સુપ્રીમ કોર્ટમાં અધિકાર માટે લડનાર 19 વર્ષીય 'ગે' યુવકની કહાણી
- સિન્ધુવાસિની
- બીબીસી સંવાદદાતા

ઇમેજ સ્રોત, Getty Images
"જ્યારે મને લાગ્યું કે હું ગે છું, ત્યારે હું ખુબ જોર જોરથી રડવા લાગ્યો. ધીમેથી નહીં પણ કોઈ બાળકની જેમ જોર જોરથી રડવા લાગ્યો. ત્યારે મારી ઉંમર લગભગ 15 વર્ષ હતી."
"હું ખુબ જ ડરી ગયો હતો. માતાપિતાનું એકમાત્ર સંતાન છું. હંમેશાં લાડ અને પ્રેમથી ઉછરેલ છું. મને લાગ્યું કે જો તેઓ મને નહીં સમજશે તો મારું શું થશે? તેઓ મને સ્વીકારશે નહીં તો હું શું કરીશ?"
"હું ઘણા પૂજા પાઠ કરતો હતો. દરરોજ મંદિરે જતો હતો, રોજ ભગવાનને પ્રાથર્ના કરતો હતો. બાળપણમાં હું માત્ર એક કામ કરતો હતો, પૂજા અને અભ્યાસ. અચાનક મને બધુ જુઠ્ઠું લાગવા લાગ્યું."
"દેશમાં દલિતો સાથે અન્યાય થાય, તો કાનૂન તેમને ન્યાય આપે છે. મુસલમાનો સાથે ખોટું થાય, તો તેમના રક્ષણ માટે કાનૂન છે. પણ અમારું શું. સમાજ તો ઠીક પણ અમને તો કાનૂન જ અપરાધી માને છે."
ઓગણીસ વર્ષના વરુણ જ્યારે તેમના જીવનની વાતો કહી રહ્યા હતા ત્યારે સમજાતું નહોતું કે કઈ રીતે પ્રતિક્રિયા આપવી.
તેઓ બોલે છે ત્યારે શબ્દ એવી રીતે છૂટે છે જાણે ધડાધડ ગોળીઓ છુટી રહી હોય અને તે અટકવાનું નામ જ ન લેતી હોય.
તેઓ સતત ગુસ્સામાં નથી બોલતા પણ વચ્ચે વચ્ચે મજેદાર વાત કહીને હસે પણ છે.
વરુણ કિશોર આઈઆઈટી દિલ્હીના વિદ્યાર્થી છે અને ભારતમાં ચાલી રહેલી એક ખાસ ચર્ચાનો ભાગ બની ચૂક્યા છે. આ ચર્ચા છે આઈપીસીની કલમ 377 વિશે.
તમે આ વાંચ્યું કે નહીં?
આઈપીસીની આ કલમ હેઠળ વયસ્કો વચ્ચે પરસ્પર સંમતિથી બનાવવામાં આવતા સમલૈંગિક સંબંધોને અપરાધ માનવામાં આવે છે.
આ માટે સજાની જોગવાઈ પણ છે અને આજીવન કેદની સજા પણ થઈ શકે છે.
આજે ભારતમાં એલજીબીટી (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડર) સમુદાય અને તેમના સમર્થકોએ કલમ 377 વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.
સૌથી યુવા નામ વરુણ કિશોર
ઇમેજ સ્રોત, Getty Images
આ મોરચો સંભાળનારા લોકોમાં આઈઆઈટીના 20 વિદ્યાર્થીઓ પણ જોડાયા છે.
તેમાં સૌથી યુવા નામ વરુણ કિશોર છે. આ વીસ વિદ્યાર્થીઓમાં વરુણ સૌથી નાની વયના છે.
અરજી કરનારા વિદ્યાર્થીઓમાં કોઈ દિલ્હીની આઈઆઈટી, તો કોઈ મુંબઈ, તો કોઈ ખડગપુર આઈઆઈટીના વિદ્યાર્થીઓ છે.
કોઈ વિદ્યાર્થીઓ આઈઆઈટીમાં ભણી રહ્યા છે, તો કોઈ અગાઉ અહીં ભણતા હતા. તેમાં એક મહિલા અને ટ્રાન્સવુમન પણ છે.
આ તમામે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાં કલમ-377 વિરુદ્ધ એક અરજી દાખલ કરી છે.
રોજ રોજ અપમાન અને ભેદભાવ
ઇમેજ સ્રોત, Getty Images
તેમની અરજીમાં તેમણે કહ્યું છે કે કઈ રીતે સમલૈંગિકતાને અપરાધ ગણવામાં આવતા તેમને રોજ અપમાન અને ભેદભાવનો સામનો કરવો પડે છે.
તેમણે અદાલતને અંગત જીવનના કિસ્સા લખીને મોકલ્યા છે. તેમણે કલમ 377 રદ કરવાની અપીલ કરી છે.
વળી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારે નોટિસ મોકલીને આ મામલે જવાબ પણ માગ્યો છે.
વરુણે પણ અદાલતને એ તમામ વાત કહી છે જે તેમણે બીબીસીને જણાવી.
તેઓ તમિલનાડુના એક શિક્ષિત મિડલ ક્લાસ પરિવારમાંથી આવે છે. ખુદને કુશાગ્ર કહેનારા વરુણે સાતમા ધોરણથી જ આઈઆઈટીની તૈયારી કરવાનું શરૂ કરી દીધું હતું.
11મા ધોરણમાં ખબર પડી...
ઇમેજ સ્રોત, Getty Images
તેમણે કહ્યું, "તમિલનાડુમાં અભ્યાસ પર ઘણો ભાર મૂકવામાં આવે છે. ખાસ કરીને એન્જિનિયરીંગ અમે મેડિકલના અભ્યાસ પર વધુ."
"મારું બાળપણ અને તરુણાવસ્થા કોચિંગ ક્લાસ અને સ્કૂલની ભાગદોડમાં વીત્યાં."
તેમણે વધુમાં કહ્યું,"આ પહેલા હું માત્ર અભ્યાસમાં જ વ્યસ્ત રહેતો હતો. વળી ભારતમાં સેક્સ એજ્યુકેશન નથી આપવામાં આવતું. મને પણ આ મામલે કંઈ સમજ ન હતી."
જોકે, ધીરે ધીરે વરુણને લાગવા લાગ્યું કે તેઓ તેમના ક્લાસના અન્ય વિદ્યાર્થીઓ કરતાં અલગ છે.
તેમના મિત્રોને યુવતીઓ(મહિલા) સારી લાગતી પણ તેઓ માધવનના ચાહક હતા.
ઇમેજ સ્રોત, Getty Images
વરુણે આગળ વધુ જણાવ્યું, "મને છોકરીઓ કે તેમની વાતો આકર્ષિત નહોતી કરતી. જ્યારે બીજી તરફ મારા મિત્રોને તે આકર્ષિત કરતી હતી."
"હું ઘણી મૂંઝવણમાં હતો. ધીમે ધીમે મેં ઇન્ટરનેટ પર વાંચવાનું શરૂ કર્યું અને મને બધુ સમજાવા લાગ્યું. કંઈક આવી રીતે મને ખબર પડી કે હું ગે છું."
વરુણને સૌથી ખરાબ સમયે તેઓ પોતે ગે છે તેવી ખબર પડી. આ એ સમય હતો જ્યારે ડિસેમ્બરમાં ભારતમાં સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઇકોર્ટનો નિર્ણય બદલીને સમલૈંગિકતાને ફરીથી અપરાધ જાહેર કર્યો હતો.
વરુણને આ ચુકાદાના એક મહિના પહેલાં પોતે ગે હોવાની ખબર પડી હતી.
'હું ગુનેગાર છું'
ઇમેજ સ્રોત, Getty Images
તેઓ પોતે પરેશાન હતા તેવા સમયે અખબાર અને ટીવી ચેનલોની ખબરોમાં ભારતમાં સમલૈંગિકતાને અપરાધ ઠેરવતા ચુકાદાના સમાચાર અને ચર્ચા છવાયેલાં હતાં.
આ મામલે તેમણે કહ્યું,"આ તમામ બાબતે મને ડરાવી દીધો હતો. હે ભગવાન હું ગુનેગાર છું. કોઈને ખબર પડી જશે તો મને જેલમાં નાખી દેશે."
"મારો પરિવાર મને છોડી દેશે, મારા મનમાં આવા કેટલાય વિચારો આવવા લાગ્યા."
રાહતની વાત એ રહી કે જ્યારે વરુણે તેમના પિતાને આ વિશે કહ્યું ત્યારે તેમણે વરુણના કપાળ પર ચુંબન કરી કહ્યું કે તેઓ હંમેશાં વરુણની સાથે છે.
જોકે, તેમના માતા માટે આ બધું સ્વીકાર કરવું સરળ નહોતું. તેમને હજુ પણ એવુ લાગે છે કે આ એક સમય છે જે પસાર થઈ જશે.
પરંતુ વરુણ પોતાને ભાગ્યશાળી માને છે કેમ કે તેમની નજીકની વ્યક્તિઓએ હંમેશાં તેમને ટેકો આપ્યો છે.
'સોરી યાર, હું ગે સાથે ન રહી શકું'
ઇમેજ સ્રોત, Getty Images
એનો અર્થ એવો પણ નથી કે તેમને ભેદભાવનો સામનો ન કરવો પડ્યો હોય.
આઈઆઈટીની હોસ્ટેલમાં તેમની સાથે રૂમમાં રહેતા મિત્રને જ્યારે ખબર પડી કે તેઔ સમલૈંગિક છે, તો તેમણે વરુણ સાથે રહેવાનો ઇન્કાર કરી દીધો.
"સોરી યાર, હું એક ગે વ્યક્તિ સાથે ન રહીં શકું" વરુણને તેમના રૂમમેટે કહેલી આ વાત આજે પણ યાદ છે.
તેમના અનુસાર આઈઆઈટી જેવી જગ્યાએ પણ 80 ટકા લોકોની માનસિકતા રૂઢિવાદી છે.
તેઓ કહે છે, "અહીં લોકો ગણિત અને વિજ્ઞાનમાં ભલે હોશિયાર હોય. પણ એનો અર્થ એ નથી કે તેઓ સંવેદનશીલ છે."
સરકાર પાસેથી શું ઇચ્છે છે?
વરુણ શું ઇચ્છે છે એ તેમને સારી રીતે ખબર છે. તેઓ ઇચ્છે છે કે સરકાર એલજીબીટી સમુદાયના લોકોને સેકન્ડ ક્લાસ સિટિઝન માનવાનું બંધ કરે.
તેઓ કહે છે, "લોકોને લાગે છે કે અમને માત્ર સેક્સ જોઈએ છે. તેઓ સીધું જ કહે છે કે રૂમમાં ભલે ગમે તેની સાથે જોઈએ તેટલું સેક્સ કરો. કોણ રોકવાવાળું છે? પણ આવું નથી. આ માત્ર સેક્સ વિશે જ નથી."
વરુણનું માનવું છે કે એલજીબીટી સમાજને સ્વીકૃતિ અને સન્માનની જરૂર છે.
એવી જ સ્વીકૃતિ અને સન્માન જે અન્ય સામાન્ય લોકોને મળે છે.
તેમણે કહ્યું, "અમે પણ ખુલીને પ્રેમ કરવા માગીએ છીએ. લગ્ન કરવા માગીએ છીએ અને ઘર વસાવવા માગીએ છીએ. અમને આ અધિકાર કેમ નથી મળતો?"
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો