં હતા ત્યારે ભાજપે પોતાના 'યોદ્ધા'ઓને મોકલી બીજા પક્ષો સાથે વાતચીત કરી, સમજૂતી થઈ અને રાજ્યપાલ સાથે મુલાકાત કરી સરકાર બનાવવાનો દાવો કર્યો.

કોંગ્રેસના નેતાઓ પહોંચે એ પહેલાં તો મોડું થઈ ગયું હતું. લોકતંત્રની હત્યા થઈ એવી વાતો પણ કરવામાં આવી. સૌથી મોટા પક્ષને તક ન આપવાની વાત પણ થઈ.

આ વખતે કર્ણાટકમાં ઊલટું થયું. ઍક્ઝિટ પોલથી ખ્યાલ આવી ગયો કે કોઈપણ પક્ષને બહુમતી મળવાની નથી અને એ માટે કોંગ્રેસે પરિણામની રાહ ન જોઈ.


રાજકીય તક ઝડપી

Image copyright Getty Images
ફોટો લાઈન કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 78 બેઠકો જ મળી

બેઠકોનું મીટર જ્યારે ભાજપ 104, કોંગ્રેસ 78, જનતા દળ સેક્યુલર 37 અને અન્ય 3 પર અટક્યું, તો કોંગ્રેસે તક ઝડપી લીધી.

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક નીરજા ચૌધરીએ બીબીસીને કહ્યું, "કોંગ્રેસે આ વખતે વરિષ્ઠ નેતાઓને કામ પર લગાવ્યા હતા અને આ કામ ગુલામ નબી આઝાદ અને અશોક ગેહલોતને સોંપવામાં આવ્યું.

"ભાજપે જેવું મણિપુર અને ગોવામાં કર્યું એવું અહીં કોંગ્રેસે ન કરવા દીધું. એવું પણ કહી શકાય કે કોંગ્રેસે આ વખતે ભાજપને થાપ આપી."

તેમણે કહ્યું, "પરિણામ મંગળવારે આવવાનું હતું અને કોંગ્રેસે રવિવારના રોજ નક્કી કરી લીધું હતું કે જો તેમને 90થી ઓછી બેઠકો મળે, તો તેઓ જનતા દળ સેક્યુલરને સમર્થન આપશે."

કોંગ્રેસે 24 કલાકમાં દેવગૌડા-કુમારસ્વામી સાથે કેવી રીતે મળવું, શું વ્યૂહરચના બનાવવી અને શું પગલાં લેવા એ નક્કી કરી લીધું હતું.


મુખ્યમંત્રી પદનું હથિયાર

Image copyright Getty Images
ફોટો લાઈન ગૃહમાં ભાજપની સરકાર પડી ભાંગતા જેડીએસ અને કોંગ્રેસમાં નવી આશા જાગી છે

નીરજાએ કહ્યું, "પરિણામ આવ્યાની થોડી જ ક્ષણોમાં ગઠબંધનની જાહેરાત કરી દેવામાં આવી.

"કોંગ્રેસનો મોટો દાવ હતો કે મુખ્યમંત્રી પદ છોડવાની ઑફર આપવી. આ એક એવી ઑફર હતી કે જેની સામે ભાજપ ટકી ના શક્યો."

ભાજપ યેદિયુરપ્પાને હટાવીને કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવવાનો પ્રયત્ન કરે, તો તેને ખૂબ જ નુકસાન થાય.

જાણકારોનું કહેવું છે કે કોંગ્રેસે આ વખતે જૂની કોંગ્રેસ જેવો કમાલ કરી બતાવ્યો.

વરિષ્ઠ પત્રકાર ઉર્મિલેશનું કહેવું છે કે રાહુલ ગાંધીએ આ વખતે રાજકીય ચતુરાઈ બતાવી છે.


કોંગ્રેસ આ વખતે સારી રીતે લડી

Image copyright Getty Images
ફોટો લાઈન તજજ્ઞો કોંગ્રેસની સક્રિયતાનો શ્રેય રાહુલ ગાંધીને આપી રહ્યાં છે

તેમણે કહ્યું, "રાહુલમાં ગંભીરતા દેખાઈ છે. હવે તેઓ પહેલાં જેવા નથી રહ્યાં. કર્ણાટક ચૂંટણી પ્રચારમાં તેમણે જેવી સક્રિયતા બતાવી હતી તે પરિણામ બાદ પણ જોવા મળી.

"કોંગ્રેસની કમાન હવે સંપૂર્ણ રીતે રાહુલના હાથોમાં છે અને સોનિયા તેમને મદદ કરી રહ્યાં છે.

"જે નેતાઓ સોનિયા સાથે ઊભા રહેતા, તેઓ રાહુલ સાથે ઊભા છે. ગુલામ નબી આઝાબ, અશોક ગેહલોત જેવા વરિષ્ઠ નેતાઓને તાત્કાલિક કામ પર લગાવી દેવામાં આવ્યા હતા."

સામાન્ય રીતે માનવામાં આવે છે કે જ્યારે રાજનીતિક દળ અદાલતના આંગણે પહોંચે, ત્યારે સમજી લેવું કે રાજનૈતિક દળે પોતાના મેદાનમાં હાર માની લીધી છે.

કોંગ્રેસે આ વખતે બે મોરચે લડાઈ લડી. રાજ્યપાલે જ્યારે યેદિયુરપ્પાને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું અને મુખ્યમંત્રી પદના શપથ માટે બોલાવ્યા તો કોંગ્રેસ ધરણા પર બેસી ગઈ.

બીજી તરફ, મોડી રાત્રે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો. જેથી યેદિયુરપ્પાને બહુમતી સાબિત કરવા માટે આપેલા 15 દિવસના સમયગાળાને ઘટાડી શકાય.

ત્યારબાદ યેદિયુરપ્પાએ શપથ લીધા હોવા છતાં રમત પલટી નાખી.

સુપ્રીમ કોર્ટે શુક્રવારના રોજ કોંગ્રેસની દલીલ પર મહોર લગાવી અને બહુમત સાબિત કરવા માટે માત્ર 28 કલાકનો સમય આપ્યો.


ધારાસભ્યો બચાવી રાખ્યા

Image copyright Getty Images
ફોટો લાઈન યેદિયુરપ્પાએ 28 કલાકમાં બહુમતી સાબિત કરવાની હતી

ભાજપના ધારાસભ્યને પ્રો-ટેમ સ્પીકર નિયુક્ત કરવામાં આવ્યા તો કોંગ્રેસ ફરી એકવાર કોર્ટ પાસે પહોંચી.

આ મામલે તેમને સફળતા ન મળી, પરંતુ આક્રમકતા બની રહી જેનો ફાયદો પણ થયો.

કોર્ટ તરફથી મળેલી રાહત બાદ કોંગ્રેસ સામે બીજો પડકાર હતો તેમના ધારાસભ્યોને બીજી તરફ જતા બચાવી રાખવા અને તેઓ તેમાં પણ સફળ પણ રહ્યાં.

જનતા દળના 37 ધારાસભ્યોને મુખ્યમંત્રી મળી રહ્યાં છે એટલા માટે બીજી તરફ જવાની શક્યતા ઓછી હતી.

મીડિયામાં એવા અહેવાલ વહેતા થયા હતા કે કોંગ્રેસના થોડા ધારાસભ્યો ભાજપ તરફ જઈ શકે છે, પરંતુ કોંગ્રેસે આવું ના થવા દીધું.

ફ્લોર ટેસ્ટ દરમિયાન સ્પષ્ટ થઈ ગયું કે ભાજપ પાસે બહુમતી નથી અને યેદિયુરપ્પાએ રાજીનામું આપી દીધું.


ભાજપ માટે ઝટકો

Image copyright Getty Images
ફોટો લાઈન અમિત શાહના પ્રયત્નથી યેદિયુરપ્પાની ભાજપમાં 'ઘરવાપસી' કરવામાં આવી હતી

કર્ણાટકમાં ઓછી બેઠકો હોવા છતાં ભાજપને જીતની ખુરશી સુધી કોંગ્રેસે ના પહોંચવા દીધો એ અમિત શાહ માટે ઝટકો છે.

નીરજાએ કહ્યું, "ઝટકો તો છે, પરંતુ તક પણ છે.

"ભાજપ રાહ જોશે કે કોંગ્રેસ અને જેડી(એસ)ના ગઠબંધનમાં વિરોધાભાસ આવે અને ભૂલ કરે. ભાજપ તેમની ભૂલોની રાહ જોશે અને તક શોધશે.

"ભાજપ ઇચ્છશે કે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી, 2019ની લોકસભા ચૂંટણી સાથે થાય. યેદિયુરપ્પાએ તેમના વિદાય ભાષણમાં ઉલ્લેખ પણ કર્યો હતો કે તેઓ લોકસભાની 28માંથી 28 બેઠકો જીતશે."

સવાલ એ છે કે કોંગ્રેસની આ જીત આગળ પણ ચાલુ રહેશે?

તેમણે કહ્યું, "બંને પક્ષો સ્વાભાવિક ભાગીદાર છે પણ અને નથી પણ. કોંગ્રેસ અને જેડી(એસ) એકબીજા પર હુમલો કરતા આવ્યા છે, પણ ભાજપને રોકવા માટે તેઓ એક થયા છે."

વિશ્લેષકોના મતાનુસાર, વારંવાર એવા સંકેતો પણ મળ્યાં છે કે સૌથી મોટા પક્ષને સરકાર બનાવવા માટે પહેલાં તક આપવામાં આવે છે.

આજની વાત કરવામાં આવે તો ભાજપ 2019માં મોટો પક્ષ બનીને આવી શકે છે. એવામાં જો ચૂંટણી પહેલાં ગઠબંધન ના થાય તો વિરોધી પક્ષો માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.

વર્ષ 2019 પહેલાં વર્ષ 2018ની જીત કોંગ્રેસના ખાતામાં ગઈ.

રાજનીતિમાં સામ, દામ, દંડ, ભેદની નીતિ ચાલે છે. ત્યારે કોંગ્રેસે મોડેમોડેથી પણ તેના વિરોધી ભાજપ પાસેથી આ ગુણ શીખવાનું શરૂ કરી દીધું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ