ડૅની ધારદાર હથિયાર સાથે જંગલમાં કેમ ફરે છે?

  • રાજેશ જોશી
  • સંપાદક, બીબીસી હિંદી રેડિયો

હાથમાં ધારદાર હથિયાર લઈને ડૅની ડૅન્ઝોંગ્પા એક ગાઢ જંગલમાં ઝાડી-ઝાંખરા સાફ કરતા, પરસેવે રેબઝેબ થયેલા આગળ વધતા હતા.

જો તમને એવું પૂછવામાં આવે કે આ દૃશ્ય પછી શું થયું હશે તો કદાચ તમે કહેશો કે હિન્દી ફિલ્મોના ખૂંખાર વિલન ડૅની બીજી જ ઘડીએ ધારદાર ઘા કરીને તેમના દુશ્મનના ચાર ટુકડા કરી દે છે અને પછી મોટી સ્ક્રીન પર તેમનું અટ્ટહાસ્ય જોવા અને સાંભળવા મળે.

પણ, તમે ભૂલ કરી ગયા

આ ડૅનીની ફિલ્મનું દૃશ્ય નહોતું, તે પોતાની વાસ્તવિક જિંદગીમાં પણ સિક્કિમનાં જંગલોમાં ધારિયું લઈને ઝાડ કાપતા પગપાળા જ નીકળે છે, ઘોડેસવારી પણ કરે છે અને સીત્તેર વર્ષની વયે ઝાડ પર પણ ચઢી જાય છે. ડૅનીનું કહેવું છે કે તેમના સારા સ્વાસ્થ્યનું રહસ્ય પણ આ જ છે.

ટાગોરની વાર્તા

તે કહે છે કે, "અમે લોકો શિકારી હતા. આ અમારા લોહીમાં જ છે. અમે જાનવરોની પાછળ ભાગતા હતાં પણ હવે જ્યારથી ગાડીઓ આવી ગઈ છે, એસી આવી ગયા છે, લોકો ટીવી સામે બેસી જાય છે પછી એસી ગાડીમાં જ મુસાફરી કરે છે. પણ મેં હજુ ચાલવાની આદત છોડી નથી."

આ શુક્રવારે ડૅનીની ફિલ્મ 'બાઇસ્કોપવાલા' રિલીઝ થઈ છે પણ તેના પ્રીમિયરમાં હાજર રહેવાના બદલે ડૅની પંદર દિવસ માટે ગેંગટોકથી આગળ પર્વતારોહણ કરવા જવાની તૈયારી કરી રહ્યા છે.

ડૅનીએ તેમના ગામ યુકસમથી ફોન પર કહ્યું હતું કે, "બધો જ સામાન તૈયાર છે, ઘોડા તૈયાર છે, એટલે જ હું 'બાઇસ્કોપવાલા'ના પ્રીમિયરમાં હાજરી નહીં આપી શકું."

તેઓ મુંબઈની ભીડભાડ અને શોરબકોર ભરેલી જિંદગી છોડીને સિક્કિમ સ્થિત પોતાના ગામમાં જ પહોંચી જાય છે.

ડૅનીની ફિલ્મ

ચાર દસકાં જેટલો સમય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ગાળ્યા બાદ પણ ડૅની બધાં વિશે સારી વાતો જ કહેતાં હોય છે.

તેઓ કહે છે કે, "હું જ્યારે સ્કૂલ જતો હતો ત્યારે મારા ગામથી બસ પકડવા માટે ત્રણ દિવસ પહેલાં ચાલીને આવવું પડતું હતું. હું મુંબઈ પહોંચ્યો તો મારા પાસે ફક્ત 1500 રૂપિયા હતાં. પણ આજે જો બધુ લૂંટાઈ પણ જાય તો જે બૂટ હું પહેરું છું તે સો ગણી વધારે કિંમતના હશે."

તેમને એ વાતનો પણ અફસોસ નથી કે હવે તેમને તેમની પસંદગીનું કામ નથી મળતું.

તેમની નવી ફિલ્મ 'બાઇસ્કોપવાલા' રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા કાબુલીવાલા પર આધારીત છે. જેના પર આ નામથી જ પહેલાં પણ ફિલ્મ બની છે.

પણ આ વખતે ટાગોરની આ વાર્તાને જૂના જમાનામાં નહીં પણ 1980ના દસકામાં દેખાડવામાં આવી છે. ડૅનીએ આ ફિલ્મમાં કાબુલીવાલાનો રોલ કર્યો છે.

ડૅનીની જીદ

આ ફિલ્મમાં ડૅની અફઘાન બાઇસ્કોપવાળાની ભૂમિકામાં જોવા મળશે. તેઓ કહે છે કે કાબુલીવાલાનો રોલ કરવામાં તેમને વધારે મહેનત નથી કરવી પડી.

તેઓ કહે છે કે પૂનાના ફિલ્મ અને ટેલીવિઝન ઇંસ્ટીટ્યૂટમાં તેમનો એક મિત્ર અફઘાનિસ્તાનનો રહેવાસી હતો, જેમની પાસેથી તે પઠાણોની છટા શીખ્યા હતાં અને એ છટા તેમને આ ફિલ્મમાં કામ લાગી.

જે ફિલ્મી દુનિયામાં ચોકલેટી હીરોને જ એક્ટર ગણવામાં આવતા હતાં એ સીત્તેરના દસકાની શરૂઆતમાં ઉત્તર-પૂર્વના મૉંગોલ ચહેરો ધરાવતા ડૅનીને ફિલ્મી દુનિયામાં પ્રવેશ લેવામાં કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે તેની ફક્ત કલ્પના જ કરી શકાય.

'મેરે અપને' ફિલ્મમાં

ડૅની કહે છે કે એ દિવસોમાં નાટકીય ફિલ્મો જ બનતી હતી જેમાં સાસુ અને વહુ વચ્ચેના ઝઘડાં, ભાઈઓનું મિલન અને ભાઈઓનું છૂટું પડવું, હીરો-વિલનની કહાણીઓ વધારે રહેતી હતી.

ડૅની કહે છે કે તેમને કેટલાક શુભચિંતકોએ મને સલાહ આપી હતી કે જે પ્રકારની ફિલ્મો બને છે, એમાં તારા જેવા ચહેરા કોઈ પણ ભૂમિકામાં યોગ્ય નહીં લાગે એટલે હજી પણ સમય છે નોકરી કરી લો.

પણ ડૅનીની જીદ હતી કે એક્ટર તરીકે તેઓ પોતાના પગ જમાવીને જ રહેશે.

તેમણે પૂના ફિલ્મ ઇંસ્ટીટ્યૂટમાંથી એક્ટિંગનો ડિપ્લોમા મેળવ્યો હતો, તેઓ પ્રોફેશનલ ગાયક હતા અને ઘરે પરત જવા માટે તૈયાર નહોતા.

એવામાં ગુલઝારે ડૅનીને 'મેરે અપને' ફિલ્મમાં એક વિદ્યાર્થીનો નાનો રોલ કરવા આપ્યો. એ ફિલ્મ સારી ચાલી અને ડૅનીના અભિનયના લોકોએ વખાણ પણ કર્યાં.

ડૅનીની સ્વીકાર્યતા

ત્યારબાદ 1971માં નિર્દેશક બી આર ઇશારાએ તેમની ફિલ્મ 'જરૂરત'માં ડૅનીને લીધા. પછી હિન્દી ફિલ્મ ઇંડસ્ટ્રીના દરવાજા ડૅની માટે ખુલી ગયા.

બી આર ચૌપડાની ફિલ્મ 'ધુંધ'માં ડૅનીએ ક્રોધી અને અપંગ પતિની ભૂમિકા એ રીતે નિભાવી કે તેમની એક્ટીંગનો રોફ જામી ગયો અને ડૅનીને 'ખોટે સિક્કે', 'ચોર મચાએ શોર', 'ફકીરા', 'કાલીચરન' જેવી ફિલ્મ એક પછી એક મળવા લાગી.

પણ ડૅની કહે છે કે તેમને અંદરથી એ વાત પર વાંધો હતો કે તેમના જેવા મૉંગોલ ચહેરા ધરાવતા એક્ટરને ઉત્તર ભારતીય પાત્રોની ભૂમિકા જ ભજવવાનું કહેવામાં આવે.

જ્યારે એન એન સિપ્પીએ 'ફકીરા' ફિલ્મમાં ડૅનીને શશિ કપૂરના ભાઈનો રોલ આપવામાં આવ્યો તો તેમણે કહ્યું કે “હું કોઈ પણ રીતે શશિ કપૂરના ભાઈ જેવો તો દેખાતો નથી.” પણ સિપ્પીએ તેમને કહ્યું કે દર્શકોએ તમને સ્વીકારી લીધા છે અને હવે દર્શકો તમને કોઈ પણ રોલમાં સ્વીકારશે.

એક્ટર સાથે ગાયક પણ છે ડૅની

ડૅનીએ હસતાં કહ્યું કે, "ત્યારબાદ વિનોદ ખન્નાના ભાઈ, શત્રુઘ્ન સિંહાના ભાઈ, મિથુન ચક્રવર્તીના ભાઈ, પિતા, દોસ્ત અને દુશ્મન બધાનો રોલ કર્યો." સમસ્યા એ હતી કે ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટિટ્યૂટથી એક્ટિંગની જેવી ટ્રેનિંગ ડૅનીને મળી હતી, ફિલ્મી દુનિયામાં તેના કરતા તદ્દન અલગ જ કામ કરવાનું કહેવામાં આવ્યું.

"ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં અમને કહેવામાં આવ્યું હતું કે તમારે એક્ટિંગ નથી કરવાની પણ સ્થિતિ અનુસાર વ્યવહાર કરવાનો છે. અમને ત્યાં કોંસ્ટાંટીન સ્તાનિસ્લાવ્સ્કીની એક્ટિંગ થીયરી શીખવવામાં આવી હતી. ન્યૂયોર્કથી મૅથડ એક્ટિંગ શીખવાડવા માટે એક શિક્ષક આવ્યા હતાં. પણ ફિલ્મોમાં જ્યારે એ પ્રમાણે એક્ટિંગ કરીએ તો ડાયરેક્ટર શૉટ ઓકે જ ન કરે."

ડૅની કહે છે કે એ ડાયલૉગબાજીનો સમય હતો. લાઉડ ઍક્સ્પ્રેશન અને લાઉડ મેકઅપ એ સમયની ખાસિયત હતી. જે લોકો આર્ટ ફિલ્મમાં રિયલિસ્ટિક એક્ટિંગ કરતા હતા એવા એક્ટરોને કામ જ નહોતું મળતું પણ જે લોકો બજારની માગ જોઈને એક્ટિંગ કરતા એ લોકો પાસે કામ જ કામ હતું.

ડૅની કહે છે કે, "મેં વિચાર્યું કે પહેલા સ્ટાર બની જઈએ અને જ્યારે મારું નામ થઈ જશે ત્યારબાદ મનપસંદ ફિલ્મોમાં કામ કરીશું. દુર્ભાગ્યની વાત એ છે કે ફિલ્મો કરતા કરતા એક છાપ ઊભી થઈ જાય છે અને પછી અન્ય પ્રકારની ફિલ્મોમાં ફીટ જ નથી થઈ શકતા."

પણ હવે એ વાતનો સંતોષ છે કે ધીમે-ધીમે દર્શકોને પણ ખ્યાલ આવે છે કે સહજ એક્ટિંગ જ ખરા અર્થમાં એક્ટિંગ છે. હવે તેમના પાસે બહારની ફિલ્મો જોવાની તક હોય છે અને લોકો સરળતાથી બન્નેની તુલના કરી શકે છે.

ડૅની એક્ટરની સાથે એક સારા ગાયક પણ છે. તેમણે ઇન્ડસ્ટ્રીના મોટાં ગાયકો જેમ કે લતા મંગેશકર, આશા ભોંસલે, મોહમ્મદ રફી અને કિશોર કુમાર સાથે ગીતો ગાયા છે અને તેમના ગીત હિટ પણ રહ્યાં છે.

તેમના એક ગીતનું જૉની વૉકર અને જયશ્રી ટી સાથે ફિલ્માંકન કર્યું હતું - મેરે પાસ આવો, મેરા નામ રાવો.

એ વખતને યાદ કરતા ડૅની જોરથી હસીને કહે છે કે, તમે મને પૌરાણિક સમયની વાત યાદ કરાવો છો. જે રોલ જૉની વૉકરે કર્યો તે પહેલાં ડૅનીને મળ્યો હતો. પણ છેલ્લી ઘડીએ તેમનો રોલ કાપી દેવાયો. પણ સચિન દેવ બર્મને જીદ કરીને કહ્યું કે ગીત તો ડૅનીના અવાજમાં જ જશે અને ડૅનીએ એ ગીત ગાયું પણ ખરું.

પણ ગેંગટોક પાસેની પર્વતમાળામાં આવેલા પોતાના ઘરમાં શાંતિથી બેસીને ટેલીફોન પર ગીત ગાવાની ના પાડી. રિયાઝ વગર ગાવું તેમને સ્વીકાર્ય નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો