બ્લૉગઃ મોદી સરકારનાં ચાર વર્ષની 54 સિદ્ધિની તલસ્પર્શી તપાસ

  • રાજેશ પ્રિયદર્શી
  • ડિજિટલ એડિટર, બીબીસી હિંદી

સરકારે કેટલું કામ કરવું જોઈએ અને કેટલો પ્રચાર તેની ત્રિરાશી બાબતે બંધારણમાં કશું જણાવવામાં આવ્યું નથી. તેનો આધાર સરકારની વિવેકબુદ્ધિ પર હોય છે.

વર્તમાન કેન્દ્ર સરકારે જાહેરાતના ખર્ચના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે.

મે, 2014માં સત્તા પર આવ્યા પછીથી ડિસેમ્બર, 2017 સુધીમાં મોદી સરકારે પ્રચાર પાછળ પોણા ચાર હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

આ પ્રમાણ સફળ 'મંગળ મિશન'ના કુલ ખર્ચ કરતાં સાત ગણું વધારે છે.

2019માં ફરી લોકસભાની ચૂંટણી થવાની છે. તેને ધ્યાનમાં રાખીને મોદી સરકારના પ્રચાર ખર્ચમાં જોરદાર વધારો થશે જ.

સરકાર કશું ખરાબ કે નવું નથી કરતી, પણ તે એ હદે પહોંચી રહી છે કે જ્યાં 'પહેલાં પ્રચાર, પછી કામ' જેવી સ્થિતિની અનુભૂતિ થવા લાગી છે.

નેતાને ચમકાવવાનું અભિયાન

લોકસભાની ગત ચૂંટણીમાં તત્કાલીન યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ(યુપીએ) સરકારે પણ પ્રચાર માટે જોરદાર ખર્ચ કર્યો હતો.

2013-14માં દેશમાં પહેલીવાર સરકારી પ્રચાર ખર્ચનો આંકડો એક હજાર કરોડ રૂપિયાને પાર કરી ગયો હતો.

એ પછી હાલની મોદી સરકાર તેને વાર્ષિક દોઢ હજાર કરોડ રૂપિયા તરફ લઈ જતી જોવા મળી રહી છે.

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ આ રસ્તો અપનાવ્યો છે. તેમણે પ્રચાર પાછળ, અગાઉની કોંગ્રેસ સરકાર કરતાં ચારગણો વધારે ખર્ચ કર્યો છે.

આ તમારા એટલે કે કરદાતાના પૈસાથી જ તમને આકર્ષવાના પ્રયાસ છે. કરદાતાના પૈસાથી નરેન્દ્ર મોદી કે સોનિયા ગાંધીને કોઈ શાનદાર પ્રોડક્ટની બ્રાન્ડની માફક ચમકાવવાનું અભિયાન છે.

પ્રચાર ખર્ચના આ આંકડા માત્ર કેન્દ્ર સરકારના છે. રાજ્યો કે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પાછળ કરવામાં આવતા ખર્ચનો તેમાં સમાવેશ નથી.

મૂળભૂત સુવિધાઓ માટે નાણાં ખર્ચવાને બદલે લોકોને ભરમાવવા માટે તેમના જ પૈસા પાણીની માફક ખર્ચવાનું રોકવા માટે સંસદની પબ્લિક અકાઉન્ટ્સ કમિટી છે.

અલબત, સંસદ અને તેના વિભાગો તેમનું કામ યોગ્ય રીતે કરતા હોત તો કંઈ કહેવાપણું જ ન હોત.

વિકસીત કહેવાતા દેશોમાં સરકારી પ્રચારનો ઘોંઘાટ સંભળાતો નથી, સરકારી યોજનાઓ સાથે નેતાઓના ફોટોગ્રાફ્સના ઉપયોગનો તો સવાલ જ નથી.

મોદી સરકારના ચાર વર્ષ પૂર્ણ થયાંની ઊજવણીમાં દેશનાં લગભગ તમામ અખબારોના પહેલા પેજ પર રંગબેરંગી જાહેરાતો પ્રકાશિત કરવામાં આવી હતી.

તેમાં ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ના ઝંડાના રંગો સાથે સૂત્ર લખ્યું છેઃ 'દેશ કા બઢતા જાતા વિશ્વાસ, સાફ નિયત, સહી વિકાસ.'

આ જાહેરાત કેટલી સરકારી છે અને કેટલી રાજકીય છે, એ વચ્ચેનો તફાવત સંપૂર્ણપણે ખતમ થઈ ગયો છે.

કેન્દ્ર સરકાર, દેશ, સત્તાધારી બીજેપી અને નરેન્દ્ર મોદી સંપૂર્ણપણે એકાકાર થઈ ચૂક્યાં છે.

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ નવી ઊંચાઈ પર પહોંચી રહ્યો છે, એવું સાબિત કરવાનો પ્રયાસ આ જાહેરાતમાં 11 પેટા-મથાળાં હેઠળ 54 દાવાઓ સાથે કરવામાં આવ્યો છે.

અલબત, તમે તેને ઝીણી નજરે વાંચવાનું શરૂ કરશો તો એવી ઘણી બાબતો તરફ તમારું ધ્યાન જશે.

એ બાબતો એવી છે જેને તમે નજરઅંદાજ કરો, એવું સરકાર ઇચ્છે છે.

'દુનિયા જોઈ રહી છે એક ન્યૂ ઈન્ડિયા'

આ જાહેરાતમાં કે બીજી જાહેરાતોમાં સૌથી વધુ રસપ્રદ વાત એ છે કે સરકાર જે દાવાઓને પોતાની સફળતાનો પુરાવો ગણાવી રહી છે તેના આકલનની કોઈ પદ્ધતિ ઉપલબ્ધ જ નથી અથવા તો એ સરકારની સિદ્ધિ છે જ નહીં.

કેટલાંક ઉદાહરણો જુઓ. 'યુવા ઊર્જાથી બદલાતો દેશ', 'યુવાઓને પ્રગતિની મજબૂત તક', 'ભારત બન્યું વૈશ્વિક વિકાસનું કેન્દ્ર' અને 'આખા વિશ્વએ યોગને ઉત્સાહ સાથે અપનાવ્યા'.

પહેલા ત્રણ નારા કોઈ સિદ્ધિ નથી અને યોગ દાયકાઓથી અબજો ડોલરનું વૈશ્વિક માર્કેટ બની રહ્યા છે.

1960 અને '70ના દાયકાથી દુનિયા યોગીઓ પાછળ પાગલ રહી છે, પણ યોગની આ વૈશ્વિક સફળતાને સરકારની સિદ્ધિ ગણાવવાનું રાજકીય પેંતરો છે.

પાંચ વર્ષમાં કરોડોના હિસાબે રોજગારની તકો સર્જવાનું વચન આપવામાં આવ્યું હતું. હવે સરકાર આ સંબંધે કેવા દાવા કરી રહી છે એ જુઓ.

જાહેરાત જણાવે છે, 'સરકારી, ખાનગી અને વ્યક્તિગત ક્ષેત્રમાં વિવિધ રીતે આગળ વધવા યુવાઓ માટે મજબૂત તક.' જાણે કે તક તો મજબૂત છે, ખામી કદાચ યુવાઓમાં છે.

સરકારે રોજગારમાં 'પર્સનલ' નામનું એક નવું ક્ષેત્ર ઉમેર્યું છે. આ એ ક્ષેત્ર છે, તેને મોદીવિરોધીઓ મજાકમાં 'વડાપ્રધાન પકોડા રોજગાર યોજના' કહે છે.

મજાકની વાત અલગ છે, પણ પકોડા વેચતા લોકોની મહેનતનું શ્રેય સરકાર કઈ રીતે લઈ શકે?

સરકાર રોજગારના આંકડાના મુદ્દે ગોળગોળ ફેરવી રહી છે અને 'વિકાસની મજબૂત તક' જેવા શબ્દોથી કામ ચલાવી રહી છે.

તેનું કારણ એ છે કે રોજગારના મામલે પરિસ્થિતિ અત્યંત ખરાબ હોવાનું કેન્દ્ર સરકારના પોતાના શ્રમ મંત્રાલયના જ આંકડાઓ જણાવે છે.

દાવા તો દાવાઓ જ હોય

કુલ 54 દાવા પૈકીના ઘણા એવા છે કે થોડી તપાસ બાદ એ બોદા કે મિથ્યા સાબિત થઈ શકે છે.

તેનું એક ઉદાહરણ છે દેશના દરેક ગામ સુધી વીજળી પહોંચાડવાનો દાવો.

દેશની ભાગ્યે જ કોઈ ટીવી ચેનલ હશે, જેણે તમને દેશના દરેક ખૂણામાંના વીજળી વગરના ગામોના દર્શન નહીં કરાવ્યાં હોય.

દેશમાં આજે પણ લગભગ સવા ત્રણ કરોડ ઘર એવાં છે, જ્યાં વીજળીનું કનેક્શન નથી. એક કરોડથી વધુ ઘર તો માત્ર ઉત્તર પ્રદેશમાં જ છે.

'સ્વચ્છ ભારત મિશન' હેઠળ દેશભરમાં સવા સાત કરોડ ટોઇલેટ્સ બનાવ્યાનો દાવો પણ એવો જ છે.

આ ટોઇલેટ્સ જમીન પર ક્યાં છે? એ પૈકીનાં કેટલાં વાપરી શકાય તેવાં છે? કેટલાંમાં પાણીની વ્યવસ્થા છે? આ બધા સવાલ અસ્થાને છે.

મહત્ત્વની વાત એ છે કે સવા સાત કરોડ ટોઇલેટ્સ બની ચૂક્યાં છે. જેણે માનવું હોય તે માને અને ન માનવું હોય તે ન માને.

સરકારને એક વાતનું શ્રેય જરૂર આપવું પડે કે તેણે સ્વચ્છતાને રાષ્ટ્રીય એજન્ડામાં સામેલ કરી છે.

તેના રાત-દિવસ ચાલતા પ્રચારથી લોકોનું વલણ જરૂર બદલાયું હશે અને એ માટે સરકારનાં વખાણ યોગ્ય છે.

સરકારની બીજી સફળ યોજના 'ઉજ્જ્વલા સ્કીમ' છે. આ યોજના હેઠળ સરકારે લગભગ પોણા ચાર કરોડ ગરીબ મહિલાઓને ગેસનું કનેક્શન આપ્યું છે.

હવે તેનું લક્ષ્યાંક વધારીને આઠ કરોડનું કરવામાં આવ્યું છે. આ યોજના પણ વખાણવાલાયક છે.

આ 54 દાવાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આપવામાં આવેલાં એક કરોડ મકાનોની ગણતરી ત્રણવાર કરાવવામાં આવી છે.

સવા સાત કરોડ ટોઇલેટ્સની ગણતરી બેવાર અને 'ઉજ્જ્વલા સ્કીમ'ની સફળતાને ગણતરી પણ બેવાર કરાવવામાં આવી છે.

એક રસપ્રદ દાવો

સફળતાનો આ દાવો જુઓઃ 'ભારતમાં એરકન્ડીશન્ડ (એસી) ટ્રેનોની સરખામણીએ પ્લેનમાં પ્રવાસ કરનારાઓની સંખ્યા પહેલીવાર વધી છે.'

છે ને કમાલની સફળતા! રેલવે સરકાર ચલાવે છે. સરકારી એર ઇન્ડિયાને બાદ કરતાં બાકીની તમામ એરલાઇન્સ કંપનીઓ ખાનગી માલિકીની છે.

'રેલવે સલામતીની દૃષ્ટિએ 2017-18નું વર્ષ સૌથી વધુ સારું રહ્યું' હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.

રેલવેની હાલત એવી છે કે વ્યક્તિ મજબૂર ન હોય ત્યાં સુધી ટ્રેનમાં પ્રવાસ કરવાનું ટાળે છે.

એસી ટ્રેનોમાં પ્રવાસ એટલો મોંઘો થઈ ગયો છે કે એ ખર્ચ જેને પરવડે તેને પ્લેનમાં પ્રવાસ કરવાનું વધારે યોગ્ય લાગે છે.

આવો જ એક દાવો છે આરોગ્ય સેવા વિશેનો. આરોગ્ય સેવા એટલી સારી થઈ ગઈ છે કે વધુ લોકો ખાનગી હોસ્પિટલોમાં જવા લાગ્યા છે.

ચાર વર્ષની 54 સિદ્ધિઓની ગણતરી કરવામાં સરકારની છાતી ફૂલતી દેખાય છે, પણ કેટલાક દાવામાં વાસ્તવિકતા એકદમ અવળી છે.

તેના ઉદાહરણ તરીકે આ દાવા પર નજર કરોઃ 'નોટબંધીને કારણે અત્યાર સુધીમાં સૌથી વધુ કાળા નાણાંનો પર્દાફાશ.'

હકીકત એ છે કે રિઝર્વ બેન્કમાં લગભગ તમામ નાણાં પાછાં આવ્યાં છે અને તેની ગણતરી હજુ પૂર્ણ થઈ નથી.

એ જ રીતે 'પછાત વર્ગોની પોતાની સરકાર' પેટા-શિર્ષક હેઠળ દાવો કરવામાં આવ્યો છે કે 'ખેડૂતોની આવક બમણી કરવા માટે બહુઆયામી પ્રયાસ' કરવામાં આવી રહ્યા છે. મતલબ કે પ્રયાસ એ પણ સિદ્ધિ છે.

હકીકત એ છે કે કૃષિનો વાર્ષિક વૃદ્ધિદર 5.6 ટકાથી ઘટીને છેલ્લા ચાર વર્ષમાં ત્રણ ટકાએ આવી ગયો છે.

એ વચનોનું શું થયું?

સ્પેર પાર્ટ્સમાં બનેલો સિંહ ભારતને નવી ઓળખ આપવાનો હતો એ તમને યાદ છે?

'મેક ઇન ઇન્ડિયા'નો સિંહ સફળતાના 54 દાવામાં ક્યાંય સ્થાન મેળવી શક્યો નથી. છેલ્લાં ચાર વર્ષમાં ઔદ્યોગિક ઉત્પાદન અને નિકાસ બન્નેમાં કોઈ પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળ્યો નથી.

'ગંગામૈયાના દીકરા'એ નમામિ ગંગે અભિયાનમાં શું હાંસલ કર્યું તેનો ઉલ્લેખ પણ આ જાહેરાતમાં ક્યાંય નથી.

'ગંગા સાફ નહીં કરી શકું તો જીવ આપી દઈશ' એવું કરી ચૂકેલાં કેબિનેટ પ્રધાન ઉમા ભારતી 2018ના ઓક્ટોબર સુધીમાં આખી ગંગા સાફ કરી આપવાનાં હતાં, પણ હવે એ કામ તેમની પાસેથી લઈ લેવાયું છે.

'ડિજિટલ ઇન્ડિયા'ની ધૂમ ઠંડી પડી ગઈ છે. તેનો પણ કોઈ ઉલ્લેખ આ દાવાઓની યાદીમાં નથી.

'સ્કિલ્ડ ઇન્ડિયા'નો ઉલ્લેખ એક વખત છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે દેશનાં એક કરોડ લોકોને તાલીમ આપવામાં આવી છે, પણ તેમના માટે નોકરી ક્યાં છે?

'સ્માર્ટ સિટી'નો ઉલ્લેખ એક સફળતા સ્વરૂપે છે, પણ તેમાં એટલું જ જણાવવામાં આવ્યું છે કે એ માટે બજેટમાં બે લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ સિદ્ધિ નથી.

સરકારે ચાર વર્ષમાં કોઈ કામ જ ન કર્યું હોય એવું બની ન શકે. આ સરકારે પણ અનેક કામ કર્યાં છે, જે પૈકીનાં અનેકનો ઉલ્લેખ ઉપર કરવામાં આવ્યો છે.

એ ઉપરાંત ઝડપભેર માર્ગોનું નિર્માણ, સ્ટેંટ મૂકવાના અને ગોઠણની સર્જરીનો ખર્ચ ઘટાડવા તેમજ જનસુરક્ષા વીમો તેનાં કેટલાંક ઉદાહરણ છે.

તુષ્ટિકરણનું રાજકારણ બંધ કર્યું હોવાનો સરકારનો દાવો મજબૂત છે. સિદ્ધિઓના સરવાળામાં લઘુમતી અને આદિવાસીઓ માટે બે શબ્દ ક્યાંય જોવા મળતા નથી.

અલબત, મહિલાઓનો ઉલ્લેખ અનેકવાર છે. પાંચમાંથી ત્રણ ફોટોગ્રાફ્સ મહિલાઓના છે.

રાજકીય દળો વચન આપે છે, સરકારો દાવા કરે છે. જાગૃત નાગરિકનું કામ પ્રચારથી અંજાયા વિના તેને ઝીણવટપૂર્વક સમજવાનું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો