દૃષ્ટિકોણ : મોદી સરકાર આત્મપ્રશંસા અને મિથ્યાભિમાનના રોગથી ગ્રસ્ત છે

  • રણદીપ સિંહ સુરજેવાલા, મુખ્ય પ્રવક્તા, કોંગ્રેસ
  • બીબીસી ગુજરાતી માટે
નરેન્દ્ર મોદી

લોકશાહીમાં જો કોઈ સરકારને પોતાના પહેલાંની સરકારની નિંદા કરવાનો અને આત્મપ્રશંસા કરવાનો રોગ લાગી જાય, તો સમજી લેવું કે સરકાર પાસે જાતે હાંસલ કરેલી સિદ્ધિનો અભાવ છે.

કારણ કે લોકસેવાના કાર્યોને કોઈ પ્રચારની જરૂર નથી પડતી, તે જાતે જ પોતાનો પ્રચાર કરી શકે છે.

મિથ્યાભિમાની મોદી સરકાર પણ આત્મપ્રશંસાના રોગથી ગ્રસ્ત છે અને સત્તાના તમામ સંસાધનોનો ઉપયોગ પોતાની નિષ્ફળતાઓને ઢાંકવા માટે કરી રહ્યાં છે.

છેલ્લાં ચાર વર્ષોની સિદ્ધિ ગણાવવા માટે મોદી સરકાર પાસે જો કંઈ હોય તો તે છે મોદીની ખર્ચાળ રેલીઓ, ઘડી કાઢેલા અભિનયથી ભરપૂર ભાષણો અને કોંગ્રેસની યુપીએ સરકારે શરૂ કરેલી પરિયોજનાઓ, પછી એ જમ્મુ કશ્મીરની 'ચેનાની-નાશરી' દેશની સૌથી મોટી રોડ ટનલ હોય કે પછી અસમના 'ઢોલા-સાદિયા'ના સૌથી લાંબા પુલનું ઉદ્ઘાટન હોય.

વિપક્ષમાં હોવાના કારણે કોંગ્રેસને દેશની જનતાએ જવાબદારી સોંપી છે કે તેઓ સરકારની સમીક્ષા કરે અને મોદી સરકારનો સાચો રસ્તો બતાવે.

ખેડૂતોને કરેલા વાયદાની શું સ્થિતિ?

મહાત્મા ગાંધી કહેતા, "કોઈ સરકારના કામની સમીક્ષા કરવી હોય તો તે સરકારના શાસનમાં ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારની શું દશા હતી એ જાણી લેવું જોઈએ.

તેના આધારે દેશની સ્થિતિનો ખ્યાલ આવી જશે."

મોદીજીએ પોતાના ઘોષણાપત્રમાં ખેડૂતોને વાયદો કર્યો હતો કે ખેડૂતોને તેમની ખેતી માટે થયેલા ખર્ચના 50 ટકાથી વધુ ટેકાના ભાવ આપવામાં આવશે, પણ હકીકત એવી છે કે મોદી સરકાર ખેડૂતોને પડતર-ખર્ચ પણ આપતી નથી.

ઉદાહરણ માટે, મગનો પડતર-ખર્ચ 5,700 રૂપિયા છે અને ટેકાનો ભાવ 5,575 રૂપિયા છે.

એ જ રીતે જુવારનો પડતર ખર્ચ 2,089 રૂપિયા છે અને ટેકાનો ભાવ 1,700 રૂપિયા છે. મોટાભાગના પાકની આ જ હાલત છે.

પછી એ ધાન્ય હોય, ઘઉં હોય, ચણા હોય કે મગફળી, ભાગ્યે જ કોઈ પાકમાં ખેડૂતોને તેમનો પડતર-ખર્ચ મળતો હશે.

તમે આ વાંચ્યું કે નહીં?

એટલું જ નહીં, 2016-17માં દાળનું 221 લાખ ટન જેવું સારું ઉત્પાદન થવા છતાં મોદી સરકારે 44 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી 54 લાખ ટન દાળની આયાત કરી અને આશરે 50 લાખ ટન સસ્તા ઘઉંની નફાખોરો મારફતે આયાત કરવા દેવાઈ.

જેના કારણે ખેડૂતોના પાકનો ભાવ અચાનક જ ઘટી ગયો, દેશમાં દર 24 કલાકે સરેરાશ 35 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.

એટલું જ નહીં, ખેડૂતોના નામે ચલાવાતી પાક વીમા યોજનામાં ખરીફ 2016 અને રવી 2016-17માં ખાનગી કંપનીઓને 14,828 કરોડ રૂપિયાનો લાભ મોદી સરકારે કરાવ્યો છે.

મોદી સરકારે કોંગ્રેસની જ યોજનાના નામ બદલ્યાં?

મોદી સરકારના શાસનમાં દેશના શહેરોની દશા જાણીને ચોંકી જશો, દેશના શહેરોનું જીડીપીમાં યોગદાન 55 ટકા કરતા વધારે છે.

કોંગ્રેસની યુપીએ સરકારે શહેરી વિકાસ માટે જવાહલાલ નહેરુ શહેરી નવીનીકરણ મિશનની મદદથી એક લાખ કરોડના ખર્ચે શહેરોનો વિકાસ કર્યો હતો, જેથી મોટા શહેરો દેશના વિકાસમાં વધારે યોગદાન આપી શકે.

મોદી સરકારે કોંગ્રેસની યોજના 'જે.એન.એન.યુ.આર.એમ.'નું નામ બદલીને 'અમૃત' અને 'સ્માર્ટ સિટી' કરી નાંખ્યું.

સ્થિતિ એવી છે કે અમૃત યોજનામાં 77,640 કરોડની જોગવાઈ કરી, પણ 263 કરોડ જ ખર્ચ કર્યાં. આ જ સ્થિતિ સ્માર્ટ સિટીની પણ છે.

100 શહેરોના વિકાસ માટે 642 પ્રોજેક્ટ્સમાંથી માત્ર 3 ટકા એટલે કે 23 પ્રોજેક્ટ્સ જ પૂરા થયા છે.

યાદ કરો, મોદીજીએ કોંગ્રેસ સરકારની રાજીવ યોજનાનું નામ બદલીને 'હાઉસિંગ ફૉર ઑલ' નામ આપ્યું હતું અને જરૂરિયાતમંદ લોકોને બે કરોડ ઘર આપવાનો વાયદો પણ કર્યો હતો.

આજે ચાર વર્ષ બાદ સ્થિતિ એવી છે કે ફક્ત ત્રણ ટકા એટલે કે ત્રણ લાખ 33 હજાર ઘરો જ બનાવવામાં આવ્યા છે.

મહિલાઓ દુષ્કર્મોનો શિકાર બની રહી છે

હવે વાત કરીએ દેશની મહિલાઓની સમસ્યાની, મોદી સરકારના શાસન દરમિયાન દરરોજ 106 મહિલાઓ દુષ્કર્મનો શિકાર બની રહી છે, તો પણ મોદી સરકાર કઠુઆ થી ઉન્નાવ સુધી બળાત્કારીઓના પક્ષે ઊભી હોય એવું લાગે છે.

'બેટી બચાઓ-બેટી પઢાઓ'ના નામ પર દેશની બાળકીઓની મશ્કરી થઈ રહી છે.

દેશમાં 6.5 કરોડ બાળકીઓ એવી છે કે જે 15 વર્ષ સુધીની વય ધરાવે છે, પરંતુ બજેટમાં બાળકી દીઠ ફક્ત પાંચ પૈસાની જોગવાઈ કરાઈ છે.

મોદીજીએ તેમના ચૂંટણી ઢંઢેરામાં દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગારી આપવાનો વાયદો કર્યો હતો પણ વર્ષ દીઠ માત્ર 4.16 લાખ યુવાનોને જ રોજગારી આપી શક્યા છે.

દેશમાં નોકરી આપવું તો દૂર, વિદેશોમાં ભારતીઓની નોકરી પર તલવાર લટકી રહી છે. નવી એચ4, એચ1બી અને એલ1 વીઝા પોલિસીના કારણે અમેરિકામાં 7.5 લાખ ભારતીઓની નોકરી ખતરામાં છે.

ભાવી પેઢી દેશનું ભવિષ્ય હોય છે. મોદી સરકારે દેશના ભવિષ્યને અંધકારમાં ધકેલવાનું કામ કર્યું છે.

છેલ્લાં ચાર વર્ષોમાં 'એજ્યુકેશન સેસ'ના નામે મોદી સરકારે 1,60,786 કરોડ રૂપિયા વસૂલ્યાં છે, પણ આ નાણાં કંઈ રીતે શિક્ષણ માટે ખર્ચવામાં આવ્યા એનો કોઈ હિસાબ જ નથી.

તેમણે યુજીસી (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન)નું 67.5 ટકા બજેટ ઘટાડી નાખ્યું છે.

15 લાખ ક્યાં છે?

છેલ્લાં ચાર વર્ષોમાં શિક્ષણ નીતિ પણ નક્કી નથી કરી. બીજું તો ઠીક શિક્ષણના નામે સીબીએસઈના પેપર લીક અને એસએસસી નોકરી ભરતીની પરીક્ષામાં 40 થી 80 લાખ રૂપિયામાં કરોડો યુવાનોનું ભવિષ્ય વેચી દીધું છે.

જે મુદ્રા યોજના આધારે મોદી સરકાર મોટી-મોટી વાતો કરે છે, તેની હકીકત એવી છે કે એમાંથી 91 ટકા લોનમાં સરેરાશ 23 હજાર રૂપિયા જ આપવામાં આવ્યા. એટલામાં નવો વેપાર સ્થાપિત કરવો શક્ય છે?

યાદ કરો બ્લેક મની પર મોદીજીએ કેટલી રોકકળ કરી હતી અને કહ્યું હતું કે દરેક ભારતીયના ખાતામાં 15-15 લાખ આવશે.

અમે સત્તામાં આવીશું તો લોકપાલ લાવીશું. બ્લેક મની પાછું આવવું તો દૂર રહ્યું, સરકારની સુરક્ષામાં દેશના 61,036 કરોડ જેટલું વ્હાઇટ મની નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા ચોર લૂંટીને ભાગી ગયા છે.

મોદી સરકાર બ્લેક મની પાછું લાવી શકી નથી, પણ કાળા ચોરને ગોરા બનાવવાની 'ફેયર એન્ડ લવલી' સ્કીમ જરૂર લાવી છે. આજે દેશમાં બેન્કોની નૉન પર્ફોર્મિંગ એસેટ ચાર વર્ષમાં 2.5 લાખ કરોડથી વધીને 8.5 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે.

ભારતની નિકાસ સતત ઘટી રહી છે. કોંગ્રેસના સમયે 2013-14માં 19.5 લાખ કરોડ હતી, જે આજે ઘટીને 2017-18માં 10.37 લાખ કરોડ થઈ ગઈ છે. 150 કરોડથી ઉપરના કેન્દ્ર સરકારના 7 લાખ કરોડના પ્રોજેક્ટ સ્ટૉલ્ડ છે.

'મેક ઇન ઇન્ડિયા' હોય, 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' હોય કે 'સ્કિલ ઇન્ડિયા' હોય, મોદી સરકારની દરેક યોજનાઓ ફક્ત પ્રચારમાં જ દેખાય છે. વાસ્તવિક જગતમાં દેખાતી જ નથી.

મંત્રીઓનું ભ્રષ્ટ આચરણ હોય કે રૉફેલમાં ગોટાળો હોય, પાકિસ્તાન સતત સીમા પર હુમલા કરીને આપણાં સૈનિકો અને નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે.

ચીન ભારતીય સરહદમાં સૈનિક અને શસ્ત્ર-સરંજામ ગોઠવી રહ્યું છે. મોદી સરકારને તો પોતાની નિષ્ફળતાઓના જલસા કરવા સાથે જ સંબંધ છે.

એટલે જ દેશના લોકો કહી રહ્યાં છે કે, "મોદીજી એ દેશ અને દેશના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે"

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો