BBC Top 5 News: યમનમાં તબાહી મચાવનાર મેકૂનૂ, મહારાષ્ટ્રમાં રાહત આપશે

ઇમેજ સ્રોત, Getty Images
ઓમાનના સલાલાહ દરિયા કિનારે નાગરિકો
ભારતીય હવામાન ખાતાએ આગાહી કરી છે કે મેકૂનૂ વાવાઝોડાને કારણે મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જેના કારણે ગરમીથી પીડાતા લોકોને આંશિક રાહત મળી શકે છે.
આ વાવાઝોડાને કારણે ગુજરાતના બંદરો પર તકેદારીના પગલારૂપે બે નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે અને માછીમારોને દરિયો નહીં ખેડવાની સૂચના આપવામાં આવી છે.
અન્ય એક આગાહીમાં હવામાન ખાતાએ શક્યતા વ્યક્ત કરી છે કે શુક્રવારે સૌરાષ્ટ્ર તથા કચ્છ, મધ્ય પ્રદેશ, વિદર્ભ અને ઉત્તરાખંડમાં તાપમાન વધશે.
ઉલ્લેખનીય છે કે મેકૂનૂને કારણે યમનના સોકોટ્રા ટાપુ પર ભારે તારાજી સર્જાઈ છે. પ્રાથમિક અહેવાલો પ્રમાણે, સાત લોકો ગુમ થઈ ગયા છે જ્યારે હજારો લોકો બેઘર થઈ ગયા છે.
નહીં ઘટે પેટ્રોલ-ડીઝલના ભાવ
ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે અણસાર આપ્યા છે કે પેટ્રોલ અને ડીઝલ પર લાદવામાં આવેલો વેટ (વેલ્યુ એડેડ ટેક્સ) રાજ્ય સરકાર માટે આવકનો મુખ્ય સ્રોત છે એટલે તેમાં ઘટાડવાની હાલ કોઈ યોજના નથી.
ગુરૂવારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તથા ઓઇલ માર્કેટિંગ કંપનીના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. પરંતુ તેમાં શું નિર્ણય લેવાયો, તે તત્કાળ બહાર નથી આવ્યું.
હાલ ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ પર 20 ટકા વેટ તથા ચાર ટકા સેસ લાગે છે.
કુમારસ્વામી લેશે વિશ્વાસમત
ઇમેજ સ્રોત, Getty Images/Twitter
કર્ણાટકના મુખ્ય મંત્રી એચ. ડી. કુમારસ્વામી આજે કર્ણાટક વિધાનસભામાં વિશ્વાસનો મત લેશે. જો કોઈ મોટી ઉથલ પુથલ ન થાય તો તેઓ વિશ્વાસનો મત જીતી જશે.
આ સાથે જ રાજ્યમાં દસ દિવસથી ચાલી રહેલી રાજકીય અનિશ્ચિતતાનો અંત આવી જશે.
જેડીએસ-કોંગ્રેસની યુતિએ રમેશ કુમાર (કોંગ્રેસ)ને સ્પીકરપદના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ભાજપે પાંચ ટર્મથી ધારાસભ્ય એસ. સુરેશ કુમારને મેદાનમાં ઉતાર્યા છે.
બુધવારે યોજાયેલી શપથવિધિમાં આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુ, પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનર્જી, દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ તથા સીપીઆઈએમની પોલિટ બ્યુરોના વડા સિતારામ યેચુરી સહિત વિપક્ષના અનેક દિગ્ગજ નેતા હાજર રહ્યા હતા.
આ પહેલા યેદિયુરપ્પા 55 કલાક માટે કર્ણાટકના મુખ્ય મંત્રી બન્યા હતા, પરંતુ બહુમત સાબિત ન કરી શકતા રાજીનામું આપી દીધું હતું.
ઉલ્લેખનીય છે કે વિધાનસભામાં 104 બેઠકો સાથે ભાજપ સૌથી મોટો વિપક્ષ છે.
78 બેઠકો સાથે કોંગ્રેસ બીજા ક્રમે અને 37 બેઠકો સાથે જનતા દળ સેક્યુલર ત્રીજા ક્રમે રહ્યા છે.
ભાજપ અને બહુમતની વચ્ચે હાથવેંતનું છેટું રહેતા કોંગ્રેસે જેડીએસને મુખ્ય મંત્રીપદ સાથે ટેકાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને દેવેગૈડાએ સ્વીકાર્યો હતો.
ફ્રીમેન પર જાતીય સતામણીના આરોપ
ઇમેજ સ્રોત, PA
મોર્ગન ફ્રીમેન હોલીવૂડમાં ફિલ્મોમાં પોતાના અલગ રોલ માટે જાણીતા છે.
હોલીવૂડના પ્રખ્યાત કલાકાર મોર્ગન ફ્રીમેન પર આઠ મહિલાએ જાતીય સતામણી કરવાના આરોપ મૂક્યા છે.
બીબીસીએ સીએનએના રિપોર્ટને ટાંક્યો છે, જેમાં લખ્યું છે કે મોર્ગને ફિલ્મ 'ગોઇન્ગ ઇન સ્ટાયલ'ના નિર્માણ દરમિયાન મહિલા પ્રોડક્શન આસિસ્ટન્ટની મહિનાઓ સુધી સતામણી કરી હતી.
મોર્ગને આ આરોપો અંગે માફી છે અને કહ્યું છે:
"જેઓ મને ઓળખે છે, જેઓએ મારી સાથે કામ કર્યું છે, તેમને ખબર છે કે હું એવી વ્યક્તિ છું, જે કોઈને પસંદ ના હોય એવું કામ કરતો નથી."
આયર્લેન્ડમાં આજે એબોર્શનના કાયદા પર થશે મતદાન
ઇમેજ સ્રોત, SUPPLIED
આયર્લેન્ડમાં એબોર્શન અંગેના કાયદા પર આજે મતદાન થવાનું છે
આયરલૅન્ડમાં ગર્ભપાત વિરોધી જોગવાઈઓ અંગે જનમત યોજાઈ રહ્યો છે.
તાજેતરમાં #HomeToVote નામે સોશિયલ મીડિયામાં અભિયાન ચલાવાયું હતું, જેના દ્વારા એબોર્શન અંગે થવાના જનમતમાં ભાગ લેવા નાગરિકોને જાગૃત કરવામાં આવ્યાં હતાં.
આયરલૅન્ડના કાયદા પ્રમાણે માતા અને ગર્ભસ્થ શીશુ બંનેને જીવન માટેના એકસમાન અધિકાર છે.
1983માં બંધારણમાં 8મો સુધારો કરાયો તે પછી આ અધિકાર અપાયો હતો.
આના કારણે રેપ કે ઇન્સેસ્ટ (આંતર કૌટુંબિક સંબંધો)માં પણ એબોર્શન પર પ્રતિબંધ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો