દેશના બંધારણ અનુસાર દેશભક્તિ જ અસલી રાષ્ટ્રવાદ : પ્રણવ મુખર્જી

પ્રણવ મુખર્જીની તસવીર

ઇમેજ સ્રોત, @RSS

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નાગપુર સ્થિત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મુખ્યાલયે પહોંચ્યા હતા. પોતાના પ્રાસંગિક સંબોધનમાં પ્રણવ મુખર્જીએ કહ્યું હતું કે 'નફરતથી દેશ નબળો પડશે, આપણી શક્તિ સહિષ્ણુતામાં છે.'

મોહન ભાગવતે કહ્યું હતું કે આ કાર્યક્રમમાં સામેલ થવા અંગે ચર્ચા અસ્થાને છે.

કાર્યક્રમ પહેલાં ડૉ. મુખર્જીએ સંઘના સ્થાપક ડૉ. હેડગેવારના જન્મસ્થળની મુલાકાત લીધા બાદ લખ્યું, 'હેડગેવાર ભારત માતાના મહાન સપૂત હતા.'

આ અંગે કોંગ્રેસે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે 'મુખર્જીએ સંઘને અરીસો દેખાડ્યો છે.'

ડૉ. મુખર્જીને સંઘના ત્રણ વર્ષીય કાર્યક્રમના સમાપન કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

મુખર્જીના સંબોધના મુખ્ય મુદ્દા

ઇમેજ સ્રોત, SANJAY TIWARI

 • આપણી શક્તિ આપણી સહિષ્ણુતામાં છે. નફરત અને અસહિષ્ણુતાથી દેશ નબળો પડશે.
 • 50થી વધુ વર્ષોના સાર્વજનિક જીવન બાદ કહી શકું છું કે અનેકતામાં એકતા, મિશ્ર સંસ્કૃતિ તથા બહુભાષીય સંસ્કૃતિ ભારતના પ્રાણ છે.
 • ભારતીયો 122થી વધુ ભાષા, 1600થી વધુ બોલીઓ બોલે છે. અહીં સાત મુખ્ય ધર્મના અનુયાયીઓ છે અને તમામ એક જ વ્યવસ્થા, રાષ્ટ્રધ્વજ અને એક ભારતીય તરીકેની ઓળખ સાથે રહે છે.
 • દેશનો આત્મા સહિષ્ણુતામાં છે. 'એક ધર્મ કે એક ભાષા'એ દેશની ઓળખ નથી. તેનો પ્રયાસ કરીશું તો દેશ નબળો પડશે.
 • ભારતીય રાષ્ટ્રવાદમાં જાતિ, ધર્મ, વંશ તથા ભાષાને આધારે કોઈ ભેદ નથી. નેહરુએ કહ્યું હતું, 'ભારતીય રાષ્ટ્રવાદમાં દરેક પ્રકારની વિવિધતા માટે સ્થાન છે.'
 • બંધારણને અનુરૂપ દેશભક્તિ જ ખરો રાષ્ટ્રવાદ છે.
 • આપણે કોઈના વિચારથી સહમત કે અસહમત હોય શકીએ, પરંતુ કોઈના વિચારને દબાવી ન શકાય. સંવાદથી જ જટિલ સમસ્યાઓને ઉકેલી શકાય.
 • જાહેર ચર્ચામાં શાબ્દિક કે ભૌતિક હિંસાને કોઈ સ્થાન નથી.
 • સ્વયંસેવકો શાંતિ અને સૌહાર્દ માટે પ્રયાસરત રહે.
 • જનતાના હિતમાં શાસકનું હિત રહેલું છે. લોકશાહીમાં નાગરિક જ કેન્દ્રમાં છે.
 • વિશ્વભરમાંથી લોકો અહીં આવ્યા અને જેમ અનેક નદીઓ સાગરમાં ભળી જાય છે, તેમ ભારતમાં ભળી ગયા, જેનાથી દેશની ઓળખ બની છે.
 • રાષ્ટ્રની યુરોપિયન વિભાવના અને ભારતીય વિભાવના અલગઅલગ છે.
 • 600 વર્ષથી મુસ્લિમ હુમલાખોરોએ ભારત પર શાસન કર્યું.
 • 'તમામનું કલ્યાણ' અને 'સમગ્ર વિશ્વ એક પરિવાર'ના વિચારો ભારતને વિશેષ બનાવે છે.
 • રાષ્ટ્રવાદ, દેશભક્તિ તથા ભારતની અવધારણા વિશે વાત કરવા માટે આવ્યો છું. દેશ ભક્તિનો મતલબ સમર્પણ છે.
 • ભારતમાં સંસ્કૃતિ અને ધર્મનું આદાનપ્રદાન મુક્ત હતું કારણ કે, ભારતના વેપારીઓ સિલ્ક રૂટ તથા મસાલા રૂટને માટે વિશ્વભરમાં પ્રવાસ ખેડતા હતા.

'મુખર્જીએ સંઘને અરીસો દેખાડ્યો'

ડૉ. મુખર્જીના સંબોધન બાદ નવી દિલ્હીમાં કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું:

ડૉ. મુખર્જીએ સંઘને દેશના ઇતિહાસનો પાઠ ભણાવ્યો છે અને કહ્યું છે કે ભિન્ન વિચાર, ધર્મ તથા ભાષા માટે સહિષ્ણુતામાં દેશનું સૌંદર્ય રહેલું છે.

ડૉ. મુખર્જીએ સંઘને તેના મુખ્યાલયમાં અરીસો દેખાડ્યો છે. તેમણે સહિષ્ણુતા બહુવિધતા અને બહુસંસ્કૃતિની વાત કહી છે.

મુખ્ય અતિથિ તરીકે મુખર્જીએ જે કહ્યું તેની ચર્ચા થવી જોઈએ, નહીં કે કોઈ ઔપચારિક્તા (જેમાં તેમણે ડૉ. હેડગેવારને દેશના સપૂત ગણાવ્યા)ની નહીં.

આ પહેલા કોંગ્રેસના નેતા આનંદ શર્માએ ટ્વીટમાં લખ્યું, "સંઘના મુખ્યાલયમાં પ્રણવ મુખર્જીને જોઈને લાખો કોંગ્રેસી કાર્યકર્તાઓને દુખ થયું છે. જે લોકો સાંભળવા અને બદલવા માટે તૈયાર હોય તેમની સાથે સંવાદ થઈ શકે, પરંતુ સંઘે તેનો એજન્ડા છોડ્યો હોય તેવા કોઈ અણસાર નથી મળતા."

મોહન ભાગવતના ભાષણના મુખ્ય મુદ્દા

ઇમેજ સ્રોત, @RSS

 • અમે પ્રણવ મુખર્જીને શા માટે બોલાવ્યા? અને તેઓ શા માટે આવ્યા? તે મુદ્દો નથી. આ પછી સંઘ એ સંઘ જ રહેશે અને પ્રણવ મુખર્જી, પ્રણવ મુખર્જી જ રહેશે. આમંત્રણનો સ્વીકાર કરવા બદલ તેમનો આભાર.
 • રાજકીય મતમતાંતર અને વિવિધતા રહે છે અને તેનો સ્વીકાર કરીને આગળ વધવાનું છે.
 • કોઈ રાષ્ટ્રનું ભવિષ્ય વ્યક્તિ, સરકાર કે વિચારથી નિર્માણ નથી પામતું. દેશના દરેક નાગરિક મળીને પ્રયાસ કરે ત્યારે જ દેશનું ભવિષ્ય બદલે છે.

ઇમેજ સ્રોત, SANJAY TIWARI

 • આચરણ અંગે ઘણું કરવાની જરૂર છે. હજુ ચરિત્રવાન અને શીલવાન લોકોની જરૂર છે.
 • તમામની માતા ભારત માતા છે. તમામના પૂર્વજ સમાન છે. તમામના જીવન પર ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ છે. સંઘ તમામને જોડનારું સંગઠન છે. સંગઠિત સમાજ એ આપણી મૂડી છે.
 • ડૉ. હેડગેવારના મનમાં વર્ષ 1911માં સંઘનો વિચાર આવ્યો. તેમણે ત્યારથી પ્રયોગો શરૂ કર્યાં અને 1925માં 17 સ્વયંસેવકો સાથે ખુદના ઘરમાં શાખા શરૂ કરી હતી.
 • દેશના અલગઅલગ વિસ્તારોમાંથી આવેલા લોકો અહીં તાલીમ મેળવે છે અને જ્યારે જાય છે ત્યારે આત્મીયતા કેળવે છે.
 • સંઘનું કામ દરેકને માટે છે. તેને જોવા અને પરખવા માટે અનેક મહાપુરુષ આવી ચૂક્યા છે.

ઇમેજ સ્રોત, SANJAY TIWARI

 • પ્રણવ મુખર્જી આરએસએસના મંચ પર પહોંચ્યા, જ્યાં સંઘનો ભગવો ધ્વજ લહેરાવાયો.
 • મુખર્જીએ સંઘના ભગવા ધ્વજને પરંપરાગત શૈલીમાં (છાતી સામે જમણો હાથ રાખીને) સન્માન ન આપ્યું જોકે, સંઘની પ્રાર્થના સમયે સાવધાનની મુદ્રામાં ઊભા રહ્યા.
 • નાગપુર પહોંચ્યા બાદ તેમણે હેડગેવારના જન્મસ્થળે પહોંચીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. મુખર્જીએ હેડગેવારને 'ભારત માતાના મહાન સપૂત' ગણાવ્યા હતા.
 • સ્વયંસેવકોએ નાગપુર સ્થિત મુખ્યાલયમાં તાલીમનું નિદર્શન કર્યું હતું.
 • પૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પુત્ર સુનિલ શાસ્ત્રી પણ હાજર રહ્યા.
 • પુષ્પ આપીને મોહન ભાગવતે પ્રણવ મુખર્જીનું સ્વાગત કર્યું હતું.

નાગપુર યાત્રા અંગે મહત્ત્વપૂર્ણ બાબતો

ઇમેજ સ્રોત, BBC/SURABHISHIRPURKAR

 • પ્રણવ મુખર્જીએ કેશવ બલિરામ હેડગેવારના જન્મ સ્થળની મુલાકાત લીધી ત્યારે મોહન ભાગવત તેમની સાથે હતા.
 • પ્રણવ મુખર્જીના પુત્રી શર્મિષ્ઠા કોંગ્રેસનાં નેતા છે. તેમણે ટ્વિટર પર પિતાની નાગપુર યાત્રા અંગે નારાજગી પ્રગટ કરતા લખ્યું, 'ભાષણને ભૂલી જવાશે અને માત્ર તસવીરો યાદ રહેશે.'
 • કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે શર્મિષ્ટા મુખર્જીનાં ટ્વીટને રિટ્વીટ કર્યું અને લખ્યું, 'પ્રણવ દા, આપની પાસેથી આવી અપેક્ષા ન હતી.'

મુલાકાત વિશે સંઘ

ઇમેજ સ્રોત, M.ATHARV

 • ડૉ. પ્રણવ મુખર્જી અનુભવી અને પરિપક્વ રાજનેતા છે. અનેક સામાજિક અને રાજકીય બાબતો માટે ચોક્કસ વિચારો ધરાવે છે. તેમની પરિપક્વતા તથા અનુભવને ધ્યાને લઈને તેમને સંઘના સ્વયંસેવકો સમક્ષ વિચાર રજૂ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.
 • તેઓ તાલીમ લેનારાઓને રૂબરૂ મળશે અને સંઘના વિચાર જાણવનો પ્રયાસ કરશે. આ રીતે વિચારોનું આદાનપ્રદાન ભારતની પ્રાચીન પરંપરા છે.
 • સંઘના કહેવા પ્રમાણે, ત્રણ વર્ષના અભ્યાસ દરમિયાન સ્વયંસેવકોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જળ સંરક્ષણ, સ્વચ્છતા, વગેરેની તાલીમ આપવામાં આવી હતી.
 • 707 સ્વયંસેવકો આ વર્ષે ત્રણ વર્ષની તાલીમ પૂર્ણ કરશે, જેમાં 191 અનુસ્નાતક તથા 375 સ્નાતક છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો