શું મીડિયાના માધ્યમથી રાજકીય કાવતરાં ઘડી શકાય છે?

  • કમર વહીદ નકવી
  • વરિષ્ઠ પત્રકાર

કોબ્રા પોસ્ટે તાજેતરમાં કરેલું સ્ટિંગ ઑપરેશન મીડિયાનું એવું શરમજનક પતન છે, જે દેશના લોકતંત્ર માટે ખૂબ જ મોટા સંકટની ચેતવણી સમાન છે.

સ્ટિંગની ઑપરેશનની સૌથી ગંભીર અને સૌથી ચિંતાજનક વાત એ છે કે પૈસા માટે મીડિયા કંપનીઓ ગંદામાં ગંદા ષડ્યંત્રમાં પણ સામેલ થતાં અચકાતી નથી.

પછી ભલે એ ષડ્યંત્ર દેશ અને લોકશાહી વિરુદ્ધ જ કેમ ના હોય.

સ્ટિંગ કરનાર રિપોર્ટર વાસ્તવિકતા જાણવા માટે પહેલાં ખૂલીને વાત સામે રાખે છે કે તેઓ દેશમાં ચૂંટણી પહેલાં કેવી રીતે સાંપ્રદાયિક ધ્રુવીકરણ કરવા માગે છે, સાથે જ કેવી રીતે વિપક્ષના નેતાઓની છબી ખરાબ કરવા માગે છે.

આ વાત તેઓ મીડિયા કંપનીઓનાં માલિકો અને મોટાં પદ પર બેસેલા લોકો સાથે કરે છે અને આ બધા જવાબદાર વ્યક્તિઓ તેમને મજાથી સાંભળે છે.

આ બધામાંથી કોઈને એવું કેમ ન લાગ્યું કે આવું કરવું દેશ વિરુદ્ધ, લોકશાહી વિરુદ્ધ અને જનતા વિરુદ્ધ ષડ્યંત્ર છે?

તમે આ વાંચ્યું કે નહીં?

જોકે, સ્ટિંગ ઑપરેશનના જે વીડિયો સામે આવ્યા છે તે એવું સાબિત નથી કરતા કે હકીકતમાં મીડિયા કંપનીઓએ આવા કથિત ષડ્યંત્રને અંજામ આપ્યો છે અથવા તો પૈસા લઈને ખરેખર કોઈ પાયાવિહોણા સમચાર છાપ્યા હોય.

પરંતુ આ બધામાંથી કોઈને એવું કેમ ના લાગ્યું કે આવા ષડ્યંત્રનો ભાંડો ફૂટવો જોઈએ અને દેશને આ અંગે સાવચેત કરવો જોઈએ. કારણ કે આ તેમનું પ્રથમ કર્તવ્ય છે.

ગોદી મીડિયા

મૂળ પ્રશ્ન જ આ છે. અત્યારસુધી આપણે ગોદી મીડિયાની વાત કરતા હતા, ભોંપું મીડિયાની વાત કરતા હતા, વિચારધારાના મીડિયાની વાત કરતા હતા.

સાંપ્રદાયિક મામલા, જાતિગત સંઘર્ષો, દલિતો સાથે જોડાયેલા બનાવો અથવા અનામત જેવા મુદ્દા પર મીડિયાના રિપોર્ટિંગ પર પણ ક્યારેક-ક્યારેક સવાલો ઉઠાવતા હતા.

કોર્પોરેટ મીડિયા, 'પ્રાઇવેટ ટ્રીટી' અને 'પેઇડ ન્યૂઝ'ની વાતો થતી હતી. મીડિયા આ બધી સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યું હતું અને થઈ રહ્યું છે. આ અંગે વિવાદ અને ચર્ચાઓ ચાલું છે.

પરંતુ કોબ્રાપોસ્ટનું તાજેતરનું સ્ટિંગ સાબિત કરે છે કે પાણી ભલે માથા સુધી ન પહોંચ્યું હોય, પણ નાક સુધી તો પહોંચી જ ગયું છે. જો હવે પણ ના ચેત્યા તો ગટરમાં ડૂબતાં વાર નહીં લાગે.

આ ગટર નથી તો શું છે કે 'પેઇડ ન્યૂઝ' અને 'જાહેરાત'ના નામે પૈસા લઈને તમે એટલી હદે નીચે ઊતરી જાઓ અને લોકશાહી વિરુદ્ધ પણ કામ કરવા લાગો.

ચૂંટણી પહેલાં કોઈ વ્યક્તિ કોઈ એક પક્ષને જીતાડવાનું ષડ્યંત્ર રચવાની યોજના બનાવી પૈસાના જોરે તમારી ટીવી ચેનલ અથવા વેબસાઇટ વાપરવા માગે અને તમે પણ એનો સાથ આપો એ શરમજનક બાબત છે.

સરકારનું ભોંપું

આ પરથી તો એક વાત સાબિત થાય છે કે મીડિયાનો એક મોટો ભાગ સરકારનું ભોંપું બનીને બેઠો છે.

તેઓ સરકારના કામકાજની તપાસને બદલે વિપક્ષના અમુક નેતાઓની મજાક અને તેમની છબી ખરાબ કરવામાં લાગેલું છે.

મીડિયાનો આ મોટો ભાગ સરકારના ખોળે બેસીને તેમની વાહવાહી કરી રહ્યો છે તો એવી ધારણા પાયાવિહોણી પણ નથી.

કારણ કે કોબ્રાપોસ્ટના સ્ટિંગમાં કોઈ અજાણી વ્યક્તિ એટલી સહેલાઈથી મીડિયાને 'ડર્ટી ગેમ' માટે તૈયાર કરી લે, તો તમે અનુમાન લગાવો કે સરકાર માટે મીડિયાને પોતાની તરફ કરવું કેટલું સહેલું છે. સરકાર પાસે પૈસા અને ડંડો બંને છે.

આજે જે ગોદી મીડિયાની વાત થઈ રહી છે તેનું એક સ્વરૂપ આપણે લગભગ 43 વર્ષ પહેલાં 1975માં કટોકટી દરમિયાન જોઈ ચૂક્યા છીએ. જ્યારે દેશની મોટાભાગની મીડિયા કંપનીઓ અને મોટા સંપાદકોએ ઇંદિરા સરકાર સામે આત્મસમર્પણ કરી દીધું હતું.

પૈસાની લાલચ

ત્યારે સરકારી ડંડા અને જેલ જવાનો ભય હતો. પરંતુ ત્યારના અને અત્યારના સમયમાં એક ફરક છે. ત્યારે પૈસાની લાલચમાં નહીં પણ ડંડાની બીકે લોકો ઝૂક્યાં.

જ્યારે એ ડર ખતમ થઈ ગયો, ત્યારે પ્રેસ ફરીથી 'નિષ્પક્ષ' અને 'નિર્ભય' બની ગયું હતું.

પરંતુ કોબ્રાપોસ્ટના સ્ટિંગમાં મીડિયા કંપનીઓ એવા સંકેત આપે છે કે માત્ર આ સરકારના શાસનમાં જ નહીં, પરંતુ ભવિષ્યમાં કોઈ સરકાર, સત્તામાં બેઠેલો કોઈ પક્ષ અથવા તેની સાથે જોડાયેલું સંગઠન મીડિયા પાસેથી જ્યારે ઇચ્છે અને જેવો ઇચ્છે એવો પ્રચાર કરી શકે છે.

મતલબ કે તમારામાં અને 'પીઆર' કંપનીઓમાં શું ફરક રહી ગયો? જો આવું હોય તો લોકોને મીડિયાના રિપોર્ટ પર કેવી રીતે વિશ્વાસ થશે? સાફ છે કે આજથી પહેલાં મીડિયાની વિશ્વસનીયતા પર આવું સંકટ નહોતું ઊભું થયું.

નૈતિકતાની નીલામી

કોબ્રાપોસ્ટના સ્ટિંગે બીજા પણ ઘણાં ભાંડા ફોડ્યા છે. તમે અમુક લોકોને એવું બોલતા સાંભળી શકો છો કે અમે તો સરકારના મોટા સમર્થક છીએ અથવા તો એવું કે અમને ઓછામાં ઓછા નિષ્પક્ષ બતાવવા જોઈએ. પછી ભલે તેઓ નિષ્પક્ષ હોય કે ના હોય.

આવી જ રીતે કોઈ મોટા હિંદુત્વવાદી હોવાનો પણ દાવો કરે છે. તો શું આ મીડિયાની નૈતિકતા પર સવાલ નથી?

જોકે મીડિયાનું હિંદુત્વવાદી હોવું અથવા તો મીડિયામાં હિંદુત્વનો પ્રભાવ હોવો કોઈ નવી વાત નથી.

રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ જ્યારે ચરમસીમા પર પહોંચી રહ્યો હતો ત્યારે વર્ષ 1990થી 92 દરમિયાન મીડિયાના એક મોટા હિસ્સાએ અને ખાસ કરીને હિંદી મીડિયાએ ખૂબ જ સાંપ્રદાયિક અને પક્ષપાતી રિપોર્ટિંગ કર્યું હતું.

ત્યારબાદ આ અંગેની વાસ્તવિકતા ચકાસવા માટે ઘણી જગ્યાઓએ પ્રેસ કાઉન્સિલે પોતાની ટીમ મોકલવી પડી.

પરંતુ બાબરી મસ્જિદ ધ્વંસ બાદ જેમ જેમ બાબતો સામે આવતી ગઈ તેમ તેમ મીડિયા સાંપ્રદાયિક પ્રભાવ પણ ખતમ થઈ ગયો.

હિંદુત્વવાદી એજન્ડા

હવે આવો પ્રભાવ ફરીથી જોવા મળી રહ્યો છે અને એ પણ યોજનાબદ્ધ રીતે. આ વાતનું ઉદાહરણ આપણે જેએનયુ મામલે થયેલા વીડિયો મોર્ફિંગ સ્વરૂપે જોયું હતું.

કોબ્રાપોસ્ટના સ્ટિંગમાં મોટાભાગે મીડિયા કંપનીઓ હિંદુત્વવાદી એજન્ડામાં ભાગીદાર બનવા તૈયાર હોય એવું છે. આ ખૂબ જ ગંભીર બાબત છે.

શું મીડિયા એક યોજનાબદ્ધ રીતે સાંપ્રદાયિક કુપ્રચારનું માધ્યમ બનવા જઈ રહ્યું છે?

મીડિયાનું વેપારીકરણ અને તેનાં બીજા ગોરખધંધાઓને લઈને ચિંતા વ્યક્ત થતી રહે છે, પરંતુ એના પર કોઈ કડક તો શું પ્રાથમિક પગલાં પણ નથી લેવાયાં.

પરંતુ આ સવાલોથી આંખ આડા કાન કરવા ખૂબ જ ખતરનાક બાબત છે. આ વાત માત્ર મીડિયાની નથી પરંતુ લોકશાહીના અસ્તિત્વની છે.

સ્વતંત્ર મીડિયા

જો દેશમાં સ્વતંત્ર અને ઇમાનદાર મીડિયા નહીં બચે તો લોકશાહીના ટકી રહેવાની કલ્પના કોઈ મૂર્ખ જ કરી શકે છે. લોકતંત્રને બચાવવું હોય તો પહેલાં મીડિયાને બચાવો.

કોઈ જાદુ નથી કે મીડિયાની પરિસ્થિતિ રાતોરાત સુધરી જાય. પરંતુ શરૂઆત તો કરવી પડશે.

તો મીડિયાને બચાવવાનો પહેલો રસ્તો તો એ છે કે સંપાદક નામની સંસ્થાને પુનર્જીવીત કરવામાં આવે અને તેને મજબૂત કરવામાં આવે.

મીડિયાની આવક વધારનાર અને સમાચાર લાવનાર વચ્ચે મોટું અંતર હોવું જરૂરી છે.

મીડિયાનું આંતરિક કામકાજ અને તેની સ્વાયત્તાનું નિયંત્રણ સ્વતંત્ર, તટસ્થ, સ્વસ્થ અને વિશ્વાસપાત્ર હોવું જોઈએ.

આવું કેવી રીતે થશે? તો જવાબ છે રસ્તો ખૂબ લાંબો છે. પરંતુ પહેલાં તમે અને અમે આ દિશામાં વિચારવાનું શરૂ કરીએ!

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો