રવિન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા સાથે મારઝૂડની ઘટના આ રીતે બની હતી

 • દર્શન ઠક્કર
 • બીબીસી ગુજરાતી માટે
ઘટનાસ્થળે રવિન્દ્ર જાડેજાના પત્ની
ઇમેજ કૅપ્શન,

ઘટના સમયે રવિન્દ્ર જાડેજાના સાસુ અને પુત્રી પણ કારમાં હતાં

જામનગરમાં રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા સાથે થયેલો મારઝૂડનો મામલો હાલ ચર્ચામાં છે.

આ મામલે પોલીસે કાર્યવાહી કરતા હુમલાના આરોપી પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધો છે.

એક માર્ગ અકસ્માત બાદ આ મારઝુડની ઘટના બની હતી. જેમાં રીવાબાએ આક્ષેપ કર્યો છે કે મારઝૂડ કરનાર આરોપી પોલીસ કોન્સ્ટેબલે કથિત રીતે તેમની સાથે દુર્વ્યવહાર પણ કર્યો છે.

આ ઘટના ડિસ્ટ્રિક્ટ પોલીસ હેડક્વાર્ટરથી માંડ 200 મીટરના અંતરે બની હતી.

આ મામલે આરોપી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

કોર્ટે તેમની ધરપકડને ગેરવાજબી ઠરાવીને જામીન પર છોડી દીધા હતા.

જિલ્લા પોલીસ વડા દ્વારા આરોપી કોન્સ્ટેબલને તત્કાલ અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને 'કડક કાર્યવાહી' કરવાની વાત કહી છે.

આ દરમિયાન રીવાબા જે કારમાં સફર કરી રહ્યાં હતાં તેની નંબર પ્લેટ પણ ચર્ચાનું કેન્દ્ર બની છે.

કઈ રીતે બની હતી ઘટના?

ઇમેજ કૅપ્શન,

આરોપી સંજય કરંગિયા જામનગર પોલીસલાઇનમાં રહે છે

પોલીસ ફરિયાદ પ્રમાણે, "રીવાબા જામનગરમાં શરૂ સેક્શન વિસ્તારમાં બીએમસડબલ્યુ કાર (GJ 03 HR 9366) ચલાવીને તેમનાં માતા અને પુત્રી સાથે જઈ રહ્યાં હતાં, ત્યારે સાંજે સાતેક વાગ્યે શરૂ સેક્શન રોડ ઉપર તેમની કાર અને પોલીસ કોન્સ્ટેબલની બાઇક વચ્ચે ટક્કર થઈ હતી."

ઘટના બાદ રીવાબા તથા સંજય કરંગિયા વચ્ચે બોલાચાલી થઈ હતી અને આરોપી સંજયે રીવાબાને 'ગાળો આપી, થપ્પડો મારી, ગાડીના કાચ સાથે બે ત્રણ વખત માથું અથડાવીને માથામાં ઇજા પહોંચાડી હતી.'

આ મામલે રીવાબાનાં માતા પ્રફુલ્લાબા સોલંકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, 'રીવાબાને પોતાની તરફ ખેંચી નિર્લજ્જ હુમલો કર્યો હતો.'

ઘટનાક્રમને પગલે આજુબાજુ ઊભેલા લોકોએ દરમિયાનગીરી કરી હતી અને તેમને અલગ કર્યા હતા.

હુમલામાં રીવાબાને ઇજા પહોંચી હતી, પરંતુ હાલમાં તેમની સ્થિતિ સામાન્ય છે.

નંબર પ્લેટ ચર્ચામાં

ઇમેજ કૅપ્શન,

ફરિયાદ મુજબ આરોપીએ કારની સાથે રીવાબાનું માથું અફડાવ્યું હતું

રવિન્દ્રના પરિવારજનો જે કારમાં મુસાફરી કરી રહ્યાં હતાં, તેની ઉપર નિયમ મુજબ નંબર પ્લેટ ન હતી.

જામનગર પોલીસ સુપરિન્ટેન્ડન્ટ પ્રદીપ સેજુલના કહેવા પ્રમાણે, 'તપાસ દરમિયાન આ બાબતને ધ્યાને લેવામાં આવશે.'

પ્રદીપ સેજુલના કહેવા પ્રમાણે, "આરોપી સંજય કરંગિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરીને નોકરીમાંથી નીકળે તેવા અમારા પ્રયત્નો છે."

પોલીસે આ કેસમાં ભારતીય દંડ સંહિતાની કલમ (279, 323, 324, 354, 504) ઉપરાંત મોટર વ્હીકલ્સ એક્ટની કલમ (177 અને 184) મુજબ કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

શહેરમાં ન હતા રવિન્દ્ર

ઇમેજ કૅપ્શન,

ઘટના સમયે રવિન્દ્ર જાડેજા શહેરમાં ન હતા

હાલમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ઇન્ડિયન પ્રિમિયર લિગ (આઈપીએલ)ની 11મી સિઝનમાં વ્યસ્ત છે.

રવિવારે રવિન્દ્ર જાડેજા પુના ખાતે કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ રમ્યા હતા. જ્યારે મંગળવારે મુંબઈ ખાતે સરનાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ મેચ રમશે.

રવિન્દ્ર જાડેજા જામનગરના છે, જ્યારે રીવાબા રાજકોટનાં છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને રીવાબા સોલંકીના એપ્રિલ-2016માં લગ્ન થયાં હતાં.

જુન-2017માં તેમને ત્યાં બાળકી 'નિદ્યાના'નો જન્મ થયો હતો.

જાડેજા સાથે સંકળાયેલા છે આ વિવાદો

ઇમેજ કૅપ્શન,

આ કારનો નંબર GJ-11 BH 1212 છે

 • લગ્ન સમયે રવિન્દ્ર જાડેજાના સસરાએ તેમને ઓડી Q7 ગાડી ભેટ આપી હતી, જેની નંબર પ્લેટ ચર્ચાનો વિષય બની હતી.
 • રવિન્દ્રના વરઘોડા સમયે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. એ સમયે પોલીસે તેમાં કાર્યવાહી કરવાની વાત કહી હતી.
 • ઓગસ્ટ-2017માં રવિન્દ્ર જાડેજા અને રીવાબાએ ગીરના અભ્યારણ્યની મુલાકાત લીધી હતી અને સિંહો સાથે 'સેલ્ફી' પડાવી હતી અને સોશિયલ મીડિયા પર મૂકી હતી. 'નિયમ ભંગ' બદલ રવિન્દ્ર જાડેજાને રૂ. 20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
 • જાન્યુઆરી-2017માં રવિન્દ્ર જાડેજા તથા તેમના પત્ની રીવાબા જઈ રહ્યાં હતાં, ત્યારે તેમની કાર અને સ્કૂટી વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં એક યુવતીને ઇજા પહોંચી હતી. બાદમાં જાડેજા જ તેમને હોસ્પિટલે લઈ ગયા હતા.

શું છે HSRP અંગે નિયમો?

ઇમેજ કૅપ્શન,

વરઘોડામાં ફાયરિંગને કારણે વિવાદ થયેલો

 • ગુજરાત સરકારના નિર્દેશ પ્રમાણે, રાજ્યમાં નોંધાયેલા દરેક વાહન પર હાઈ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ હોવી જરૂરી છે.
 • આ માટે આરટીઓ (રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ)માં વાહન માલિકીના દસ્તાવેજો સુપ્રત કરીને તથા ફી ભરીને HSRP નંબરપ્લેટ મેળવી શકાય છે.
 • આ પ્રકારની નંબર પ્લેટમાં અલગઅલગ છ પ્રકારના સિક્યુરિટી ફિચર હોય છે.
 • માર્ગ અકસ્માત, હીટ ઍન્ડ રન કે વાહન સાથે સંકળાયેલા ગુનાઓમાં વાહનોની નંબર પ્લેટ્સ પર લખાણને કારણે વાહનમાલિકની વિગતો મેળવવામાં ગુનાનો ભેદ ઉકેલવામાં મુશ્કેલી ઊભી થાય છે.
 • લોકો નંબર પ્લેટ સાથે ચેડાં ન કરે, તેની ઉપર નંબર સમાન રીતે લખાયેલા હોય, વાહનધારક તેની ઉપર વધારનું લખાણ કે ચિત્ર ન મૂકે તે માટે કેન્દ્રના માર્ગ અને પરિવહન મંત્રાલયે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 1989માં સુધારો કરીને દેશભરમાં એકસમાન નંબરપ્લેટ લાગુ કરવા પ્રયાસ હાથ ધર્યા છે.
 • દેશભરમાં HSRPનો અસરકારક અમલ થાય તે માટે સુપ્રીમ કોર્ટ દ્વારા માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો