BBC Top 5 News: ડેન્માર્કમાં નકાબ અને બુરખા પર પ્રતિબંધ

ડેન્માર્કમાં બુરખા પર પ્રતિબંધ

ઇમેજ સ્રોત, ISTOCK

ડેનમાર્કે મહિલાનો સંપૂર્ણ ચહેરો ઢાંકતા બુરખાઓ પર પ્રતિબંધ લાદી દીધો છે. યુરોપિયન સંઘના અન્ય રાષ્ટ્રોમાં પણ આ પ્રકારના પ્રતિબંધ લાગુ છે.

ગુરુવારે 30 વિરુદ્ધ 75 મતોથી આ પ્રસ્તાવ પસાર થયો હતો. જો કોઈ વ્યક્તિ આ કાયદાનો ભંગ કરશે તો 157 ડોલર એટલે કે લગભગ રૂ. 10,500નો દંડ થશે.

નવો કાયદો પહેલી ઑગસ્ટથી અમલમાં આવશે.

કાયદામાં મુસ્લિમ મહિલાઓનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, પરંતુ સામાન્ય રીતે મુસ્લિમ મહિલાઓ સંપૂર્ણ ચહેરો ઢાંકતા બુરખા પહેરે છે.

બેલ્જિયમમાં પણ સંપૂર્ણ ચહેરો ઢાંકતા બુરખા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

જેને યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્સમાં પડકારવામાં આવ્યો હતો. કોર્ટે આ પ્રતિબંધને વ્યાજબી ઠેરવવામાં આવ્યો હતો.

અમેરિકાનો 'સંરક્ષણવાદ', મિત્ર રાષ્ટ્રો પર જ લગાવી દીધી જકાત

ઇમેજ સ્રોત, Getty Images

યુરોપ અને ઉત્તર અમેરિકા જેવા મિત્ર રાષ્ટ્રોમાંથી આયાત થતાં સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પર અમેરિકાએ આકરી જકાત લગાવી દીધી છે.

અમેરિકાએ જણાવ્યું છે કે યુરોપિયન સંઘ, મેક્સિકો અને કેનેડામાંથી આયાત થતાં સ્ટીલ પર 25% અને ઍલ્યુમિનિયમ પર 10% કર લગાવાયો છે, જેનો અમલ મધરાત્રીથી શરૂ થઈ ગયો છે.

આ કરને પગલે સંબંધિત રાષ્ટ્રો સાથે અમેરિકાના સંબંધોને અસર થઈ શકે છે. મેક્સિકો, કેનેડા અને યુરોપિયન સંઘે અમેરિકાના આ નિર્ણયને 'શુદ્ધ અને સરળ સંરક્ષણવાદ' ગણાવ્યો છે.

યુનાઇટેડ કિંગ્ડમે આ કરને 'અત્યંત હતાશાજનક' ગણાવ્યા છે. જ્યારે યુરોપિયન સંઘે આ મામલાને 'વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન'માં લઈ જવાની વાત કરી છે.

યુરોપિયન સંઘે અમેરિકા પર વળતા કર નાખવાની જાહેરાત પણ કરી છે.

કેનેડાએ પણ 1 જુલાઈથી અમેરિકન ઉત્પાદન પર આકરા કર નાખવાની વાત કરી છે. તો આ જ રીતે મેક્સિકોએ પણ અમેરીકાથી આયાત થતી વસ્તુઓ પર નવા કર નાખવાની જાહેરાત કરી છે.

બોધ ગયા કેસમાં આજે ચુકાદો

ઇમેજ સ્રોત, Getty Images

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની વિશેષ કોર્ટ આજે બોધ ગયા કેસમાં ચુકાદો આપશે ને ઇન્ડિયન મુજાહિદ્દીનના પાંચ આતંકવાદીઓને સજા સંભળાવશે.

સ્પેશિયલ એનઆઈએ જજ મનોજ કુમાર સિંહાએ પાંચ આરોપીઓ ઇમ્તિયાઝ અંસારી, હૈદર અલી, મુજીબ ઉલ્લાહ, ઉમર સિદ્દીકી તથા અઝરુદ્દીન કુરૈશીને દોષિત ઠેરવ્યા હતા.

સરકારી વકીલે પાંચેય આરોપીઓ માટે જનમટીપની માગ કરી છે, જ્યારે બચાવ પક્ષના વકીલોએ સજાની માગની વિરુદ્ધ દલીલો આપી હતી.

ઉલ્લેખનીય છે કે જુલાઈ, 2013માં બોધ ગયામા બ્લાસ્ટ થયા હતા, જેમાં બે લોકોને ઇજાઓ પહોંચી હતી.

આગ અંગે દિલ્હી હાઈકોર્ટ કડક

ઇમેજ સ્રોત, Getty Images

માલવીય નગરમાં લાગેલી આગ અંગે દિલ્હી હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે.

મીડિયામાં પ્રકાશિત અહેવાલનોની સ્વતઃ નોંધ (Suo Motu) લેતા દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (SDMC)ની ઝાટકણી કાઢી છે.

આગ બુજાવવા પાછળ કેટલો ખર્ચ થયો, તેના અંગે હાઈકોર્ટે ઍરફોર્સ તથા દિલ્હી પોલીસ પાસેથી આંકડો માંગ્યો છે.

હાઈ કોર્ટે કહ્યું છે કે SDMC અને તેમના અધિકારીઓ ઉપરાંત ગોડાઉનના માલિક પાસેથી ખર્ચ વસૂલવામાં આવે.

ઉલ્લેખનીય છે કે રબરની ફેકટરીમાં લાગેલી આગને કાબુમાં લેવા માટે વીસ કલાકથી વધુનો સમય લાગ્યો હતો અને હેલિકોપ્ટર દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

'સુજલા સુફલામ'માં ભ્રષ્ટાચારનો કોંગ્રેસનો આરોપ, રૂપાણીએ ફગાવ્યો

ઇમેજ સ્રોત, Getty Images

'સુજલામ સુફલામ' યોજના હેઠળ રૂ.2400 કરોડનું કૌભાડ આચરવાના કોંગ્રેસના આરોપને રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ફગાવી દીધા છે.

અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આવેલા ભવાની તળાવમાં નર્મદા 'જળ પૂજન' વિધિ દરમિયાન રૂપાણીએ સંબંધીત વાત કરી હતી.

રૂપાણીએ કહ્યું, 'જ્યારે જળસંચયનું સમગ્ર કામ જ 200 કરોડમાં પૂર્ણ થયું છે ત્યારે રૂ.2400 કરોડનો ભ્રષ્ટાચાર કઈ રીતે શક્ય છે?'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો