તૂતીકોરિન: કોના આદેશ પર થાય છે ઑપન ફાયરિંગ?

તુતીકોરિનમાં હિંસા દરમિયાન પોલીસ કાર્યવાહી

હિંસા પર નિયંત્રણ મેળવવા પોલીસ દ્વારા થતાં ગોળીબારનો કાયદો શું છે? કોના આદેશ પર પોલીસ દ્વારા ગોળીબાર કરવામાં આવે છે?

22મેના દિવસે તમિલનાડુના તૂતીકોરિન જિલ્લામાં વેદાંતા ગ્રુપની કંપની સ્ટરલાઇટ ફેક્ટરીને બંધ કરવાની માગ સાથે મોટી સંખ્યામાં લોકોએ એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

તમિલનાડુના જુદા જુદા વિસ્તારોમાંથી આવેલા પ્રદર્શનકારીઓએ જિલ્લા અધિકારીની ઑફિસ સુધી માર્ચ કરી હતી.

પ્રદર્શન બેકાબૂ થતાં પોલીસે પ્રદર્શનકારીઓનાં ટોળા પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બીજા દિવસે (23મેના રોજ) પણ ચાલુ રહ્યું હતું. આ ફાયરિંગમાં 13 લોકોનાં મૃત્યુ થયાં છે.

ઘણી મીડિયા ચેનલે એવાં દૃશ્યો બતાવ્યા છે કે જેમાં પોલીસકર્મીઓ યુનિફોર્મમાં પણ નથી અને તેઓ લોકો પર ગોળીઓ વરસાવી રહ્યા છે.

તમિલનાડુના મુખ્યમંત્રી ઇ. કે. પલાનીસ્વામીએ કહ્યું હતું કે પ્રદર્શનકારીઓ વચ્ચે કેટલાંક અસામાજિક તત્ત્વો પણ હતાં જેમના કારણે ફાયરિંગ થયું.

આ પહેલાં તમિલનાડુ પોલીસે જણાવ્યું હતું, "પ્રદર્શનકારીઓ કાયદો તોડી રહ્યા હતા. તેઓ જનજીવનને નુકસાન ન પહોંચાડે તે માટે તેમને ચેતવણી આપવામાં આવી હતી. પણ પ્રદર્શનકારીઓએ વાત ન સાંભળી અને હિંસા યથાવત રાખી."

"ટીયર ગેસ અને લાઠીચાર્જ થયા બાદ પણ પરિસ્થિતિ પર નિયંત્રણ ન આવતા પોલીસ સામે કોઈ વિકલ્પ ન હોવાથી તેમણે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ લોકોનું ટોળું વિખેરાયું હતું."

કેવી રીતે થાય છે પોલીસ કાર્યવાહી?

બીબીસી તમિલની ટીમે તમિલનાડુ પોલીસ કૉલેજના ભૂતપૂર્વ ચેરમેન શ્રી સીતથન્નન સાથે વાત કરી અને તેમને સવાલ કરવામાં આવ્યો કે પોલીસ ગોળીબાર ક્યારે થાય છે અને એવી કઈ ઘટનાઓ બને છે કે જેના કારણે ફાયરિંગ કરવાનો આદેશ આપી શકાય.

તેમણે કહ્યું કે, આ માટેના નિયમો ખૂબ સ્પષ્ટ છે.

જ્યારે પરિસ્થિતિ તણાવગ્રસ્ત બની જાય છે, ત્યારે પહેલું પગલું લેવામાં આવે છે કે એ વિસ્તારમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવે.

તમે આ વાંચ્યું કે નહીં?

જો હિંસાનું સ્થળ શહેરી વિસ્તારમાં આવે છે, તો પોલીસ કમિશનર આ મામલે આદેશ આપે છે, અને જો વિસ્તાર ગ્રામીણ હોય ત્યારે જિલ્લા કલેક્ટર આદેશ આપી શકે છે.

આ ધારા 8 અલગ અલગ પરિસ્થિતિ દરમિયાન લાગુ કરી શકાય છે.

ધારા 144 લાગુ થયા બાદ જો કોઈ જગ્યાએ એક સાથે પાંચ લોકો પોલીસની પરવાનગી વગર એકત્રિત થાય છે તો તે કાયદા વિરુદ્ધ છે.

પરંતુ ધારા 144 લાગુ હોવા છતાં જો પ્રદર્શનની જાહેરાત થાય છે અને લોકો એકત્રિત થાય છે, ત્યારે ટોળાને વિખેરવા ધારા 129, 130 અને 131 અંતર્ગત પગલાં લેવામાં આવે છે.

CRPC- 1973, ધારા 129 અંતર્ગત કાર્યવાહી કરવાનો આદેશ ડિસ્ટ્રીક્ટ રેવન્યુ ઑફિસર આપે છે.

જો હિંસા શરૂ થઈ જાય, તો પોલીસ ડિપાર્ટમેન્ટ રેવેન્યુ ઑફિસરની હાજરીની માગ કરી શકે છે.

જો રેવેન્યુ ઑફિસર કેટલીક પરિસ્થિતિમાં ઘટનાસ્થળ છોડે છે અથવા તેઓ ત્યાં હાજર રહી શકતા નથી, ત્યારે સબ- ઇન્સ્પેક્ટરથી ઊંચુ પદ ધરાવતા પોલીસ અધિકારી નિર્ણય લઈ શકે છે.

આ ધારા અંતર્ગત પ્રદર્શનકારીઓને બળજબરીથી હટાવવામાં આવે છે અથવા તો તેમની ધરપકડ કરવામાં આવે છે.

કાર્યવાહી બાદ પરિસ્થિતિ ન સુધરે તો શું કરવું?

જો આ પગલાં બાદ પણ પરિસ્થિતિ ગંભીર બની રહે છે, ત્યારે સશસ્ત્ર સેના તેમની શક્તિના અલ્પતમ સ્તરનો ઉપયોગ કરી ટોળાને વિખેરે છે અથવા તો તેમની ધરપકડ કરે છે.

જ્યારે હિંસા ભડકી ઉઠે છે, ત્યારે CRPCની ધારા 131 અંતર્ગત સશસ્ત્ર સેનાએ ડિસ્ટ્રીક્ટ કલેક્ટરના આદેશનું પાલન કરવું પડે છે.

જ્યારે ડિસ્ટ્રીક્ટ કલેક્ટરનો સંપર્ક સાધી શકાતો નથી, ત્યારે બટાલીયનના વડાના આદેશ પર કાર્યવાહી થાય છે.

તમિલનાડુ પોલીસ ડિપાર્ટમેન્ટ ટ્રેનિંગ લૉ 73માં તેનું વિવરણ છેઃ

  • પહેલા ટોળાને કાયદા વિરોધી જાહેર કરી તેમને વિખેરાઈ જવાનો આદેશ આપવામાં આવે છે.
  • જો સ્થિતિ નિયંત્રણમાં ન આવે, તો ટીયર ગેસનો ઉપયોગ કરવો.
  • છતાં હિંસા યથાવત રહે છે, તો વજ્ર જેવા હિંસાને નિયંત્રણ કરવાના વાહનનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી ટોળાને વિખેરવા માટે પાણીના ફુવારા છોડવામાં આવે છે.
  • જો તેનાથી પણ મદદ મળતી નથી, ત્યારે લાઠીચાર્જ કરવામાં આવે છે.
  • જો ઉપરોક્ત કોઈ પણ પગલાં લેવાથી મદદ મળતી નથી અને પ્રદર્શનકારીઓ દ્વારા જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવામાં આવે છે, જનજીવનને નુકસાન પહોંચાડવામાં આવે છે, ત્યારે પોલીસ ફાયરિંગ કરી શકે છે.

પરંતુ આ દરેક પગલાંનો ઉદ્દેશ માત્ર ટોળાને વિખેરવાનો હોવો જોઈએ, લોકોને મારી નાખવાનો નહીં. એ માટે પોલીસને ખાસ રીતે ફાયરિંગ કરવાની સૂચના મળે છે.

ઇન્ડિયન પીનલ કોડની ધારા 100, 103 આ પ્રકારના પગલાં માટે અધિકાર આપે છે.

ઑટોમૅટિક રાઇફલનો ઉપયોગ થતો નથી

સીતથન્નન જણાવે છે, "પ્રાથમિક સ્તર પર પોલીસ માત્ર પેલેટ શોટનો ઉપયોગ કરે છે. જ્યારે તમે તેનાથી એક ગોળી ચલાવો છો, તેનાથી ઘણા લોકોને ઇજા પહોંચી શકે છે પણ તેનાથી કોઈનું મૃત્યુ થતું નથી. તૂતીકોરિનની પરિસ્થિતિ જોઈએ તો, જો પોલીસે આ પ્રકારના શોટ વાપર્યા હોત તો તેનાથી લોકોનાં મૃત્યુ ન થયા હોત. પરંતુ પરિસ્થિતિની તીવ્રતા માત્ર એ જ પોલીસ અધિકારીઓ સમજી શકે છે કે જેઓ ઘટનાસ્થળે હાજર હતા."

આ સિવાય આ પ્રકારની હિંસામાં પોલીસ સામાન્ય રાઇફલનો ઉપયોગ કરે છે. તેઓ ક્યારેય સેમી-ઓટોમેટિક અથવા ઓટો-રિફિલીંગ ઓટોમેટિક રાઇફલનો ઉપયોગ કરશે નહીં.

સીતથન્નન જણાવે છે, "ટીવી પર દર્શાવવામાં આવેલા વીડિયોમાં જોવા મળ્યું કે ઓટોમેટિક રાઇફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સામાન્યપણે આ પ્રકારના હથિયારોનો ઉપયોગ આતંકવાદીઓ સામે લડવા માટે કરવામાં આવે છે."

"કારણ કે જ્યારે અમે સામાન્ય રાઇફલનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે અમારે વારંવાર મેગેઝિન ભરવી પડે છે. તે સમયગાળા દરમિયાન આતંકવાદીઓ અમારા પર ઘણા રાઉન્ડ ફાયર કરી શકે છે. તો આવી પરિસ્થિતિમાં ઓટોમેટિક રાઇફલનો ઉપયોગ થાય છે."

"આ પ્રકારના હિંસક પ્રદર્શનકારીઓ સામાન્યપણે પેટ્રોલ બૉમ્બનો ઉપયોગ કરે છે, પથ્થરમારો કરે છે અને લાકડીનો ઉપયોગ કરે છે. હું સમજી શકતો નથી કે પોલીસે આવાં ટોળાં સામે આ પ્રકારની રાઇફલનો ઉપયોગ કેમ કર્યો."

તેઓ ઉમેરે છે કે આ બધું ઘટનાસ્થળે પરિસ્થિતિ જોઈને નક્કી થાય છે અને તેમને ખબર નથી કે ત્યાં પરિસ્થિતિ શું હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો