મુસ્લિમોએ બાબરી મસ્જિદ છોડી ભરોસો જીતવો જોઈએ: શ્રી શ્રી રવિશંકર

  • ઝુબેર અહમદ
  • બીબીસી સંવાદદાતા

બેંગાલુરૂ નજીક આવેલી આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશનના સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રીરવિશંકરે ફરી ભારપૂર્વક કહ્યું છે કે બાબરી મસ્જિદ/રામ જન્મભૂમિનો વિવાદ અદાલતમાં નહીં, પણ તેની બહાર ઉકેલવો જોઈએ.

અલાહાબાદ હાઈકોર્ટે 2010માં આ મામલે આપેલા ચુકાદાની વિરુદ્ધ ચાર સિવિલ સૂટ અને તેની નીચેની 13 અપીલો સુપ્રીમ કોર્ટમાં દાખલ થઈ છે તેની સુનાવણી હાલ ચાલી રહી છે.

મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, ન્યાયાધીશ અશોક ભૂષણ અને અબ્દુલ નાઝીર એમ ત્રણ ન્યાયાધીશોની બેન્ચ આ મામલામાં સુનાવણી કરી રહી છે.

સુનાવણી ઝડપથી આગળ વધી રહી છે અને એવો અંદાજ છે કે ઑક્ટોબરમાં મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા નિવૃત્ત થવાના છે તેના પહેલાં ચૂકાદો આવી જાય.

62 વર્ષના યોગ ગુરુ કોર્ટની બહાર બધા જ પક્ષો વચ્ચે સમાધાન કરાવવા માટે હિંદુ અને મુસ્લિમ નેતાઓને મળી રહ્યા છે.

બેંગાલુરૂની નજીક આવેલા તેમના આશ્રમ ખાતે બીબીસી સાથે એક વિશેષ મુલાકાતમાં તેમણે કહ્યું કે તેમના પ્રયાસોની સારી અસર પડી રહી છે.

તેમનો દાવો છે કે તેમણે મુસ્લિમ સમુદાયના 500 ધાર્મિક અગ્રણીઓ અને બુદ્ધિજીવીઓ સાથે મુલાકાત કરી છે. તે લોકો પણ તેમનું સૂચન સ્વીકારવા તૈયાર છે.

જોકે, આ કેસ સાથે જોડાયેલા સુન્ની વકફ બોર્ડે હંમેશા એવું કહ્યું છે કે તેઓ માત્ર અદાલતમાં આ બાબતનો ઉકેલ લાવવા માગે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

શ્રી શ્રી રવિશંકરનું કહેવું છે કે અદાલતના ફેંસલાને કારણે દિલોને જોડવાનું શક્ય નહીં બને.

તેમણે કહ્યું, "કોઈ એક પક્ષની જીત થાય અને બીજા પક્ષને હારની લાગણી અનુભવવી પડે તે આપણા દેશના હિતમાં નથી."

"સૌની સાથે ચર્ચા વિચારણા કર્યા પછી અમે એક ફૉર્મ્યુલા આપી છે, જેમાં સૌની જીત થવાની છે. મંદિર પણ બનશે અને મસ્જિદ પણ બનશે અને બંને પક્ષ ઉત્સવ મનાવે તેવો મારો ઉદ્દેશ છે."

શ્રી શ્રી રવિશંકરે સૂચવેલો ઉકેલ એવો છે, જેમાં મુસ્લિમો રામ જન્મભૂમિ પરનો પોતાનો દાવો જતો કરે.

તેની સામે તેમને અયોધ્યામાં જ વિશાળ મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીન આપવામાં આવે.

તેમના આ ઉકેલને ઘણા લોકોએ આવકાર્યો છે, જ્યારે ઘણાએ તેની ટીકા પણ કરી છે.

મુસ્લિમોના પક્ષમાંથી શિયા વકફ બોર્ડ આ સૂચનને સ્વીકારવા માટે તૈયાર છે.

બંને પક્ષોમાં પોતાના સૂચનની ટીકા થઈ છે તે વાત તેઓ પોતે પણ સ્વીકારે છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે તે પ્રમાણે બાબરી મસ્જિદ/રામ જન્મભૂમિ વિવાદની સુનાવણી સુપ્રીમમાં ચાલી રહી છે, તેમાં જમીનનો વિવાદ જ મુખ્ય છે.

શ્રી શ્રી રવિશંકરના આશ્રમો 150થી વધુ દેશોમાં આવેલા છે, જ્યાં તેઓ યોગ દ્વારા શાંતિનો સંદેશ આપી રહ્યા છે.

તેઓ શાંતિસંદેશ સાથે પાકિસ્તાન અને ઇરાકની મુલાકાતે પણ જઈ આવ્યા છે.

તેણે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેની સરહદે શાંતિ માટે શિબિર લગાવી હતી. તેમણે દક્ષિણ અમેરિકામાં પણ શાંતિ સ્થાપના માટે પ્રયાસો કર્યા છે.

બેંગાલુરૂથી બે કલાકના રસ્તે આવેલા એક ગામમાં તેમનો વિશાળ આશ્રમ આવેલો છે, જ્યાં દેશભરમાંથી લોકો તણાવ દૂર કરીને શાંતિ માટે આવે છે.

ગયા વર્ષથી તેઓ અયોધ્યાના મામલામાં મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કેટલાક લોકોનું માનવું છે કે કેન્દ્ર સરકારના ઇશારે તેઓ આ કાર્ય કરી રહ્યા છે.

જોકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે પોતાની પહેલ સાથે સરકારે કશી લેવા દેવા નથી.

મુસ્લિમ સમુદાયમાં કેટલાકને એમ પણ લાગે છે કે શ્રી શ્રી આ મામલામાં જોડાયેલા હિંદુ પક્ષની સાથે છે.

તે વાતને પણ તેઓ નકારી કાઢે છે અને કહે છે, "આ ખોટી માન્યતા છે. હું તો દેશના પક્ષમાં દેશમાં શાંતિ સ્થાપનાના પક્ષમાં છું. આધ્યાત્મિક પક્ષ હંમેશા નિષ્પક્ષ હોય છે."

તેઓ ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીકટ હોવાનું પણ ઘણા મુસ્લિમો કહે છે.

તેથી તેઓ તેમને નિષ્પક્ષ માનવા તૈયાર નથી. ભાજપ પોતાના દરેક ચૂંટણી ઢંઢેરામાં રામંદિરના નિર્માણનું વચન આપતો આવ્યો છે.

શ્રી શ્રીના પ્રયાસો સિવાય મસ્જિદ-મંદિરના ઉકેલ માટે અન્ય કેટલાક વિકલ્પો પણ સામે આવ્યા હતા.

એક સૂચન એવું છે કે વિવાદિત સ્થળને એક સંગ્રહાલયમાં ફેરવી નાખવામાં આવે.

મંદિર કે મસ્જિદ બેમાંથી એકેય ના બને તેવા આ સૂચનને સ્વીકારવા માટે યોગગુરુ તૈયાર છે ખરા?

તેઓ કહે છે, "જુઓ આપણે વ્યવહારુ થઈને વિચારવું પડશે. ત્યાં અત્યારે મંદિર છે, મસ્જિદ ક્યાં છે?"

"હાલમાં ત્યાં રામલલ્લા જ બેઠા છે. કરોડોની શ્રદ્ધા સાથે જોડાયેલો આ મામલો છે. શું તેનું સન્માન ના કરવું જોઈએ?"

મુસ્લિમ સમુદાયમાંથી કેટલાક આ સૂચન સ્વીકારી લેવા કદાચ તૈયાર થઈ જાય, પરંતુ તેમને ડર છે બાબરી મસ્જિદ જતી કરાશે, તો તેમણે કાશી વિશ્વનાથ અને મથુરામાં આવેલી વિવાદાસ્પદ મસ્જિદો પણ જતી કરવી પડશે.

આ વિશે શ્રી શ્રી કહે છે, "આવી વાતો અમે પણ સાંભળી છે. પણ ભાઈ, પહેલાં એક મામલાનો તો ઉકેલ લાવો. તેના કારણે તમારા લોકો માટે ગુડવીલ ઊભી થશે!"

તેઓ વધુમાં જણાવે છે, "આમ કરવાથી થનારા લાભ અને એમ ના કરવાથી થનારા નુકસાનનાં લેખાંજોખાં લઈને આપણે ફેંસલો કરવો પડશે."

મુસ્લિમોને ડર છે કે બાબરી પછી મથુરા અને કાશીની મસ્જિદો દૂર કરવાની પણ માગણી છે, તે બાબતમાં શું કોઈ ખાતરી આધ્યાત્મિક ગુરુ આપી શકે તેમ છે?

તેઓ કહે છે, "ગેરંટી આપનારો હું કોણ ગણાવ? કોઈ પણ માંગણી કરી શકે છે. આ દેશમાં કોઈને પણ કશું પણ માગવાનો અધિકાર છે."

પોતે ખાતરી ના આપી શકે, પણ તેઓ એટલું સ્વીકારે છે કે પોતે આવી માગણીની વિરુદ્ધમાં હશે. "હું આવી માગણીને ટેકો નહીં આપું."

મધ્યયુગમાં બનેલી બાબરી મસ્જિદની જગ્યા એ રામ જન્મભૂમિ છે એમ હિંદુઓ માને છે.

છઠ્ઠી ડિસેમ્બર, 1992માં મસ્જિદના ઢાંચાને તોડી પાડવામાં આવ્યું હતું. આ ભૂમિ વિશે 1949થી વિવાદ ચાલતો હતો.

હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે ત્યારે તે શું ચુકાદો આપે છે તેની સૌને આતુરતા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો