કેરળમાં લોકોનો ભોગ લઈ રહેલો નિપાહ વાયરસ શું છે?

વાઇરસ Image copyright Getty Images
ફોટો લાઈન નિપાહ વાઇરસ માણસ અને પ્રાણીઓ બન્ને માટે જીવલેણ છે.

નિપાહ વાયરસના (જેને નિપા તરીકે પણ ઓળખવામાં આવે છે) કારણે કેરળમાં અત્યાર સુધી 9 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે અને કોઝિકોમાં ઇન્ફેક્શનનાં લક્ષણો ધરાવતા અન્ય 25 જેટલા દર્દીઓ દાખલ છે.

ટૂંકા ગાળામાં ફાટી નીકળે એવા ટોચના 10 રોગોની યાદી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO) દ્વારા જાહેર કરાઈ હતી, આ યાદીમાં નિપાહ વાયરસ પ્રથમ ક્રમે હતો.

કેરળના હેલ્થ સેક્રેટરી રાજીવ સદાનંદે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આ દર્દીઓની સારવાર કરી રહેલી નર્સનું પણ મૃત્યુ થયું છે.

તેમને વધુમાં કહ્યું હતું કે, " આ વાયરસ વધારે લોકોમાં ન ફેલાય એ માટે અમે પ્રયત્ન કરી રહ્યાં છે."

માણસ અને પ્રાણીઓ બન્ને માટે આ વાયરસ જીવલેણ છે. આ વાયરસનું ઇન્ફેક્શન ધરાવતા પ્રાણીઓ સાથે સંપર્કમાં આવવાથી તે માણસોમાં પ્રસરે છે.

આરોગ્ય વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે શંકાસ્પદ રીતે ઇન્ફેક્શનથી જે ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે, તેમના ઘરમાંથી ચામાચીડિયાના બચકા ભર્યાના નિશાન સાથેની કેરી મળ આવી છે.


નિપાહ વાયરસ શું છે?

Image copyright AFP
ફોટો લાઈન નિપાહ વાઇરસ ચામાચીડિયાથી ફેલાય છે.
  • નિપાહ વાયરસ (NiV) ઇન્ફેક્શન એ એક એવું ઇન્ફેક્શન છે કે જેના વાયરસ પ્રાણીઓથી માણસ સુધી પ્રસરે છે. ચામાચીડિયાઓની ટેરોપોડિડાએ પ્રજાતિ આ વાયરસનો મૂળ સ્ત્રોત હોવાનું જાણવા મળી રહ્યું છે.
  • 1999માં મલેશિયા અને સિંગાપોરના કેટલાક વિસ્તારોમાં ડુક્કરના સંપર્કમાં આવવાથી ડુક્કરપાલકોમાં એન્કેફ્લાઇટિસ(મગજનો સોજો) અને રેસ્પિરેટરિ(શ્વાસની બિમારી)ની ફરીયાદો આવી હતી, ત્યારે પહેલી વખત આ ઇન્ફેક્શન વિશે ખબર પડી હતી.
  • જે-તે વખતે 300 જેટલા લોકો આ વાયરસની ઝપેટમાં આવ્યા હતાં અને 100 જેટલા લોકોના મૃત્યુ થયા હતાં. વાયરસ આખા વિસ્તારમાં ન પ્રસરે એ માટે આશરે દસ લાખ જેટલા ડુક્કરોને મારવામાં આવ્યા હતાં. જેના કારણે સ્થાનિક વેપારમાં નુકસાન પણ થયું હતું.
  • આ વાયરસને પ્રસરતો રોકવો હોય તો બીમાર ચામાચીડિયા કે ડુક્કરોને રહેણાંક વિસ્તારોમાં ખુલ્લાં ન મૂકવાં.
  • આ વાયરસની રસી પ્રાણીઓ કે માણસો માટે હજુ સુધી ઉપલબ્ધ નથી.

નિપાહ વાયરસનાં લક્ષણો

Image copyright Getty Images
  • નિપાહ વાયરસનાં લક્ષણો ઇન્ફેક્શન થયાના 24 થી 48 કલાકમાં જોવા મળે છે.
  • તાવ આવવો એ નિપાહ વાયરસના ઇન્ફેક્શનનું એક લક્ષણ ગણવામાં આવે છે.
  • માથામાં દુખાવો થતો હોય કે શરીરમાં કળતર અનુભવાતી હોય તો તે નિપાહ વાયરસના લક્ષણ હોઈ શકે.
  • આળસ આવે અથવા શ્વાસને લગતી તકલીફ અનુભવાતી હોય તો તે પણ નિપાહ વાયરસના લક્ષણ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ