BBC Top 5 News: ઉત્તર ભારતમાં વંટોળ અને વીજળી પડવાથી 50નાં મૃત્યુ

બિહાર તથા યુપીમાં વંટોળ અને વીજળી પડવાને કારણે અનેકનાં મૃત્યુ Image copyright AFP

હવામાન ખાતાના કહેવા પ્રમાણે, મંગળવારે ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં ગરમીને કારણે લોકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી.

પૂર્વાંચલમાં ભારે પવન ફૂંકાયો હતો જ્યાર કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. વંટોળ તથા વીજળી પડવાને કારણે મંગળવારે રાત્રે 15 લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે 10 લોકો ઘાયલ થયા છે.

બિહારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર સ્પેશિયલ ડ્યુટી અવિનાશ કુમારના કહેવા પ્રમાણે, "મંગળવારે રાત્રે પવન અને વીજળી પડવાને કારણે 20 લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે છ લોકો ઘાયલ થયા છે."

ઝારખંડના સ્થાનિક પત્રકાર નીરજ સિંહાના કહેવા પ્રમાણે, "રાજ્યમાં વીજળી પડવાથી 12 લોકોનાં મૃત્યુ થયા છે, જ્યારે 28 લોકો ઘાયલ થયા છે."

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં પવનને કારણે એક ઝાડ ઉખડી ગયું હતું અને એક ઘર પર પડ્યું હતું. જેનાં કારણે ત્રણ બાળકોનાં મૃત્યુ થયાં હતાં.


ઇટલી કટોકટી અને શેરબજાર

Image copyright Getty Images

ઇટલીમાં પ્રવર્તમાન રાજકીય અસ્થિરતાની અસર શેરબજારો પર જોવા મળી રહી છે. યુરોપિયન શેરબજારો બાદ વોલ સ્ટ્રીટમાં પણ કડાકો જોવાયો હતો.

ડાઉ જોન્સ ઇન્ડેક્સ 1.6 ટકા, S&P 500માં 1.2 %, ઇટલીનો FTSE MIB ઇન્ડેક્સ 2.7 ટકા ઘટીને આવ્યો હતો. યુરોપનાં અન્ય મુખ્ય શેરબજારો પણ સરેરાશ એક ટકા તૂટ્યાં હતાં.

ઇટલી અને નોર્થ કોરિયા જેવાં પરિબળોને કારણે મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સમાં 216 અને નિફ્ટીમાં 55 પોઇન્ટનો ઘટાડો જોવાયો હતો.

જો કોઈ પોઝિટિવ ન્યૂઝ ન આવે તો બુધવારે પણ આ નકારાત્મક સેન્ટિમેન્ટ જળવાય તેવી શક્યતા છે.

બીબીસી વર્લ્ડ સર્વિસના ઇકોનોમિક્સ કોરસ્પોન્ડન્ટ એન્ડ્રૂ વોકરના કહેવા પ્રમાણે, 'હાલ તૂરત તો' 2011-12 જેટલી ભયાનક યુરોપિયન આર્થિક કટોકટી ઊભી થઈ હોય તેમ નથી જણાતું.

ઉલ્લેખનીય છે કે ઇટલીમાં નવેસરથી ચૂંટણી યોજાય શકે છે, જેમાં યુરોપિયન સંઘ વિરોધી વલણ ધરાવતી પાર્ટી મજબૂત બનતી જણાય રહી છે.

જેના પગલે નાણાં બજારમાં સાવચેતીભર્યું વલણ જોવા મળી રહ્યું છે.


કેન્ટ-લંડનમાં ભારે પુર

Image copyright SIMON MOORES

ભારે વરસાદ અને પવનને કારણે દક્ષિણ-પૂર્વ ઇંગ્લૅન્ડમાં સામાન્ય જનજીવન ઠપ થઈ ગયું છે.આ વિસ્તારમાં મહિનાનો સરેરાશ વિસ્તાર ગણતરીનાં કલાકોમાં પડી ગયો હતો.

રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે અનેક રેલ સેવાઓને રદ કરી દેવામાં આવી હતી. આવી જ રીતે 'વિપરીત વાતાવરણ'ને કારણે ગેટવિક એરપોર્ટ પરથી કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

આગામી 12 કલાક દરમિયાન વધુ વરસાદની શક્યતાને પગલે હવામાન ખાતા દ્વારા 'યેલો વોર્નિંગ' આપવામાં આવી છે.

કેન્ટ હાઈવે ઑથોરિટીને 280 તથા લંડન ફાયર બ્રિગેડને પુરને લગતાં 100થી વધુ કોલ મળ્યા હતા.


બેંકોની રાષ્ટ્રીય હડતાલ, બે દિવસ માટે બેંકો રહેશે બંધ

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

ભારતીય બેંક એસોસિયેશન દ્વારા બે ટકા પગારવધારાના કારણે દેશના બેંક કર્માચારીઓ નારાજ છે. આ પગલાને લઈને બેંક યુનિયન દ્વારા બે દિવસની હડતાલની જાહેરાત કરવામાં આવી છે.

બુધવારથી શરૂ થતી હડતાલને પગલે બેંકના વ્યવહારો પ્રભાવિત થશે.

આ પહેલા બેંક એસોસિયેશન અને બેંક યુનિયનો વચ્ચે વાતચીત નિષ્ફળ રહી હતી. ઇન્ડિયન બેંક એસોસિયેશને તેમની માગણીઓનો અસ્વીકાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે બેંક યુનિયન 14-15 ટકા પગાર વધારાની માગ કરી રહ્યાં છે.


હવે નલાઇન ટ્રેન ટિકિટ બુકિંગ કરવું બન્યું વધુ સરળ

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક

ઇન્ડિયન રેલવે એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)એ પોતાની વેબસાઇટને અપગ્રેડ કરી છે. આ પગલા અંતર્ગત પહેલાં કરતાં વધુ સરળતાથી વિગતો મેળવી શકાશે.

નવી વેબસાઇટમાં ટિકિટ બુકિંગથી લઇને ટિકિટ કેન્સલ, પ્રિન્ટ, એસએમએસ દ્વારા ટિકિટ મેળવવા જેવી પાયાની સુવિધાઓમાં સુધારો કરવામાં આવ્યો છે.

ટ્રેનમાં બેઠકોની વ્યવસ્થાથી લઈને ટ્રેનની સ્થિતિ જાણવા માટે લોગ-ઇન કરવાની જરૂર નહીં રહે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા