વિનોદ ભટ્ટની મૃત્યુ વિશેની વાતમાં પણ ભરપૂર 'વિનોદ' હતો

ઇમેજ સ્રોત, FACEBOOK/THAKARANAND
ગુજરાતના પીઢ હાસ્યલેખક વિનોદ ભટ્ટનું 80 વર્ષે નિધન થયું છે.
ઇન્કમટેક્સ કન્સલટન્ટ જેવી બોરિંગ નોકરી કરતાં કરતાં કોઈ હાસ્યનું સર્જન કરી શકે? જેમનો જવાબ 'ના' હોય એમણે કદાચ વિનોદ ભટ્ટને વાંચ્યા નહીં હોય.
14 જાન્યુઆરી 1938ના રોજ અમદાવાદના નાંદોલમાં જન્મેલા વિનોદ ભટ્ટે નોકરી ભલે 'ઇન્કમટેક્સ કન્સલટન્ટ'ની કરી હોય પણ વ્યવસાસ એમણે લોકોને હસાવવાનો પસંદ કર્યો. શુદ્ધ હાસ્યનો.
અમદાવાદમાં રહીને વિવિધ અખબારોમાં કટારલેખન કરીને વિનોદ ભટ્ટે લોકોને વર્ષો સુધી હસાવ્યા.
'ઇદમ તૃતીયમ્', 'વિનોદ ભટ્ટના પ્રેમપત્રો', 'વિનોદની નજરે', 'હાસ્ય','આંખ આડા કાન', 'ઇદમ ચતુર્થમ્' જેવાં તેમના પુસ્તકોને વિવિધ પારિતોષિકોથી નવાજવામાં આવ્યાં હતાં.
વિનોદ ભટ્ટે 'ગુજરાતની હાસ્ય ધારા', 'હાસ્યાયન', 'શ્રેષ્ઠ હાસ્ય રચનાઓ', 'હાસ્ય માધુરી', 'હાસ્ય નવનીત', 'જ્યોતિન્દ્ર દવેની પ્રતિનિધિ હાસ્ય રચનાઓ', 'હાસ્યેન્દ્ર જ્યોતિન્દ્ર' જેવા પુસ્તકોનું સંપાદન કર્યું હતું.
તેમણે માત્ર હાસ્યરચનાઓ જ નહોતી લખી પણ 'સ્વપનદ્રષ્ટા મુનશી','ગ્રેટ શોમેન જ્યોર્ડ બનાર્ડ શો', 'એન્ટવ ચેખવ' જેવા પરિચયકોશ પણ આપ્યા હતા.
મૃત્યુમાં પણ 'વિનોદ'
ઇમેજ સ્રોત, Tejas Vaidya
'એવા રે અમે એવા' આત્મકથા લખનારા વિનોદ જાત પર હસી શકતા હતા. તમામ રંગમાં ને હરેક રૂપમાં વિનોદ ભટ્ટ હાસ્ય શોધી લેતા હતા.
'સેલિબ્રિટી સંવાદ' પુસ્તકમાં વિનોદ ભટ્ટે લેખક આનંદ ઠાકર સાથે મૃત્યુની ચર્ચા કરી હતી, જેમાં પણ 'વિનોદ' જોવા મળે છે.
ભટ્ટે કહે છે, ''એક વિચાર મને દરરોજ આવે છે કે મારા ગયા પછી આ જગતનું શું થશે? જો મારા ગયા પછી સારું ચાલે તો પણ નહીં ગમે કે મારા ગયા પછી પણ સારું ચાલે છે. ખરાબ ચાલશે તો પણ લાગી આવશે.''
મૃત્યુના ભયના કિસ્સાઓ વર્ણવતા ભટ્ટ કહે છે, ''એક વાર અમે ચોખા લેવા ગયા હતા. મારો ડ્રાઇવર ખૂબ સ્પીડમાં ગાડી ચલાવે. મેં ગાડી સાઇડમાં રખાવી કહ્યું, જો ભાઈ, આ ચોખા ઘરે ખાવા માટે લઈ જઈએ છીએ, મારા કારજ માટે નહીં.''
ઇમેજ સ્રોત, Kalpit Bhachech
શોકાતૂર પરિવાર
અમેરિકાથી પરત ફરતી વખતે વિમાનમાં સર્જાયેલી ખામીને યાદ કરતા કહે છે, ''અમેરિકાથી પરત આવતા હતા ત્યારે પ્લેનમાં ગડબડ થઈ હતી.
''એ સમયે મને ભૂખને તરસ તો સુકાઈ ગઈ પણ 'લઘુ' ને 'ગુરુશંકા' પણ ઓલવાઈ ગઈ. મને ક્યારેક એવો વિચાર પણ આવે કે આ પ્લેન તૂટી ગયું તો મારું આ ડાયાબિટીસવાળું શરીર કયા પ્રાણીના ભાગમાં આવશે?''
''એક વાર પ્લેનમાં દિલ્હી જતો હતો ત્યારે ટોઇલેટમાં ગયો તો ત્યાંથી નીચે જોયું, ગાડીઓ ખૂબ જ નાની દેખાતી હતી.
''ત્યારે વિચાર આવ્યો કે પ્લેન નીચે પડે તો? આ વિચારે ત્યાંને ત્યાં મારી લઘુશંકાની વૃત્તિ બંધ થઈ ગઈ અને આવીને બેસી ગયો.''
વિનોદ ભટ્ટ કહે છે કે તેમણે ક્યારેય નહોતું વિચાર્યુંકે તેઓ લેખક બનશે અને ઉમેરે છે, 'આ સ્ટેજે' પહોંચીશ, એવું તો ક્યારેય સ્વપ્નેય નહોતું વિચાર્યું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો