બીબીસી ગ્રાઉન્ડ રિપોર્ટ: મુસ્લિમો મર્યાં પણ મૃતદેહો ના મળ્યા
- પ્રિયંકા દુબે
- બીબીસી સંવાદદાતા, શામલી, મુઝફ્ફરનગર

પોતાના માતાપિતા સાથે બેસેલા લિયાકતે (જમણી તરફ) રમખાણમાં પોતાનો એક પગ ગુમાવ્યો
પોતાના પરિવારજનોની દર્દનાક હત્યાઓની સ્મૃતિ આજે પણ તાજા જખમની માફક પોતાના હૈયામાં લઈને જીવી રહેલા કોમી હુલ્લડપીડિતોને એ સમજાતું નથી કે તેમના પરિવારજનોની હત્યા શા માટે કરવામાં આવી હતી?
હવે એ હત્યાઓના કેસ પાછા ખેંચીને તેમની પાસેથી ન્યાયની છેલ્લી આશા પણ છીનવવામાં આવી રહી છે.
દલિતો અને મુસલમાનો સાથે જોડાયેલા મુદ્દાઓ વિશેની બીબીસીની વિશેષ શ્રેણી માટે અમે મુઝફ્ફરનગર અને શામલીના કોમી હુલ્લડપીડિતોના પરિવારોને મળવા પહોંચ્યા ત્યારે એમના પરિવારજનોની હત્યાના આરોપીઓ વિરુદ્ધના કેસ પાછા ખેંચવામાં આવી રહ્યા હતા.
ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના લિસાડ અને લખ બાવડી ગામના વિસ્થાપિત મુસલમાનોના હૃદયમાં 'પોતાના ઘર'નો વિચાર આજે પણ ભૂતકાળની દર્દનાક સ્મૃતિઓમાં કેદ છે.
મુઝફ્ફરનગરમાં કોમી હુલ્લડ વખતે હિંસાના કેન્દ્રમાં રહેલાં આ ગામોમાં સૌથી વધુ લોકોની હત્યા થઈ હતી.
કોમી હુલ્લડ પછી મોટી સંખ્યામાં અહીંથી દેશના અલગ-અલગ વિસ્તારોમાં પલાયન કરી ગયેલા મુસલમાનોએ આજુબાજુના નવા વિસ્તારોમાં રહેવાનું તો શરૂ કરી દીધું છે, પણ વડીલોના પ્રેમ અને બાળકોના ખિલખિલાટથી ગુંજતા 'ઘર'નો વિચાર આજે પણ તેમના હૈયામાં દટાયેલી એક 'પુરાણી સ્મૃતિ' છે.
શમશાદ અને મુન્નીની પીડા
મુન્ની અને શમશાદે (પતિ-પત્ની) રમખાણમાં પોતાના માતાપિતા ગુમાવ્યા
આવો જ એક પરિવાર છે કાંધલામાં રહેતા શમશાદ અને મુન્નીનો. કોમી હુલ્લડ પહેલાં લિસાડ ગામમાં રહેતા શમશાદના અમ્મી જરીફન તેમના કાળા-સફેદ ઘોડાઓ તથા ભેંસોને બહુ પ્રેમ કરતા હતા.
50 વર્ષનાં મુન્ની જણાવે છે કે તેમનાં સાસુ જરીફન અને સસરા હાજી નબ્બૂને તેમનાં પાળેલાં પ્રાણીઓ પ્રત્યે એટલી લાગણી હતી કે કોમી હુલ્લડ વખતે એ પ્રાણીઓને કારણે તેમણે ઘર છોડીને જવાનો ઇનકાર કરી દીધો હતો.
લિસાડમાં કોમી હુલ્લડ શરૂ થયાના ચાર દિવસ પછી જરીફનનો કપાયેલો મૃતદેહ એક નહેરમાંથી મળી આવ્યો હતો.
હાજી નબ્બૂની હત્યાના સાક્ષીઓ મોજૂદ છે, પણ આજ સુધી હાજી નબ્બૂનો મૃતદેહ મળ્યો નથી.
માતાપિતાની હત્યાના વળતર પેટે મળેલા નાણાંમાંથી કાંધલામાં બનાવેલા પોતાના નવા ઘરમાં માથું ઝુકાવીને બેઠેલા શમશાદ ઉદાસીની તસવીર જેવા લાગે છે.
ઈંટના ભઠ્ઠામાં કામ કરતા હોવાથી તેમનો ચહેરો કાળો પડી ગયો છે.
રમખાણમાં જીવ ગુમાવનાર વકીલાની ચાર વહુઓ કાંધલાના જડાના વિસ્તારમાં રહે છે. વકીલાનો પરિવાર તેમની હત્યાનો કેસ પરત લેવા તૈયાર નથી
ગળામાં લટકતા ગમછા વડે પરસેવો અને આંસુ એકસાથે લૂંછતાં શમશાદ કહે છે, "2013ની સાતમી સપ્ટેમ્બરની રાત હતી. સાંજથી ગામમાં અફવા ફેલાવવામાં આવતી હતી."
"જાટ લોકો કહી રહ્યા હતા કે આજે મુસલમાનોની કત્લે આમ થશે. સાંજ થતાં સુધીમાં સમાચાર આવ્યા કે ગામમાં અંસાર વણકરને કોઈએ ચપ્પુ મારી દીધું છે. મારી પાસે ફોન હોવાથી તરત ફોન આવવા લાગ્યા હતા."
"ગામના બધા મુસલમાનો ઘર છોડીને ભાગવા લાગ્યા હતા. બધાને કહેવામાં આવ્યું હતું કે આજે રાતે લિસાડના મુસલમાનોનો ફેંસલો કરી નાખવામાં આવશે."
"ઘરમાં દીકરા વસીમનાં લગ્ન થવાનાં હતાં એટલે મારી દીકરી પણ સાસરેથી આવી હતી."
તમે આ વાંચ્યું કે નહીં?
"મને યાદ છે, સાંજે અમે વિચારતા હતા કે આજે ગરમી બહુ છે એટલે રાતે છત પર બેસીને જમીશું."
"એ દરમ્યાન ખબર પડી કે અમને ચારે તરફથી ઘેરી લેવામાં આવ્યાં છે. આડોશપાડોશમાં ધમાલ થઈ ગઈ અને ગામના બધા મુસલમાનો પોતપોતાનાં ઘર ખાલી કરવા લાગ્યા હતા."
"અમે પણ જીવ બચાવવા ભાગ્યા હતા. બાળકો ક્યાંક ભાગ્યા, સ્ત્રીઓ ક્યાંક ભાગી અને પુરુષો ક્યાંક ભાગ્યા. જેને જ્યાં રસ્તો મળ્યો ત્યાંથી ભાગી છૂટ્યા હતા."
"બીજા દિવસે લિસાડથી 10 કિલોમીટર દૂર એક કૅમ્પમાં અમે બધાં ફરી મળ્યાં, પણ અબ્બુ-અમ્મી ન મળ્યાં. તેમણે ઘર છોડ્યું જ ન હતું."
"ખબર નહીં મારી-કાપીને વૃદ્ધોને ક્યાં ફેંકી દીધા"
શમશાદ રમખાણમાં થયેલી પોતાના માતાપિતાની હત્યાનો કેસ પરત લેવા તૈયાર નથી
ઘોડાગાડીમાં ઈંટો લાદીને ભઠ્ઠાથી ગોદામ સુધી પહોંચાડવાનું કામ કરતા 80 વર્ષના હાજી નબ્બૂ અને 75 વર્ષનાં જરીફનને ખાતરી હતી કે તેમના જેવા વૃદ્ધોને ગામના જાટ લોકો જરૂર છોડી દેશે.
લીલી ઓઢણીથી પોતાના આંસુ લૂંછતાં મુન્ની કહે છે, "અમારા સાસુ-સસરા હાજી હતા. તેમના સાત દીકરાઓ, સાત વહુઓ અને પૌત્ર-પૌત્રીઓથી હર્યોભર્યો પરિવાર હતો, પણ છેલ્લે અમને સાસુ-સસરાની લાશો પણ જોવા મળી ન હતી."
"ખબર નહીં મારી-કાપીને વૃદ્ધોને ક્યાં ફેંકી દીધા. અમે તેમને કફન પણ ન આપી શક્યાં કે દફન પણ ન કરી શક્યાં. તેનું પારાવાર દુઃખ છે. તમને શું કહીએ?"
એ ઘટનાને યાદ કરતાં શમશાદ કહે છે, "એ રાતે અમે અમ્મી-અબ્બુને કહ્યું હતું કે અમારી સાથે ચાલો, પણ અમ્મીએ કહ્યું હતું કે તમે લોકો જાઓ. આ તો અમારું ગામ છે. જિંદગી પસાર કરી છે અહીં. અમને વૃદ્ધોને કોણ મારશે ગામમાં."
"અમ્મીને પાળેલાં પશુઓ અને ઘરની ચિંતા હતી. મને કહ્યું હતું કે હું અહીંથી ચાલી જઈશ તો આ પશુઓને ચારો કોણ નીરશે? પશુઓ ભૂખ્યાં રહીને મરી જશે."
"અમે લોકો અમારો જીવ બચાવવા ભાગ્યા હતા અને અમ્મી-અબ્બૂ ઘરમાં જ રહી ગયાં હતાં."
શમશાદે ઉમેર્યું હતું, "બીજા દિવસે સવારે અમારા ઘરના બે છોકરાઓ અમ્મી-અબ્બૂની હાલત જોવા ગયા હતા. તેઓ પહોંચ્યા અને જોયું તો અમ્મી-અબ્બૂ જીવંત હતાં અને પાડોશમાં રહેતા કાસિમ દરજીના ઘરમાં હુલ્લડખોરો આગ ચાંપી રહ્યા હતા."
"એ પછી હુલ્લડખોરો અમારા ઘર ભણી આગળ વધ્યા હતા. છોકરાઓ ભાગી નીકળ્યા અને ગામ નજીકના શેરડીના ખેતરમાં છૂપાઈને તેમણે તેમનો જીવ બચાવ્યો હતો."
"અમ્મી-અબ્બૂ પણ તેમની પાછળ દોડવા લાગ્યાં હતાં, પણ તેઓ વૃદ્ધ હોવાથી ઝડપથી દોડી શક્યાં ન હતાં. હુલ્લડખોરોએ તેમને પકડી લીધાં અને કાપી નાખ્યાં હતાં."
"એ પછી અમે બહુ શોધ કરી પણ તેમની લાશો મળી ન હતી. ચાર દિવસ પછી પોલીસ સ્ટેશનમાંથી સમાચાર આવ્યા હતા કે અમ્મીની કપાયેલી લાશ નહેરમાંથી મળી છે."
"પોલીસે અમને એ માહિતી જ આપી હતી, અમ્મીની લાશ આપી ન હતી. અબ્બૂનું શું થયું એ તો આજ સુધી ખબર પડી નથી."
"નજર સામે પરિવારજનોની હત્યા"
મુન્નીને પોતાના સાસુ-સસરા છેલ્લીવાર ના જોઈ શકવાનો રંજ તેમની આંખોમાં છલકી આવે છે
શમશાદના અમ્મી-અબ્બૂની હત્યાની ફરિયાદ મુઝફ્ફરનગરના ફુગાના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે. તેમાં લિસાડ ગામના જ 22 હિંદુઓ સામે ફરિયાદ નોંધાયેલી છે.
શમશાદના અમ્મી-અબ્બૂની હત્યાનો કેસ એ 131 કેસોમાં સામેલ છે, જેને પાછા ખેંચવાની પ્રક્રિયા ઉત્તર પ્રદેશ સરકાર શરૂ કરી ચૂકી છે.
શમશાદ કહે છે, "જેમના ઘરના બબ્બે લોકોની હત્યા થઈ છે તેમનો કેસ તેઓ કઈ રીતે પાછો ખેંચી શકે? અમારા પર દબાણ લાવવામાં આવ્યું હતું. પૈસાની લાલચ આપવામાં આવી હતી. મોતની ધમકીઓ મળી હતી. તેમ છતાં અમે કેસ પડતો કઈ રીતે મૂકીએ?"
"અમારા પરિવારજનોની હત્યા અમારી નજર સામે કરવામાં આવી હતી. અમે કેસ કઈ રીતે પાછો ખેંચીએ? તેઓ કહે છે કે જૂની વાતોને મગજમાંથી કાઢી નાખો. હું કહું છું કે જે ઘરમાં મારો જન્મ થયો હતો એ ઘર મારા પગ તળેથી હટી ગયું છે."
લિસાડમાં સળગી ચૂકેલા પોતાના પારિવારિક ઘરની યાદ આજે પણ શમશાદને બહુ સતાવે છે.
શમશાદ કહે છે, "દીકરાનાં લગ્ન માટે આખું ઘર નવેસરથી સજાવ્યું હતું. નવા ઓરડા બનાવ્યા હતા. નવી ફરસ બનાવી હતી. અમ્મી ઇચ્છતાં હતાં કે પૌત્રનાં લગ્ન પહેલાં ઘરનું સમારકામ કરી લેવું જોઈએ."
"ઘરમાં 12-15 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હતો અને તેમાં એક રાત માટે પણ અમે ઊંઘી ન શક્યાં. અમારું તો બધું લૂંટાઈ ગયું. અમે કેસ કઈ રીતે પાછો ખેંચી શકીએ?"
ન્યાયની ધૂંધળી થતી આશા
રમખાણમાં બળીને ખાખ થઈ ગયેલા પોતાના ઘરની યાદ આવતા શમશાદનું દિલ આજે પણ જોરથી ધડકવા લાગે છે
શામલી જિલ્લાના કૈરાનાના વોર્ડ નંબર આઠમાં અમારી મુલાકાત 40 વર્ષના લિયાકત ખાન સાથે થઈ હતી. મૂળ શામલીના લખ બાવડી ગામના રહેવાસી લિયાકત હુલ્લડ પછી કૈરાનામાં રહેવા આવ્યા હતા.
લિયાકતે કોમી હુલ્લડમાં તેમના એક પગની સાથે તેમનો આત્મવિશ્વાસ પણ ગૂમાવ્યો છે. 2013ના સપ્ટેમ્બરની એ રાતને યાદ કરતાં લિયાકતની આંખોમાં આજે પણ આંસુ આવી જાય છે.
લિયાકત કહે છે, "અમારી હત્યા કરવામાં આવશે એવી વાત ગામમાં ફેલાતાંની સાથે જ મહોલ્લાના બધા મુસલમાનો મારા ઘરે એકઠાં થયાં હતાં. અમે ઘરમાં ડરેલા બેઠાં હતાં કે દરવાજા પર હુમલો કરવામાં આવ્યો હતો."
"અમારા મહોલ્લાનો દિલશાદ હતો, ઇકરા નામની એક નાની બાળકી હતી, ઇકરાની અમ્મી સીધો હતી. એ બધાની હત્યા કરવામાં આવી હતી."
"મને પણ કાપ્યો હતો. પહેલાં તેમણે છરાથી મારું પેટ કાપ્યું હતું. તલવારથી મારો પગ કાપી નાખ્યો હતો. પછી મારા હાથ પર ઘા માર્યા હતા."
લિયાકતની આપવીતી સાંભળીને, તેમની બાજુમાં જ બેઠેલા તેમના અબ્બા મક્સૂદ અને અમ્મી સીધો ચૂપચાપ રડવા લાગ્યાં હતાં.
સવાલ કર્યા ત્યારે તેઓ તેમના નામથી વધુ કંઈ બોલી શક્યાં ન હતાં, પણ તેમની ખામોશ આંખોમાં તેમના દીકરા માટે ન્યાયની પ્રતીક્ષા જોવા મળી હતી.
સરકાર કેસો પાછા ખેંચવાની છે એવું જણાવવામાં આવતાં લિયાકત કહે છે, "હું કેસ પાછો ખેંચવાનો નથી. મને ન્યાય મળવો જોઈએ."
"મારો પગ કાપી નાખવામાં આવ્યો છે. મારા આખા શરીર પર ઘાના નિશાન છે. હું કમાઈ શકું તેમ નથી અને ચાલી શકું તેમ પણ નથી. કોમી હુલ્લડે મારી જિંદગી બરબાદ કરી નાખી છે."
"હવે સરકાર અમને ન્યાય નહીં આપે? સરકાર મારો કેસ પાછો ખેંચી લે એવું થઈ જ ન શકે. સરકાર કોઈ એકની નહીં, બધાની હોય છે. સરકાર અમારી માઈ-બાપ છે, અમે તેમનાં બાળકો છીએ. સરકાર અમને છોડી દેશે તો અમે ક્યાં જઈશું?"
કેસ પાછા ખેંચવા બાબતે સરકારનું વલણ
કાંધલા વસતી હમઝા કોલોનીમાં રહે છે
ઉત્તર પ્રદેશ સરકારે મુઝફ્ફરનગરનાં કોમી હુલ્લડ સંબંધી 131 કેસ પાછા ખેંચવાની પ્રક્રિયા આ વર્ષના માર્ચથી શરૂ કરી દીધી છે.
એ કેસોમાં મોટાભાગના આરોપીઓ હિંદુ છે. એ લોકો પર હત્યા, હત્યાના પ્રયાસ અને કોમી લાગણી ભડકાવવાથી માંડીને લૂંટફાટ તથા આગચંપી સુધીના આરોપ છે.
હુલ્લડપીડિત પરિવારો દુઃખ અને નિરાશામાંથી બહાર નીકળવાના પ્રયાસ છેલ્લાં પાંચ વર્ષથી કરી રહ્યા છે, પણ રાજ્ય સરકારના આ પગલાએ હુલ્લડપીડિત પરિવારોને ફરી દુઃખ અને નિરાશામાં ધકેલી દીધાં છે.
મુઝફ્ફરનગરમાં 2013માં થયેલા કોમી હુલ્લડમાં 62 લોકોની હત્યા થઈ હતી અને હજ્જારો લોકો બેઘર થઈ ગયા હતા. મૃતકો અને બેઘર થયેલાઓમાં મોટાભાગના મુસલમાનો હતાં.
સમાજવાદી પક્ષની તત્કાલીન રાજ્ય સરકારે હિંસા પછી અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં 1455 લોકો વિરુદ્ધ કુલ 503 કેસ નોંધ્યા હતા.
હમઝા કોલોનીમાં રહેતા શરણાર્થીઓના બાળકો
એ 503માંથી 131 કેસ પાછા ખેંચવામાં આવી રહ્યા છે, જેમાં 13 હત્યાના અને 11 હત્યાના પ્રયાસના કેસ છે.
અદાલતી કાર્યવાહી વિના આ કેસીસ 'પાછા' ખેંચાવવાની પ્રક્રિયા શરૂ કરાવવા પશ્ચિમી ઉત્તર પ્રદેશના જાટ નેતાઓનું એક જૂથ ફેબ્રુઆરીમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને મળ્યું હતું.
જાટ નેતાઓના જૂથનું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના સંસદસભ્ય સંજીવ બાલયાન અને બુઢાનાના બીજેપીના ધારાસભ્ય ઉમેશ મલિકે કર્યું હતું.
એ સમયે મીડિયા સાથેની વાતચીતમાં બાલયાને જણાવ્યું હતું કે તેમણે કોમી હુલ્લડ દરમ્યાન નોંધવામાં આવેલા 179 કેસ પાછા ખેંચવાની અરજ મુખ્ય પ્રધાનને કરી છે. એ 179 કેસમાં કુલ 850 લોકો સામે ફરિયાદ નોંધાયેલી છે. એ બધા હિંદુ છે.
જાટ નેતાઓના જૂથની મુખ્ય પ્રધાન સાથેની મુલાકાતના થોડા સપ્તાહ પછી કેસીસ પાછા ખેંચવાની પ્રક્રિયા સંદર્ભે ઉત્તર પ્રદેશ સરકારે પહેલી નોટિસ બહાર પાડી હતી.
આ બાબતે મીડિયા સાથે વાત કરતાં ઉત્તર પ્રદેશના કાયદા પ્રધાન બૃજેશ પાઠકે જણાવ્યું હતું કે કોમી હુલ્લડ વખતના 'રાજકારણ પ્રેરિત' કેસીસ પાછા ખેંચવાની પ્રક્રિયા સરકાર શરૂ કરી રહી છે.
ધાર્મિક સ્વાતંત્ર્યની સ્થિતિ
લિકાયતે રમખાણમાં પોતાનો પગ ગુમાવ્યો. તેમના પગનો ઘા હજુ પૂરી રીતે રુઝાયો પણ નથી
અમેરિકાની સત્તાવાર સંસ્થા યુએસ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજસ ફ્રીડમ દુનિયાભરમાં ધાર્મિક સ્વાતંત્ર્યની પરિસ્થિતિ વિશેનો તેનો અહેવાલ ભલામણો સાથે અમેરિકન સંસદમાં રજૂ કરે છે.
આ સંસ્થાએ તાજેતરમાં પ્રકાશિત તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું, "મોદી સરકારે મોટા પાયે થયેલી કોમી હિંસાના પીડિતોને ન્યાય અપાવવા માટે કશું કર્યું નથી. એ પૈકીની ઘણી ઘટનાઓ મોદીના પક્ષના નેતાઓના ઉશ્કેરણીજનક ભાષણોને કારણે જ ભડકી હતી."
લંડનસ્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થા માઇનોરિટી રાઈટ્સ ગ્રુપ ઇન્ટરનેશનલે તેનો અહેવાલ તાજેતરમાં જ પ્રકાશિત કર્યો હતો.
એ સંસ્થાએ જણાવ્યું હતું કે ભારતમાં ગત પાંચ વર્ષમાં કોમી હિંસાની ઘટનાઓમાં ઘણો વધારો થયો છે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર, 2016માં દેશમાં કોમી હિંસાની 700 ઘટનાઓ સત્તાવાર રીતે નોંધાઈ હતી. કોમી હિંસાની આ ઘટનામાં પીડિતો મોટેભાગે મુસલમાનો જ હતા.
અહેવાલ એવું પણ જણાવે છે કે કોમી હિંસાની ઘટનાઓમાં પોલીસ તથા વહીવટીતંત્રના ઢીલા વલણને કારણે ગુનેગારોને સજા થતી નથી. તેથી બહુમતી સમાજના હિંસક તત્ત્વોની ગુના કરવાની હિંમત વધે છે.
ઇન્ડિયન પોલીસ સર્વિસના નિવૃત્ત અધિકારી અને સામાજિક કાર્યકર એસ આર દારાપુરી ઉત્તર પ્રદેશમાં લાંબો સમય કામ કરી ચૂક્યા છે.
એસ આર દારાપુરી કહે છે, "વર્તમાન સરકારના શાસનકાળમાં મુસલમાનોના દમનની ઘટનાઓ વધી છે. મુઝફ્ફરનગરના કોમી હુલ્લડ જેવી ગંભીર ઘટના વખતે થયેલી હત્યાના કેસીસ વર્તમાન યોગી સરકાર જે પ્રમાણમાં પાછા ખેંચી રહી છે એ અભૂતપૂર્વ છે."
"આ નિર્ણયમાં સરકારનું લઘુમતી પ્રત્યેનું દમનકારી વલણ સ્પષ્ટ જોવા મળે છે."
"રાજસ્થાન હોય, મધ્ય પ્રદેશ હોય કે ઉત્તર પ્રદેશ, ગાયના નામે થતી હત્યાઓ અને શંભુ રૈગર જેવા લોકોના હાથે મુસલમાનોની હત્યાની ઘટનાઓ સામાન્ય બનતી જાય છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો