દલિત યુવતીની વ્યથા, 'મારે મારી જાતિને કારણે નોકરી છોડવી પડી'

દલિત યુવતી પૂજાની એક તસવીર Image copyright Pooja

બીબીસીની#BeingMuslimAndDalitની આ શ્રેણીમાં વાંચો એક દલિત છોકરીની આ વાત. પૂજા લખનૌની રેનેસા હોટલમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે કામ કરે છે.

એક ભણેલી-ગણેલી અને સારી નોકરી કરનારી દલિત છોકરી માટે પણ જિંદગી સરળ નથી હોતી. પૂજાને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, સાંભળો એમના જ મોઢે.

મને સ્કૂલમાં જ ખબર પડી કે હું 'નીચી જાતિ'ની છું.

કદાચ સાતમા કે આઠમાં ધોરણમાં હતી, હું એક ફૉર્મ ભરતી હતી અને એમાં જાતિ લખવાની હતી.

અન્ય બાળકોની જેમ મે પણ મારી જાતિ લખી દીધી, જોકે, એના પર લોકોની નજર ગઈ અને મારા માટે બધું બદલાઈ ગયું.

અનેક લોકોએ મને કહ્યું કે હું નીચી જાતિની છું. મને વારંવાર તેનો અનુભવ પણ કરાવવામાં આવ્યો. સ્કૂલમાં બધાનું વર્તન મારી તરફ બદલાઈ ગયું.

જે મિત્રો આખો દિવસ મારી સાથે રમતા-જમતા એ બધા હવે મારાથી દૂરદૂર રહેવા માંડ્યા. શિક્ષકોની નજરમાં પણ હવે પરિવર્તન જણાતું હતું.


'મારી સાથે આમ કેમ થઈ રહ્યું છે?'

મેં ઘરે આવીને પપ્પાને પૂછ્યું કે મારી સાથે આમ કેમ થઈ રહ્યું છે તો એમણે કહ્યું ''આપણે દલિત છીએ અને આપણી સાથે આવું થતું જ આવ્યું છે.''

એ વખતે કંઈ વધારે સમજી શકી નહી પણ સમય જતાં બધું સ્પષ્ટ થતું ગયું.

આમ તો તમે બહુ સારા છો, કોઈ ઊણપ પણ નથી, પરંતુ જાતિની ખબર પડતાની સાથે જ તમે ખરાબ થઈ જાવ ચો.

તમે કામચોર ગણાવા લાગો, તમારું મેરિટ જ સમાપ્ત થઈ જાય છે અને તમે દરેક જગ્યાએ અનામતનો ફાયદો લઈને દાખલ થનારા બની જાવ છો.

મેં આજ સુધી અનામતનો કાઈ ફાયદો લીધો નથી કારણ કે મારે હજી સુધી એની જરૂર પડી નથી.

જોકે, દલિતોના એક મોટા સમૂહને ખરેખર આની જરૂર છે. એમણે અનામત લેવી પણ જોઈએ. આ એમનો હક પણ છે.

લોકો આજકાલ આર્થિક ધોરણે અનામતની માગ કરે છે, મને એની સાથે કોઈ વાંધો નથી.

વિચાર ઉમદા છે પણ શું તમે ખાતરી આપી શકશો કે આ પછી અમારી જાતિ સાથે થતા ભેદભાવ અટકી જશે? અમને થતી હેરાનગતી બંધ થઈ જશે?

હું તો છતાંય સારી હાલતમાં છું. તમે ગામડાંમાં નજર દોડાવો તો તમને ખબર પડશે, ઉચ્ચ જાતિનાં લોકોના કૂવામાંથી પાણી લેવા અંગે પણ વિવાદ થાય છે.

ઘણી સ્કૂલોમાં બાળકોને અલગ હરોળમાં બેસાડવામાં આવે છે. ખાવાનું વહેંચવાની વાત તો દૂર, બીજા બાળકો એમની સાથે બેસી ખાતા પણ નથી.

દલિત વરરાજા ઘોડી પર ચઢી શકતા નથી. આ માત્ર' ઊંચી જાતિ' વાળાઓ માટે છે. શું આ બધું બંધ થઈ જશે?


જાતિ અંગે ખબર પડી અને નોકરી છોડવી પડી

હું સારું ભણી અને હવે નોકરી પણ કરી રહી છું છતાંય આ જાતિ મારો પીછો છોડતી નથી.

હું જ્યારે દિલ્હીમાં નોકરી કરતી હતી ત્યારે ત્યાં કેટલાક મિત્રોને વાત વાતમાં મારી જાતિ અંગે ખબર પડી ને ત્યાર બાદ શું બન્યું હશે એ મારે કાંઈ કહેવાની જરૂર રહેતી નથી.

બન્યું એવું કે હું એટલી બધી અલગ પડી ગઈ કે મેં નોકરી છોડવાનો વિચાર કર્યો.

જે પહેલાં મિત્રો હતા તે જાતજાતની ટિપ્પણી કરવા માંડ્યા. લોકોએ વાતચીત કરવાનું બંધ કરી દીધું.

નોકરી ના છોડત તો ડિપ્રેશનમાં આવી જાત. ત્યાર બાદ મેં નક્કી કર્યું કે કોઈને મારી જાતિ અંગે ખબર પડવા નહીં દઉં. હું લાચાર હતી.

અત્યારે જ્યાં નોકરી કરું છું ત્યાં હજી સુધી મેં મારી જાતિ અંગે જણાવ્યું જ નથી.

હાં, હું દલિત છું અને મેં કોઈ ખોટું કામ કર્યું નથી. અમારી સાથે ગુનેગારોની જેમ વર્તન કરવાનું બંધ કરી દો.

મેં ઉત્તર પ્રદેશમાં ત્રણ સરકાર બનતા જોઈ છે પણ પરિસ્થિતિ તો એવી ને એવી જ છે.

માયાવતી પોતાની જાતને દલિતની બેટી જરૂર કહે છે પણ એમનાં કામોને જોતાં દલિતોની ભલાઈ અંગેની કાંઈ કામગીરી દેખાતી નથી.


'હિંદુ ઘર્મ નહીં છોડું'

એ સાચું છે કે હિંદુ ધર્મમાં સૌથી વધુ જાતિવાદ છે પણ મારા મનમાં કદીય ધર્મ બદલવાનો વિચાર આવ્યો નથી. મેં ભગવાન પર ભરોસો કરવાનું બંધ કર્યું નથી.

મને લાગે છે એ શાહમૃગ જેવું થશે કે જોખમ જણાતાં પથ્થરમાં પોતાનું માથું છુપાવી લે છે અને વિચારે છે કે જોખમ ટળી ગયું.

કદાચ એ પરિસ્થિતિ ભાગવા જેવું પણ થશે. હું સરળ રસ્તો પસંદ કરીને ભાગવા કરતાં પરિસ્થિતિનો મુકાબલો કરવાનું પસંદ કરીશ.

જો મને બીજી કોઈ જાતિના છોકરા સાથે પ્રેમ થઈ ગયો તો હું તેની સાથે લગ્ન કરવાનું પણ પસંદ કરીશ.

મારા ભાઈએ રાજપૂત છોકરી સાથે લગ્ન કર્યાં છે. હાં એ વાત અલગ છે કે ભાભીનાં કુટુંબીજનો હજુ પણ આ સબંધ સ્વીકારી શક્યાં નથી.


દલિત અને સ્ત્રી હોવું...

હોટલમાં મારા હાથ નીચે એક ટીમ કામ કરે છે. સ્ત્રી હોવાની સાથે સાથે દલિત હોવું એક મોટો પડકાર છે.

લોકો તમને નીચા દેખાડવાની એક પણ તક જતી કરતાં નથી.

તેઓ ભૂલ કાઢવાના પ્રયાસોમાં જ લાગેલા રહે છે. ભૂલ મળતાં જ તરત કહે છે આ લોકો મહેનત તો કરતાં જ નથી.

લોકોને લાગે છે દલિત એટલે અનામત. તેઓ વિચારે છે કે અમને બસ અનામત લેતાં જ આવડે છે, બીજું કશું જ નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ