વડોદરામાં જ્યારે બે બાળકોએ એક માતાને જન્મ આપ્યો

અનિતાબેન સોલંકી Image copyright Pranav Pandya

"મારી ઇચ્છા વિરુદ્ધ મારા પરિવારજનોએ મારો ગર્ભપાત કરાવ્યો અને મેં મારું બાળક ગુમાવ્યું. મારા ગર્ભમાં જે બાળક હતું, એ બાળક મને જોઈતું હતું."

આ શબ્દો છેલ્લાં દસ વર્ષથી વડોદરા પાસેના સેવાતીર્થ ખાતે સારવાર લઈ રહેલાં અનિતાબહેન સોલંકીના છે.

સેવાતીર્થ શારીરિક અને માનસિક ક્ષતિ ધરાવતા લોકો માટેનું પુનર્વસન-કેન્દ્ર છે, ત્યાં અનેક લોકો સારવાર લઈ રહ્યા છે.

ઇચ્છા વિરુદ્ધ થયેલા ગર્ભપાત બાદ અનિતાબહેન ડિપ્રેશનનો ભોગ બન્યાં અને સારવાર માટે સેવાતીર્થ આવ્યાં હતાં.


આ રીતે શરૂ થઈ હતી માનસિક યાતનાની કહાણી

Image copyright PRANAV PANDYA

પહેલાં ક્યાં રહેતાં હતાં અને કેવી રીતે અહીં આવ્યાં એ વિશે અનિતાબહેનને કંઈ જ યાદ નથી. તેમનાં કહેવા પ્રમાણે તેમનું લગ્નજીવન સારું નહોતું.

અનિતાબહેનનાં લગ્ન જેમની સાથે થયાં હતાં, તેમના પતિ દારૂ પીતા અને તેમને મારતા એવું તેઓ કહે છે.

તેઓ તેમના પતિ સાથે રહેવાં નહોતાં માગતાં, તેમના માટે એ જીવન દોજખ જેવું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

આખરે અનિતાબહેને પતિ સાથે રહેવાનું છોડ્યું પણ ત્યારે તેઓ માતા બનવાનાં હતાં.

અનિતાબહેન બાળકને જન્મ આપવાં અને તેનો ઉછેર કરવાં માટે આતુર હતાં.

પતિનું ઘર છોડી દીધું હોવા છતાં તેમણે મનોમન બાળકની જવાબદારી સ્વીકારી લીધી હતી.

અનિતાબહેનનું કહેવું છે કે તેઓ બાળકને જન્મ આપે એ પહેલાં તેમના પરિવારજનોએ તેમનો ગર્ભપાત કરાવી દીધો.

આ ઘટનાને કારણે તેમને ઊંડો આઘાત લાગ્યો અને તેઓ ડિપ્રેશનમાં સરી પડ્યાં.


પરિવારજનો ખોટું સરનામું આપીને અનિતાબેનને દાખલ કરી ગયા

Image copyright PrANAV PANDYA

ડિપ્રેશનની સારવાર માટે અનિતાબહેનનાં પરિવારજનો તેમને સેવાતીર્થમાં મૂકી ગયાં હતાં.

આ અનુભવો અંગે વાત કરી ત્યારે અનિતાબહેનની આંખોમા આંસુ નહોતા પણ અવાજમાં રુદન સંભળાતું હતું.

તેમણે કહ્યું, "મારો ગર્ભપાત કરાવી નાખ્યો અને મને અહીં સેવાતીર્થમાં મૂકી ગયાં, હું અહીં ક્યારે આવી એ મને યાદ પણ નથી. ખાલી એટલું જ યાદ છે કે મને મારા ઘરની બહુ યાદ આવતી હતી."

શરૂઆતમાં અનિતાબહેન સેવાતીર્થમાં કોઈ સાથે વાત ન કરતાં અને ચૂપચાપ રહેતાં હતાં.

આ મામલે બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વાત કરતાં સેવાતીર્થના બોર્ડનાં સભ્ય પ્રતિક્ષાબહેન સોલંકી કહે છે, "વર્ષ 2007થી અનિતાબહેન સેવાતીર્થમાં ડિપ્રેશનની સારવાર લઈ રહ્યાં છે. તેઓ બધાંને એક સરખી જ વાત કહેતા કે મારો ગર્ભપાત કરાવી દીધો છે."

Image copyright Pranav pandya

કોઈને ખબર નહોતી કે અનિતાબહેન સાથે હકીકતમાં શું થયું છે. પણ જ્યારે અનિતાબહેનની માનસિક સ્થિતિમાં સુધારો આવવા લાગ્યો ત્યારે સેન્ટરમાંથી તેમના પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો.

જેથી પરિવારના લોકો તેમને મળવા માટે આવે અને સારવાર પૂરી થઈ જાય ત્યારે તેમને ઘરે પરત લઈ જઈ શકે.

સેન્ટરે તેમનાં સરનામા પર સંપર્ક કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે પરિવારજનોએ જે સરનામું આપ્યું હતું તે ખોટું હતું.

એટલે અનિતાબહેનનાં પરિવારજનો ખોટી માહિતી આપીને તેમને દાખલ કરી ગયા હતા.

ત્યારે બધાને શંકા ગઈ કે અનિતાબહેન પોતાના પરિવારજનો પર જે આક્ષેપ કરતાં હતાં તેમાં તથ્ય હોઈ શકે.

પહેલાં બાળક અને પછી પરિવાર ગુમાવ્યા બાદ અનિતાબહેનની સ્થિતિ આકાશ અને માળો બન્ને ગુમાવી ચૂકેલાં પક્ષી જેવી થઈ ગઈ હતી.

આ સ્થિતિમાં તેમની માનસિક સારવાર વધારે મુશ્કેલ હતી.


ફક્ત અનિતાબહેનનાં જ જીવનમાં ટ્રેજેડી નહોતી

Image copyright Pranav pandya

બે વર્ષ પહેલાં જામનગરનાં બે બાળકો ભવ્ય અને ચિન્મયને જામનગરના પુનર્વસન-કેન્દ્રમાંથી સેવાતીર્થમાં મોકલવામાં આવ્યાં.

આ બાળકોની જિંદગીમાં પણ અનિતાબહેનની જિંદગી જેવી જ ટ્રેજેડી હતી. બન્ને બાળકોને જન્મ સાથે જ કોઈએ ત્યજી દીધાં હતાં.

બન્ને બાળકો ત્યજી દેવાયેલાં નવજાત શિશુ તરીકે અલગ-અલગ જગ્યાએથી મળ્યાં હતાં અને બન્ને પોલિયોના કારણે ચાલી શકતાં નહોતાં.

જામનગરની સંસ્થા પાંચ વર્ષ સુધીનાં બાળકોને જ રાખતી હોવાથી બન્ને બાળકોને સેવાતીર્થ ખાતે મોકલવામાં આવ્યાં હતાં.

અત્યારે ભવ્ય અને ચિન્મય સાત વર્ષના છે. પ્રજ્ઞાચક્ષુઓ જેમ રંગોની કલ્પના સુદ્ધાં ન કરી શકે, એજ રીતે આ બન્ને બાળકો પરિવારની કલ્પના કરી શકતાં નહોતાં. મમતા, હૂંફ અને પ્રેમ જેવા શબ્દોથી પણ બન્ને સાવ અજાણ હતાં.

પણ, કોને ખબર હતી કે આ જગ્યાએ સારવાર દરમિયાન કંઈક એવું થશે જેવું ફિલ્મોમાં જોવા મળતું હોય છે.


...પછી બે બાળકોએ એક માતાને જન્મ આપ્યો

Image copyright PRANAV PANDYA

આ બન્ને બાળકોને સેવાતીર્થ લાવવામાં આવ્યા ત્યારે પોલિયોના કારણે તેઓ ચાલી શકતાં નહોતાં.

તેમની સારસંભાળની જવાબદારી અનિતાબહેનને સોંપવામાં આવી અને શરૂ થઈ એક માતાના જન્મની કહાણી.

અનિતાબહેનની માનસિક સ્થિતિ પહેલાં કરતાં સારી હતી, હવે બાળકોનું ધ્યાન રાખી શકશે અને તેમને હાનિ નહીં પહોંચાડે એવો વિશ્વાસ થતાં સેવાતીર્થના મેનેજમેન્ટે આ જવાબદારી અનિતાબહેનને સોંપી હતી.

અનિતાબહેને લાગણીપૂર્વક જવાબદારી સ્વીકારી લીધી અને બન્ને બાળકોની સારસંભાળની સાથે યોગ્ય ઉછેર કરવાનો પ્રયત્ન પણ કર્યો.

આ બાળકોને સ્કૂલ માટે તૈયાર કરવાથી માંડીને બધી જ સંભાળ અનિતાબહેન રાખે છે અને બાળકોએ શાળામાં જઈને શું કર્યું અને હોમવર્ક કર્યું કે નહીં એનું પણ ધ્યાન રાખે છે.

આ ઘટનાક્રમમાં દસ વર્ષથી અધૂરી રહેલી માતા બનવાની તેમની ઇચ્છા જાણે પૂરી થઈ ગઈ, બીજી તરફ ભવ્ય અને ચિન્મયને પણ માતાનો પ્રેમ મળ્યો. જેનું તેમણે ક્યારેય સ્વપ્ન નહોતું જોયું.

ભવ્ય પોતાની લાગણી વ્યક્ત કરી શકે એટલો મોટો નથી. પણ, તોતડા અવાજે તૂટક-તૂટક શબ્દોમાં અનિતાબહેન માટે કહ્યું હતું કે, "એ મારા મમ્મી જ છે અને અમને એમની સાથે રહેવું ગમે છે."

અનિતાબહેનને કહે છે કે, "જ્યારે મને એવું કહેવામાં આવ્યું કે મારે આ બે બાળકોને સાચવવાનાં છે. ત્યારે મને બહુ ખુશી થઈ અને મને એવું થયું કે માતા બનવાનું જે સ્વપ્ન ગર્ભપાતના કારણે અધુરું રહી ગયું હતું, તે હવે હું પૂરું કરી શકીશ."


દસ વર્ષે જિંદગીનો ફેરો પૂરો થયો

Image copyright Pranav Pandya

પ્રતિક્ષાબહેન સોલંકી કહે છે કે, "માનસિક આઘાતના કારણે અનિતાબહેન પહેલાં ચૂપચાપ રહેતાં હતાં, કોઈની સાથે વાત પણ ન કરે."

"ભવ્ય અને ચિન્મયની જવાબદારી સ્વીકાર્યા બાદ હવે તેમના વર્તનમાં બહું ફેરફાર આવ્યો છે. તેઓ આઘાતમાંથી બહાર આવ્યા છે, લોકો સાથે વાત કરે છે."

"બન્ને બાળકોને કઈ પણ જરૂર હોય તો ઑફિસમાં આવી જાય અને તરત અમારી મદદ માગે છે. બાળકોનાં કારણે તેમની માનસિક સ્થિતિમાં પણ સુધારો આવ્યો છે."

એમ. એસ. યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગના પૂર્વ વડાં ડૉ. રેણુ શર્મા કહે છે, "આ પ્રકારે કોઈ મહિલાનું સાજું થવું શક્ય છે. આ કિસ્સામાં ગર્ભપાતના કારણે મહિલાના મનમાં એક બાળક પ્રત્યેની લાગણી ઊભી થઈ હશે."

"જ્યારે તેમણે બાળકોની સંભાળ લેવાની શરૂ કરી ત્યારે તેમની લાગણી સંતોષાઈ હશે. સામાન્ય રીતે સ્ત્રીના સ્વભાવમાં થોડાંક અંશે માતૃત્વ ભાવ રહેલો છે, એટલે આ પ્રકારે કોઈ વ્યક્તિ ડિપ્રેશનમાંથી બહાર આવે એ શક્ય છે."

પ્રેમભાવ થકી પણ કોઈ વ્યક્તિ બીમારીમાંથી સ્વસ્થ થઈ શકે એનું આ ઉદાહરણ છે.

દસ વર્ષ પહેલાં અનિતાબહેન પોતાના પરિવારને ગુમાવી ચૂક્યાં હતાં, પણ દસ વર્ષ બાદ જાણે કે તેમની જિંદગીનો ફેરો પૂરો થયો અને તેમને ભવ્ય અને ચિન્મયમાં આખો પરિવાર પાછો મળ્યો.

કાયદાની દ્રષ્ટીએ આ બન્ને બાળકોની કસ્ટડી હાલમાં અનિતાબહેનને આપી શકાય એમ નથી. પણ, આ બન્ને બાળકો અનિતાબહેન સાથે જ સેવાતીર્થમાં રહે છે.

બાળકો અને અનિતાબહેન વચ્ચે માતા અને સંતાન તરીકેનો સંબંધ જળવાઈ રહ્યો છે.

અનિતાબહેન કહે છે કે, મને બહું કંઈ ખબર નથી પડતી પણ આ બન્ને બાળકો સફળ થાય એટલું જ હું ઇચ્છું છું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ