દલિતો અને મુસ્લિમો વિશે વાત કરવી શા માટે જરૂરી?

દલિત મહિલા Image copyright Getty Images

પોર્ટુગલ, હંગેરી, સ્વીડન અને ઑસ્ટ્રિયાની કુલ વસતી છે ચાર કરોડ. ભારતમાં સૌથી વધુ વસતી ધરાવતા ઉત્તર પ્રદેશમાં લગભગ આટલા જ મુસલમાનો વસે છે. જરા વિચારો, આ ચાર કરોડ લોકોનું લોકસભામાં કોઈ પ્રતિનિધિત્વ નથી.

આ બાબતે ખરેખર ચિંતા અને ચર્ચા થવી જોઈએ, પણ ભારતમાં મુસલમાનોના રાજકીય પ્રતિનિધિત્વનો મુદ્દો ક્યાંય નથી.

ગુજરાતમાં છેલ્લા અઢી દાયકાથી ભારતીય જનતા પાર્ટી (બીજેપી) સત્તા પર છે, પણ રાજ્યની કુલ વસતીમાં નવ ટકા મુસલમાનો હોવા છતાં 2017ની ચૂંટણીમાં તેણે એકેય મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી ન હતી.

ભારતમાં હિંદુત્વના રાજકારણે મુસલમાનોના મત અને તેમના રાજકારણને નિરર્થક બનાવી દીધું છે. ચૂંટણીમાં 80 ટકાનો મુકાબલો 14 ટકા સાથે થશે એવો નિયમ બની ગયો હોય એવું લાગે છે.

આવી પરિસ્થિતિમાં મુસલમાનો માટે લોકશાહીનો શું અર્થ છે, એ ગંભીરતાથી વિચારવાની વાત છે.

કોંગ્રેસના શાસનકાળમાં મુસ્લિમોને જે મળ્યું તેને બીજેપી 'તુષ્ટિકરણ' કહે છે, પણ કોંગ્રેસના શાસનકાળમાં દેશના કરોડો મુસલમાનોની હાલત ખરેખર સુધરી છે?

મુસલમાનોની વર્તમાન હાલત છેલ્લા ચાર વર્ષની નહીં, પણ દાયકાઓની ઉપેક્ષા તથા રાજકીય ચાલબાજીનું પરિણામ છે.

Image copyright Getty Images

મહત્ત્વની વાત એ પણ છે કે બીજેપીએ જે પ્રકારનું વાતાવરણ બનાવ્યું છે તેમાં કોંગ્રેસ તથા અન્ય પક્ષો પણ મુસલમાનોથી એક ખાસ પ્રકારનું અંતર રાખી રહ્યા છે અને કદાચ ભવિષ્યમાં પણ રાખશે.

સંખ્યાબંધ સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને રાજકીય મુદ્દાઓ છે, જેના કેન્દ્રમાં મુસલમાનો છે, પણ મુસલમાનોની દેશભક્તિ માપવા સિવાયના બધા મુદ્દા હાંસિયામાં ધકેલી દેવાયા છે.

'સબકા સાથ, સબકા વિકાસ' સૂત્ર સાથે સત્તા પર આવેલી બીજેપીના 'સબ'માં મુસલમાનોનો પણ સમાવેશ થતો હોય એવું દેખાતું નથી.

વસતીના પ્રમાણમાં મુસલમાનોનું પ્રતિનિધિત્વ માત્ર રાજકારણમાં જ નહીં, પરંતુ કૉર્પોરેટ, સરકારી નોકરી તથા પ્રોફેશનલ કૅરિયરના ક્ષેત્રોમાં પણ નથી.

આ હકીકતનું સમર્થન ઘણા અભ્યાસોમાં થઈ ચૂક્યું છે અને તેમાં 2006ની જસ્ટિસ સચ્ચર કમિટીનો રિપોર્ટ સૌથી વધારે જાણીતો છે.

અખલાક, જુનૈદ, પહલૂ ખાન અને અફરાજુલ જેવાં અનેક નામો છે, જેમની હત્યા તેઓ મુસલમાન હતા એ કારણસર જ થઈ હતી.

અમેરિકન એજન્સી યુએસ કમિટી ઓન ઇન્ટરનેશનલ રિલિજસ ફ્રીડમે તેના તાજા અહેવાલમાં જણાવ્યું છે, "નરેન્દ્ર મોદીના શાસનકાળમાં ધાર્મિક લઘુમતીઓનું જીવન અસલામત બન્યું છે."

એ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સહારનપુર અને મુઝફ્ફરનગરના કોમી હુલ્લડોના પીડિતોને ન્યાય મળ્યો નથી.

Image copyright Getty Images

એ રિપોર્ટમાં લખ્યું છે, "વડાપ્રધાને કોમી હિંસાની નિંદા તો કરી છે, પણ હિંસા ભડકાવવામાં તેમના પક્ષના લોકો સામેલ હતા."

કાસગંજ, ઔરંગાબાદ, રોસડા, ભાગલપુર તથા આસનસોલ જેવાં દેશનાં અનેક શહેરોમાં કોમી હિંસા ભડકી હતી.

તમામ કિસ્સામાં હિંસાની પેટર્ન એકસમાન હતી. કેટલાક કિસ્સામાં તો બીજેપીના નેતાઓએ તોફાનીઓનું નેતૃત્વ કર્યું હતું.

તેમાં એક નિર્ધારિત વ્યૂહરચના અનુસાર મુસલમાનોની દુકાનોને નિશાન બનાવવામાં આવી હતી.

દેશમાં લગભગ 17 કરોડ મુસલમાનો રહે છે. આખી દુનિયામાં 'ઇસ્લામ ફોબિયા' છવાયેલો છે, ત્યારે મુસલમાન હોવું એ ગુનો હોય તેવું જોવા-દેખાડવામાં આવી રહ્યું છે.

આ પરિસ્થિતિમાં કરોડો મુસલમાનો તથા તેમના મુદ્દાઓને સંતુલિત રીતે એજન્ડા પર લાવવાની તાતી જરૂરિયાત છે.


દલિતોની હાલતનું આકલન જરૂરી

Image copyright Getty Images

દલિતોની રાજકીય હાલત થોડી અલગ છે, કારણ કે તેમના મત હિંદુઓના 80 ટકા મતનો મહત્ત્વનો હિસ્સો છે.

મુસલમાનોની માફક તેમને બાકાત રાખીને સત્તાનાં ગણિતનાં ચોકઠાં બેસાડવાનું અશક્ય છે. તેથી દલિતોના ઘરે જઈને જમવાના કરતબ દેખાડવાનો સિલસિલો ચાલુ છે.

દલિતોની હાલત સદીઓથી એવીને એવી જ રહી છે તેથી તેમને દલિત કહેવામાં આવે છે.

આઝાદી પછી બંધારણ મારફત મળેલા અધિકારોને લીધે તેમની હાલત થોડી સુધરી છે, પણ આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ દલિતોને તેમના ઉજ્જવળ ભવિષ્યની ખાતરી છે એવું કહી ન શકાય.

જે બંધારણીય જોગવાઈઓને કારણે દલિતોની હાલતમાં થોડો-ઘણો સુધારો થયો છે, એ જોગવાઈઓ રહેશે કે નહીં તે બાબતે દલિતોના મનમાં શંકા છે.

એસસી-એસટી અત્યાચાર વિરોધી કાયદામાં ફેરફાર આવો જ એક મુદ્દો છે, જેનો દલિતોએ જોરદાર વિરોધ કર્યો હતો. હવે સરકારે સુપ્રીમ કોર્ટના આદેશમાં પરિવર્તન માટે અરજી દાખલ કરી છે.

ગયા મહિને દલિતોએ જે વિરોધ પ્રદર્શિત કર્યો તેમાં થયેલી હિંસા અને પોલીસનું વલણ એવી કેટલીક બાબતો છે, જે ઘણા સંકેત આપે છે.

અનામત સામે સવર્ણોમાં જે તણાવ અને રોષ છે, એ હવે અલગ રીતે બહાર આવી રહ્યો છે અને સરકાર માટે મોટી વિમાસણ સર્જી રહ્યો છે.

હિંદુત્વના રાજકારણના ચુસ્ત ટેકેદારોમાં બ્રાહ્મણો અને રાજપુતો સામેલ છે. તેઓ અનામતને આફત ગણે છે.

Image copyright Getty Images

ગુજરાતના ઉનામાં કે ઉત્તર પ્રદેશના સહારનપુરમાં કે દલિત વરરાજા દ્વારા ઘોડેસવારી જેવા મુદ્દે દરરોજ દલિતો પર થતા હુમલાઓમાં બીજેપીના આ 'ચુસ્ત ટેકેદારો' અને દલિતો સામસામે હોય છે, જેનો ટેકો બીજેપી ઇચ્છે છે.

દલિતો પર સવર્ણો દ્વારા અત્યાચારના કિસ્સાઓમાં બીજેપીનું નેતૃત્વ ચૂપ રહેવાની નીતિ અપનાવે છે, કારણ કે તેને બેમાંથી કોઈ પણ એક પક્ષના ટેકેદાર તરીકે દેખાવું નથી.

જોકે, 'આક્રમક હિંદુત્વના સિપાઈઓને' એવો સંદેશો મળે છે કે સરકાર તેમની સાથે છે.

દલિતો પર હુમલો કરનારાઓ સામે આકરાં પગલાં લેવાયાં હોય એવો એકેય દાખલો શોધ્યો જડતો નથી. તેમણે તો આકરી ટીકાનો સામનો પણ કરવો પડ્યો નથી.

યાદ કરો, ઉનાની ઘટનાના લાંબા સમય પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એટલું જ કહ્યું હતું, "દલિતોને નહીં, મને મારો."

બીજી તરફ વિરોધ પ્રદર્શન કરતા દલિતો સામે પોલીસનું આકરું વલણ, દલિતોના અગ્રણી નેતા ચંદ્રશેખર આઝાદ રાવણ પર રાષ્ટ્રીય સલામતી ધારો લગાવીને તેમને જેલમાં કેદ કરવા, દલિત અત્યાચારના કિસ્સાઓમાં દોષિત લોકોને બચાવવાના પ્રયાસ અને ભીમા કોરેગાંવની હિંસાના આરોપીઓની લાંબા સમય સુધી નહીં થયેલી ધરપકડ. આ બધાને કારણે દલિતોની આશંકા વધારે સજ્જડ થઈ છે.

ક્યારેક બંધારણમાં ફેરફારની વાતો કરતા અનંતકુમાર હેગડે તો ક્યારેક અનામતના અંતની વાતો કરતા સી.પી. ઠાકુર. આ બધાને કારણે દલિત સમાજમાં વ્યાકુળતા છે.

2011ની વસતી ગણતરી અનુસાર, ભારતમાં દલિતોની કુલ વસતી 20 કરોડ છે. તેથી તેમની વર્તમાન હાલતની સમીક્ષા જરૂરી હોય એ દેખીતું છે.


બીબીસીની સ્પેશિયલ સીરિઝ

Image copyright Getty Images

આ કારણસર બીબીસી દલિતો અને મુસલમાનો સાથે જોડાયેલા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને એક વિશેષ શ્રેણી રજૂ કરી રહ્યું છે.

આગામી દિવસોમાં તમને તથ્ય આધારિત, તાર્કિક અને સંતુલિત વિશ્લેષણ જોવા-વાંચવા-સાંભળવા મળશે.

તેનો હેતુ સમાજમાં જ નહીં, પણ દેશના મીડિયામાં પણ હાંસિયા પર ધકેલાઈ ગયેલા દલિતો તથા મુસલમાનોનો અવાજ તમારા સુધી પહોંચાડવાનો છે.

બીબીસીની આ વિશેષ શ્રેણી દેશની લગભગ એક-તૃતીયાંશ વસતી સાથે જોડાયેલી છે. એ લોકોની જિંદગી, તેમના સંઘર્ષ, તેમનાં સપનાં અને તેમના ભવિષ્ય વિશેની છે.

ભારતમાં અંદાજે 40 કરોડ લોકો દલિત કે મુસલમાન છે. આટલી મોટી વસતી વિશે જેટલી વાત થવી જોઈએ, જેટલી ગંભીરતાથી થવી જોઈએ એટલી થઈ રહી છે? જવાબ છેઃ ના.

દેશના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને કહ્યું હતું, "લોકશાહીની ઓળખ, એ તેની લઘુમતિને જે સલામતી આપવામાં આવે છે, તે હોય છે."

સૌથી મહત્ત્વની વાત છે દેશના બંધારણની પ્રસ્તાવનામાં લખેલા ત્રણ શબ્દોઃ સ્વતંત્રતા, સમતા અને બંધુત્વ.

તમે આ શબ્દોનું મહત્ત્વ સમજતા હો કે સમજવા ઇચ્છતા હો તો આ શ્રેણી તમારા માટે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ