તમિલનાડુમાં વેદાંતા સામે દેખાવ, પાંચ મોટા સવાલ

સ્ટર્લાઇટ કૉપરનો પ્લાન્ટ બંધ કરવાની માગ સાથે વિરોધ કરી રહેલાં પ્રદર્શનકારીઓ પર પોલીસ ફાયરિંગ

તમિલનાડુના તૂતિકોરિન જિલ્લામાં વેદાંતા ગ્રૂપની કંપની સ્ટર્લાઇટ કૉપર વિરુદ્ધ થઈ રહેલાં પ્રદર્શનોમાં અગિયાર લોકોનાં મૃત્યું થયાં છે.

આ વિરોધ પ્રદર્શનમાં 40થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે, તેમાં એક પત્રકાર અને કેમેરાપર્સન પણ સામેલ છે.

છેલ્લા સો દિવસોથી આ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને આજે વિરોધનો 100મો દિવસ હોવાથી પ્રદર્શકારીઓએ કંપનીના પ્લાન્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો.

આ સમયે વિરોધ કરી રહેલા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે લોકો પર લાઠીચાર્જ કર્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ મુજબ પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસે ગોળીબાર શરૂ કરી દીધો અને તેમાં 11 લોકોનાં મૃત્યુ થયાં હતા.

સ્ટરલાઇટ કંપની

વિશ્વભરની મેટલ તથા માઇનિંગ ક્ષેત્રની ટોચની કંપનીઓમાં 'વેદાંતા'નો સમાવેશ થાય છે.

આ કંપનીના માલિક અનિલ અગ્રવાલ છે, જેમનો જન્મ બિહરના પટણામાં થયો હતો.

શૈક્ષણિક અભ્યાસ પૂર્ણ કરીને તેઓ મુંબઈ સ્થાયી થયા, જ્યાં તેમણે 'વેદાંતા'ની સ્થાપના કરી. લંડન સ્ટોક માર્કેટ ખાતે નોંધણી કરાવનારી પ્રથમ ભારતીય કંપની બની હતી.

શું તમે આ વાંચ્યું?

વેદાંતા કેન્દ્ર શાસિત સિલ્વાસા તથા તામિલનાડુના તૂતીકોરીન ખાતે ફેકટરીઓ ધરાવે છે.

તૂતીકોરીન ખાતેનું એકમ વાર્ષિક ચાર લાખ મેટ્રિક ટન તાંબાનું ઉત્પાદન કરે છે.

વર્ષ 2017 દરમિયાન કંપનીનું ટર્નઓવર 11.5 અબજ (અંદાજે રૂ. 770 અબજ) રહ્યું હતું.

સ્થાપનાથી જ વિરોધ

1992માં મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમે રત્નાગીરી જિલ્લામાં સ્ટરાઇટ ઇન્ડસ્ટ્રીઝને 500 એકર જમીન ફાળવી હતી. લોકોના વિરોધ બાદ કંપનીને નિર્માણકાર્ય અટકાવી દેવા નિર્દેશ આપવામાં આવ્યા હતા.

બાદમાં કંપનીએ તામિલનાડુના તૂતીકોરિન ખાતે તેનું એકમ શરૂ કર્યું હતું.

તામિલનાડુના પર્યાવરણવાદી નિત્યાનંદ જયરામનના કહેવા પ્રમાણે, "1994માં તામિલનાડુ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પ્રોજેક્ટને 'ના-વાંધા સર્ટિફિકેટ' આપી દીધું.

બોર્ડે મન્નારની ખાડીથી 25 કિલોમીટર દૂર ફેકટરી શરૂ કરવા કહ્યું હતું, પરંતુ કંપની ખાડીથી માત્ર 14 કિલોમીટરના અંતરે જ ધમધમી રહી છે."

કેટલા કેસો

નેનશલ કોર્ટ ઑફ ક્લિન એન્વાયરમેન્ટ, MDMK નેતા વાઇકો તથા કેટલાક સામ્યવાદી પક્ષોએ કંપની સામે કેસ કર્યા છે.

તેમનો આરોપ છેકે કંપની દ્વારા પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે.

1997-2012 દરમિયાન કંપનીએ સરકારી મંજૂરીઓ લીધી ન હતી તથા કરારો રિન્યુ કરાવ્યા ન હતા.

વર્ષ 2010માં હાઈ કોર્ટે કંપની બંધ કરવાના આદેશ આપ્યા હતા.

ત્યારે કંપનીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. સર્વોચ્ચ અદાલતે કંપનીને રૂ. 100 કરોડનો દંડ ફટકાર્યો હતો અને ઉત્પાદનકાર્ય ચાલુ રાખવાની મંજૂરી આપી હતી.

અચાનક દેખાવો ઉગ્ર બન્યા?

દેખાવકારોના કહેવા પ્રમાણે, કંપનીના સ્થાપનાસમયથી જ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા હતા. પરંતુ હાલમાં કંપનીની વિસ્તરણ યોજના સામે દેખાવો થઈ રહ્યા છે.

નિત્યાનંદના કહેવા પ્રમાણે, "એકદમ ગીચ વસ્તીમાં ઉત્પાદનકાર્ય શરૂ કરવાની મંજૂરી કઈ રીતે આપી શકાય?"

પ્રદર્શનકારી ફાતિમા બાનુનાં કહેવા પ્રમાણે, "કંપીની વિસ્તરણ યોજનાથી હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ વધશે. અમે તેનો વિરોધ કરી રહ્યાં છીએ."

શું કહે છે કંપની?

કંપનીના જનસંપર્ક અધિકારી ઇશાકિમુથ્થુના કહેવા પ્રમાણે, "કંપનીમાંથી બહાર નીકળતા તમામ પ્રકારના કચરાનું સઘન પરીક્ષણ કરવામાં આવે છે.

"નવા પ્રોજેક્ટ માટે શુદ્ધ કરાયેલા દરિયાનાં પાણીનો તથા વેસ્ટેજ વોટરનો ઉપયોગ થઈ રહ્યો છે."

કંપનીનો દાવો છે કે તે બે હજાર લોકોને પ્રત્યક્ષ તથા વીસ હજાર લોકોને અપ્રત્યક્ષ રોજગારી આપે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો