IPL: ધોની અને રાશિદ ખાનના જંગ વચ્ચે કોણ જીતશે ફાઇનલ?

રાશિદ ખાન અને મહેન્દ્રસિંહ ધોની Image copyright AFP/GETTY IMAGES

ગત મંગળવારના રોજ જ્યારે આ આઈપીએલના પહેલા ક્વૉલિફાયરમાં 'ચેન્નઈ સુપરકિંગ્સ'ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 'સનરાઇઝર્સ હૈદરાબાદ'ના રાઇટ આર્મ લેગ સ્પિનર રાશિદ ખાનની ગુગલી પર બૉલ્ડ થયા તો આખા સ્ટેડિયમમાં જાણે સન્નાટો છવાઈ ગયો.

દર્શકોમાં બેઠેલાં તેમનાં પત્ની સાક્ષી ધોનીની આંખો પણ જાણે ખુલી જ રહી ગઈ.

જ્યારે ધોની બૉલ્ડ થયા ત્યારે ચેન્નઈનો સ્કૉર ચાર વિકેટ ગુમાવીને 39 રન પર હતો.

જોકે, જીત માટે 140 રનનું લક્ષ્ય ચેન્નઈએ ફૈફ ડૂ પ્લેસીના અણનમ 67 રનની મદદથી 19.1 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કર્યું.

પહેલા ક્વૉલિફાયરમાં જીતની સાથે જ ચેન્નઈએ ફાઇનલમાં જગ્યા મેળવી લીધી, જ્યાં રવિવારે તેમનો સામનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે જ થશે.


હીરો રહ્યા રાશિદ ખાન

Image copyright Getty Images

'સનરાઇઝર્સ હૈદરાબાદ'એ બીજા ક્વૉલિફાયર્સમાં 'કોલકાતા નાઇટ રાઇડર્સ'ને તેમના જ મેદાન ઇડન ગાર્ડન્સમાં 14 રનથી હાર આપી.

આ મેચના હીરો રહ્યા રાશિદ ખાન. પહેલાં તો તેમણે અણનમ 34 રન બનાવીને પોતાની ટીમના સ્કૉરને 7 વિકેટ પર 174 રન સુધી પહોંચવામાં મદદ કરી.

તમે આ વાંચ્યું કે નહીં?

ત્યારબાદ તેમણે માત્ર 19 રન આપીને ત્રણ વિકેટ મેળવ્યા અને કોલકાતાની કમર તોડી નાખી. તેમણે બે કેચ પણ પકડ્યા.

હવે ક્રિકેટ પ્રેમીઓના મનમાં એ સવાલ ચાલી રહ્યો છે કે સ્પિન વિરુદ્ધ જબરદસ્ત બૅટિંગ કરવા વાળા મહેન્દ્ર સિંહ ધોની શું રાશિદ ખાનને જવાબ આપતા પોતાની ટીમને ત્રીજી વખત ચેમ્પિયન બનાવશે?

અને શું રાશિદ ખાન પોતાની ચમત્કારિક ગેમ બતાવીને 'સનરાઇઝર્સ હૈદરાબાદ'ને બીજી વખત ચેમ્પિયન બનાવવામાં મદદ કરશે?


બન્ને ટીમ

Image copyright Getty Images

જોકે, ચેન્નઈ સુપરકિંગ્સ પાસે શેન વૉટસન, ફૈફ ડૂ પ્લેસી, સુરેશ રૈના, અંબાતી રાયડૂ, ડ્વેન બ્રાવો, રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકુર જેવા બેટ્સમેન અને ઑલરાઉન્ડર છે. પરંતુ ધોની આખરે ધોની છે. તેમનો કોઈ જવાબ નથી.

એ જ રીતે સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે કેપ્ટન કેન વિલિયમસન, શિખર ધવન, મનીષ પાંડે, શાકિબ અલ હસન, યુસૂફ પઠાણ, ભુવનેશ્વર કુમાર, બ્રૈથવેટ અને સિદ્ધાર્થ કૌલ જેવા બેટ્સમેન, બૉલર અને ઉપયોગી ઑલરાઉન્ડર છે.

પરંતુ રાશિદ ખાન ફાઇનલમાં હુકમનો પત્તો સાબિત થઈ શકે છે.


વાત ચેન્નઈની શક્તિની

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
મુંબઈ : ક્રિકેટરોના બેટ રિપેર કરનાર આ માસ્ટર કોણ છે?

ચેન્નઈના અંબાતી રાયડૂ 15 મેચમાં એક વખત નાબાદ રહેતા એક સદી અને ત્રણ અડધી સદીની મદદથી 586 રન બનાવી ચૂક્યા છે.

પરંતુ ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને તો જાણે આઉટ કરી શકવા જ બીજી ટીમ માટે મુશ્કેલ બની ગયું છે.

તેઓ અત્યાર સુધી નવ વખત નાબાદ રહેતા ત્રણ અડધી સદીની મદદથી 455 રન બનાવી ચૂક્યા છે અને તેમણે આ દરમિયાન 30 છગ્ગા પણ માર્યા છે.

તેવામાં તેમનું વિકેટ પર ઊભું રહેવું ટીમ માટે જીતની ગેરંટી સમાન છે. આ વખતે તો શેન વૉટ્સનની બૅટિંગે પણ પોતાની કમાલ બતાવી છે.

તેમણે એક સદી અને બે અડધી સદીની મદદથી 14 મેચમાં 438 રન બનાવ્યા છે.

રૈના પણ અત્યાર સુધી ચાર અડધી સદીની મદદથી 413 રન બનાવી ચૂક્યા છે.

બૉલિંગમાં શાર્દુલ ઠાકુરે 12 મેચમાં 15, બ્રાવોએ 15 મેચમાં 13, દીપક ચાહરે 11 મેચમાં 10 અને રવિન્દ્ર જાડેજાએ 15 મેચમાં 10 વિકેટ ઝડપી કેપ્ટન ધોનીનો સાથ આપ્યો.


હૈદરાબાદની શક્તિ

Image copyright Getty Images

બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને 16 મેચમાં અર્ધશતકની મદદથી અત્યાર સુધી આઈપીએલમાં સર્વાધિક 688 રન બનાવ્યા છે.

સનરાઇઝર્સ હૈદરાબાદની મોટાભાગની જીતમાં તેમની ભૂમિકા સૌથી મહત્ત્વપૂર્ણ રહી છે.

તેમને સાથ મળ્યો શિખર ધવનનો કે જેમણે 15 મેચમાં ચાર અડધી સદીની મદદથી 471 રન બનાવ્યા.

સનરાઇઝર્સ હૈદરાબાદની બૉલિંગ આઈપીએલમાં ચર્ચાનો વિષય રહી છે.

લેગ સ્પિનર રાશિદ ખાને 16 મેચમાં 21 વિકેટ ઝડપી છે અને તેઓ સૌથી વધારે વિકેટ ઝડપનારા ખેલાડીઓમાં બીજા સ્થાન પર છે.

પહેલા સ્થાન પર પંજાબના એંડ્રૂ ટાઈ છે કે જેમણે 14 મેચમાં 24 વિકેટ ઝડપી હતી.


રાશિદ Vs ધોની

Image copyright Getty Images

રાશિદ ખાન અને સિદ્ધાર્થ કૌલની જુગલબંધી વિરોધી ટીમ પર ખૂબ ભારે પડી.

આ જોડીએ એવા સમયે વિકેટ લીધી જ્યારે વિરોધી ટીમ જીતની નજીક પહોંચી ચૂકી હતી.

આ તરફ શાકિબ અલ હસને પણ 14 અને સંદીપ શર્માએ 11 વિકેટ ઝડપી તેમનો સાથ આપ્યો. ભુવનેશ્વર કુમારે પણ 9 વિકેટ ઝડપી મદદ કરી.

તો શું હવે એવું સમજવામાં આવે કે રવિવારના રોજ યોજાનારી આઈપીએલની ફાઇનલ મેચમાં ચેન્નઈની બૅટિંગ અને હૈદરાબાદની બૉલિંગ પર જ દાવ લાગશે.

અને શું આ ફાઇનલ ધોની અને રાશિદ ખાન વચ્ચે લડાઈ વાળી મેચ સાબિત થશે?

આ સવાલના જવાબમાં ક્રિકેટ સમીક્ષક વિજય લોકપલ્લીનું માનવું છે કે એ વાત સાચી છે કે મહેન્દ્ર સિંહ ધોની છેલ્લી મેચમાં રાશિદ ખાનની ગુગલી પર બૉલ્ડ થઈ ગયા પરંતુ તેનો અર્થ એવો નથી કે દરેક વખતે એવું જ થશે.

વિજય લોકપલ્લી માને છે કે એ વાતથી ઇનકાર કરી શકાતો નથી કે આ ફાઇનલ ચેન્નઈની બૅટિંગ અને હૈદરાબાદની બૉલિંગ વચ્ચે થશે. તે છતાં એવું લાગે છે કે ધોનીએ કદાચ ફાઇનલ માટે કંઈક બચાવીને રાખ્યું છે.

વિજય લોકપલ્લીનું કહેવું છે કે ચેન્નઈએ આઈપીએલના ઇતિહાસમાં આ વખતે સૌથી સારી બૅટિંગ કરી છે.

હૈદરાબાદે આઈપીએલમાં સૌથી સારી બૉલિંગ કરી છે, તો બૉલ અને બેટ વચ્ચે સંઘર્ષ તો થશે. આ કરતા સારી ફાઇનલ મેચ ક્યાં જોવા મળશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો