'14 વર્ષ સુધી હું દુષ્કર્મની વાત કોઈને કહી નહોતો શક્યો'

બળાત્કારનો ભોગ બનેલા કશ્મીરના 31 વર્ષીય પુરુષે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું,"બહુ પીડાદાયક સ્થિતિ હતી, હું બે અઠવાડિયા સુધી ચાલી શકવા સક્ષમ નહોતો. કમનસીબની વાત તો એ છે કે, મારા પરિવારજનો, સંબંધીઓ, મિત્રો અને મારા શિક્ષકો પૈકી કોઈને એવી શંકા સુદ્ધાં ન ગઈ કે આ બાળક સાથે કંઇક ખોટું થયું છે."

સમાજિક કલંક ન લાગી જાય એ કારણથી આ વ્યક્તિ તેમની ઓળખ છતી કરવા નથી ઇચ્છતા.

તેઓ 14 વર્ષના હતાં ત્યારે મૌલવીએ તેમની પર અનેક વખત બળાત્કાર ગુજાર્યો હતો.

તેમના એક સંબંધી તેમને એક મૌલવી પાસે આશીર્વાદ અપાવવા લઈ ગયા હતા.

બીબીસી સાથે પોતાની વ્યથા વર્ણવતા તેઓ કહે છે કે પહેલાં દિવસે જ તેમણે મારા સંબંધીને મને ત્યાં જ છોડીને જવા માટે કહ્યું અને કારણ એવું આપ્યું કે તેમની અલૌકિક શક્તિઓ રાત્રે જ કામ કરે છે.

પ્રથમ વખત બળાત્કાર થયો એ વખતનું વર્ણન કરતા અક્રમ કહે છે, "એ બહુ પીડાદાયક સ્થિતિ હતી, મને એવું થયું જાણે મારા શરીરમાંથી આત્મા નીકળી ગયો હોય.

"પીડાના કારણે હું ચીસ પાડવા માંગતો હતો, પણ તેમણે હાથથી મારું મોઢું બંધ કર્યું હતું અને કહ્યું કે બસ પાંચ જ મિનિટ.

"જ્યારે તેઓએ તેમનું કામ કરી લીધું, ત્યારે તેમણે મને ડરાવ્યો કે જો હું આ અંગે કોઈને પણ કહીશ તો તેઓ તેમની અલૌકિક શક્તિથી મારી જિંદગી ખતમ કરી નાખશે."

તેમણે કહ્યું કે "મારા પર ત્રણ વખત બળાત્કાર થયો, મારા સંબંધીઓ પૈકી કોઈને જ ખબર નહોતી અને આ અંગે કોઈની સાથે પણ વાત કરતાં હું ડરતો હતો, હું સમજી ગયો હતો કે હું ફસાઈ ગયો છું."

તમે આ વાંચ્યું કે નહીં?

શારીરિક શોષણના કિસ્સાઓ પૈકી મોટાભાગના કિસ્સા સામાજિક કલંક બની જવાના ડરથી પોલીસ ચોપડે નોંધાતા નથી.

મનોચિકિત્સક ઉફ્રા મીર કહે છે, "સમાજે જેમ મહિલાઓ માટે નિયમો લાદી દીધાં છે, એ જ રીતે પુરુષો માટે પણ લાદ્યાં છે.

"પુરુષોના શારીરિક શોષણ અંગે અનેક પ્રકારના ટેબુ છે અને તેને કલંક પણ ગણવામાં આવે છે. પુરુષ જાતિના નિયમો મુજબ પુરુષો બાળપણથી જ સ્વતંત્ર, સ્થિતિસ્થાપક હોવા જોઈએ અને ભોગ બનેલા ન હોવા જોઈએ.

"જ્યારે કોઈ પુરુષ સાથે શારીરિક શોષણની ઘટના થાય તો તેને મરદાનગી સાબિત કરવા કહેવાય છે અને નામર્દનો થપ્પો લગાવી દેવાય છે."

14 વર્ષ સુધી પીડિત અપરાધભાવ અનુભવતો હતો

આ કશ્મીરી યુવક પણ 14 વર્ષ સુધી અપરાધ ભાવ અને શરમની લાગણી અનુભવતો રહ્યો.

તેઓ કહે કે, "જે કંઈ થયું એમાં મારી ભૂલ નહોતી એ સમજવામાં મને 14 વર્ષ લાગ્યા અને મને થયું કે આ અંગે હું કેમ ન બોલું?"

"હું ખરેખર એવું ઇચ્છું છું કે આપણે શિક્ષણ પ્રણાલીમાં બાળકો માટે પર્સનલ સેફ્ટી એજ્યુકેશનને પણ સમાવવું જોઈએ, જેથી બાળકોને ખ્યાલ હોય કે શારીરિક શોષણ જેવી સ્થિતિ જ્યારે-જ્યારે આવે ત્યારે કેવી રીતે તેનો સામનો કરી શકાય."

આ કશ્મીરી પુરુષ અન્ય ભોગ બનેલા લોકો સાથે મળીને આ મૌલવી વિરુદ્ધ કેસ લડી રહ્યો છે.

"14 વર્ષ પછી, એક દિવસે ટીવી પર પોલીસ અધિકારી કહેતા હતાં કે, જો કોઈ આ મૌલવી દ્વારા કરાયેલા શારીરિક શોષણનો ભોગ બન્યું હોય તો, તે બહાર આવે અને આ અંગે અમને જાણ કરે.

"ત્યારે મને ખ્યાલ આવ્યો કે બીજા લોકોએ પણ આ મૌલવી વિરુદ્ધ ફરિયાદ કરી હતી."

આજે તેઓ બાળકોના અધિકાર માટે લડત આપે છે

એક સમયે બળાત્કારનો ભોગ બનનારી આ વ્યક્તિ આજે બાળકોના અધિકાર માટે લડત આપતા કર્મશીલ છે. તેઓ બાળકો પર થતા શારીરિક શોષણના કેસો લડે છે અને બાળકોને ચુપકીદી તોડતા શીખવે છે.

તેમને આશા છે, "એક દિવસ નક્કર કાયદા અને શિક્ષણ પ્રણાલી આવશે કે જેનાથી બાળકો પર થતી શારીરિક શોષણની ઘટનાઓ પર રોક લગાવી શકાય."

તજજ્ઞોનું કહેવું છે કે શારીરિક શોષણનો ભોગ બનેલા પુરુષો માટે જરૂરી પ્લેટફોર્મ નથી, કે જ્યાં તેઓ પોતાની પીડાદાયક સ્થિતિ વર્ણવી શકે. તેઓ અંદરથી ભાંગી જાય છે, કારણકે આ પ્રકારના શોષણની શારીરિક કરતા વધારે માનસિક અસર થતી હોય છે. જેના કારણે તે માનસિક આઘાતનો શિકાર બને છે."

ભારતમાં દર 15 મિનિટે એક બાળક ભોગ બને છે

2002માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને છોકરાઓ અને પુરુષોના શારીરિક શોષણને એવી નોંધપાત્ર સમસ્યા તરીકે ગણાવી કે જેની સતત અવગણના કરાય છે.

ભારતમાં દર 15 મિનિટે એક છોકરો શારીરિક શોષણનો ભોગ બને છે. 2016માં 36,022 બાળકોના શારીરિક શોષણના કેસ ચોપડે નોંધાયા હતાં.

યુનિવર્સિટી ઑફ કશ્મીરના લૉ પ્રૉફેસર હકિમ યાસિર કહે છે, "બાળકોના શારીરિક શોષણ અંગે વિશેષ રીતે પુરુષ બાળકના શારીરિક શોષણ અંગે ચર્ચા કરવામાં વિમુખતા દાખવવામાં આવે છે. એ જ કારણથી દરરોજ આ પ્રકારના અનેક કેસો ચોપડે નોંધાતા નથી."

છોકરાના બળાત્કાર બદલ 10 વર્ષની કેદ

ભારત સરકારે ગયા વર્ષે જ 12 વર્ષથી નાની વયના બાળક પર બળાત્કાર કરવા બદલ મૃત્યુદંડની સજા જાહેર કરી છે અને 16 વર્ષથી નાની વયના બાળક સાથે દુષ્કૃત્ય બદલની સજા પણ વધારી દેવાઈ છે. કઠુઆ અને ઉન્નાઉ ઘટના બાદ ઊભા થયેલા લોકજુવાળના કારણે કેબિનેટે તાત્કાલિક ધોરણે કાયદો અમલમાં મૂકાવ્યો.

હાલના કાયદામાં છોકરાના બળાત્કાર બદલ 10 વર્ષની કેદ છે, જ્યારે છોકરીનાં બળાત્કાર બદલ 20 વર્ષની કેદની જોગવાઈ છે.

પણ રોઇટર્સનો દાવો છે કે, આ હુકમમાં ભોગ બનતા પુરુષો અંગે કોઈ જ ઉલ્લેખ કરાયો નથી.

પ્રૉ.હાકિમ યાસિર અબ્બાસ કહે છે કે, "આ કાયદામાં કઠોર સજાની જોગવાઈ કરવામાં આવી છે, જેની જેની મદદથી બળાત્કાર સંબંધિત કાયદાઓમાં સુધારા લાવી શકાશે. પણ, સામાન્ય ફોજદારી કાયદાઓમાં પુરુષો પર થતું શારીરિક શોષણને બળાત્કાર ગણાતું નથી. એટલે કડક સજા અમલમાં મૂકવા છતાં આ કાયદા પુરુષોના શારીરિક શોષણ પર અસરકારક નહીં નિવડે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો