નરેન્દ્ર મોદી સ્વીકાર કરશે જનતાનો આ પડકાર?

મોદીની તસવીર

ઇમેજ સ્રોત, @NARENDRAMODI

કર્ણાટક ચૂંટણીના પરિણામો બાદ પેટ્રોલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

લગભગ દરરોજ વધી રહેલા પેટ્રોલના ભાવ રાજધાની દિલ્હીમાં 77.47 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગયા છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલના ભાવ 85.29 રૂપિયા પ્રતિ લિટર છે.

ભારતમાં પેટ્રોલના ભાવનું આ અત્યાર સુધીનું સૌથી ઊંચું સ્તર છે.

પેટ્રોલના વધી રહેલા ભાવને લઈને જનતા વડાપ્રધાન મોદીને અનુરોધ કરી રહી છે અને તેમને ટૅગ કરીને ટ્વીટ પણ કરી રહ્યા છે.

તાજેતરમાં જ પેટ્રોલના વધેલા ભાવ મામલે કેંદ્રીયમંત્રી નીતિન ગડકરીને સવાલ પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે પેટ્રોલિયમ પેદાશો પર સબસિડી વધારવાથી અન્ય કલ્યાણકારી યોજનાઓના ભંડોળ પર અસર થઈ શકે છે.

ટ્વિટર પર 'ભડકા હુઆ જમીનદાર' નામના યૂઝરે લખ્યું, "કાલે સરકારે કહ્યું કે તે પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે ચિંતિત છે અને ક્રૂડ ઓઇલની કંપનીઓએ આ ચિંતાને ધ્યાનમાં રાખીને સતત 11મા દિવસે ભાવ વધારો કર્યો."

વળી એક અન્ય એક યૂઝર પવન ગોદારાએ લખ્યું, "જનતા પૂછી રહી છે સાહેબ કે ગાડીમાં પેટ્રોલ નાખીને ગાડી ચલાવીએ કે વડાપ્રધાન મોદીનું ભાષણ નાખીને..?"

હાલમાં જ સૂચના પ્રસારણના રાજ્યમંત્રી (સ્વંતત્ર હવાલો) અને પૂર્વ ઓલિમ્પિયન રાજ્યવર્ધન સિંહ રાઠોડે શરૂ કરેલી ફિટનેસ ચેલેન્જને વિરાટ કોહલીએ સ્વીકારી લીધી. એટલું જ નહીં વિરાટ કોહલીએ પોતાનો વીડિયો પોસ્ટ કર્યા બાદ અનુષ્કા શર્મા અને એમ એસ ધોની ઉપરાંત વડાપ્રધાન મોદીને પણ આ ચેલેન્જ લેવા માટે ટ્વિટર પર ટૅગ કર્યા છે.

આ ચેલેન્જને વડાપ્રધાન મોદીએ ઉપરાંત અન્ય કેટલાક નેતાઓ અને સેલિબ્રિટીઝે પણ સ્વીકારી લીધી છે.

પણ હવે લોકો ટ્વિટર પર વડાપ્રધાનને પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા કરવાની ચેલેન્જ પણ આપી રહ્યા છે.

અક્કી નામના યુઝરે લખ્યુ,"આદરણીય સર, ક્યારેક પેટ્રોલના ભાવ ઓછા કરવાનો પડકાર પણ સ્વીકારો. ક્યારેક સ્વાસ્થ્ય સેવા સુધારવાનો પડકાર સ્વીકારો, ક્યારેક કિસાનોના દુખ દર્દ દૂર કરવાનો પડકાર સ્વીકારો. ઘણી કૃપા થશે."

અમિત માહેશ્વરીએ લખ્યું, "સર, અમે નથી ઇચ્છતા કે એક સારા વડાપ્રધાન પેટ્રોલના ભાવ હજુ વધવાના કારણે ચૂંટણી હારી જાય."

તદુપરાંત એબી શિંગાડેએ લખ્યું,"સર, તમે અમારા વડાપ્રધાન છો. હું તમારું સન્માન કરું છું. પણ સર હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર કંઈક કરવાનો સમય આવી ગયો છે. આ ફક્ત મારી નહીં પણ દરેક ભારતીયની માગ છે. મને આશા છે કે આના પર કંઈક કરશો."

ગુરજોત સિંહે લખ્યું,"સર, મારી પાસે તમારા માટે એક ચેલેન્જ છે. શું તમે તમારા તરફથી પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા કરી શકો છો? યુપીએના સમયે ક્રૂડ ઓઇલના ભાવ ઘણા ઓછા હતા. વડાપ્રધાનજી અમને અચ્છે દિન જોઈએ છે."

અનુભવ શ્રીવાસ્તવે લખ્યું,"સર, સમાવિષ્ટ વિકાસ જ એક ભારત, શ્રેષ્ઠ ભારતનો માર્ગ છે પરંતુ ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર નહીં થાય, તો જે લોકોએ વર્ષ 2014માં કોંગ્રેસને કચડી હતી તે જ એનડીએના વિરોધમાં મતદાન કરશે. કૃપા કરીને પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઇઝ ડ્યૂટી અને વેટમાં ઘટાડો કરો. પ્રદૂષણ ઓછું કરવા માટે કાર નીતિ લાગુ કરો."

સારિકાએ લખ્યું,"સર પહેલા પેટ્રોલ અને ગેસના ભાવ ઓછા કરો. વિરાટ કોહલી ભારતને ફિટ રાખવા માટે રાહ જોઈ શકે છે. પહેલા ભારતના લોકોને ખાવાનું ખાવા દો. આ દરમિયાન તમે સ્મૃતિ ઈરાનીને આ બધું કરવા માટે કહી શકો છો. પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા માટે ત્રણ ચાર દિવસની રાહ ન જુઓ. જેવું અમિત શાહે કહ્યું."

ઉપરાંત એક અન્ય યૂઝર સાગર સોનીએ લખ્યું,"સર હું તમારો ચાહક છું. પણ પેટ્રોલ-ડીઝલના ભાવને કારણે ચિંતિત છું. જ્યારે પણ મને કોઈ પૂછે છે ત્યારે હું જવાબ નથી આપી શકતો. કૃપા કરીને આ મામલે કંઈક કરો. જોકે, એમ તો ભલે કાંઈ પણ થાય અમે તમારી સાથે જ રહીશું."

દિનેશ ખંડેલવાલ નામના યૂઝરે નરેન્દ્ર મોદીને યાદ કરાવ્યું કે એક વાર ડુંગળીના વધેલા ભાવને કારણે ભાજપની સરકાર ગઈ હતી.

તેમણે લખ્યું,"નરેન્દ્ર મોદીજી તમને યાદ હશે કે તમારી સરકાર એક વાર ડુંગળીના કારણે પડી ગઈ હતી. પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે, આના કારણે 2019માં સત્તા ન જતી રહે. તમારે પેટ્રોલ-ડીઝલને તરત જીએસટી હેઠળ લાવવા જોઈએ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો