હરિયાણાનું એ ગામ જ્યાં ત્રિરંગો ફરકાવવામાં આવતો નથી

યુદ્ધની તસવીર Image copyright HULTON ARCHIVE/GETTY IMAGES

15મી ઑગસ્ટ. દેશનો સ્વતંત્રતા દિવસ. આ દિવસે દેશભરના નાના-મોટા શહેરો અને ગામડાંઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો, પરંતુ હરિયાણાના એક ગામમાં ત્રિરંગો નથી ફરકાવાતો. તેનું કારણ આઝાદી પૂર્વેની એક ઘટના છે.

તે 29 મે 1857ની તારીખ હતી. હરિયાણાના રોહનાત ગામમાં બ્રિટીશ સેનાએ બદલો લેવાના ઇરાદાથી એક બર્બર નરસંહારને અંજામ આપ્યો હતો.

લોકો ગામ છોડીને ભાગવા લાગ્યા અને દાયકાઓ સુધી કોઈ વસતી વસી નથી.

અહીં 1857ના વિપ્લવ, જેને સ્વતંત્રતાની પહેલી લડાઈ પણ કહેવામાં આવે છે, દરમિયાન બ્રિટિશ અધિકારીઓએ નરસંહારની જવાબી કાર્યવાહી કરી હતી.

રોહનાત ગામ, હરિયાણાના હિસાર જિલ્લાના હાંસી શહેરથી થોડા અંતરે દક્ષિણ- પશ્ચિમમાં સ્થિત છે.

ગ્રામજનોએ આગચંપીના ડરથી ભાગેલા બ્રિટિશ અધિકારીઓનો પીછો કરી તેમની હત્યા કરી નાખી હતી અને હિસાર જેલ તોડી કેદીઓને છોડાવ્યા હતા.


શું છે સમગ્ર મામલો?

Image copyright SAT SINGH/BBC

ગ્રામજનો સામે બદલો લેવા માટે બ્રિટિશ સેનાની એક ટૂકડીએ રોહનાત ગામમાં વિનાશ સર્જ્યો હતો.

બાગી હોવાની શંકા સાથે તેમણે નિર્દોષ લોકોને પકડ્યા, પીવાનું પાણી લેવાથી રોકવા માટે એક કૂવા માટીથી ભરી દીધો અને લોકોને ફાંસીના માંચડે ચઢાવી દીધા.

દોઢ સો વર્ષ વીતી ગયા બાદ આજે પણ ગામ એ આઘાતમાં જ છે. ગામના વૃદ્ધો કૂવાને જોઈને એ ભયાનક કહાણીને યાદ કરે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ગામના ઘરોને તબાહ કરવા માટે આઠ તોપોથી ગોળા વરસાવવામાં આવ્યા, જેના ડરથી મહિલાઓ અને બાળકો વડીલોને છોડીને ગામથી ભાગી ગયાં.

અંધાધૂંધ તોપમારાને કારણે 100 લોકોનાં મૃત્યુ થયાં. પકડાઈ ગયેલા કેટલાક લોકોને ગામની સરહદ પર જૂના વડના ઝાડ પર લટકાવી ફાંસી આપી દેવામાં આવી.

જે કોઈ વ્યક્તિએ બ્રિટિશ અધિકારીઓને મારવાની વાતની કબૂલાત કરી, તેમને તોપથી બાંધીને ઉડાવી દેવાયા. આ ઘટનાના મહિનાઓ બાદ સુધી અહીં એક વ્યક્તિ પણ ન દેખાઈ.


હજુ પણ આઘાતમાં છે ગામ

Image copyright SAT SINGH/BBC

આખા ગામની જમીનની હરાજી કરી દેવાઈ. અંગ્રેજોના કેરનો અહીં અંત આવ્યો નહીં.

પકડાઈ ગયેલા કેટલાક લોકોને હિસાર લઈ જઈને ખુલ્લેઆમ બર્બર રીતે એક મોટા રોડ રોલરની નીચે કચડી દેવામાં આવ્યા.

જે રસ્તા પર આ ક્રૂરતાને અંજામ આપવામાં આવ્યો હતો, તેને પછી 'લાલ સડક' નામ આપવામાં આવ્યું.

બ્રિટિશરાજથી સ્વતંત્રતા મેળવવા માટે રોહનાત ગામમાંથી ભાગ લેવા વાળા પ્રમુખ સ્વામી બૃહદ દાસ વૈરાગી, રુપા ખત્રી અને નૌન્દા જાટ હતા.

આશ્ચર્યની વાત એ છે કે, ગામના લોકોની માગને માનવા પ્રદેશની સરકારો માટે સાત દાયકાનો સમય પણ ઓછો સાબિત થયો છે.

ગ્રામજનો ખેતી માટે જમીન અને આર્થિક વળતરની માગ કરી રહ્યા છે. વર્ષો પહેલા જે થોડી ઘણી આર્થિક વળતરની જાહેરાત કરવામાં આવી હતી, તે હજુ સુધી મળ્યું નથી.


આજે કેવું છે રોહનાત?

Image copyright SAT SINGH/BBC

રોહનાતના પૂર્વ સરપંચ 82 વર્ષીય ચૌધરી અમી સિંહ બોરાએ 1857ની કહાણીઓ પોતાના દાદા પાસેથી સાંભળી હતી. એ ઘટનાને યાદ કરતા તેઓ ભાવૂક થઈ જાય છે.

તેમણે કહ્યું, "હાંસી અને તેની આસપાસ બધું જ શાંત થયા બાદ પણ બ્રિટિશર્સ દ્વારા વેર લેવાની કાર્યવાહી ચાલતી રહી."

"રોહનાતની બધી જ ખેતીલાયક જમીનની હરાજી કરી દેવાઈ, જેથી કરીને પછી તેના પૈતૃક હકદારોનો તેમનો હક ન મળી શકે."

અમી સિંહ કહે છે, "મહેસૂલ વિભાગના રેકોર્ડ મુજબ, 20,656 વીઘા જમીન જપ્ત કરવામાં આવી હતી, જેમાં ઉમરા, સુલ્તાનપુર, દંધેરી અને મજાદપુરમાં રહેતા 61 લોકોએ 8,100 રૂપિયામાં ખરીદી હતી. જે આજની કિંમતના હિસાબે ખૂબ ઓછી છે."

અમી સિંહ અફસોસ વ્યક્ત કરતા જણાવે છે, "જ્યારે અમારા પૂર્વજ પરત અહીં આવ્યા તો તેમની સાથે ભાગેડું જેવું વર્તન કરવામાં આવ્યું અને તેમની પાસે ખેતીમાં મજૂરી કરાવવામાં આવી, એ પણ એ જ જમીન પર કે જે એક સમયે તેમની પોતાની હતી."


અત્યાચારનું સાક્ષી વૃક્ષ

Image copyright SAT SINGH/BBC

ઇતિહાસકાર રણવીર સિંહ ફોગાટ કહે છે કે ઘણા વર્ષો પહેલા તેમણે રોહનાતની નજીક આવેલા ગામડાંનો પ્રવાસો કર્યો હતો અને હાંસીના વૃદ્ધો સાથે વાતચીત કરી 1857ની ખૌફનાક કહાણીઓ એકત્ર કરી.

તેમના હિસાબે યોગ્ય વળતર દેવાના સિદ્ધાંતની અવગણના કરવામાં આવી.

તેઓ કહે છે કે આ મુદ્દાનો ઉકેલ હવે માત્ર હરિયાણા વિધાનસભામાં બિલ પાસ કરીને જ આવી શકે છે.

અમી સિંહ બ્રિટિશ સેના દ્વારા મૃત્યુ પામેલા લોકોની છઠ્ઠી પેઢી સાથે સંબંધ ધરાવે છે.

તેઓ પોતાના પરદાદા દયા રામની કહાણી કહે છે, જેમને 29 મે 1857ના દિવસે મોતની સજા આપવામાં આવી હતી.

તેઓ કહે છે, "આજે આ વૃક્ષને અત્યાચાર અને હત્યાઓનું સાક્ષી માનવા સિવાય ખૂબ જ પવિત્ર પણ માનવામાં આવે છે."

65 વર્ષીય સતબીર સિંહ પાસે હવે 11 એકર ખેતીની જમીન છે.

સબીરસિંહે કહ્યું કે તેમના વડીલોએ મહેનત કરી ગામની 65 ટકા જમીનો પરત ખરીદી લીધી છે, જેના માટે તેમણે ભારે કિંમત ચૂકવી છે.


સ્વતંત્રતા બાદ પણ લડાઈ ચાલુ

Image copyright SAT SINGH/BBC

ગામના સરપંચ રવિન્દ્ર કુમાર બોરા કહે છે કે આ ગામ હરિયાણાના અન્ય ગામોની જેમ જ છે જેના માટે વિકાસ નિધિ મેળવવી મુશ્કેલ હતી.

તેમણે ગામની જમીન વારસદારોને અપાવવા માટે લાંબી લડાઈ લડી પણ સફળતા ન મળી.

જોકે, તેમણે એમ પણ કહ્યું, "અમે હજુ પણ અમારા બુઝુર્ગોની એ લડાઈની ઓળખ માટે સંઘર્ષ કરી રહ્યા છીએ."

આ મામલો પહેલા પંજાબ અને પછી હરિયાણા સરકાર સમક્ષ ઉઠાવવામાં આવ્યો.

હરિયાણા સરકાર માટે આ નીતિગત નિર્ણય હતો, કેમ કે હાલના માલિકો પાસેથી જમીન પરત લેવાની હતી.

1947માં ભારત દેશ સ્વતંત્રતાની ઊજવણી કરી રહ્યો હતો, પરંતુ આ ગામની પાસે ખુશ થવાનું કોઈ કારણ ન હતું.


1857ની 100મી વર્ષગાંઠ

Image copyright SAT SINGH/BBC

ચૌધરી ભાલે રામ કે જેઓ સેનામાં કામ કરી ચૂક્યા છે. તેમણે નરવાનાની કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો છે.

તેમણે માગ કરી છે કે સરકાર અહીંના વૃદ્ધોને સ્વતંત્રા સેનાનીઓની સરખામણીએ પેન્શન આપે.

સતબીર સિંહે જણાવ્યું કે, જ્યારે 1957માં પ્રતાપ સિંહ કૈરો મુખ્યમંત્રી હતા, ત્યારે 1857ની 100મી વર્ષગાંઠ મનાવવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો.

એ સમયે એ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો હતો કે, રોહનાતની જમીનના બદલે હિસારના જંગલોની જમીન આપી દેવામાં આવશે.

રોહનાત શહીદ કમિટીએ 15 નવેમ્બર 1971ના રોજ ઇંદિરા ગાંધી સાથે મુલાકાત પણ કરી હતી. તેમણે આ મુદ્દાના ઉકેલ અંગે આશ્વાસન આપ્યું, પરંતુ ભારત- પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થતાં મામલો કોરાણે મૂકાઈ ગયો હતો.

સતબીરે જણાવ્યું કે, આ મામલો હરિયાણાની જૂની સરકારો પાસે પણ પહોંચ્યો હતો, પરંતુ હજુ સુધી આશાની કોઈ કિરણ પણ દેખાઈ રહી નથી.

પૂર્વ મુખ્યમંત્રી બંસી લાલ પોતે ભિવાનીના હતા, તેઓ પણ આ મામલાનો ઉકેલ લાવી શક્યા નથી.


નથી ફરકાવવામાં આવતો ત્રિરંગો

Image copyright Getty Images

5000ની વસતી ધરાવતા રોહનાતના ગ્રામવાસીઓમાં ગુસ્સો છે અને તેઓ ત્રિરંગો ફરકાવતા નથી.

તેમનું દુઃખ છે કે સરકાર તરફથી તેમના પૂર્વજોને માન આપવામાં આવી રહ્યું નથી અને યોગ્ય વળતર આપવામાં આવ્યું નથી.

ગામના અગ્રણી રવીન્દ્ર બોરાના જણાવ્યા અનુસાર, "નિઃસંદેહ ગામના લોકો રાષ્ટ્રીય ઉત્સવોમાં ભાગ લે છે, પરંતુ ગામમાં ત્યાં સુધી ત્રિરંગો ફરકાવવામાં નહીં આવે જ્યાં સુધી ન્યાય નહીં મળે."

23 માર્ચ 2018ના રોજ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર ગામમાં ત્રિરંગો ફરકાવવા પહોંચ્યા હતા અને વળતરના નવેસરથી વાયદા પણ કર્યા.

પરંતુ રવીન્દ્ર બોરાએ જણાવ્યું કે, અમે ત્યાં સુધી ત્રિરંગો નહીં ફરકાવીએ જ્યાં સુધી અમારી જમીન અમને પરત આપવામાં ન આવે.

અમારા પૂર્વજોને સ્વતંત્રતા સેનાનીઓ સમાન દરજ્જો આપવામાં નથી આવતો.


ઇતિહાસકારોનો મત

Image copyright SAT SINGH/BBC

જાણીતા ઇતિહાસકાર કે. સી. યાદવ જણાવે છે, "1857ના વિપ્લવ દરમિયાન હાંસી, હિસાર અને સિરસામાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની બટાલિયનને રોહનાતમાંથી વિપ્લવકારીઓને હટાવવા અને તેમને મારી નાખવા માટે મોકલવામાં આવી હતી.

"ધમધોકતા ઉનાળામાં રોહનાતના નિવાસીઓએ પોસ્ટ છોડીને ભાગતા કેટલાક બ્રિટિશ અધિકારીઓની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી હતી.

"એ જ કારણોસર બ્રિટિશ સેનાએ વેર લેવાના ઇરાદે ગ્રામજનોની નિર્દયતાથી હત્યા કરી નાખી. ઘણા ગ્રામજનોને તોપથી ઉડાવી દીધા, ઘણા લોકોને વૃક્ષ પર લટકાવી ફાંસી આપવામાં આવી."

પ્રોફેસર યાદવ ઉમેરે છે, "જે બળવાખોરોને પકડવામાં આવ્યા હતા, તેમને હાંસી લાવીને રોડ રોલરની નીચે કચડી નાખવામાં આવ્યા.

"ત્યાર બાદ રસ્તાનું નામ 'લાલ સડક' રાખવામાં આવ્યું, કેમ કે કચડાઈ ગયેલા લોકોના લોહીથી તેનો રંગ લાલ થઈ ગયો હતો."

પ્રોફેસર યાદવે પોતાના પુસ્તક 'રોલ ઑફ ઑનર હરિયાણા માર્ટર 1857'નો સંદર્ભ આપ્યો, જેમાં તેમણે 52 જમીનદારો, 17 ભાગિયાઓનો ઉલ્લેખ કર્યો હતો.

તેમની જમીન બ્રિટિશ સરકાર દ્વારા જપ્ત કરી લેવાઈ અને નવેમ્બર 1858માં હરાજી કરીને વેચી નાખવામાં આવી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા