BBC Top 5 News: કૈરાના અને પાલઘર લોકસભા બેઠકો પર 'પ્રતિષ્ઠાનો જંગ'

મતદાન કરી રહેલી મહિલાની તસવીર Image copyright Getty Images

દેશના 10 રાજ્યોમાં આજે લોકસભા અને વિધાનસભાની 14 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં ચાર લોકસભા બેઠક અને 10 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.

મહારાષ્ટ્રની પાલઘર અને ભંડરા-ગોંડિયા, ઉત્તર પ્રદેશની કૈરાના અને નાગાલૅન્ડની બેઠક પર લોકસભાની પેટાચૂંટણી યોજાશે.

જ્યારે ઝારખંડ, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, કેરળ, મહારાષ્ટ્ર, મેઘાલય, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે.

મહત્વપૂર્ણ છે કે ઉત્તર પ્રદેશની કિરાના લોકસભાની બેઠક પર યોજાઈ રહેલી પેટા ચૂંટણી રાજકીય રીતે મહત્ત્વની મનાઈ રહી છે.

પેટાચૂંટણીની મતગણતરી 31 મેના રોજ હાથ ધરવામાં આવશે.


વિદેશ જઈ રહેલા રાહુલનું ભાજપને ટ્વીટ

મેડિકલ ચેકઅપ માટે સોનિયા ગાંધી સાથે વિદેશ જઈ રહેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ 'ટ્રૉલ્સ' પર કટાક્ષ કરતું ટ્વીટ કર્યું છે.

રાહુલે ટ્વિટર પર લખ્યું, ''સોનિયાજીના મેડિકલ ચેકઅપ માટે થોડા દિવસ પૂરતો દેશ બહાર જઈ રહ્યો છું. મારા મિત્રો અને ભાજપની સોશિયલ મીડિયા ટ્રૉલ આર્મી તમે વધુ પડતા ઉત્સાહિત ના થશો....હું ટૂંક સમયમાં પરત ફરીશ.''

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોનિયા ગાંધી થોડા સમય પૂરતા વિદેશ રહેશે. જ્યારે રાહુલ ગાંધી અઠવાડિયાની અંદર જ પરત ફરશે.

ઉલ્લેખનીય છે કે મહત્ત્વપૂર્ણ સમયે દેશ બહાર રહેવાને કારણ રાહુલને ભૂતકાળમાં ટીકાનો સામનો કરવો પડ્યો છે. નોંધનીય છે કે વર્ષ 2011માં અમેરિકા ખાતે સોનિયા ગાંધીની સર્જરી કરાઈ હતી.


કુમારસ્વામી આજે મોદીને મળશે

Image copyright Getty Images

કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવી દિલ્હી ખાતે મળશે.

જનતા દળ(જેડી-એસ) અને કોંગ્રેસની યુતિવાળી સરકારના મુખ્યમંત્રી બન્યા બાદ કુમારસ્વામીની વડાપ્રધાન સાથેની આ પ્રથમ મુલાકાત છે.

દિલ્હી પહોંચ્યા બાદ કુમારસ્વામી રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.

વડાપ્રધાનને મળ્યા બાદ કર્ણાટકના મુખ્યમંત્રી કેન્દ્રીય કોલસા પ્રધાન પિયુષ ગોયલ સાથે મુલાકાત કરશે, જેમાં તેઓ રાજ્યના દક્ષિણમાં આવેલા થર્મલ સ્ટેશન્સમાં કોલસાની પૂરતો પુરવઠો મળી રહે એવી માગ કરશે.


IPL વિજેતા CSK આજે ચેન્નાઈમાં

Image copyright AFP/GETTY IMAGES

રવિવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે યોજાયેલી આઈપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લિગ)ની 11મી સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદને પરાજય આપીને ચેન્નાઈ સુપર કિંગ્સે ત્રીજી વખત ટુર્નામેન્ટ જીતી છે.

આજે CSKની ટીમ ચેન્નાઈ જશે અને ત્યાં પ્રશંસકોનું અભિવાદન ઝીલશે. સાત વર્ષના ગાળા બાદ CSKએ ફરી એક વખત આઈપીએલ ટ્રોફી જીતી છે.

મેચમાં સુનિલ નરીન 'મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર' (16 મેચમાં 357 રન અને 17 વિકેટ) બન્યા છે.

જ્યારે એન્ડ્રૂ ટાઈએ 'પર્પલ કેપ' જીતી છે. તેમણે 14 મેચમાં 24 વિકેટ લીધી છે.

20 વર્ષીય ઋષભ પંતને સિઝનના 'ઇમર્જિંગ પ્લેયર'નો ખિતાબ મળ્યો છે.

2013માં આઈપીએલમાં મેચ ફિક્સિંગનું કૌભાંડ બહાર આવ્યું હતું, જેમાં ટીમનાં મેનેજમેન્ટની સંડોવણી બહાર આવી હતી. જેના પગલે ટીમ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.


બર્મિંગહામમાં ભારે વરસાદ

ભારે વરસાદ બ્રિટનના બર્મિંગહમ વિસ્તારમાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. એક મહિનામાં સરેરાશ જેટલો વરસાદ પડે, તેટલો વરસાદ એક કલાકમાં પડી ગયો હતો.

હવામાન ખાતા તથા પર્યાવરણ વિભાગે આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ભારે વરસાદને કારણે વાહનવ્યવહારમાં અવરોધ ઊભા થયા હતા અને સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું હતું.

અનેક સ્થળોએ રસ્તા પર પાર્ક કરેલી ગાડીઓ જળગરકાવ થઈ ગઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો