BBC TOP NEWS: હાર્દિકની મહાપંચાયતથી ફરી ઊભું થશે અનામત આંદોલન?

હાર્દિક પટેલ Image copyright Twitter/@HardikPatel_

ગુજરાતમાં ફરી પાટીદાર અનામત આંદોલન શરૂ કરવા માટે હાર્દિક પટેલ કામે લાગી ગયા છે.

શનિવારના રોજ સુરેન્દ્રનગરના ધાંગ્રધા તાલુકાની મોટી માલવણ ગામે સામાજીક ન્યાય મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે.

હાર્દિક પટેલે દાવો કર્યો છે કે આ મહાપંચાયતમાં હજારો લોકો હાજર રહ્યા હતા.

ઉપરાંત હાર્દિકે આ મામલે ટ્વીટ કરીને દાવો કર્યો છે કે ભાજપના ધારાસભ્યોને પણ તેમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ કોઈ ધારાસભ્યો હાજર રહ્યા ન હતા.

મળતી માહિતી પ્રમાણે આ મહાપંચાયતમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો હાજર રહ્યા હતા.

આ પહેલાં હાર્દિક પટેલે નીતિન પટેલ મામલે નિવેદન આપ્યું હતું કે સરકારમાંથી નીતિન પટેલને બહારનો રસ્તો બતાવી દેવામાં આવશે.

જે બાદ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્પષ્ટા કરવી પડી હતી કે આ માત્ર અફવા છે.

આ મહાપંચાયત બાદ કરેલા ટ્વીટમાં હાર્દિકે વડા પ્રધાન મોદીને પણ નિશાને લીધા હતા.

2019 પહેલાંની ચૂંટણીઓ પહેલાં ફરીથી લોકજુવાળ ઊભો કરવાની હાર્દિકની મહેનત કેટલી સફળ થશે તે તો સમય જ બતાવશે.


કાયદાના ડરથી વિપક્ષો એકઠા થયા: નરેન્દ્ર મોદી

Image copyright Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકારનાં 4 વર્ષ પૂર્ણ થતાં ઓડિશાના કટકમાં પોતાના કામકાજનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું.

પોતાની સરકારના વખાણ કરવાની સાથે જ મોદીએ વિપક્ષોને પણ આડેહાથ લીધા હતા.

તાજેતરમાં જ કર્ણાટકમાં કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષના નેતાઓ એકઠા થયા હતા અને વિપક્ષની એકતાનું પ્રદર્શન કર્યું હતું.

જેના પર નિશાન તાકતા વડા પ્રધાને કહ્યું કે જેમની પાસે ગેરકાયદે અમર્યાદિત સંપત્તિ છે તેવા લોકો હવે કાયદાના ડરથી એકઠા થઈ રહ્યા છે. મોદીએ એમ પણ કહ્યું કે આ એક અપવિત્ર ગઠબંધન છે.

કોંગ્રેસ પર નિશાન તાકતા તેમણે કહ્યું હતું કે આ સરકાર જનપથ નહીં પરંતુ જનમતથી ચાલી રહી છે.


હવે આયર્લેન્ડમાં મહિલાઓ ગર્ભપાત કરાવી શકશે

Image copyright Getty Images

આયર્લેન્ડમાં ગઈકાલે ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો. દેશની જનતાએ ગર્ભપાત પર પ્રતિબંધ મૂકતા કાયદાને બદલવા માટે 66.4 ટકા વિરુદ્ધ 33.6 ટકા મતોથી મંજૂરી આપી છે.

એટલે કે આર્યલેન્ડના 66.4 ટકા લોકો એવું માને છે કે ગર્ભપાત માટેના કાયદામાં બદલાવ થવો જોઈએ.

એક ભારતીય ગર્ભવતી મહિલા સવિતા હલપ્પનવારનું મૃત્યુ થયા બાદ આયર્લેન્ડમાં આ કાયદા પર સુધારો લાવવા ચળવળ હાથ ધરવામાં આવી હતી.

ગઈકાલે યોજાયેલા જનમત સંગ્રહમાં મતદારોએ જણાવી દીધું કે જનતા આયર્લેન્ડનાં બંધારણના આઠમા સુધારાને દૂર કરવા ઇચ્છે છે.

જેથી હવે ત્યાં ગર્ભપાત અંગેના કાયદામાં ફેરફાર કરવામાં આવશે.


IPL 2018 FINAL: આજે ચેન્નઈ અને હૈદરાબાદ વચ્ચે જંગ

Image copyright Getty Images

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે IPL 2018ની ફાઇનલ મેચ ચૈન્નઈ સુપરકિંગ્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે રમાવાની છે.

ચૈન્નઈ બે વખત ચેમ્પિયનનો ખિતાબ જીતી ચુક્યું છે અને તેઓ ત્રીજી વખત આ ખિતાબ જીતવા માટે પ્રયાસ કરશે.

હૈદરાબાદની ટીમનું પ્રદર્શન પણ આ વખતે ખૂબ જ સારું રહ્યું છે એટલે મેચ ખૂબ જ રોમાંચક થશે એવું જણાઈ રહ્યું છે.

ચૈન્નઈ હૈદરાબાદને હરાવીને જ ફાઇનલમાં પહોંચ્યું હતું, તો હૈદરાબાદે કોલકત્તાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે.


કિમ જોંગ ઉન અચનાક ઉ.કોરિયાના નેતા મૂનને મળ્યા

Image copyright THE BLUE HOUSE/TWITTER

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન અને દક્ષિણ કોરિયાના નેતા મૂન જે ઇન વચ્ચે ફરી એકવાર મુલાકાત થઈ છે.

બંને નેતાઓ વચ્ચે છેલ્લા ચાર અઠવાડિયાઓમાં આ બીજી મુલાકાત છે.

બંને નેતાઓ ઉત્તર અને દક્ષિણ કોરિયાની સરહદ સીમા પર અસૈન્ય વિસ્તાર પનમુનજોમમાં સ્થાનિક સમય બપોરે ત્રણ વાગ્યે મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અચાનક કિમ સાથે થનારી મુલાકાતથી ખસી ગયા હતા.

પરંતુ શુક્રવારના રોજ તેમણે કહ્યું હતું કે કિમ સાથે તેમની મુલાકાત 12 જૂનના રોજ થઈ શકે છે.


જયલલિતાનાં મૃત્યુ પહેલાની ઑડિયો ટેપ જાહેર

Image copyright Getty Images

તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના મૃત્યુ બાદ હવે એક ઑડિયો ટેપ જાહેર કરવામાં આવી છે.

આ ઑડિયો જયલલિતાની સારવાર કરી રહેલા ડૉ. શીવાકુમારે રેકૉર્ડ કર્યો હતો અને હવે પત્રકારો સમક્ષ જારી કરવામાં આવ્યો છે.

આ ઑડિયો 27 સપ્ટેમ્બર 2016ના રોજ રેકૉર્ડ કરવામાં આવ્યો હતો.

જેમાં પોતાના શ્વાસની તકલીફને વર્ણવતા જયલલિતાએ કહ્યું હતું કે તેઓ એવી રીતે શ્વાસ લે છે જાણે કે કોઈ થિયેટરની આગળની સીટમાં બેઠા હોય અને પછી સીટી મારતા હોય.

28 સપ્ટેમ્બરના રોજ તેમને વૅન્ટિલૅટર પર રાખવામાં આવ્યાં હતાં. જયલલિતાના મૃત્યુ બાદ વિવાદ થતાં તેમનાં મૃત્યુ અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો