દલિતની હત્યા મામલે ગુજરાત સરકારને NHRCની નોટિસ

 • બિપીન ટંકારિયા
 • બીબીસી ગુજરાતી માટે
મુકેશભાઈ સાથે મારઝૂડની તસવીર

ઇમેજ સ્રોત, Twitter@JigneshMevani

ઇમેજ કૅપ્શન,

વીડિયોમાંથી

રાજકોટ જિલ્લાની શાપર ઔદ્યોગિક વસાહતમાં ચોરીની આશંકાએ દલિત યુવકની હત્યાની રાષ્ટ્રીય માનવાધિકાર પંચે નોંધ લીધી છે અને રાજ્ય સરકારને નોટિસ કાઢી છે.

મીડિયામાં પ્રકાશિત અહેવાલોની સ્વતઃ નોંધ લેતા NHRCએ ગુજરાત સરકારને નોટિસ કાઢી છે અને ચાર અઠવાડિયામાં જવાબ આપવા જણાવ્યું છે.

પંચે નોંધ્યું છે કે જો મીડિયામાં પ્રકાશિત અહેવાલોમાં સત્ય હોય તો માનવ અધિકારનું મોટાપાયે ઉલ્લંઘન થયું છે.

રાજ્યના મુખ્ય સચિવને સૂચના આપવામાં આવી છે કે પીડિત પરિવારને સહાય મળે તે માટે પૂરતી જોગવાઈ કરવામાં આવે.

આ મામલે પોલીસે આઈપીસી તથા એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

મૃતકનાં પત્ની જયાબહેન તથા તેમનાં અન્ય એક પરિવારજનને પણ ચોરીનાં આરોપસર બેલ્ટથી ફટકારવામાં આવ્યાં હતાં.

આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પાંચમો આરોપી સગીર હોય તેની પૂછરપછ કરવામાં આવી છે.

આ પહેલા સોમવારે રાજ્ય સરકારે પીડિત પરિવારને કાયદાકીય સહાય આપવાની જાહેરાત કરી હતી.

કચરો વીણવાનું કામ કરીને ગુજરાન ચલાવતો પરિવાર રવિવારે સવારે શાપરની ઔદ્યોગિક વસાહતમાં સહયોગ કોટન પાસે કચરો વીણી રહ્યા હતા. ત્યારે પાંચ શખ્સોએ તેમની સાથે મારઝૂડ કરી હતી.

જયાબહેનનાં કહેવા પ્રમાણે, "સામેની ફેકટરીમાંથી પાંચેક અજાણ્યા શખ્સો આવ્યા હતા અને અમારી સાથે મારઝૂડ કરી હતી.

"ચોરીનો આરોપ મૂકીને તેઓ અમને માર મારતા-મારતા ફેકટરી સુધી લઈ ગયા હતા. ત્યારબાદ તેઓ મારા પતિ મુકેશને અંદર લઈ ગયા હતા. જ્યારે મને અને સવિતાકાકીને બેલ્ટથી માર મારીને કાઢી મૂક્યા હતા."

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન,

મુકેશભાઈના પત્ની જયાબહેન સાથે પણ મારઝૂડ કરવામાં આવી હતી

ગભરાયેલા જયાબહેન તથા સવિતાબહેન તેમના ઘરે પહોંચ્યા હતા. મુકેશભાઈ હજુ પાંચેક દિવસ પહેલા જ પરિવાર સાથે શાપરમાં શીતળા માતા મંદિર પાસે રહેવા આવ્યા હતા.

ફેકટરીમાં પાંચેક લોકોએ મુકેશભાઈને દોરડેથી બાંધી દઈને બેલ્ટ તથા ધોકાથી માર માર્યો હતો. જેનો વીડિયો વાયરલ થયો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે મુકેશભાઈને માર મારવામાં આવી રહ્યો છે અને પીડિત તેમને છોડી દેવા માટે આજીજી કરી રહ્યા છે.

વડગામથી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ વીડિયો ટ્વીટ કર્યો હતો અને લખ્યું, "મુકેશ દલિત હતા. રાજકોટમાં ફેકટરીના માલિકોએ બેફામ માર મારીને તેમની હત્યા કરી નાખી અને તેમના પત્નીને પણ માર માર્યો."

અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું, "નેશનલ મીડિયાને, આ કથિત 'વિકાસ મૉડલ' છે."

રાજકોટ એ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મતવિસ્તાર પણ છે. સમગ્ર ઘટનાક્રમ અંગે સોમવારે ગુજરાતમાં રાજ્યકક્ષાના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ સંબોધી હતી.

પ્રદીપસિંહના કહેવા પ્રમાણે, "પીડિતો કચરો વીણી રહ્યા હતા ત્યારે ફેકટરી માલિકોને ચોરી કરી રહ્યા હોય તેવી શંકા ગઈ હતી."

"આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પાંચમો આરોપી સગીર હોય તેની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી છે."

રાજ્ય સરકારે પીડિત પરિવારને કેસ લડવા માટે પબ્લિક પ્રોસિક્યુટર આપવાની પણ જાહેરાત કરી છે.

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન,

મુકેશભાઈ વાણિયા

બન્ને મહિલાઓની કથની સાંભળીને મુકેશભાઈના પાડોશીઓ તથા સંબંધીઓ રાદડિયા ફેકટરી ધસી ગયા હતા.

જ્યાં મુકેશભાઈ જમીન પર પડ્યા હતા. પરિવાર તેમને મોટરસાઇકલ પર બેસાડીને ઘરે લાવ્યો હતો.

જ્યાંથી ઍમ્બ્યુલન્સ સેવા 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અહીં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ઇમેજ કૅપ્શન,

મુકેશભાઈના વતન સુરેન્દ્રનગરમાં અંતિમસંસ્કાર થશે

મુકેશભાઈના પાર્થિવ દેહને સોમવારે પોસ્ટમોર્ટમ બાદ તેમના મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાનાં પરનાળા ગામે લઈ જવાયો હતો.

જયાબહેનની ફરિયાદના આધારે પોલીસે ઇન્ડિયન પીનલ કોડની કલમ (302,114,323) ગુજરાત પોલીસ એક્ટની કલમ 37 (1) અને 135 તથા એટ્રોસિટી એક્ટની કલમ 3 (2) (5) હેઠળ ગુનો દાખલ કર્યો છે. વીડિયો અને તપાસનાં આધારે પાંચ શખ્સોની ધરપકડ કરી છે.

કાયદાનો ભય નહીં

ઇમેજ સ્રોત, Getty Images

એપ્રિલ-2018માં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું એસસી-એસટી એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં તત્કાળ ધરપકડ કરવામાં ન આવે.

સાત દિવસની અંદર પ્રાથમિક તપાસ પૂર્ણ કરવામાં આવે અને જો જરૂર જણાય તો જ ધરપકડ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ ચુકાદા વિશે ફેરવિચારણા કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

આ વિશે દલિત અધિકાર કાર્યકર્તા માર્ટિન મેકવાને બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, ''દલિતો પાસે આઝાદી બાદ ન્યાય મેળવવાનો એકમાત્ર માર્ગ ન્યાયતંત્રનો હતો, પણ હાલના સમયમાં એ રસ્તો પણ દલિતો પાસેથી છીનવાઈ રહ્યો હોય એવું જણાઈ રહ્યું છે. ''

"લોકોના મનમાં હવે કાયદાનો ભય રહ્યો નથી. એમના મનમાં એવું ઠસાવા લાગ્યું છે કે તમે કાયદો હાથમાં લઈ શકો છો અને તમને કંઈ નહીં થાય. આને હું એક છૂટો-છવાયેલો બનાવ નથી ગણતો પણ, હાલમાં જે વાતાવરણ સર્જાયું છે તેની આ 'બાયપ્રોડક્ટ' ગણું છું.

"આવું સતત બન્યાં જ કરશે તો નજીકના ભવિષ્યમાં તેના અટકે એવા કોઈ જ સંકેત દેખાઈ રહ્યાં નથી.''

દલિત તથા માનવ અધિકાર કાર્યકર્તાઓ તથા રાજકીય પક્ષો માગ કરી રહ્યા છે કે કેન્દ્ર સરકાર વટહુકમ લાવીને દલિતોના અધિકારને પુનઃસ્થાપિત કરે.

રાજ્યમાં દલિત અત્યાચારના બનાવો

ઇમેજ કૅપ્શન,

ઉનામાં ગોરક્ષકોના હુમલાનો ભોગ બનેલા દલિતોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

 • ચાલુ માસની શરૂઆતમાં બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એક દલિત પરિવારે લગ્નની આમંત્રણ પત્રિકામાં નામની સાથે 'સિંહ' લખાવતાં પરિવારને ધમકીઓ મળી હતી.
 • જુલાઈ-2016માં ઉનામાં કથિત ગોરક્ષકોના હુમલાનો ભોગ બનેલા ઉનાના સરવૈયા પરિવારના સભ્યોએ એપ્રિલ-2018માં બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો.
 • માર્ચ-2018માં ભાવનગર જિલ્લાના ટીંબી ગામ ખાતે ઘોડો રાખવાના કારણસર દલિત યુવકની હત્યા કરવામાં આવી હતી. પરિવારે રાજપૂતો સામે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે તપાસ બાદ દાવો કર્યો હતો કે છેડતીના મામલે હત્યા થઈ હતી.
 • ઓક્ટોબર-2017માં મૂછો રાખવાના કારણસર ગાંધીનગરમાં દલિત યુવકો પર હુમલો કરવામાં આવ્યો હતો. આવી કેટલીક ઘટનાઓ બાદ દલિત યુવકોએ વૉટ્સઍપ તથા ફેસબુકના પ્રોફાઇલ ફોટોઝ તશા સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર #MrDalit અને #DalitWithMoustache સાથે મૂછને તાવ દેતી તસવીરો પોસ્ટ કરી હતી. પોલીસે એ તેના રિપોર્ટમાં ખોટી હોવાનું જણાવ્યું હતું.
 • ઓક્ટોબર-2017માં નવરાત્રિ દરમિયાન આણંદમાં ગરબા જોવા ગયેલા દલિત યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. આ સંદર્ભે આઠ પાટીદારોની ધરપકડ કરવામાં આવી હતી.
 • સપ્ટેમ્બર-2016માં બનાસકાંઠાના જિલ્લાના અમીરગઢ તાલુકાના કરજા ગામે દલિતો સાથે મારઝૂડ કરવામાં આવી હતી. આ પરિવારે મૃત ઢોર ઉપાડી જવાનો ઇન્કાર કર્યો હતો.
 • જુલાઈ-2016માં ઉનામાં મૃત પશુઓનું ચામડું ઉતારવાના કામ સાથે સંકળાયેલા દલિતો સાથે મારઝૂડ કરવામાં આવી હતી. એ વીડિયોએ ગુજરાત સહિત દેશભરનાં લોકોની સંવેદનાને ઝંઝોળી હતી.એ ઘટના બાદ અનેક દલિત પરિવારોએ ચામડું ઉતારવાનું પરંપરાગત કામ છોડવાની પ્રતિજ્ઞા લીધી હતી.
 • 2012માં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે પોલીસ ફાયરિંગમાં ત્રણ દલિત યુવકોના મૃત્યુ થયા હતા. એ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. ઘટનાની તપાસ કરવા માટે ત્રણ સભ્યોની સમિતિ નીમવામાં આવી હતી. જોકે, તેનો અહેવાલ હજુ પણ જાહેર કરવામાં નથી આવ્યો.

ગુજરાતમાં દલિતોની સ્થિતિ

ઇમેજ સ્રોત, Getty Images

 • આજે પણ ગુજરાતના અનેક ગામડાંઓમાં દલિતોને મંદિરમાં પ્રવેશવા દેવામાં નથી આવતાં. મૃત્યુ બાદ પણ ભેદભાવ ચાલુ રહે છે અને કેટલાક ગામડાંઓમાં દલિતોને માટે અલગ સ્મશાનગૃહ હોય છે.
 • નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે, વર્ષ 2016માં શિડ્યુલ કાસ્ટ્સ પર અત્યાચારના 1322 કિસ્સા નોંધાયા હતા. વર્ષ 2015માં આ આંકડો 1010નો હતો.
 • દલિતો પર અત્યાચારના મામલે (પ્રતિ લાખ દીઠ) ગુજરાતનો સમાવેશ દેશના 'સૌથી ખરાબ પાંચ રાજ્યો'માં થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો