કોંગ્રેસ : દેશમાં 49 વર્ષ શાસન કરનારી કોંગ્રેસે કેમ લોકો પાસેથી માગવા પડ્યા નાણાં?

કોંગ્રેસના લોગની તસવીર

કોંગ્રેસે તેના 133 વર્ષના ઇતિહાસમાં સ્વતંત્ર ભારતમાં 49 વર્ષ શાસન કર્યું છે. કોંગ્રેસે તાજેતરમાં જાહેરમાં જનતાને પાર્ટી માટે ફંડ આપવા જાહેરાત કરી હતી.

કોંગ્રેસ દેશની સૌથી જૂની પાર્ટી છે. હાલ ભારતની મુખ્ય વિપક્ષ પાર્ટી દ્વારા કરવામાં આવેલી જાહેરાત આશ્રર્યજનક છે.

કોંગ્રેસની સ્થાપના બ્રિટિશ શાસનને પડકારવા માટે 1885માં ઉચ્ચ કક્ષાના બુદ્ધિજીવીઓ દ્વારા કરવામાં આવી હતી.

પણ આખરે તે ગ્રામ્ય સ્તરેથી મળેલા સહકાર અને વિપુલ ભંડોળને કારણે એક રાજકીય પક્ષમાં તબદીલ થઈ ગઈ.

તાજેતરમાં જ પાર્ટીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર લોકોને નાનું યોગદાન આપવા માટે અપીલ કરવામાં આવી.

આ અપીલ અંગે લોકોએ મિશ્ર પ્રતિસાદ આપ્યો. ઘણાએ તેને પસંદ કર્યું અને રિ-ટ્વીટ પણ કર્યું.

પણ કેટલાક લોકોએ આ મામલે આક્રમક પ્રતિક્રિયા દર્શાવી અને કેટલાકને આશ્ચર્ય પણ થયું.

લોકોને આશ્ચર્ય થયું કે આટલી જૂની પાર્ટીને કઈ રીતે રોકડની સમસ્યા હોઈ શકે. તેમના માટે આ વાત માનવી કઠિન છે.

ખરેખર શું કોંગ્રેસ સમર્થકો દ્વારા મળતા યોગદાન અંગે એવું દર્શાવવા માગે છે કે તે એક પારદર્શી રાજકીય પક્ષ છે?

અથવા સાચે જ તે ભંડોળની સમસ્યો સામનો કરી રહી છે?

કોંગ્રેસ પાસે કેટલું ભંડોળ છે?

કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના વડા દિવ્યા સ્પંદનાને ટાંકીને બ્લુમબર્ગે લખ્યું કે, "અમારી પાસે નાણાં ભંડોળ નથી."

વળી ચૂંટણી સંબંધિત બાબતો પર નજર રાખતી એક સંસ્થા ઍસોસિએશન ફૉર ડેમૉક્રેટિક રિફૉર્મ (એડીઆર) અનુસાર કોંગ્રેસ પાસે વર્ષ 2017માં 33 મિલિયન ડોલર (લગભગ 24.7 મિલિયન યુરો, 223 કરોડ રૂપિયા) આવક હતી.

આ નાની રકમ નથી. જોકે, ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલી આવક કરતાં તે ઓછી છે. ભાજપ 151 મિલિયન ડોલર આવક સાથે સૌથી ધનવાન રાજકીય પક્ષ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પણ કોંગ્રેસ તેમ છતાં દેશની બીજી સૌથી ધનવાન રાજકીય પાર્ટી છે. વર્ષ 2017ની તેની આવકમાં 5.3 અમેરિકી ડોલરનો ઘટાડો નોંધાયો હતો.

જ્યારે બીજી તરફ ભાજપે વર્ષ 2016માં આવક હતી તેનાથી બે ગણી આવક 2017માં નોંધાવી.

રાજકીય પક્ષોની આવકમાં ડૉનેશન, પાર્ટીના સભ્યો દ્વારા ચૂકવવામાં આવતી ફી, બચત પરનું વ્યાજ અને અન્ય નાણાકીય યોજનાઓમાંથી મળતા ભંડોળનો સમાવેશ થાય છે.

રાજકીય પક્ષોએ તેમની આવક જાહેક કરવાની હોય છે પણ તેમના નાણાકીય હિસાબો પારદર્શિતા મામલે સવાલ સર્જે છે.

વર્ષ 2017ના એડીઆરના અહેવાલ અનુસાર પાર્ટીની 69 ટકા આવક અજાણ્યા સ્રોતમાંથી થઈ હતી.

એવાં નાણાં જેનો કોઈ રેકૉર્ડ જ નથી. ભારતમાં થતી ચૂંટણીઓમાં નિયમિતપણે ગેરકાનૂની નાણાં અને કાળું નાણું વપરાતું હોવાના આક્ષેપ થતા હોય છે. જે બિનહિસાબી રોકડ તરીકે માનવામાં આવે છે.

કઈ રીતે પાર્ટીને રોકડની સમસ્યા નડી શકે?

ભારતમાં ચૂંટણીઓ ઘણી ખર્ચાળ હોય છે. એક અંદાજ મુજબ 2014ની લોકસભા ચૂંટણીમાં ઉમેદવારોએ કુલ 5 બિલિયન અમેરિકી ડોલરનો (લગભગ 338 કરોડ રૂપિયા) ખર્ચ કર્યો હતો.

જ્યારે વર્ષ 2012ની અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 6 બિલિયન એમેરિકી ડોલરનો ખર્ચ ઉમેદવારોએ કર્યો હતો.

જેનો અર્થ કે પાર્ટી જેટલો લાંબો સમય સુધી સત્તામાંથી દૂર રહે તેટલી જ ભંડોળ વધારવાની તકો ઓછી થતી જાય છે.

વિશ્લેષકોનું માનવું છે કે કોંગ્રેસની નાણાકીય સ્થિતિ તેના રાજકીય ભાવિ વિશે પણ ચિતાર આપે છે.

કોંગ્રેસે 2014ની લોકસભા ચૂંટણીમાં 20 ટકાથી ઓછા મત મેળવ્યા હતા.

તેને 543માંથી માત્ર 44 એટલે કે માત્ર 8 ટકા બેઠકો જ મળી હતી. તેમના માટે આ ચૂંટણીનું પરિણામ અત્યાર સુધીનું ખૂબ જ નબળું પરિણામ રહ્યું હતું.

હાલ કોંગ્રેસ માત્ર ચાર જ રાજ્યોમાં સત્તામાં છે. જેમાં બે મોટાં રાજ્ય કર્ણાટક અને પંજાબ જ્યારે અન્ય બે નાનાં રાજ્ય છે.

જ્યારે ભાજપ અને તેનું ગઠબંધન કુલ 29માંથી 22 રાજ્યોમાં સત્તામાં છે.

કોંગ્રેસને 2019ની લોકસભા ચૂંટણીમાં આ સમસ્યા અસર કરશે?

કોંગ્રેસની અપીલને એડીઆરના ટ્રસ્ટી વિપુલ મુદગલે એક સારો પબ્લિક સ્ટંટ ગણાવ્યો છે.

તેમણે કહ્યું કે કોંગ્રેસનું આ સ્માર્ટ પગલું છે. કોંગ્રેસ આવું કરીને દર્શાવવા માગે છે કે તે એક પ્રામાણિક પક્ષ છે અને તે માત્ર લોકો તરફથી ડૉનેશન લઈને કામ કરે છે નહીં કે ઉદ્યોગપતિઓ પાસેથી ડૉનેશન મેળવે છે.

અત્રે નોંધવુ રહ્યું કે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે ઘણાં કૌભાંડ બહાર આવ્યાં હતાં.

વિપુલ મુદગલના અનુસાર સૌથી મોટો મુદ્દો એ છે કે રાજકીય પક્ષોને ખરેખર કેટલાં નાણાં મળે છે અથવા તેમની પાસે કેટલાં છે તે જાણવાનો કોઈ રસ્તો નથી.

બૉન્ડ મારફતે ડૉનેશન

હવે કંપનીઓ અને વ્યક્તિઓ પણ ચૂંટણીનાં બૉન્ડ ખરીદી શકે છે. ખરેખર રાજકીય પક્ષોને નાણાં પૂરા પાડવાનો જ આ એક માર્ગ છે.

આ બૉન્ડ એક નિશ્ચિતિ રકમનાં હોય છે તેને પંદર દિવસના અંતે કોઈ પણ રાજકીય પક્ષના ખાતામાં જમા કરાવી શકાય છે.

આ બૉન્ડ એવી જ પાર્ટીના ખાતામાં જમા કરાવી શકાય છે જેને છેલ્લી ચૂંટણીમાં એક ટકા અથવા તેથી વધુ મત મળ્યા હોય.

ખરેખર આ બૉન્ડ એક પ્રકારનું ડોનેશન જ છે. વળી પાર્ટીએ દાતાનું નામ જાહેર કરવાની પણ જરૂર નથી રહેતી.

એટલું જ નહીં પણ જે કંપનીએ બૉન્ડ તરીકે ડૉનેશન આપ્યું તે કંપનીએ પણ કઈ પાર્ટીને ડૉનેશન આપ્યું તે જાહેર કરવાની જરૂર નથી રહેતી.

વિપુલ મુદગલના અંદાજ અનુસાર રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં એક ઉમેદવાર લગભગ 1.4 મિલિયન અમેરિકી ડોલર (લગભગ 94 કરોડ રૂપિયા) ખર્ચ કરે છે. પણ રાજકીય પક્ષ જે આવક જાહેર કરે છે તેના કરતાં ઘણી ઓછી હોય છે.

તેમણે ઉમેર્યું કે ચૂંટણી એક રાક્ષસ છે જે બધું જ કાળું નાણું ગળી જાય છે.

ચૂંટણી પ્રચાર અને રેલી ભારતમાં ચૂંટણીની જાહેર બાબત છે. તેમાં ચાર્ટડ ફ્લાઇટ્સ અને સોશિયલ મીડિયા અભિયાન માટે વિશેષ નિષ્ણાતને રોકવામાં આવે છે.

આથી વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી નિશ્ચિતરૂપે રાજકીય પક્ષોના ખિસ્સામાંથો મોટી રકમ ખર્ચાવશે.

શું કોંગ્રેસ આવી સ્થિતિમાં ટકી શકશે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો