કાશ્મીર : નદીના પાણી મુદ્દે ભારત-પાકિસ્તાન વચ્ચેનો મામલો વર્લ્ડ બૅન્ક પહોંચ્યો

  • સુહૈલ હલીમ
  • બીબીસી સંવાદદાતા
કિશનગંગા

ઇમેજ સ્રોત, SAJJAD QAYYUM/AFP/GETTY IMAGES

પાકિસ્તાન બન્યું તે સમયે જમીનના ભાગલા પડ્યા હતા પણ પાણીના નહીં. ભારત પાકિસ્તાન વચ્ચે નદીના પાણીના વપરાશ મુદ્દે તકરાર વર્ષ 1960 સુધી ચાલી હતી.

પણ આખરે વર્લ્ડ બૅન્કની મધ્યસ્થીથી બન્ને દેશો વચ્ચે સિંધ-તાસ સમજૂતી પર હસ્તાક્ષર થયા.

આથી એવું લાગ્યું કે હવે બન્ને દેશો વચ્ચે પાણીને લઈને કોઈ વિવાદ, તકરાર નહીં થાય.

ત્યાર પછી બન્ને દેશ વચ્ચે બે મોટાં યુદ્ધ થયાં અને કેટલીક વાર યુદ્ધની સ્થિતિ પણ સર્જાઈ.

આ તમામ બાબતો છતાં આ સમજૂતી પર કોઈ આંચ નહીં આવી.

જોકે, તાજેતરમાં ફરી આ મામલે ખટરાગ સર્જાતા બન્ને દેશો વર્લ્ડ બૅન્ક તરફ વળ્યા છે.

સિંધ-તાસ સમજૂતી હેઠળ એ વાત પર સમજૂતી થઈ હતી કે 'સિંધુ બેસિન'ની છ નદી અને તેની સહાયક નદીઓનું પાણી કોણ અને કેવી રીતે વાપરશે.

કોને શું મળ્યું?

છમાંથી ત્રણ નદી ભારતના ભાગમાં આવી અને ત્રણ નદી પાકિસ્તાનના હિસ્સામાં આવી.

તેને પૂર્વીય અને પશ્ચિમી નદીઓ તરીકે ઓળખવામાં આવે છે.

સિંધુ, ઝેલમ અને ચીનાબ પૂર્વીય નદીઓ છે અને તેના પાણી પર પાકિસ્તાનનો હક છે. જ્યારે રાવી, બિયાસ અને સતલજ પશ્ચિમી નદી છે. આ નદીઓના પાણી પર ભારતનો હક છે.

સિંધ-તાસ સમજૂતી હેઠળ ભારત પૂર્વીય નદીઓનું પાણી પણ વાપરી શકે છે પણ કડક શરતો હેઠળ.

ભારતને આ નદીઓ પર પાવર સ્ટેશન બનાવવાની પણ મંજૂરી છે. પણ શરત એ છે કે પાણીનું વહેણ (સ્વીકૃત મર્યાદા) ઓછું ન થાય અને નદીઓના માર્ગને વાળવામાં ન આવે.

આ પ્રકારના પ્રોજેક્ટને 'રન ઑફ ધી રિવર' કહેવામાં આવે છે એટલે કે એવા પ્રોજેક્ટ જેના માટે બંધ બાંધવામાં ન આવે.

કિશનગંગા ઝેલમની એક સહાયક નદી છે, તેને પાકિસ્તાનમાં નીલમ નદી કહેવામાં આવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પાકિસ્તાનની દલીલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

નદીની બે તરફ મુઝફ્ફરાબાદ શહેર વસેલું છે

ભારતે વર્ષ 2005માં આ નદી પર લાઇન ઑફ કંટ્રોલની એકદમ નજીક એક પાવરસ્ટેશન બનાવવાની જાહેરાત કરી હતી. તેને કિશનગંગા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કહે છે.

કિશનગંગા ઝેલમની સહાયક નદી છે આથી તેના પાણી પર પાકિસ્તાનનો હક છે.

આ પ્રોજેક્ટ પર ભારતે છ હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

આ પ્રોજેક્ટ ભારત પ્રશાસિત કાશ્મીરની ગુરેજ વાદીથી કાશ્મીરમાં બાંદીપોરા સુધી ફેલાયેલો છે.

આ માટે કિશનગંગાના પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. પછી આ પાણીને એક અલગ રસ્તેથી ઉપયોગ કરીને, જેના માટે બાંદીપોરા સુધી 24 કિલોમીટર લાંબી સુરંગ બનાવવામાં આવી છે, તેમાંથી વુલર તળાવમાં છોડી દેવામાં આવે છે.

ઇમેજ કૅપ્શન,

કિશનગંગા નદીને પાકિસ્તાનમાં નીલમ નદી કહે છે

અહીંથી તે પરત ઝેલમના પાણી સાથે પાકિસ્તાન જતું રહે છે. પાકિસ્તાનનો તર્ક છે કે આ પ્રોજેક્ટથી બન્ને શરતોનું ઉલ્લંઘન થાય છે.

તેનાથી નીલમનું પાણી પણ ઓછું થશે અને કિશનગંગાનો માર્ગ પણ બદલાઈ જશે.

તે ખુદ આ નદી પર પાવર સ્ટેશન બનાવી રહ્યા છે, જેને નીલમ-ઝેલમ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કહેવામાં આવે છે.

તેનાથી એક હજાર મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે. પણ સવાલ એ છે કે શું તેનાથી જરૂર જેટલું પાણી મળી શકશે?

આ સિવાય પાકિસ્તાનમાં ખેતી માટે પણ આ પાણીનો ઉપયોગ થાય છે.

ઇમેજ સ્રોત, ASIF HASSAN/AFP/GETTY IMAGES

પાકિસ્તાનનો તર્ક છે કે તેને જેટલું પાણી મળવું જોઈએ તેનાથી ઓછું મળશે. આ કારણે તેના વિસ્તારમાં પાણીની અછત અને સર્જાશે.

330 મેગાવોટના કિશનગંગા પ્રોજેક્ટની જાહેરાત બાદ તરત જ પાકિસ્તાને વર્લ્ડ બેન્કના દ્વાર ખટખટાવ્યા હતા.

બીજી તરફ ભારતનો તર્ક છે કે કિશનગંગા પ્રોજેક્ટ સિંધ-તાસ સમજૂતીની શરતોનું પાલન કરીને જ બનાવવામાં આવ્યો છે.

પાકિસ્તાનના વિરોધ બાદ ભારતે પાવર સ્ટેશન માટે 97 મીટર ઊંચો બંધ બાંધવાનો ઇરાદો છોડી દીધો છે. હવે તેની ઊંચાઈ 37 મીટર છે.

કિશનગંગામાં વીજળી

ઇમેજ સ્રોત, ENVIRONMENTAL JUSTICE ATLAS

પરંતુ વર્ષ 2010માં આ તકરાર હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય અદાલતમાં પહોંચી અને પ્રોજેક્ટ અટકાવી દેવાનો આદેશ આવ્યો.

ત્રણ વર્ષ બાદ અદાલતે તેના ફેંસલામાં કહ્યું કે ભારત પાવર સ્ટેશન બનાવી શકે છે, પણ આ ‘રન ઓફ ધી રિવર’ પ્રોજેક્ટ છે, આથી કિશનગંગામાં નિર્ધારિત મર્યાદામાં પાણીનું વહેણ (પ્રવાહ) જળવાઈ રહે તેની ખાતરી આપવી પડશે.

પાકિસ્તાને વર્ષ 2016માં ફરીથી વર્લ્ડ બૅન્કનો સંપર્ક કર્યો, આ વખતે કિશનગંગા પ્રોજેક્ટના ડિઝાઇન પર વિરોધ નોંધાવ્યો.

પાણી સંબંધિત વિષયોના નિષ્ણાત હિમાંશુ ઠક્કર અનુસાર વર્લ્ડ બૅન્કે આ મામલે નિરાકરણ માટે બે સ્તરે કાર્યવાહી શરૂ કરી લીધી.

પણ બન્ને પક્ષની એવી દલીલ કે બન્ને પક્ષ અલગઅલગ ફેંસલો આપી શકે છે તેથી કાર્યવાહીને રોકી દેવાઈ હતી.

આ મુદ્દે વર્લ્ડ બૅન્કમાં છેલ્લી સુનાવણી ગત વર્ષે સપ્ટેમ્બરમાં થઈ હતી.

માર્ચમાં જ્યારે કિશનગંગામાં પાવર સ્ટેશન બનવાનું શરૂ થયું, ત્યારે પાકિસ્તાને ફરીથી વર્લ્ડ બૅન્કને કહ્યું કે તે સિંધ-તાસ સમજૂતીના પાલનને સુનિશ્ચિત કરે.

હવે આ પ્રોજેક્ટનું ઔપચારિક ઉદઘાટન પણ કરી દેવાયું છે.

ભારત માટે આ પ્રોજેક્ટ કેટલો મહત્ત્વનો છે?

ઇમેજ સ્રોત, Getty Images

જ્યાં સુધી વીજળી ઉત્પાદનનો સવાલ છે, તો નિષ્ણાતોના અનુસાર આ ઘણો નાનો પ્રોજેક્ટ છે. તેમાં ફક્ત 330 મેગાવોટ વીજ ઉત્પાદન થશે.

પાણી મુદ્દાના નિષ્ણાત હિમાંશુ ઠક્કર અનુસાર તેનું વ્યૂહાત્મક મહત્ત્વ વધું છે કેમ કે તે ગુરેઝ સેક્ટરમાં નિયંત્રણ રેખાની ઘણી નજીક છે.

આ વિસ્તાર ઘણો દુર્ગમ છે આથી કિશનગંગા પ્રોજેક્ટ તૈયાર થવામાં સરેરાશ કરતાં વધું ખર્ચ થયો.

વીડિયો કૅપ્શન,

લોન લેતા પહેલાં અને પછી શું ધ્યાન રાખશો?

આ કારણે પ્લાન્ટમાંથી ઉત્પન્ન થનારી વીજળી પણ મોંઘી હશે.

આ કારણે ઠક્કર કહે છે કે આ પ્રોજેક્ટ બનાવવાનો કોઈ આર્થિક ફાયદો નથી અને તેનાથી સ્થાનિક વસતી, પર્યાવરણ, નદી અને ત્યાંની જૈવિક વિવિધતાને નુકશાન પહોંચશે.

ભારતમાં જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે, ઘણી વાર એવી માગણી કરવામાં આવી છે કે તે સિંધ-તાસ સમજૂતી તોડી નાખે.

ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ કહી ચૂક્યા છે કે કાશ્મીરમાં લોહી અને પાણી એક સાથે ન વહી શકે.

જોકે, કેટલાંક લોકોનું એવું પણ માનવું છે કે સિંધ-તાસ સમજૂતીને યથાવત રાખવામાં આવે પણ સમજૂતી હેઠળ ભારત જેટલું વધુ પાણી વાપરી શકે તેટલું તેણે વાપરવું જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો