‘વેદાંતા અને ભારતને બદનામ કરવા માગે છે લોકો’

  • વિનીત ખરે
  • બીબીસી સંવાદદાતા

તૂતીકોરિનમાં પોલીસ ગોળીબાર અને માર મારવાને કારણે 13 લોકો મૃત્યુ પામવાને કારણે ચાલી રહેલા વિવાદમાં વેદાંતાના પ્રેસિડેન્ટ અનિલ અગ્રવાલે કહ્યું છે કે છૂપા સ્વાર્થ ધરાવતા કેટલાક લોકો તેમની કંપની વેદાંતા અને ભારતને બદનામ કરવા માગે છે.

તેમણે આ દાવો બીબીસીના ઇન્ટરવ્યૂમાં કર્યો.

અનિલ અગ્રવાલે કહ્યું, "તૂતીકોરિનમાં વિરોધ પ્રદર્શન છૂપો સ્વાર્થ ધરાવતા કેટલાક લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જે માત્ર વેદાંતા જ નહીં, પરંતુ રોકાણ માટેના આકર્ષક સ્થળ તરીકે ભારતની પ્રતિષ્ઠાને પણ ખરાબ કરી રહ્યા છે."

ઈમેલ પર મોકલેલાં સવાલોના જવાબમાં અનિલ અગ્રવાલે કહ્યું, "મને વિશ્વાસ છે કે રાજ્ય સરકારે આ ઘટનામાં તપાસના જે આદેશો આપ્યા છે, તેમાં સત્ય બહાર આવશે. હું તૂતીકોરિનમાં મૃત્યુ પામેલા લોકો માટે ખૂબ દુખી છું."

સ્ટરલાઇટ પર શું આરોપ છે?

તૂતીકોરિનમાં વેદાંતા ગ્રૂપની કંપની સ્ટરલાઇટ કૉપર વિરુદ્ધ થયેલાં પ્રદર્શન દરમિયાન પોલીસ ગોળીબાર અને લાઠીચાર્જમાં અત્યાર સુધીમાં 13 લોકો મૃત્યુ પામ્યા છે. આ વિરોધ લાંબા સમયથી ચાલુ છે.

સ્થાનિક લોકોનો આરોપ છે કે સ્ટરલાઇટ કૉપર પ્લાન્ટમાંથી નિકળતો હાનિકારક ઔદ્યોગિક કચરો જમીન, હવા અને પાણીમાં પ્રદૂષણ ફેલાવવા ઉપરાંત તેમના આરોગ્યને પણ ભયંકર નુકસાન પહોંચાડી રહ્યો છે.

એ કચરાને કારણે લોકો મૃત્યુ પણ પામ્યા છે.

અહીં વિરોધ કરનારા લોકો ઇચ્છે છે કે, આ પ્લાન્ટ બંધ કરી દેવામાં આવે. કંપનીએ આ આરોપો નકારી કાઢ્યા છે.

તૂતીકોરિનમાં હજી પણ મોટા પ્રમાણમાં પોલીસ હાજર છે અને ઇંટરનેટ સેવા બંધ છે. રાજ્ય સરકારે ઘટનાની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે.

શું તમે આ વાંચ્યું?

તામિલનાડુના મુખ્યમંત્રી ઈકે પલાનીસ્વામીએ પણ ગુરુવારે કહ્યું હતું કે, કેટલાક રાજકીય નેતાઓ અને અસામાજિક તત્વો વિરોધ પ્રદર્શનોમાં ઘૂસી ગયા છે અને તેને ખોટા રસ્તે લઈ ગયા છે. આ નિવેદનની સોશિયલ મીડિયા પર કડક ટીકા થઈ હતી.

અનિલ અગ્રવાલે ગુરુવારે ટ્વિટર પર એક વીડિયો સંદેશ મૂકીને તૂતીકોરિનની ઘટનાઓને "દુર્ભાગ્યપૂર્ણ" અને દુખદાયક ગણાવી હતી.

પોતાના વીડિયો સંદેશમાં અનિલ અગ્રવાલે કહ્યું હતું કે, તે આ બિઝનેસ લોકોની મરજીથી આગળ વધારવાનું પસંદ કરશે અને એ (બિઝનેસ) તેમની (લોકોની) સમૃદ્ધિ માટે છે.

વેદાંતા પહેલાં પણ રહી છે વિવાદમાં

અનિલ અગ્રવાલે કહ્યું, "કંપની આરોગ્ય, સુરક્ષા અને પર્યાવરણ સાથે જોડાયેલા કડક ધારાધોરણોનું પાલન કરે છે. છેલ્લાં વર્ષોમાં કંપનીએ પ્રશાસન અને કેંદ્રીય પર્યાવરણ મંત્રાલયના તમામ નિયમોનું પાલન કર્યું છે."

સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓ કંપનીના આ દાવા ખોટા હોવાનું કહે છે.

શું ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની મદદ માટે તેમની પાસે કોઈ યોજના છે, આ મુદ્દે અનિલ અગ્રવાલે સીધો જવાબ ન આપતા જણાવ્યું, "સંકટના આ સમયમાં અમે તૂતિકોરિનના લોકોને જે પણ મદદ જોઈતી હશે, અમે તેમની મદદ કરીશું."

અનિલ અગ્રવાલે કહ્યું, "અમે તેમના દુખના સમયમાં તેમની સાથે ઊભા છીએ. કંપનીએ સરકાર અને પ્રશાસનને આસપાસના વિસ્તારોમાં રહેનારા લોકો અને અમારા કર્મચારીઓની સુરક્ષાની અપીલ કરી છે."

તામિલનાડુના તૂતીકોરિન પહેલાં ઓરિસ્સા અને છત્તીસગઢમાં પણ પોતાના રોકાણને કારણે વેદાંતા વિવાદોમાં રહી છે. આમ કેમ? બિહારના પટનામાં જન્મેલા અનિલ અગ્રવાલે આ સવાલનો કોઈ જવાબ ન આપ્યો.

વર્ષે ચાર લાખ ટન તાંબાનું ઉત્પાદન કરે છે સ્ટરલાઇટ

જે રીતે તૂતીકોરિનમાં પોલીસ દ્વારા લોકો પર ગોળીબાર થયો અને તેમને મારવામાં આવ્યા, તેના પર એવા આરોપો પણ લાગ્યા કે સ્થાનિક પોલીસ અને પ્રશાસન પર વેદાંતાનો પ્રભાવ છે, જેને કારણે પોલીસ અને પ્રશાસન તરફથી આવી કાર્યવાહી થઈ.

અનિલ અગ્રવાલે આ આરોપો નકારતા લખ્યું, "દેશના ઘણા ભાગો અને દુનિયાના ઘણા દેશોમાં અમારૂં કામકાજ ચાલી રહ્યું છે. અમે અમારો બિઝનેસ ન્યાયોચિત રીતે ચલાવવામાં વિશ્વાસ રાખીએ છીએ, નહીં કે પ્રશાસન પર કોઈ પ્રભાવ ઊભો કરીને."

વેદાંતા દુનિયાની સૌથી મોટી ખનન કંપનીઓમાંથી એક છે. અનિલ અગ્રવાલે મુંબઈમાં વેદાંતા નામની કંપની બનાવી હતી, જેની નોંધણી તેમણે લંડન સ્ટોક ઍક્સ્ચેન્જમાં કરાવી. સ્ટરલાઇટ વેદાંતા ગ્રૂપની જ કંપની છે.

તૂતીકોરિનના કારખાનામાં દર વર્ષે ચાર લાખ ટન તાંબાનું ઉત્પાદન થાય છે. કંપની તેની ક્ષમતા બમણી કરવા ઇચ્છે છે.

તામિલનાડુ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કંપનીને બંધ કરવાના આદેશ આપ્યા છે. પ્લાન્ટનો વીજ પુરવઠો પણ કાપી નાખવામાં આવ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો