TOP NEWS: નીતિનભાઈને ભાજપ સાફ કરી નાખશે: હાર્દિક પટેલ

હાર્દિક પટેલ

નવગુજરાત સમયના અહેવાલ મુજબ હાર્દિક પટેલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર નિશાન સાધતા કહ્યું કે જો નીતિનભાઈ અમારી સાથે નહીં રહે તો ભાજપ તેને સાફ કરી દેશે.

હાર્દિક પટેલે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું, "આજ કાલ અમિતભાઈ ગુજરાત આવે છે એટલે નીતિનભાઈને મંત્રીમંડળમાંથી કાઢી મૂકશે."

"પરંતુ હું દાવા સાથે કહું છું કે નીતિનભાઈને અમારી સાથે ઊભા રહેવું પડશે નહીંતર ભાજપ તેને સાફ કરી નાખશે."

આજે થનારી પાટીદાર મહાપંચાયત પહેલાં હાર્દિક પટેલે એવું પણ કહ્યું હતું કે ભાજપમાં ભૂકંપ આવશે.

જોકે, નીતિન પટેલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે આ મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનું કાવતરું છે.

તેમણે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું, "હું ભાજપમાં જ છું અને ભાજપ સાથે જ જોડાયેલો રહેવાનો છું. સોશિયલ મીડિયામાં ચાલતી કોઈ અફવાને માનવી નહીં. કોંગ્રેસ ગુજરાતમાં નિમ્નકક્ષાનું રાજકારણ રમી રહી છે."

નીતિન પટેલે આ મામલે ટ્વીટ કરીને પણ આ અફવા ના માનવા વિનંતી કરી હતી.

જોકે, અહેવાલ મુજબ મામલો એટલો પેચીદો બની ગયો છે કે ચારેબાજુ ખુલાસા કરવાની નોબત આવી ગઈ છે.

આ મામલે ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ પણ સ્પષ્ટતા કરવી પડી હતી.

હજી પણ થઈ શકે છે ટ્રમ્પ અને કિમની મુલાકાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે તેમની બેઠક હજી પણ 12 જૂને થઈ શકે છે.

આ પહેલાં ટ્રમ્પે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથેની તેમની પ્રસ્તાવિક બેઠક રદ્દ કરી દીધી હતી.

ટ્રમ્પે પત્રકારો સાથે વાતચીત કરતાં કહ્યું, "અમે જોઈશું કે આગળ શું થઈ શકે છે. આ બેઠક 12 જૂને પણ થઈ શકે છે. તેઓ પણ ઇચ્છે છે કે બેઠક થાય અને અમે પણ ઇચ્છીએ છીએ."

બેઠક રદ્દ થયા બાદ ઉત્તર કોરિયાએ કહ્યું હતું કે તેઓ ગમે ત્યારે આ બેઠક કરવા માગે છે અને કોઈ પણ રીતે વાતચીત કરવા માગે છે.

ઉત્તર કોરિયાએ આ બેઠક રદ્દ કરવાના નિર્ણયને ખૂબ જ દુઃખદ ગણાવ્યો હતો.

કુમારસ્વામીએ વિધાનસભામાં વિશ્વાસમત જીત્યો

કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકારે વિશ્વાસમત રજૂ કરી રાજ્યમાં પોતાની સરકાર સ્થાપિત કરી છે.

આ અવસર પર કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું હતું કે તેમને ખબર છે તેઓ રાજ્યમાં પૂર્ણ બહુમત સાથે સરકાર નથી ચલાવી રહ્યા પરંતુ વચન આપું છું કે અમારી સરકાર બિલકુલ અલગ પ્રકારની ગઠબંધન સરકાર હશે જે દેશ માટે આદર્શરૂપ સાબિત થશે.

કુમારસ્વામીએ એવું પણ કહ્યું હતું કે અમારી સરકાર લોકોના હિતમાં કામ કરશે.

ઉલ્લેખનીય છે કે કર્ણાટક વિધાનસભાના ચૂંટણી પરિણામ બાદ રાજ્યનું રાજકારણ ખૂબ જ પેચીદું બન્યું હતું. પરંતુ ગઈ કાલે રાજ્યમાં કોંગ્રેસ-જેડીએસે સરકાર રચી રાજ્યનું ચિત્ર સ્પષ્ટ કરી દીધું.

IPL 2018: કોલકાતાને કચડીને સનરાઇઝ હૈદરાબાદ પહોંચ્યું ફાઇનલમાં

કોલકાતાને હરાવીને હૈદરાબાદ આઇપીએલ 2018ના ફાઇનલમાં પહોંચી ગયું છે.

ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં ગઈકાલે રમાયેલી મેચમાં હૈદરાબાદે પહેલી બેટિંગ કરી 175 રન બનાવ્યા હતા.

પરંતુ હૈદરાબાદના બોલર રાશિદ ખાની ખતરનાક બોલિંગ આગળ કોલકાતાના બેટ્સમેનો ટકી શક્યા નહોતા .

આખરે હૈદરાબાદે 13 રનથી કોલકાતાને પરાજય આપ્યો હતો.

આ સાથે જ ગઈ કાલના મેચમાં રાશિદ ખાનને પોતાની બેટિંગથી પણ બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

હવે આઈપીએલની ફાઇનલ મેચ ચૈન્નાઈ અને હૈદરાબાદ વચ્ચે રમાશે.

મોદીને મળ્યા બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના

ગઈકાલે પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનમાં વિશ્વવિદ્યાલયના દિક્ષાંત સમારોહમાં ભાગ લેવા વડા પ્રધાન મોદી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શખ હસીના પહોંચ્યાં હતાં.

આ કાર્યક્રમ દરમિયાન હસીનાએ રોહિંગ્યા શરણાર્થીઓ અંગે વાત કરી હતી અને કહ્યું હતું કે રોહિંગ્યા શરણાર્થીઓને તેમના દેશ મ્યાનમાર પરત મોકલવામાં ભારત તેમની મદદ કરે.

ઉલ્લેખનીય છે કે મ્યાનમારમાં થયેલી હિંસા બાદ ભારે માત્રામાં રોહિંગ્યા લોકોએ પોતાના દેશમાંથી પલાયન કરવું પડ્યું અને પાડોશી દેશોનો આશરો લેવો પડ્યો.

હસીનાએ કહ્યું, "રોહિંગ્યા મુસલમાનોએ બાંગ્લાદેશમાં સહારો લીધો અને અમે તેમને માનવતાની દ્રષ્ટિએ આશરો પણ આપ્યો. પરંતુ અમે ઇચ્છીએ છીએ કે જેટલું જલદી બની શકે તેટલું તે લોકો પોતાના દેશ પરત ફરે."

મેજર ગોગોઈ સામે કોર્ટ ઑફ ઇન્કવાયરીના આદેશ

ભારતીય સેનાએ મેજર નીતિન લીતુલ ગોગોઈ સામે કોર્ટ ઑફ ઇન્કવાયરીના આદેશ આપ્યા છે.

આ અઠવાડિયે મેજર ગોગોઈ કથિત રીતે એક હોટલમાં યુવતી સાથે જતા હતા, ત્યારે તેમને હોટલના સ્ટાફે રોકતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.

સ્ટાફે પોલીસને બોલાવી હતી અને બાદમાં ગોગોઈની અટકાયત કરવામાં આવી હતી. હવે સેનાએ તેમની સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે.

આ પહેલાં સેના પ્રમુખ બિપિન રાવતે પણ કહ્યું હતું કે જો મેજર ગોગોઈએ કંઈ ખોટું કર્યું હશે તો તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

આ એ જ મેજર ગોગોઈ છે જેમણે કશ્મીરમાં પથ્થરમારો રોકવા માટે હ્યૂમન શિલ્ડ બનાવીને એક વ્યક્તિને જીપ પર બેસાડ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો