સચિન તેંડુલકરના પુત્રની અન્ડર-19 ક્રિકેટ ટીમ માટે પસંદગી

સચિન તેંડુલકરના પુત્ર અર્જુન

ઇમેજ સ્રોત, ABC

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીબીસીઆઈ)એ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલરને શ્રીલંકા સામેની ચાર દિવસીય મેચ માટે અન્ડર-19 ટીમમાં પસંદગી કરી છે.

ભારતની અન્ડર-19 ટીમ 11 જુલાઈથી 11 ઑગસ્ટ વચ્ચે ચાર દિવસીય મેચ અને પાંચ એક દિવસીય મેચ રમશે.

ડાબોડી બેટ્સમેન-બોલર અર્જુન તેંડુલકરને ચાર દિવસીય મેચ માટે ટીમમાં જગ્યા મળી છે. તેમને વન-ડે ટીમમાં જગ્યા નથી મળી.

24 સપ્ટેમ્બર 1999ના રોજ જન્મેલા અર્જુન તેંડુલકરની ગત વર્ષે મુંબઈની અન્ડર-19 ટીમ માટે પણ પસંદગી કરવામાં આવી હતી.

આ વર્ષે ધર્મશાલામાં 25 અન્ડર-19 ખેલાડીઓનો એક મહિનાનો કેમ્પ હતો. તેમાં અર્જુન તેંડુલકર પણ સામેલ હતા.

આ વર્ષે તેમણે ઑસ્ટ્રેલિયામાં સ્પિરિટ ઑફ ગ્લોબલ ચેલેન્જમાં ભાગ લીધો હતો.

ક્રિકેટર્સ ક્લબ ઑફ ઇન્ડિયા તરફથી તેમણે હૉંગકૉંગ ક્રિકેટ ક્લબ સામે ટી-ટ્વેન્ટી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

તેમણે 27 બોલમાં 48 રન ફટકાર્યા હતા અને ચાર ઓવરમાં ચાર વિકેટ પણ લીધી હતી.

અર્જુન તેંડુલકરન તેમના પિતા સચિન તેંડુલકર સાથે ઘણી વખત નેટ પ્રૅક્ટિસ કરતા જોવા મળ્યા છે.

ગૃહમંત્રી રાજનાથસિંહની કશ્મીરમાં યુદ્ધવિરામ લંબાવશે?

ઇમેજ સ્રોત, Getty Images

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ કશ્મીરની મુલાકાત લઈ રહ્યા છે, જ્યારે ભારત સરકારે રમજાન મહિના માટે કશ્મીરમાં એકતરફા સીઝફાયર (યુદ્ધવિરામ)ની જાહેરાત કરી છે.

આ જાહેરાત બાદ કશ્મીરમાં કેટલાંક ચરમપંથી હુમલા થઈ ચૂક્યા છે. જેમાં કેટલાંક સુરક્ષાકર્મીઓ ઘાયલ પણ થયા છે.

ઉપરાંત આર્મીના એક જવાનનું મૃત્યુ પણ થયું છે.

કારણ કે ચરમપંથીઓએ ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા યુદ્ધવિરામને પહેલાં જ રદ કરી દીધું હતું.

દરમિયાન ગત શુક્રવારે શ્રીનગરના નૌહટ્ટામાં કથિત રીતે સીઆરપીએફની એક ગાડીની અડફેટમાં આવેલા ત્રણમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે.

આ ઘટના બાદ કશ્મીરમાં તણાવ છે. માનવામાં આવી રહ્યું છે કે ગૃહમંત્રી કશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કરશે અને સાથે સાથે જાહેર કરેલા અકતરફી યુદ્ધવિરામને લંબાવવો કે નહીં તે અંગે નિર્ણય કરશે.

દક્ષિણ ચીનમાં અજાણ્યા પ્રાણીના સૌથી પ્રાચીન પગલાંની છાપ મળી

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

આ પદચિહ્નો 54.60 કરોડ વર્ષ જૂના કોઈ અજાણ્યા પ્રાણીનું હોવાનું મનાય છે.

546 મિલિયન વર્ષ (લગબગ 54 કરોડ 60 લાખ વર્ષ) જૂના આ પગલા કયા પ્રાણીનાં છે તે અસ્પષ્ટ છે.

પણ તે પ્રાણીઓની પ્રજાતિની પૃથ્વી પર ઉત્પત્તિના પ્રારંભિક કાળનું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

બે પગલાંની હારમાળા સંબંધિત અવશેષો આ પ્રાણીઓના પગ હોવાનો પુરાવો આપે છે.

ચીનની સંશોધકોની ટીમનું આ સંશોધન સાયન્સ ઍડવાન્સ જર્નલમાં પ્રકાશિત થયું છે.

જો કે, સંશોધકો અનુસાર એ વાત હજુ સ્પષ્ટ નથી થઈ શકી તે આ પ્રાણીના કેટલા પગ છે. પણ છાપ દ્વારા જે માર્ગ બન્યો છે તે દર્શાવે છે કે પગ એકથી વધારે છે.

આ પ્રકારના પ્રાણીઓ પગની જોડી અનુસાર વર્ગીકૃત થતા હોય છે. આ કિસ્સામાં પગની જોડી છે. આજની તારીખમાં સૌથી અલગ પ્રકારની પ્રજાતિના પ્રાણીઓમાંના તે એક છે.

પગ તેના શરીરને ઊંચકીને તે જે સપાટી પર ચાલે તેનાથી શરીરને અધ્ધર રાખતા હોવાનું તારણ છે.

આ પગલાં દક્ષિણ ચીનના યાંગત્સે જ્યોર્જ્સમાં મળી આવ્યા છે. જે ખડક પરથી તે મળ્યા તે 551થી 541 મિલિયન વર્ષો જૂનો છે.

ફેસબુકના પ્રાઇવસી બગની '1.40 કરોડ યૂઝર્સને અસર'

ઇમેજ સ્રોત, Getty Images

ફેસબુકે ચેતવણી આપી છે કે, સોફ્ટવેરમાં રહેલી એક ક્ષતિ (બગ)ને કારણે લાખો ફેસબુક યૂઝર્સે અજાણતા જ તેમની ખાનગી માહિતી જાહેર કરી દીધી હોય તેમ બની શકે છે.

આ ક્ષતિને કારણે જો કોઈ યૂઝરે પોતાની પોસ્ટ કોણ જોઈ શકે તે માટે મર્યાદિત વિકલ્પો જેમકે, "ફ્રેન્ડ્સ ઑફ ફ્રેન્ડ્સ" પસંદ કર્યા હોવા છતાં તેમની પોસ્ટ ફેસબુક પરના બધા જ યૂઝર્સ "એવરીવન"ને શેર થઈ જાય છે.

ફેસબુકના પ્રાઇવસી વિભાગનાં વડાં એરિન એગને કહ્યું, "અમે આ ભૂલ માટે દિલગીર છીએ."

જે યૂઝર્સને આ ક્ષતિથી અસર થઈ છે, તેમને અમે સાઇટની ન્યૂઝફીડ પર જણાવીશું.

એગને કહ્યું, "અમે આ ક્ષતિ તાજેતરમાં જ શોધી છે, જે કોઈ યૂઝર પોતાની ફેસબુક પોસ્ટ તૈયાર કરતા હોય તેમને આપમેળે જ એવું સૂચન કરે છે કે, તેનું જાહેરમાં જ પોસ્ટિંગ થશે."

તેમનાં જણાવ્યા અનુસાર આ ક્ષતિ 18 થી 22 મે દરમિયાન સક્રિય હતી, પરંતુ તેને પહેલા જેવી જ સ્થિતિમાં પરત લાવવા માટે 27 મે સુધીનો સમય લાગ્યો હતો.

ફેસબુકનો અંદાજ છે કે, લગભગ 1.40 કરોડ યૂઝર્સને આ ક્ષતિની અસર થઈ છે.

કિમ જોંગ-ઉનને અમેરિકા આવવાનું આમંત્રણ આપી શકે છે ટ્રમ્પ

ઇમેજ સ્રોત, EPA

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ-ઉનને અમેરિકા આવવાનું નિમંત્રણ આપી શકે છે.

તેમણે કહ્યું કે જો 12મી જૂને સિંગાપોરમાં મળનારી બેઠક ઠીક રહેશે, તો તેઓ આ મામલે વિચારણા કરી શકે છે.

ટ્રમ્પે જાપાનના વડાપ્રધાન શિંજો આબે 12 જૂનના રોજ થનારા સંમેલન વિશેની ચર્ચા બાદ આ ટિપ્પણી કરી હતી.

ટ્રમ્પે કહ્યું કે કોરિયા વચ્ચેની લડાઈનો અંત લાવવા માટેની સમજૂતી સંભવ છે. તેમણે કહ્યું, "ત્યાર પછી શું થાય છે, તે ખરેખર ઘણું મહત્ત્વનું છે."

અમેરિકા અને તેમના ક્ષેત્રીય સહયોગી ઇચ્છે છે કે ઉત્તર કોરિયા તેમનો પરમાણુ કાર્યક્રમ છોડી દે.

પરંતુ ટ્રમ્પે માન્યું કે માત્ર બેઠકથી જ લક્ષ્ય પ્રાપ્ત ન થઈ શકે અને તેમાં લાંબો સમય લાગી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો