NEET વિના પણ મેડિકલમાં એડમીશન મળે તેવું રિઝલ્ટ ધરાવતી પ્રદીપાએ ઉંદર મારવાની દવા પી લીધી

  • મુરલીધરન કાસી વિશ્વનાથનનો ગ્રાઉન્ડ રિપોર્ટ
  • બીબીસી ગુજરાતી
પ્રદીપા

પ્રદીપાનો જન્મ 27 જુલાઈ 1999ના રોજ તમિલનાડુના વિલ્લુપુરમ જિલ્લાના પેરુવલુરમાં થયો હતો. તેમના પિતા શન્મુગમ રોજમદાર છે અને માતા અમુધા ગૃહિણી છે.

4 જૂને સવારે 7 વાગ્યે તેમના પાડોશી જયંતીએ જોયું કે પ્રદીપાને તેમના માતાપિતા સાઇકલ પર લઈને ક્યાંક જતાં હતાં. ત્યારે તેમને કંઈ ખ્યાલ ન આવ્યો. પણ 11 વાગ્યે પ્રદીપાનાં મૃત્યુના સમાચાર મળતા જ તેઓ ચોંકી ગયા.

પાડોશી જયંતી કહે છે, અમે તેને 'અમ્મુ' કહીને બોલાવતાં હતાં. બધાને એવું લાગતું કે પ્રદીપા બહુ શાંત સ્વભાવની છે, પણ ઘરમાં તેનો સ્વભાવ રમુજી રહેતો હતો.

પ્રદીપા શન્મુગમ અને અમુધાનું ત્રીજું સંતાન હતી. તેની મોટી બહેન ઉમા પ્રિયા એમસીએ કરે છે અને ભાઈ પ્રવીણરાજ એન્જિનિયરિંગ કરે છે.

10માં ધોરણમાં પ્રદીપા ટોપર હતી

ઇમેજ કૅપ્શન,

પ્રદીપાના પિતા શન્મુગમ અને માતા અમુઘા

10માં ધોરણ સુધી પ્રદીપા પેરાવલુરમાં અભ્યાસ કરતી હતી.

10માં ધોરણમાં 500માંથી 490 માર્ક્સ મેળવીને પ્રદીપા જિલ્લાની ટોપર બની હતી, જિલ્લા કલેક્ટરની મદદથી તેને અન્ય વિસ્તારની ખાનગી શાળામાં એડમિશન મળ્યું હતું.

2016માં ધોરણ12ની બોર્ડની પરીક્ષામાં પ્રદીપાને 1200માંથી 1125 માર્ક્સ મળ્યા હતા.

નીટના માર્ક્સને બાકાત કરીએ તો પણ આ પરિણામથી પ્રદીપાને ખાનગી મેડિકલ કૉલેજમાં જ એડમિશન મળી શકે. 2017થી નીટ શરૂ થયું એટલે તેમણે નીટ આપવાનું નક્કી કર્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમના પિતા કહે છે કે, પ્રદીપાને કોઈ ચિંતા નહોતી, તેને વિશ્વાસ હતો કે તે આ પરીક્ષા પાસ કરી જ લેશે. તેણે વિચારો કર્યા વગર પરીક્ષાની તૈયારી પર ધ્યાન આપ્યું.

2017માં પ્રદીપાએ અંગ્રેજી માધ્યમ સાથે નીટની પરીક્ષા આપી અને 155 માર્ક્સ મળ્યાં, આ પરિણામથી પણ તેમને ખાનગી કૉલેજમાં જ એડમિશન મળવું શક્ય હતું. તેમ છતાં તેમણે 2018માં ફરી વખત નીટની પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો.

રાજ્ય સરકારની આર્થિક મદદથી આ વર્ષે પ્રદીપાને સત્યભામા યુનિવર્સિટીમાં નીટના કોચિંગનો લાભ મળ્યો હતો.

નીટમાં 39 માર્ક્સ આવતા ઝેરી દવા પીધી

ઇમેજ કૅપ્શન,

પ્રદીપાનું ઘર

2018માં તેમને તામિલ માધ્યમમાં નીટની પરીક્ષા આપી અને 39 માર્ક્સ મળ્યા, આ પરિણામ જાણીને તેમને આઘાત લાગ્યો હતો.

તેમના પિતા શન્મુગમ કહે છે કે, "નિયત તારીખના એક દિવસ પહેલાં જ પરિણામ જાહેર કરી દેવાયું હતું અને આ અંગે પ્રદીપાની મમ્મીને ખ્યાલ જ નહોતો. નાપાસ થયાની જાણ થતા જ પ્રદીપાએ ઉંદર મારવાની દવા પી લીધી હતી."

ત્યારે પ્રદીપાની મમ્મી ઘરે જ હતાં, પણ તેમને આ ઘટનાક્રમ વિશે ખ્યાલ નહોતો. તેમના પિતાનું ધ્યાન ગયું કે પ્રદીપાએ ઝેરી દવા પીધી છે.

પ્રદીપાને તેમના પિતા નજીકના સરકારી દવાખાનામાં લઈ ગયા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને તિરુવન્નામલાઈ સ્થિત સરકારી દવાખાનામાં એમ્બ્યુલન્સ મારફતે મોકલવામાં આવ્યાં હતાં.

પણ રસ્તામાં જ પ્રદીપાનું મૃત્યુ થયું. પ્રદીપાના મૃત્યુના સમાચાર મળતાં જ તેમના માતાએ હોસ્પિટલની દિવાલ પર પોતાનું માથું પછાડવા લાગ્યા.

આ આઘાતમાં તેઓ પોતાની યાદદાસ્ત ગુમાવી ચૂક્યાં હતાં.

શન્મુગમ કહે છે કે "તેઓ મને પણ મને ઓળખતા નહોતા, એક આંસુ તેમની આંખમાંથી ન પડ્યું."

પ્રદીપાએ પ્રશ્નપત્રમાં અનુવાદની ભૂલો કાઢી હતી

ઇમેજ કૅપ્શન,

પ્રદીપાના માતા અમુધા અને ભાઈ પ્રવીણ રાજ

પ્રદીપાના બહેન ઉમા કહે છે કે, પ્રદીપાને વિશ્વાસ હતો કે તે ભણી ગણીને ડૉક્ટર બની શકશે.

બાળપણથી સ્વપ્ન નહોતું, ધોરણ 10માં જિલ્લામાં પ્રથમ આવ્યા બાદ પ્રદીપાને ડૉક્ટર બનવાનો વિચાર આવ્યો હતો.

તેમના પિતા કહે છે કે, પ્રદીપાને ફિલ્મો જોવાનું ગમતું હતું. પ્રદીપા પરીક્ષાની આગલી રાત્રે ઉજાગરો કરનારી વિદ્યાર્થિની નહોતી, તે થોડો ઘણો અભ્યાસ કરતી અને સારું પરિણામ લાવતી હતી.

તેના પિતાનું કહેવું છે કે, પ્રદીપાએ તમિલ પ્રશ્નપત્રમાં અનુવાદની ભૂલો કાઢી હતી અને આ અંગે સીબીએસઈને પણ પત્ર લખ્યો હતો.

ઇમેજ કૅપ્શન,

પ્રદીપાના પિતાની મુલાકાત લઇ રહેલા રાજકીય અગ્રણી સ્ટાલિન

તેમના પિતા કહે છે કે, પ્રદીપાને વિશ્વાસ હતો કે 500 માર્ક્સ મળશે, 39 માર્ક્સ તેમની કલ્પના બહાર હતા.

ઉમા કહે છે કે, અમે(હું અને ભાઈ) પ્રદીપા સાથે મિત્ર તરીકે વર્તતા હતાં, છતાં ક્યારેય અમારી સાથે અભ્યાસને લગતા વિષયો પર ચર્ચા નહોતી કરતી.

અભ્યાસ સંદર્ભે ફક્ત શિક્ષક સાથે જ ચર્ચા કરતી હતી.

નીટનો વિરોધ કરતા અનેક કર્મશીલો અને રાજકીય આગેવાનોએ પ્રદીપાના પરિવારની મુલાકાત લઈને અંજલિ આપી હતી, ગયાં વર્ષે અનિતા હતી અને આ વર્ષે પ્રદીપા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો