દૃષ્ટિકોણ: 'નરેન્દ્ર મોદીને માત્ર 125 કરોડ લોકોની ચિંતા છે'
- પ્રભાત ઝા
- રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, ભાજપ, બીબીસી ગુજરાતી માટે

ઇમેજ સ્રોત, Getty Images
દેશ છે એટલે સમસ્યાઓ રહેવાની. કોઈ દેશ એવો દાવો ના કરી શકે કે તેમની કોઈ સમસ્યા જ નથી.
એક સમય એવો હતો કે ભારત વિશ્વના અન્ય દેશોની સમસ્યાઓના ઉકેલ માટેનું કેન્દ્ર હતું.
દરેક રાષ્ટ્રની સમસ્યાઓના ઉકેલનું માધ્યમ બનેલું ભારત 'વિશ્વગુરુ' કહેવાતું હતું.
સ્થિતિ આજે પણ એવી જ છે. એ બાબતમાં કોઈ બેમત નથી કે વિશ્વના જે નાગરિકો આધ્યાત્મિક શાંતિની શોધમાં હોય છે, તેઓ બેએક મહિના માટે કે બેએક વર્ષો માટે ભારતનાં આધ્યાત્મિક કેન્દ્રોમાં આવીને રહે છે.
ભારતનો નાગરિક પોતાની આવડત અને પોતાની કુશળતાની માગને કારણે વિદેશમાં જાય છે, પણ શાંતિની પ્રાપ્તિ માટે આજેય ભારતમાં રહે છે અને ભારત આવતોજતો રહે છે.
આઝાદી પછી દેશની મૂળભૂત સમસ્યાઓ તરફ શાસકોએ ધ્યાન આપ્યું નહોતું. ભારત એક વિશાળ લોકતાંત્રિક દેશ છે.
અહીંની મૂળ સમસ્યાઓ નાગરિકો સાથે જોડાયેલી છે. આજે પણ અગાઉ હતી તેટલી જ સમસ્યાઓ છે.
આઝાદી પછી ભારતમાં જે શાસકો આવ્યા તેમણે એમ માન્યું કે આઝાદી મળી ગઈ એટલે બધી સમસ્યાઓ દૂર થઈ ગઈ. સ્વતંત્રતા મળી એટલે જાણે કે બધું જ મળી ગયું.
આઝાદી પછી શું થયું?
ઇમેજ સ્રોત, Getty Images
સાચી વાત એ છે કે આઝાદી મળી તે પછીના દિવસોમાં આપણે નાગરિક સુવિધાઓ માટે, ભારતની પ્રકૃત્તિ પ્રમાણે અને નાગરિકોની જીવનશૈલી પ્રમાણે સમસ્યાઓના ઉકેલ માટે કાર્યરત થઈ જવાનું હતું.
આપણે એવું કરી શક્યા નહીં. આપણે સત્તા પર રહીએ, પણ સેવા કરીને સેવાની બાબતમાં કેટલા આગળ આવીએ તેવું આપણે ના વિચાર્યું.
તેના બદલે સત્તાના માધ્યમથી સત્તામાં કેવી રીતે રહી શકાય તેના માટેનો જ વિચાર કર્યો. તેના કારણે જ આપણી સમસ્યાઓ ઊંડા મૂળિયાં નાખી ગઈ.
તમે આ વાંચ્યું કે નહીં?
આઝાદી પહેલાં આપણામાં સ્વતંત્રતા પ્રાપ્તિ માટે ઝનૂન અને ઉત્સાહ હતા, પણ આઝાદી પછી તે રહ્યા નહીં.
આપણે માનવ અને સમાજને કેન્દ્રમાં રાખીને યોજનાઓ ના બનાવી. આપણે 'સત્તા'ને કેન્દ્રમાં રાખીને 'સત્તા' પર આવવા માટેની યોજનાઓને કેન્દ્રમાં રાખી.
આપણે આઝાદી બાદ નાગરિકોને માત્ર મતદાર બનાવી દીધા.
નાગરિક હોવાના નાતે આપણી 'રાષ્ટ્રીય ફરજ' હોવી જોઈતી હતી, તે ધીમે ધીમે ખતમ થવા લાગી.
તેના બદલે આપણે મતદાર તરીકેની ભૂમિકામાં અધિકારો માગતા થઈ ગયા.
નાગરિકોનો નહીં, મતદારોનો દેશ
ઇમેજ સ્રોત, Getty Images
ભારત નાગરિકોનો નહીં, મતદારોનો દેશ બની ગયો. આપણે લોકોને નાગરિક તરીકેની સમજથી દૂર કરતા ગયા અને મતદાર તરીકેની માગણીઓ જગાવતા ગયા.
મતદાર તરીકેની માગણીઓને કારણે સત્તા પાસેથી આપણી અપેક્ષાઓ વધતી ગઈ અને સમાજના હિત પ્રત્યેની ઉપેક્ષા વધતી ગઈ.
આઝાદી પછી વર્ષો સુધી આવી સ્થિતિ ચાલી. પરિણામ એ આવ્યું કે એક જ પક્ષની સરકારો બનતી રહી. બીજા રાજકીય પક્ષો ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા.
સત્તાથી આકર્ષાયેલા નાગરિકોને સમાજ માટેનું આકર્ષણ ઓછું થતું ગયું.
અંતે સમાજની તરફ જોવાના બદલે લોકો સત્તા તરફ વધારે જોવા લાગ્યા. સાચી વાત એ છે કે સમાજને કારણે દેશને આઝાદી મળી છે.
સત્તા દ્વારા સમાજની સેવા
ઇમેજ સ્રોત, Getty Images
સમાજ એ સત્તાની જનેતા છે. સત્તા દ્વારા સમાજની સેવા કરવાની હોય છે, સમાજનું નિર્માણ નથી કરવાનું હોતું.
સમાજની ઉપેક્ષાને કારણે સમાજ નબળો થઈ ગયો અને સત્તા મજબૂત થતી ગઈ.
લોકતંત્રની સુરક્ષા માટે સમાજ અને સત્તા વચ્ચે હંમેશા સંતુલન રહેવું જોઈએ. વધારે સારી સ્થિતિ એ છે કે સમાજનો હાથ સત્તાની ઉપર રહે.
સમાજ અને સત્તા વચ્ચે સંતુલનને કારણે જ સમાજની સુરક્ષા થાય છે અને સત્તા નિરંકુશ થતી અટકે છે.
આઝાદી પછી સત્તા પરિવર્તન પણ થયું. પરંતુ પરિવર્તન પછી આવેલી સત્તાએ જ્યારે કંઈક અનોખું કરવાનો પ્રયાસ કર્યો ત્યારે લોકો તેમને સત્તા જતી રહેવાનો ડર દેખાડવા લાગ્યા.
એક જમાનામાં જે વિપક્ષમાં હતા તેમણે હવે સત્તામાં આવીને પૂર્વ શાસકો દ્વારા ઊભી કરેલી સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માટે પ્રયાસો શરૂ કર્યા.
દેશ અને સમાજનું ભલું થાય તેવા હેતુથી તેમણે કાર્ય કરવાનું શરૂ કર્યું હતું. તેમ કરવાથી સત્તામાં રહી શકાશે એમ તેમને લાગ્યું હતું. પરંતુ તેવું થયું નહીં.
સમસ્યાઓના કાયમી ઉકેલ માટે પ્રયાસો કરે તે પહેલાં જ તેમને જતા રહેવાનો વારો આવ્યો. પાંચ વર્ષ માટે જીતેલા લોકોએ વચ્ચેથી જ સત્તા છોડવી પડી.
આવું એકવાર નહીં, બે કે ત્રણવાર થયું. તેના કારણે સત્તા ખાતરની સત્તા જ છવાયેલી રહી અને સેવા ખાતરની સત્તા નબળી પડવા લાગી.
2014માં નવી હવા
ઇમેજ સ્રોત, Getty Images
2014ના મે મહિનામાં દેશમાં એક નવી હવા ચાલી. તેમાં એક સ્પષ્ટ સંદેશ હતો કે સત્તા સમાજની સેવા માટે મળી છે, સત્તાની સેવા કરવા માટે નથી મળી.
સત્તાને વર્તમાન સરકારે સેવાનું માધ્યમ બનાવ્યું. સત્તાને ફરીથી સત્તા માટેનું સાધન નથી માન્યું.
'સત્તા'માં જે પણ સમાજ આવે, તેમણે પણ વિચાર કરવાનો છે કે દેશમાં સત્તા સેવા માટે છે કે સત્તા સત્તામાં આવવા માટે છે.
આજે જે પક્ષ સત્તામાં છે તે એવા વિશ્વાસ સાથે કામ કરી રહ્યો છે કે આપણે સમાજની સેવા કરીશું તો સમાજ પણ તેમનું કર્તવ્ય બજાવશે.
હાલના સત્તાધીશોને સમાજ પર ખૂબ વિશ્વાસ છે. સત્તાનો સમાજ પર સામાજિક વિશ્વાસ રહેવો જોઈએ અને તો કદી લોકતંત્ર બીમાર નહીં પડે.
વર્તમાન સત્તાધારી પક્ષના નેતા શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના નાગરિકો માટે, તેમના સામાજિક કલ્યાણ માટે અને તેમના રાષ્ટ્રીય ગૌરવને પૂર્ણતા આપવા માટે જે પગલાં લીધાં છે, તે કઠોર હોવા છતાં લાંબા ગાળે નાગરિકોના હિતમાં સાબિત થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
વિરોધીઓની ચીસોથી ગભરાઇને સમાજ પણ ચિલ્લાઈ ના ઉઠે તે માટે વધારે ચિંતા કરવામાં આવી છે.
સમસ્યાનું મૂળથી નિરાકરણ
ઇમેજ સ્રોત, Getty Images
વર્તમાન સત્તાધીશોના મનમાં એક સારી વાત એ છે કે દેશની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવી દેવાના બદલે તેનાં મૂળિયાં જ કાપી નાખવાં.
તેના કારણે જ વર્તમાન સરકાર નિડરતાથી મોટા નિર્ણયો લઈ રહી છે અને દેશની જનતાના અને સમાજના સહયોગથી આગળ વધી રહી છે.
સત્તાના ખેલમાં હારજીત થતી રહે, પરંતુ સમાજમાં પોતાનું 'અપરાજિત' સ્થાન જે બનાવી લે તે કાયમી થઈ જાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ જ દિશામાં ડગ માંડી રહ્યા છે. તેમણે કડકમાં કડક નિર્ણયો લેતી વખતે ક્યારેય 2019ની ચિંતા નથી કરી.
તેમણે માત્ર ભારતના 125 કરોડ નાગરિકોની જ હંમેશા ચિંતા કરી છે.
અહીં એ વાત પણ સ્પષ્ટ થઈ જવી જોઈએ કે વર્તમાન સત્તાના વિરોધીઓ ગમે તેવા આરોપો લગાવે.
ભારતની આઝાદી પછી પહેલીવાર નરેન્દ્ર મોદીજીની સરકાર એવી રહી છે, જે નાગરિકોની કસોટીમાંથી વારંવાર પાર ઉતરી હોય.
નિર્ણયના કેન્દ્રમાં સમાજસેવા અને રાષ્ટ્ર
ઇમેજ સ્રોત, Getty Images
વિરોધ પક્ષો જે પણ કંઈ વિચારે છે તેના કેન્દ્રમાં સત્તા છે, જ્યારે વર્તમાન સત્તાધારી જે પણ નિર્ણયો લે છે તેના કેન્દ્રમાં સમાજ અને તેની સેવા તથા રાષ્ટ્રનું ગૌરવ છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતના ભૂતપૂર્વ શાસકોએ ભારતની આબરૂને રાખમાં મેળવી દીધી હતી.
તેની સામે વર્તમાન શાસક નરેન્દ્ર મોદીજીએ રાખમાં ખરડાયેલી આબરૂને ચિનગારી બનાવીને અને ભારતની અખંત જ્યોતિ પ્રગટાવીને તેનાથી વિશ્વને પ્રકાશિત કરવાનું કામ આદર્યું છે.
લોકતંત્રમાં હવે જનતા પણ જાગૃત થઈ ગઈ છે.
વિપક્ષે એ સમજવાની જરૂર છે કે હવે જાગૃત થયેલી જનતાને સત્તાધારી પક્ષ કે વિપક્ષ કોઈ ગેરમાર્ગે દોરી કરી શકે તેમ નથી.
જનતા જાણે છે, સમાજ જાણે છે કે આવતી કાલના સમાજનું ભવિષ્ય કોના હાથમાં સુરક્ષિત છે.
સત્તાધારી પક્ષે પણ સાવધ રહેવાનું છે કે તેમના મનમાં સેવાનો અહંકાર ના આવે.
તેઓ રાષ્ટ્રીય કર્તવ્યની ભાવનાથી રાષ્ટ્ર અને સમાજ માટે જે કાર્ય કરી રહ્યા છે, તે વધારે કરે અને નમ્રતા સાથે કરતા રહે.
ભારતના બે મુખ્ય સૂત્રો છે - 'સત્યમેવ જયતે' અને 'સત્યમ શિવમ સુંદરમ્'.
આ બંને સૂત્રોની ભાવનાને મનમાં રાખીને કોઈ કાર્ય કરવામાં આવે તો માત્રે 2019માં જ નહીં, પરંતુ સતત તેમને રાષ્ટ્રકાર્ય કરવાની તક સમાજ આપતો રહેશે.
આ રાષ્ટ્ર સદાય વિનમ્રતા સાથે એ વ્યક્તિ, સમાજ અને સંસ્થા તથા નેતૃત્ત્વનું ઋણિ રહેશે, જે તેમના આત્માની રક્ષા કાજ સદાય પોતાનું કર્તવ્ય બજાવતા રહે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો