ગુજરાતમાં શા માટે વધી રહ્યા છે દલિતો પર અત્યાચારો?
- જય મકવાણા
- બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images
11 જુલાઈ 2016, એટલે ઉના દલિતકાંડનો દિવસ.
આજથી ચાર વર્ષે પહેલાં આજના જ દિવસે ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સમઢિયાળા ગામમાં મૃત ગાયને લઈ જઈ રહેલા દલિત યુવાનોને કેટલાક કહેવાતા ગૌરક્ષકોએ માર માર્યો હતો.
આ ઘટનાનો વીડિયો વાઇરલ થયો અને આ ઘટનાએ આખા દેશનું ધ્યાન ખેંચ્યું હતું.
આ ઘટનાનાં ચાર વર્ષ બાદ પણ દલિતો પર અત્યાચારનો ઘટનાક્રમ થંભ્યો નથી.
તાજેતરમાં જ અમરેલીમાં સાવરકુંડલાના મેરિયાણા ગામમાં મજૂરી કરવા ગયેલા 38 વર્ષના દલિત શખ્સને બિનદલિત દ્વારા માર મારવામાં આવ્યો હતો.
માર મારવાનું કારણ એવું હતું કે દલિત શખ્સે બિનદલિત શખ્સની રકાબી સાથે પોતાની રકાબી મૂકી દીધી હતી.
આ અગાઉ ગુજરાતમાં જ ઘોડે ચડવા બદલ, મૂંછો રાખવા બદલ દલિત યુવકોને બિનદલિતો દ્વારા માર મારવામાં આવ્યો હોય એવી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે.
બે વર્ષ પહેલાં રાજકોટના સાપરમાં દલિત યુવકની હત્યાએ ગુજરાતમાં ફરી એક વખત દલિત અત્યાચારોની ચર્ચા જન્માવી હતી. આ સમયે પણ દલિતોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.
જોકે, એમ છતાં રાજ્યમાં દલિત પર થતા અત્યાચારો અટકવાનું નામ નથી લઈ રહ્યા.
એક આરટીઆઈમાં જાણવા મળ્યું છે કે ગુજરાતમાં વર્ષ 2017માં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ(પ્રિવેન્શન ઑફ ઍટ્રોસિટી) ઍક્ટના કાયદા હેઠળ 1,515 કેસો નોંધાયા છે.
કૌશિક પરમાર નામના દલિત કાર્યકરે દાખલ કરેલી આરટીઆઈમાં આ અત્યાચારાના આ આંકડા સામે આવ્યા છે.
વર્ષ 2017 દરમિયાન દલિતો પર થયેલી અત્યાચારોની ઘટનામાં 25 હત્યા, 71 હુમલાના બનાવો અને 103 બળાત્કારના બનાવો સામેલ છે.
કાયદાનો ભય નથી રહ્યો?
ઇમેજ સ્રોત, Kaushik Parmar
આરટીઆઈ અનુસાર વર્ષ 2017માં અમદાવાદ જિલ્લામાં દલિતો વિરુદ્ધ અત્યાચારના કુલ 121 બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા.
જેમાં 5 હત્યા અને 17 બળાત્કારની ઘટના સામેલ છે. જોકે, આ માહિતી અનુસાર એક વાત એ પણ જાણવા મળી કે આદિવાસી વિસ્તારોમાં દલિતો વિરુદ્ધ નોંધાયેલા કેસોની સરેરાશ સંખ્યા અન્ય વિસ્તારો કરતાં ઘણી ઓછી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
બીબીસી સાથેની વાતચીતમાં આરટીઆઈ કરનાર કૌશિક પરમારે જણાવ્યું, ''કોઈ પણ પ્રકારના અત્યાચાર ત્યારે વધે જ્યારે અત્યાચારીઓમાં કાયદાનો ભય ના રહે. ''
''ગુજરાતમાં દલિત વિરોધી માનસિક્તા ધરાવતા લોકોમાં હવે કાયદાનો ભય રહ્યો નથી. ઉચ્ચવર્ણના લોકોમાં એવી માન્યતા પેસી ગઈ છે કે ભાજપની સરકાર ઉચ્ચવર્ણની સરકાર છે, અમારી સરકાર છે.''
કૌશિક પરમારની વાતમાં દલિત કાર્યકર્તા માર્ટિન મેકવાન પણ સુર પૂરાવે છે.
માર્ટિન મેકવાને બીબીસીને જણાવ્યું, ''લોકોના મનમાં હવે કાયદાનો ભય રહ્યો નથી. લોકોના મનમાં એવું ઠસાવા લાગ્યું છે કે તમે કાયદો હાથમાં લઈ શકો છો અને તમને કંઈ નહીં થાય.''
સામાજિક દરજ્જાને કારણે અત્યાચાર?
ગુજરાતમાં દલિતો સામે સૌથી ઓછા અત્યાચારના કેસ 2004માં નોંધાયા હતા. જ્યારે 2017માં આ આંકડો 1,515 પર પહોંચી ગયો છે.
(છેલ્લા 17 વર્ષ દરમિયાન ગુજરાતમાં નોંધાયેલા દલિત અત્યાચારના કિસ્સા, સ્રોત: પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી, ગુજરાત રાજ્ય )
દલિત કર્મશીલ ચંદુ મહેરીયા આ બાબતે વાત કરતાં બીબીસીને જણાવે છે, ''દલિત અત્યાચાર પાછળ દલિતોનો સામાજિક દરજ્જો સૌથી અગત્યનું કારણ બની રહેતો હોય છે.''
તેઓ ઉમેરે છે, ''દલિતો વિરુદ્ધના અત્યાચારોના મૂળમાં દલિત સમસ્યા રહેલી છે. જ્યાં સુધી આ દેશમાંથી જાતિનું નિર્મૂલન નહીં થાય ત્યાં સુધી દલિતો પર થતા અત્યાચારોનો અંત નહીં આવે.''
દલિત અત્યાચાર પર સરકારી વલણની ટીકા કરતાં મહેરીયા કહે છે, ''હાલની સરકાર હોય કે કોઈ બીજી સરકાર, દલિત અત્યાચારને લઈને તમામ સરકારનું વલણ હંમેશાં વખોડવા લાયક જ રહ્યું છે.''
''સરકાર પીડિતોને વળતર ચૂકવીને પોતાની જવાબદારી નિભાવી લીધાનો સંતોષ વ્યક્ત કરી લે છે. સરકાર માટે પીડિતને વળતર ચૂકવવું અગત્યનું છે. ન્યાય નહીં.''
ભાજપના વિરોધીઓનું કામ?
ઇમેજ સ્રોત, Getty Images
વરિષ્ઠ પત્રકાર અને લેખક પ્રકાશ ન. શાહ બીબીસી સાથેની વાતચીતમાં જણાવે છે, ''દલિત વિરુદ્ધ અત્યાચાર ગુજરાતમાં પહેલાંથી જ થતા રહ્યા છે પણ ભાજપની સરકારમાં આ વલણ વકર્યું છે. ''
''હાલમાં બનતી દલિત અત્યાચારની ઘટના એ રીતે અલગ પડે છે કે તેમા હવે ઉચ્ચવર્ણીય માનસિક્તાનું ગૌરવ ઉમેરાયું છે. ભાજપની સરકાર અને હિંદુત્વની વિચારધારાને કારણે પણ દલિતવિરોધી માનસિક્તામાં ઉછાળો આવ્યો છે.''
જોકે, દલિતો વિરુદ્ધ વધતા અત્યાચારની ઘટનાઓ પાછળ વિપક્ષનું રાજકારણ જવાબદાર હોવાનું રાજ્યના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ઇશ્વર પરમારનું માનવું છે.
પરમારે બીબીસીને જણાવ્યું, ''વર્ષ 2017માં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હતી. જેને પગલે ભાજપની છાપ ખરાબ કરવા માટે વિરોધીઓ નાના નાના ઝઘડાઓને પણ મોટું રૂપ આપીને ફરિયાદો દાખલ કરાવતા હતા. એટલે આ આંકડાઓમાં આટલો વધારો આવ્યો હોઈ શકે.''
ઇશ્વર પરમારના મતે ભાજપની સરકાર દલિતો મુદ્દે અત્યંત ગંભીર છે.
રાજ્યમાં દલિત અત્યાચારના બનાવો
ઇમેજ સ્રોત, Getty Images
- ચાલુ માસની શરૂઆતમાં બનાસકાંઠા જિલ્લાના ડીસામાં એક દલિત પરિવારે લગ્નની આમંત્રણ પત્રિકામાં નામની સાથે 'સિંહ' લખાવતાં પરિવારને ધમકીઓ મળી હતી.
- જુલાઈ-2016માં ઉનામાં કથિત ગોરક્ષકોના હુમલાનો ભોગ બનેલા ઉનાના સરવૈયા પરિવારના સભ્યોએ એપ્રિલ-2018માં બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો.
- માર્ચ-2018માં ભાવનગર જિલ્લાના ટીંબી ગામ ખાતે ઘોડો રાખવાના કારણસર દલિત યુવકની હત્યા કરવામાં આવી હતી. પરિવારે રાજપૂતો સામે ફરિયાદ દાખલ કરાવી હતી. પોલીસે તપાસ બાદ દાવો કર્યો હતો કે છેડતીના મામલે હત્યા થઈ હતી.
- ઓક્ટોબર-2017માં મૂછો રાખવાના કારણસર ગાંધીનગરમાં દલિત યુવકો પર હુમલો કરવામાં આવ્યો હતો. આવી કેટલીક ઘટનાઓ બાદ દલિત યુવકોએ વૉટ્સઍપ તથા ફેસબુકના પ્રોફાઇલ ફોટોઝ તશા સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર #MrDalit અને #DalitWithMoustache સાથે મૂછને તાવ દેતી તસવીરો પોસ્ટ કરી હતી. પોલીસે એ તેના રિપોર્ટમાં ખોટી હોવાનું જણાવ્યું હતું.
- ઓક્ટોબર-2017માં નવરાત્રિ દરમિયાન આણંદમાં ગરબા જોવા ગયેલા દલિત યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. આ સંદર્ભે આઠ પાટીદારોની ધરપકડ કરવામાં આવી હતી.
- સપ્ટેમ્બર-2016માં બનાસકાંઠાના જિલ્લાના અમીરગઢ તાલુકાના કરજા ગામે દલિતો સાથે મારઝૂડ કરવામાં આવી હતી. આ પરિવારે મૃત ઢોર ઉપાડી જવાનો ઇન્કાર કર્યો હતો.
- જુલાઈ-2016માં ઉનામાં મૃત પશુઓનું ચામડું ઉતારવાના કામ સાથે સંકળાયેલા દલિતો સાથે મારઝૂડ કરવામાં આવી હતી. એ વીડિયોએ ગુજરાત સહિત દેશભરનાં લોકોની સંવેદનાને ઝંઝોળી હતી.એ ઘટના બાદ અનેક દલિત પરિવારોએ ચામડું ઉતારવાનું પરંપરાગત કામ છોડવાની પ્રતિજ્ઞા લીધી હતી.
- 2012માં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે પોલીસ ફાયરિંગમાં ત્રણ દલિત યુવકોના મૃત્યુ થયા હતા. એ સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. ઘટનાની તપાસ કરવા માટે ત્રણ સભ્યોની સમિતિ નીમવામાં આવી હતી. જોકે, તેનો અહેવાલ હજુ પણ જાહેર કરવામાં નથી આવ્યો.
ગુજરાતમાં દલિતોની સ્થિતિ
ઘટના બાદ ઘણા દલિતોએ મૃત ગાયનું ચામડું ઉતારવાનું કામ છોડ્યું.
આજે પણ ગુજરાતના અનેક ગામડાંઓમાં દલિતોને મંદિરમાં પ્રવેશવા દેવામાં નથી આવતાં.
મૃત્યુબાદ પણ ભેદભાવ ચાલુ રહે છે અને કેટલાક ગામડાંઓમાં દલિતોને માટે અલગ સ્મશાનગૃહ હોય છે.
દલિતો પર અત્યાચારના મામલે (પ્રતિ લાખ દીઠ) ગુજરાતનો સમાવેશ દેશના 'સૌથી ખરાબ પાંચ રાજ્યો'માં થાય છે.
(NCRB રીપોર્ટ-2016 મુજબ)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો