બ્લૉગ : કુમારાસ્વામીની બીજી પત્ની અંગે ઊઠતા સવાલ, પણ જો મહિલા નેતાના બે પતિ હોય તો?

રાધિકા રામાસ્વામી Image copyright Shamika Enterprises

સોશિયલ મીડિયા પર એક તસવીર શેર થઈ રહી છે, જેમાં કર્ણાટકના મુખ્યમંત્રી બનેલા એચ. ડી. કુમારસ્વામી તેમની પુત્રી અને રાધિકા કુમારસ્વામી સાથે જોવા મળે છે.

વૉટ્સઍપ પર વાઇરલ થઈ રહેલાં જૉકમાં મશ્કરી કરાઈ રહી છે કે રાધિકા કુમારસ્વામીની સુંદરતાને કારણે જ કોંગ્રેસ અને જનતા દળ(સેક્યુલર)નું ગઠબંધન ટકી રહ્યું છે.

આ પ્રકારની ભૂંડી મજાકને 'બધું ચાલે હવે'ના મિજાજ સાથે લોકો વાંચે પણ છે અને શેર પણ કરે છે.

આ બધા વચ્ચે લોકોને એ જાણવાની ઉત્સુકતા છે કે શું સાચે એચ. ડી. કુમારસ્વામીએ બીજું લગ્ન કર્યું છે?

કે પછી અભિનેત્રી રાધિકા કુમારસ્વામી સાથે તેમના અનૈતિક સંબંધ છે?

શું આ બન્નેને એક પુત્રી પણ છે? શું તેઓ એકસાથે રહેતાં હતાં?

એચ. ડી. કુમારસ્વામીએ ચૂંટણી પહેલાં આયોગને આપેલી એફિડેવિટમાં પોતાની પહેલી પત્ની અનીતાનું જ નામ લખ્યું છે અને સાર્વજનિક રીતે ક્યારેય રાધિકા કુમારસ્વામીને ક્યારેય પોતાના પત્ની ગણાવ્યાં નથી.

કુમારસ્વામી જ કેમ, ભારતની રાજનીતિમાં ઘણાં એવા નેતા છે કે જેમને પહેલી પત્ની હોવા છતાં ઇતર પ્રેમસંબંધ રાખ્યા હોય અને તે મહિલા તેમના ઘરમાં પણ રહેતી હોય.

નેતાઓએ બીજા લગ્ન કર્યા હોય એવું પણ બન્યું છે.

લોકસભા સાંસદ કનિમોઝી કે જેઓ દ્વવિડ મુનેત્ર કડગમ(ડીએમકે)ના વરિષ્ઠ નેતા કરુણાનિધિના ત્રીજા લગ્નથી જન્મેલું સંતાન છે.

Image copyright Getty Images

ડીએમકે નેતા ટી આર બાલૂએ પણ તેમની એફિડેવિટમાં પોતાની બે પત્નીઓનાં નામ લખ્યા છે.

પણ તમારા ધ્યાનમાં એવી કોઈ મહિલા નેતાનું નામ આવે છે કે જેમનો પહેલો પતિ જીવિત હોય અથવા તો પહેલા પતિને છૂટાછેડા આપ્યા વગર જ બીજા પુરુષ સાથે પ્રેમ સંબંધ બાંધ્યા હોય?

કે પછી બીજા પુરુષ સાથે એક ઘરમાં જ રહ્યાં હોય અથવા તેમની સાથે લગ્ન કર્યાં હોય?

આ વિચારવું જ તમને અજીબ લાગે છે ને? મહિલા નેતાના ચરિત્ર પર મનમાં અનેક સવાલો ઊભા થઈ ગયા હશે.

એ જ પ્રકારે જે રીતે પુરુષ નેતાઓની મહિલા મિત્રોના ચરિત્ર પર સવાલો ઊઠ્યા હશે.

પણ પુરુષ નેતાઓ આ પ્રકારના પ્રશ્નોમાં નથી ઘેરાતા, કદાચ ચર્ચા થાય તો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈને ગાયબ થઈ જાય છે.

શું કોઈ મહિલા નેતા આવું કરે તો તેમની આ રીતે અવગણના કરીશું?

પુરુષ નેતા પ્રેમ સંબંધ રાખે કે બીજા લગ્ન કરી અને જનતા તેમને સ્વીકારી લે છે અને તેમને વારંવાર ચૂંટણીમાં જીતાડે પણ છે.

પહેલા પતિ કે પત્ની જીવિત હોવા છતાં અથવા તો છૂટાછેડા આપ્યા વગર બીજા લગ્ન કરવા ઇન્ડિયન પીનલ કોડની કલમ 494 અંતર્ગત ગેરકાયદેસર છે.

આમ છતાં કરુણાનિધિ અને ટી.આર.બાલૂ જેવા ઘણાં પુરુષો બીજા લગ્ન કરે છે અને તેમના વિરુદ્ધ કોઈ જ કાયદેસરની કાર્યવાહી થતી નથી.

એનું કારણ એવું પણ છે કે આ કાયદો 'કૉગ્નિઝેબલ' નથી, એટલે કે પોલીસ જાતે કાર્યવાહી કરીને કોઈ પુરુષ કે સ્ત્રીને બીજા લગ્ન કરવાના ગુનામાં ધરપકડ નથી કરતી.

આવા પુરુષ કે સ્ત્રી પર ત્યારે જ કાર્યવાહી થઈ શકે, જ્યારે પહેલી પત્ની કે પતિ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવે.

આ કાયદો મુસ્લિમ સ્ત્રીઓ પર લાગુ થાય છે, પણ મુસ્લિમ પુરુષોને 'મુસ્લિમ પર્સનલ લૉ' હેઠળ ચાર લગ્ન કરવાની છૂટ આપવામાં આવે છે.

જો તે પાંચમું લગ્ન કરે તો આ કાયદા અંતર્ગત ગેરકાયદેસર ગણાશે અને પહેલી પત્ની ફરિયાદ કરે તો પણ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

Image copyright Getty Images

મુદ્દાની વાત એ છે કે પહેલી પત્ની ફરિયાદ કરે કે ન કરે, બીજી લગ્નની કોઈ જ કાયદેસર માન્યતા નથી.

બીજી પત્ની પતિને વારસામાં મળેલી સંપત્તિમાં ભાગ મેળવવા હકદાર નથી અને જો વસિયતાનામામાં કોઈ ઉલ્લેખ ન કર્યો હોય તો તે સંપત્તિમાં હિસ્સો મેળવવાના હકદાર પણ રહેતાં નથી.

વર્ષ 2009માં 'લૉ કમિશન ઑફ ઇન્ડિયા'એ ભલામણ કરી હતી કે આ કાયદાને 'કૉગ્નિઝેબલ' બનાવી દેવો જોઈએ.

જેથી પહેલી પત્ની કોઈ દબાવ હેઠળ ફરિયાદ ન પણ કરી શકે તો બીજા લગ્ન કરનાર પુરુષ વિરુદ્ધ, પોલીસ જાતે કાર્યવાહી કરી શકે.

પણ હજી સુધી આવું થયું નથી અને લોકોની નજર હોવા છતાં પુરુષ નેતાઓ આ પ્રકારના સંબંધો રાખે છે.

હું અહીં બીજી પત્ની અંગે જ વાત કરી રહી છું પણ આ બધું બીજા પતિ માટે પણ લાગુ થવું જોઈએ.

પણ રાજનીતિમાં ઘણી બધી સીમાઓ પાર કરીને આગળ વધેલી મહિલાઓ કદાચ આ પ્રકારનું જોખમ લેશે જ નહીં.

જનતાએ મહિલા નેતાઓને માટે એવો વિશ્વાસ ક્યારેય નથી દાખવ્યો કે તેમના પ્રેમ સંબંધ કે બીજા લગ્નને સામાન્ય લોકો સ્વીકારી શકે.

તમે જ કહો શું તમે કોઈ મહિલા નેતાના આ પ્રકારના સંબંધની તમે અવગણના કરી શકશો?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો