દલિત હોવાથી તરછોડાતી બે મહિલાઓની સંઘર્ષગાથા

  • ભાર્ગવ પરીખ
  • બીબીસી ગુજરાતી માટે
પ્રવીણા વાઘેલા

ઇમેજ સ્રોત, Dilip Thakar

"મેં વર્ષો સુધી સારું જમવાનું જોયું ન હતું, સવારે સફાઈ, સાંજે રોટલી, શાક માગી લાવવાનું અને ખાઈને રાત્રે ઊંઘી જવાનું" આટલા શબ્દો બોલતાં જ પ્રવીણાબહેન અસ્વસ્થ થઈ જાય છે.

અમારી વિશેષ શ્રેણી દલિત અને મુસ્લિમોની વાતમાં આજે એવી બે દલિત મહિલાની વાત કે જેમણે જિંદગીના દુ:ખો સામે લડી પોતાની જાતે જીવનનો નવો માર્ગ કંડાર્યો.

પ્રવીણાબહેન અમદાવાદથી આશરે 75 કિલોમીટર દૂર આવેલા ધોળકામાં રહે છે.

બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે કે હું મારાં બાળકોને મેં જીવેલી જિંદગી તો નહીં જ બતાવું. તેમનું નાનપણ દુઃખોથી ભરેલું હતું.

તેમના જન્મ પહેલાં જ માતાપિતા વચ્ચે ઝઘડો થતાં બંને અલગ થયાં, આ સમયે તેમનો જન્મ થયો, તેમની પાંચ વર્ષની ઉંમરે ફરી તેમનાં માતાપિતા એક થયાં.

પિતા સફાઈ કામદાર, પાંચ બહેનો અને ભાઈ નહીં એટલે તેમના માતા પર દીકરા માટે ભારે દબાણ હતું.

ઘરમાં પરિવારના સભ્યોને પૂરતું ખાવાનું પણ મળે નહીં અને તેમનાં માતા સતત બીમાર રહે.

પ્રવીણાબહેન કહે છે, "ધોળકામાં મારે સફાઈ કામ કરવા જવાનું અને ત્યારબાદ અહીંની સોસાયટીઓમાં વધેલું ખાવાનું માંગવા જવાનું.

"જે મળે તે ઘરે લાવીએ અને અમે એમાંથી જમીએ."

'મારા સંતાનોને આવું કામ નહીં કરાવું'

ઇમેજ સ્રોત, Dilip Thakar

આવા સંઘર્ષ વચ્ચે પણ તેમણે હિંમત હારી નહીં, સફાઈ સિવાય તેમણે ભરતગૂંથણ શીખવાનું શરૂ કર્યું, પરંતુ ધોળકામાં દલિત હોવાને કારણે કોઈ કામ આપતું નહીં.

ગામથી ત્રણ કિલોમીટર ચાલીને તેઓ આ કામ કરવા જતા. આર્થિક મુશ્કેલીને કારણે તેમણે દસમાં ધોરણ બાદ ભણવાનું છોડી દીધું.

હાથથી ભરતગૂંથણનું કામ લાંબું ચાલ્યું નહીં, કારણ કે ઍમ્બ્રૉઇડરીનાં મશીનો આવતાં તે કામ પણ બંધ થયું.

તમે આ વાંચ્યું કે નહીં?

જોકે, અહીં તેમણે હિંમતભર્યો નિર્ણય લીધો કે હવે કંઈ પણ થાય તે સફાઈ માટે કે ખાવાનું માંગવા તો નહીં જ જાય.

લગ્ન બાદ તેમણે પોતાનાં સંતાનોને પણ આવું કામ નહીં કરાવવાનો સંકલ્પ લીધો.

બાદમાં તેઓ મોબાઇલ રિપેરિંગનું કામ શીખ્યાં, અમદાવાદ તેના સ્પેરપાર્ટ્સ લેવા જવાનું થતું. અહીં મહિલાઓને સ્કૂટર અને કાર ચલાવતાં જોઈ તેમને પણ ડ્રાઇવિંગ શીખવાની પ્રેરણા મળી.

...અને હું કેબ ડ્રાઇવર બની ગઈ'

ઇમેજ સ્રોત, Dilip Thakar

પ્રવીણાબહેન કહે છે, "ત્યારબાદ મોબાઇલ રિપેરિંગનું કામ ઓછું થતાં મેં એક સ્વૈચ્છિક સંસ્થાની મદદથી ડ્રાઇવિંગ શીખ્યું. હું ટેક્સી ડ્રાઇવર બની ગઈ."

જોકે, પુત્રના જન્મ બાદ તેમણે ડ્રાઇવર તરીકેની નોકરી છોડી દીધી. હવે તેઓ પ્રાઇવેટ ટેક્સી ડ્રાઇવર તરીકે કામ કરે છે અને મહિને 8થી 9 હજાર જેટલું કમાઈ લે છે.

અંતે તેઓ કહે છે, "પહેલાં લોકો મને કચરાવાળી કહેતાં, દલિત હોવાને કારણે મારાથી અભડાતા, હવે મારી કારમાં બેસીને મને 'બહેન' કહે છે, ત્યારે મને ખૂબ આનંદની લાગણી થાય છે"

"બહેનને વકીલ બનાવી, નાના ભાઈને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવું છું. અમારું કુટુંબ એઠું ખાઈને જીવતું, જે હવે બંધ થયું છે."

પોતાનાં સ્વપ્નાની વાત કરતાં તેઓ કહે છે, "હું એક ડ્રાઇવિંગ સ્કૂલ ખોલવા માગું છું. દલિતની છોકરીઓને સમાજમાં અપમાન ના સહન કરવું પડે અને સ્વમાનભેર જીવી શકે તે રીતે તેમને તૈયાર કરવા માગુ છું.

"અમારા સમાજની છોકરીઓ કચરાવાળી બનીને કોઈનો એંઠવાડો ના ખાય એ જ ઇચ્છા છે."

હિંમતભર ગરીબીનો સામનો કરનાર હિના

આવી જ સંઘર્ષભરી કહાણી છે મલ્ટીનેશનલ કંપનીમાં કમ્પ્યૂટર એન્જિનિયર તરીકે કામ કરતાં હિના પરમારની.

હાલ 22 વર્ષનાં હિનાનો જન્મ સંયુક્ત પરિવારમાં થયો હતો. તેમનું નાનપણ અત્યંત ગરીબીમાં વિત્યું હતું.

પિતા બૂટ પોલિશનું કામ કરતા, ત્યારબાદ તે કામ છોડીને મજૂરી કરવા લાગ્યા. તેમના માતા અન્ય લોકોનાં ઘરે વાસણ માંજવા જતા.

આ રીતે ચાલતા ઘરમાં ભણીને આગળ જવું કેવી રીતે તે જ પ્રશ્ન હતો.

'મારા ટ્યૂશન માટે મારા માતાએ રાત્રે ઉજાગરા કર્યા'

ઇમેજ સ્રોત, Dilip Thakar

ઇમેજ કૅપ્શન,

પરિવારમાં હીનાબહેન કોર્પોરેટ નોકરી કરનારા પ્રથમ

હિના કહે છે, "મારા માતાનું સ્વપ્ન હતું કે હું ભણું, મને સારી સ્કૂલમાં દાખલ કરી, પરંતુ મારું અંગ્રેજી નબળું હતું. શિક્ષકોએ ટ્યૂશન રાખવાની સલાહ આપી."

"અમારી પાસે ટ્યૂશનના રૂપિયા ન હતા, મારી માતાએ મારા ટ્યૂશનના પૈસા માટે રાત્રે સિવણ કામ શરૂ કર્યું. તેઓ દિવસે ઘરકામ કરતાં અને રાત્રે ઉજાગરા કરી સિવણનું કામ કરતાં."

દલિત હોવાને કારણે હિનાને સ્કૂલમાં સતત અવગણના સહન કરવી પડતી. વિદ્યાર્થીઓ તેમને સાથે રાખતા નહીં. કોઈ સાથે બેસે નહીં.

જોકે, વધારે ગંભીર સ્થિતિ ત્યારે થઈ જ્યારે તેમના ભાઈનો જન્મ થયો. જન્મતાની સાથે જ તેમનો ભાઈ બીમાર રહેવા લાગ્યો.

દવાનો ખર્ચ વધી ગયો અને હિનાના અભ્યાસના રૂપિયા તેમની દવામાં ખર્ચાવા લાગ્યા. લોકોએ હિનાને સ્કૂલમાંથી ઉઠાડી લેવાનું સૂચન કર્યું.

ઉછીના પૈસા લઈ પેંડા વહેંચ્યા

ઇમેજ સ્રોત, Getty Images

હિના કહે છે, "લોકોએ કહ્યું દીકરીને ભણાવીને શું કરશો. એ રાત્રે મને ઊંઘ ના આવી, હું બહું રડી, મારા રડવાનો અવાજ સાંભળી મારા માતા જાગી ગયાં."

"તે રાત્રે મારા માતાએ મને ભણાવવાનો સંકલ્પ કર્યો. મારા પિતાને ઉઠાડ્યા અને બધી વાત કરી દીધી. અહીંથી મારા ભાગ્ય ખૂલ્યાં એવું કહી શકાય."

તેઓ કહે છે, "પિતા પાસે નોકરી ન હતી, હું મન દઈને ભણતી ખૂબ મહેનત કરતી. દસમાં ધોરણમાં સારા માર્ક્સ ના આવે તો મેં ભણવાનું છોડી દેવાનું નક્કી કર્યું હતું."

"જોકે, ધોરણ દસમાં મારે 85 ટકા આવ્યા, મને હજી યાદ છે કે મારા પિતાએ ઉછીના પૈસા લઈને આજુબાજુ પેંડા વહેંચ્યા હતા."

'મને જેવી હતી એવી જ સ્વીકારી લીધી'

ઇમેજ સ્રોત, Dilip Thakar

ઇમેજ કૅપ્શન,

હિનાબહેને ક્યારેય સરકારી આર્થિક સહાય નથી લીધી

ત્યારબાદ હિનાએ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવા માટે એડમિશન લીધું. બાદમાં ડિગ્રી કરવા માટે સેલ્ફ ફાઇનાન્સ કૉલેજમાં એડમિશન લીધું.

હિના એસસી (શિડ્યુલ્ડ કાસ્ટ) કેટેગરીમાં આવતાં હોવા છતાં તેમને શિષ્યવૃતિ મળી નહીં. ફી માટે રૂપિયા હતા નહીં એટલે તેમણે દેવું કરીને અભ્યાસ કર્યો.

તેઓ કહે છે, "ડિગ્રી કરવા ગઈ ત્યારે મારો આત્મવિશ્વાસ વધ્યો, અહીં મારા સાથે કોઈ ભેદભાવ થતો નહીં એ જોઈને મને ખૂબ સારું લાગ્યું."

"અહીં મારા ઘણા દોસ્તો બન્યા, મને મિત્રોને ઘરે લાવતા ડર લાગતો કે તેઓ મારું ઘર જોઈને મને છોડી દેશે."

"મારા લાસ્ટ સેમેસ્ટરમાં બર્થ ડે પર મિત્રોએ મારું ઘર શોધી, મારા ઘરે આવી મને સરપ્રાઇઝ પાર્ટી આપી અને હું જેવી છું એવી જ મને સ્વીકારી લીધી."

હાલ હિના મલ્ટીનેશનલ કંપનીમાં કમ્પ્યૂટર એન્જિનિયર તરીકે સારા પગાર સાથે નોકરી કરે છે. ભાઈને ભણાવીને ક્રિકેટર બનાવવાનું તેમનું સ્વપ્ન છે.

અંતે તેઓ કહે છે, "મેં મારી જિંદગીમાં લોકોની આંખોમાં એટલો તિરસ્કાર જોયો છે, તે મારા માતાપિતાએ જોયો હશે કે કેમ તે ખબર નથી, પરંતુ હવે ઢળતી ઉંમરે તેમને આરામ મળે તેવા પ્રયાસો હું કરી રહી છું."

બીબીસીની સ્પેશિયલ સીરિઝ

ઇમેજ સ્રોત, Getty Images

આ કારણસર બીબીસી દલિતો અને મુસલમાનો સાથે જોડાયેલા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને એક વિશેષ શ્રેણી રજૂ કરી રહ્યું છે.

આગામી દિવસોમાં તમને તથ્ય આધારિત, તાર્કિક અને સંતુલિત વિશ્લેષણ જોવા-વાંચવા-સાંભળવા મળશે.

તેનો હેતુ સમાજમાં જ નહીં, પણ દેશના મીડિયામાં પણ હાંસિયા પર ધકેલાઈ ગયેલા દલિતો તથા મુસલમાનોનો અવાજ તમારા સુધી પહોંચાડવાનો છે.

વીડિયો કૅપ્શન,

લોન લેતા પહેલાં અને પછી શું ધ્યાન રાખશો?

બીબીસીની આ વિશેષ શ્રેણી દેશની લગભગ એક-તૃતીયાંશ વસતી સાથે જોડાયેલી છે. એ લોકોની જિંદગી, તેમના સંઘર્ષ, તેમનાં સપનાં અને તેમના ભવિષ્ય વિશેની છે.

ભારતમાં અંદાજે 40 કરોડ લોકો દલિત કે મુસલમાન છે. આટલી મોટી વસતી વિશે જેટલી વાત થવી જોઈએ, જેટલી ગંભીરતાથી થવી જોઈએ એટલી થઈ રહી છે? જવાબ છેઃ ના.

દેશના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને કહ્યું હતું, "લોકશાહીની ઓળખ, એ તેની લઘુમતિને જે સલામતી આપવામાં આવે છે, તે હોય છે."

સૌથી મહત્ત્વની વાત છે દેશના બંધારણની પ્રસ્તાવનામાં લખેલા ત્રણ શબ્દોઃ સ્વતંત્રતા, સમતા અને બંધુત્વ.

તમે આ શબ્દોનું મહત્ત્વ સમજતા હો કે સમજવા ઇચ્છતા હો તો આ શ્રેણી તમારા માટે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો