ફૂટબૉલ ટીમના કેપ્ટન છેત્રીની અપીલની અસર, સ્ટેડિયમ Housefull

ફોટો

ઇમેજ સ્રોત, TWITTER@chetrisunil11

ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને લોકોને સ્ટેડિયમ સુધી આવી ભારતીય ફૂટબોલ ટીમને સપૉર્ટ કરવા માટે વિનંતી કરી હતી. જેની લોકો પર ભારે અસર થઈ છે અને આજે વાનખેડે સ્ટેડિયમ ખાતે કેન્યા સામેની મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે.

ભારતીય ટીમ માટે સૌથી વધારે ગોલ કરનાર છેત્રી કહે છે, ''મોટી ફૂટબોલ ક્લબના ચાહકોને હું એટલું જ કહેવા માંગું છું કે ઘણી વખત તમને લાગતું હશે કે અમારું સ્તર તે ખેલાડીઓ જેટલું ઊંચુ નથી તો શા માટે સમય તેમાં ખરાબ કરીએ.''

વધુમાં તેમણે કહ્યું, ''હું માનું છું કે અમે તે ખેલાડીઓની જેમ રમી શકતા નથી, પરંતુ અમે અમારા પ્રયત્નો દ્વારા તમારો કિંમતી સમય વેડફાવા નહીં દઈએ.''

સુનીલ છેત્રીને વિરાટ કોહલીનો સપૉર્ટ

સુનીલ છેત્રીને સપૉર્ટ કરતા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને ભારતીય ફૂટબોલ ટીમને મેદાનમાં જઈ સપોર્ટ કરવા વિનંતી કરી હતી.

વિરાટ કોહલીએ જણાવ્યું, ''ભારતીય ફૂટબોલ ટીમમાં ખૂબ જ પ્રતિભાશાળી ખેલાડીઓ છે અને આકરી મહેનત કરી રહ્યાં છે, જેથી મેદાનમાં જઈને તેમને પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ.''

વિરાટે વધુમાં કહ્યું કે દેશમાં રમતની સંસ્કૃતિના વિકાસ માટે પણ આ જરૂરી છે કે દરેક રમતને બરાબર સમર્થન મળે. ભારતીય ફૂટબોલ ટીમ દેશ માટે રમે છે અને તેમને તમારા સપોર્ટની જરૂર છે.

લિટલ માસ્ટર સચીન તેંડુલકરે પણ ફેન્સને સ્ટેડિયમમાં જઈને ભારતીય ટીમનો ઉત્સાહ વધારવા ટ્વિટર પર અપીલ કરી હતી.

છેત્રીની અપીલ

ઇમેજ સ્રોત, TWITTER@chetrisunil11

સુનીલ છેત્રી ભારતના સૌથી મહાન ફૂટબોલરમાંથી એક છે. તેઓ સોશિયલ મીડિયા દ્વારા મેસ્સી, નેમાર અને રોનાલ્ડો જેવા દિગ્ગજ ખેલાડીઓના ભારતીય ફેન્સને કહેવા માંગે છે કે ''તમે અમને ગાળો આપો, અમારી આલોચના કરો, પરંતુ સોશિયલ મીડિયા પર નહીં, સ્ટેડિયમમાં આવીને કરો.''

વધુમાં તેઓ આશા દર્શાવતા કહે છે, ''ક્યારેક એ પણ શક્ય બનશે કે તમારો અમારા પ્રત્યેનો અભિગમ બદલાશે અને તમે પણ અમારા માટે તાળીઓ પાડશો. તમારો સપૉર્ટ અમારા માટે ખૂબ જ જરૂરી છે.''

ઉલ્લેખનીય છે કે ભારતીય ફૂટબોલ ટીમ 4 જૂને કેન્યા સામે જે મેચ રમશે તે છેત્રીની 100મી આંતરરાષ્ટ્રીય મેચ હશે. ભારતીય કેપ્ટન સુનીલ છેત્રીએ ભારત માટે કુલ 98 મેચમાં 59 ગોલ ફટકાર્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો