આરએસએસના કાર્યક્રમમાં શા માટે હાજર રહેશે પ્રણવ મુખરજી?

ડો. પ્રણવ મુખરજી અને મોહન ભાગવત Image copyright AFP/GETTY IMAGES
ફોટો લાઈન ડો. પ્રણવ મુખરજી અને મોહન ભાગવત

ભારતીય રાજકારણમાં કોંગ્રેસી વિચારધારાનો મુખ્ય ચહેરો બની રહેલા ડૉ. પ્રણવ મુખરજી સાતમી જૂને મહારાષ્ટ્રના નાગપુરમાં યોજાનારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ના કાર્યક્રમમાં જોવા મળશે.

આ સમાચારથી દેશના રાજકીય વર્તુળોમાં ઘણા લોકોની ભવાં ચડી જાય એ દેખીતું છે.

નાગપુરના રેશીમબાગ મેદાનમાં યોજનારા તૃતીય વર્ષ શિક્ષા વર્ગ સમાપન સમારોહમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી મુખ્ય મહેમાન તરીકે હાજર રહેવાના છે.

તેઓ સ્વયંસેવકોની પાસિંગ આઉટ પરેડનો મહત્ત્વનો હિસ્સો હોવા ઉપરાંત પોતાના વિચારો પણ રજૂ કરશે.

આ કાર્યક્રમમાં સરસંઘચાલક મોહન ભાગવત સહિતના આરએસએસના ટોચના વર્તમાન પદાધિકારીઓ પણ પ્રણવ મુખરજીની સાથે મંચ પર હશે.

દર્શકો ઉપરાંત આરએસએસના અન્ય પદાધિકારીઓ અને મીડિયાના પ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં સામેલ થશે.

દેશની વિવિધ ભાગોમાંથી આવેલા અને નાગપુરમાં 25 દિવસ રહીને સંઘનો ત્રીજા વર્ષનો અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલા લગભગ 600 સ્વયંસેવકો આ કાર્યક્રમમાં દેખીતી રીતે ઉપસ્થિત હશે.


મુખરજી અને ભાગવત વચ્ચે ચાર મુલાકાત

Image copyright Getty Images
ફોટો લાઈન મોહન ભાગવત

આરએસએસના જવાબદાર સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રણવ મુખરજી અને આરએસએસના ટોચના નેતા વચ્ચે કમસેકમ ચાર મુલાકાત યોજાઈ ચૂકી છે.

પ્રણવ મુખરજી રાષ્ટ્રપતિ હતા ત્યારે મોહન ભાગવત સાથે દિલ્હીમાં તેમની બે મુલાકાત થઈ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, એકવાર તો એવું થતું હતું કે મુલાકાતનો દિવસ તથા સમય નક્કી થઈ ચૂક્યા હતા, પણ પ્રણવદાના પત્નીનું મૃત્યુ થતાં બધા કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા હતા.

જોકે, રદ્દ થયેલા કાર્યક્રમોમાં સરસંઘચાલક સાથેની મુલાકાતનો સમાવેશ ન હતો.

પ્રણવદા અને મોહન ભાગવત વચ્ચે મુલાકાત થઈ હતી, જે શોક સંવેદના વ્યક્ત કર્યા બાદ લાંબો સમય ચાલી હતી.

એ પહેલાંની મુલાકાતમાં પ્રણવ મુખરજીને સંઘસંબંધી પુસ્તકો આપવામાં આવ્યાં હતાં.

એ સંબંધિત શંકાઓ બાબતે વિચારવિમર્શનો ક્રમ બીજી મુલાકાત સુધી ચાલ્યો હતો.


'કોઈ તત્કાળ યોજના નથી'

Image copyright SANJAY RAMAKANT TIWARI
ફોટો લાઈન કાર્યક્રમની આમંત્રણ પત્રિકા

આરએસએસના નેતૃત્વ પ્રણવ મુખરજી પાસેથી કોઈ આશા છે, કોઈ યોજના બનાવવામાં આવી છે?

આ સવાલના જવાબમાં આરએસએસના એક વરિષ્ઠ પદાધિકારીએ કહ્યું હતું, "આરએસએસ દૂરગામી રીતે વિચારવાનો પ્રયાસ કરતો હોય છે.

"તેથી કેટલીક મુલાકાતોમાં કોઈના વિચાર અચાનક બદલાઈ જશે કે એક કે બે મુલાકાત પછી કંઈક નવું જોવા મળશે, આરએસએસને લાભ થશે એવી કોઈ આશા અમે રાખતા નથી.

"પ્રણવ મુખરજીને અચાનક આમંત્રણ આપવામાં આવ્યું છે એવું પણ નથી."

પ્રણવ મુખરજી પર આરએસએસના કાર્યક્રમમાં હાજર ન રહેવાનું દબાણ કોંગ્રેસની અંદર કે બહારથી થવાની શક્યતાનો અંદેશો આરએસએસને નથી?

આ સવાલના જવાબમાં આરએસએસના એક સૂત્રે કહ્યું હતું, "પ્રણવ મુખરજી વરિષ્ઠ અને વિચારવંત વ્યક્તિ છે.

"તેમના જેવી વ્યક્તિ બહુ સમજી-વિચારીને કોઈ પગલું ભરતી હોય છે. તેથી તેમના પર આવું કોઈ દબાણ સફળ થશે એવું લાગતું નથી. વળી હવે તેઓ રાજકારણમાં પણ સક્રિય નથી."

અહીં એ નોંધવું જોઈએ કે રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળના અંતિમ મહિનાઓમાં પ્રણવદા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેનો સંબંધ મધુરતાભર્યો રહ્યો હતો.

નરેન્દ્ર મોદીએ તેમને પિતા સમાન વ્યક્તિત્વ પણ ગણાવ્યા હતા.


ભિન્નમતનો આદર

Image copyright AFP/GETTY IMAGES

આરએસએસના મતાનુસાર, અલગ વિચાર ધરાવતા લોકોને કાર્યક્રમમાં આમંત્રિત કરવાની આ પરંપરા ગુરુ ગોલવલકરના સમયથી ચાલી રહી છે.

અલગ કે વિરોધી વિચાર ધરાવતા લોકો સાથે ચર્ચા કરવાનું ગુરુ ગોલવલકર બહેતર ગણતા હતા.

આરએસએસના સૂત્રોની વાત માનીએ તો ભિન્નમત કે વિરોધી વિચારધારા હોવી એ શત્રુતા નથી.

આરએસએસ પહેલેથી માનતો રહ્યો છે કે આ બાબતે સંવાદ થઈ શકે અને સંવાદ ચાલુ રાખવાના પ્રયાસ કરી શકાય.

આરએસએસના શિક્ષા વર્ગ સમાપન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ભિન્નમત ધરાવતા વિદ્વાનોને નોતરવાની પરંપરા છેલ્લા એક દાયકાથી યથાવત છે.

વિજયાદશમીના કાર્યક્રમ ઉપરાંત અન્ય પ્રસંગોએ પણ અલગ વિચાર ધરાવતા નેતાઓ, વિચારકોને આમંત્રિત કરવામાં આવતા રહ્યા છે.

Image copyright Getty Images

રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના નેતા દાદાસાહેબ રામકૃષ્ણ સૂર્યભાણ ગવઈ, ડાબેરી વિચારો ધરાવતા કૃષ્ણા ઐયર અને વરિષ્ઠ પત્રકાર તથા આમ આદમી પાર્ટીના નેતા આશુતોષ જેવા લોકો આ કાર્યક્રમનો હિસ્સો બની ચૂક્યા છે.

આરએસએસના સૂત્રોના જણાવ્યા મુજબ, મીનાક્ષીપુરમમાં કેટલાક હિંદુઓએ ધર્મપરિવર્તન કરીને ઇસ્લામ સ્વીકાર્યાની ઘટના બાદ દલિત નેતા દાદાસાહેબ ગવઈએ આરએસએસના કાર્યક્રમમાં સામેલ થવાની ઇચ્છા જાતે વ્યક્ત કરી હતી અને પોતાના વિચાર રજૂ કર્યા હતા.

આરએસએસના કટ્ટર વિરોધી અને ડાબેરી વિચારક કૃષ્ણા ઐયર તમામ સ્થાનિક વિરોધ છતાં તત્કાલીન સરસંઘચાલકને મળ્યા હતા અને પછી પત્રકારો સમક્ષ એ બાબતે પોતાના વિચાર રજૂ કર્યા હતા.

આરએસએસના સ્વયંસેવકોની શિબિરોમાં મહાત્મા ગાંધી અને ડૉ. ભીમરાવ આંબેડકરે ભેટ આપી હોવાના ઐતિહાસિક ઉદાહરણ પણ અપાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ