Top News: જશોદાબહેનની ઇફ્તાર પાર્ટી, મુસ્લિમોને પોતાના હાથે રોજા ખોલાવ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેનની તસવીર

ઇમેજ સ્રોત, IPMR

ઇમેજ કૅપ્શન,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન

'દિવ્ય ભાસ્કર'ના એક અહેવાલ અનુસાર અમદાવાદમાં આયોજીત એક ઇફ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબહેન ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા હતા.

અહીંના મા ટ્રસ્ટ દ્વારા રિલીફ રોડ વિસ્તારમાં ઇફ્તારનું આયોજન કરાયું હતું, જેમા 300થી વધુ રોજેદારોને જશોદાબહેને પોતાના હાથે રોજા છોડાવ્યા હતા. જશોદાબેન રિટાયર્ડ શિક્ષિકા છે.

તેમણે દરેક રોજેદારોને રૂ.10 ભેટ તરીકે પણ આપ્યા હતા.

માઉસની હિલચાલ પરથી ફેસબુક યૂઝરને ટ્રૅક કરે

ઇમેજ સ્રોત, Getty Images

'મનીકન્ટ્રોલ' વેબસાઇટના એક રિપોર્ટ અનુસાર યુએસ સેનેટર્સના સવાલોના જવાબમાં સોશિયલ મીડિયા જાયન્ટ ફેસબુકે સ્વીકાર્યું છે કે 'સુરક્ષા અને સારી સુવિધા' આપવાના નામે તે યૂઝર્સ પર નજર રાખે છે.

ફેસબુકે જણાવ્યું છે, “યૂઝર દ્વારા ઉપયોગમાં લેવાતા કમ્પ્યૂટર, ફોન, કનેક્ટેડ ટીવી અને અન્ય વેબ-કનેક્ટેડ ડિવાઇસઝમાંથી માહિતી એકઠી કરવામાં આવે છે.”

ફેસબુકે એવું પણ જણાવ્યું કે યૂઝર્સના માઉસની હિલચાલ, એમનાં ડિવાઇસનું બૅટરી લેવલ, સિગ્નલ સ્ટ્રેંથ, સ્ટૉરેજ સ્પેસ, ડિવાઇસ સિગ્નલ્સ, વાઇફાઇ ‍ઍક્સેસ પૉઇન્ટ કે યૂઝર દ્વારા જીપીએસ લોકેશન, કૅમેરા કે ફોટોના ઍક્સેસ માટે અપાયેલી મંજૂરીના આધારે તેમને ટ્રૅક કરવામાં આવે છે.

શું તમે આ વાંચ્યું?

222 પાનાંનો આ દસ્તાવેજ અમેરિકન સાસંદો દ્વારા ઉઠાવાયેલા અંગતતા અને સુરક્ષાના સવાલ પર આધારીત હતો.

જેમાં આ સૌથી ચોંકાવનારો ખુલાસો સેનેટર રૉય બ્લન્ટના 'ક્રૉસ-ડિવાઇસ ટ્રૅકિંગ' અંગેના પ્રશ્ન પર જોવા મળ્યો હતો.

મહત્ત્વપૂર્ણ છે કે ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે એપ્રિલ માસમાં યુએસ કૉંગ્રેસ સમક્ષ રજૂ આપેલા નિવેદન બાદ આ ખુલાસો કરાયો છે.

નાની બચત યોજનાઓમાં થતાં રોકાણમાં ઘટાડો

ઇમેજ સ્રોત, Getty Images

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ભારતીય રિઝર્વ બૅન્કના આંકડા સ્પષ્ટ કરે છે કે ગત નાણાકીય વર્ષ દરમિયાન નાની બચત યોજનામાં રોકાણમાં ઘટાડો જોવા મળ્યો છે.

અહેવાલમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2017-18ના પ્રથમ આઠ મહિના દરમિયાન નાની બચત યોજનાઓમાં રૂ. 40 હજાર 429 કરોડનું રોકાણ થયું.

જે એ પહેલાંના વર્ષમાં થયેલાં રૂ. 2 લાખ 75 હજાર 682 કરોડના રોકાણ કરતાં સાત ગણું ઓછું હતું.

આ ઘટાડો માત્ર બચત યોજનાઓ પૂરતો જ મર્યાદિત ના રહેતા પબ્લિક પ્રૉવિડન્ટ ફંડ(પીપીએફ)માં પણ નોંધાયો છે.

વર્ષ 2017ના એપ્રિલથી નવેમ્બર, એમ આઠ માસના સમયગાળા દરમિયાન કુલ પીપીએફનો આંકડો માત્ર રૂ.1,775 કરોડ જ પહોંચી શક્યો.

મહત્ત્વપૂર્ણ છે કે આ આંકડો જે એ પહેલાંના વર્ષમા રૂ. 5 હજાર 722 કરોડ સુધી પહોંચ્યો હતો.

અહેવાલ અનુસાર વધી રહેલી આકર્ષક મ્યુચ્યુઅલ ફંડની યોજનાઓ અને નાની બચતોના વ્યાજદરોમાં સરકાર દ્વારા કરાયેલા બદલાવને કારણે આ ઘટાડો જોવા મળ્યો છે.

મોબાઇલ એપ દ્વારા રેલવેમાં જનરલ ટિકિટ

ઇમેજ સ્રોત, Getty Images

સમાચાર સંસ્થા પીટીઆઈના એક અહેવાલ અનુસાર ભારતીય રેલવેએ જનરલ ટિકિટોના બૂકિંગ અને તેને કેન્સલ કરાવવા માટે એક નવી એપ લૉન્ચ કરી છે.

'અટસનમોબાઇલ' નામની આ એપ્લિકેશન રેલવે સૂચના પ્રણાલી કેન્દ્ર દ્વારા વિકસિત કરાવાઈ છે.

આ એપમાં પ્લૅટફૉર્મ ટિકિટ, આર-વૉલેટની રકમ, યૂઝર પ્રૉફાઇલ મેનેજમેન્ટ અને બુકિંગ હિસ્ટ્રીની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.

આ એપને યૂઝર ગુગલ પ્લે સ્ટોર કે વિન્ડોઝ સ્ટોરમાંથી નિઃશુલ્ક ડાઉનલૉડ કરી શકે એમ છે.

રેલવેના જણાવ્યા અનુસાર આ એપમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે યૂઝરે સૌથી પહેલા પોતાનો મોબાઇલ નંબર, નામ, શહેર, રેલવેનું ડિફૉલ્ટ બુકિંગ, વર્ગ, ટિકિટનો પ્રકાર, મુસાફરોની સંખ્યા અને વારંવાર મુસાફરી કરવાના માર્ગની માહિતી આપવી પડશે.

પ્રિયંકા ચોપરાને શરમિંદગીનો પાઠ ભણાવનારા શેફને પાણીચું

ઇમેજ સ્રોત, Getty Images

દુબઈ સ્થિત જેડબ્લ્યૂ મૅરિયોટ હોટેલના સ્ટાર શેફ અતુલ કોચરને તેમના ટ્વીટ બદલ બરતરફ કરી દેવાયા છે.

કોચરે પ્રિયંકા ચોપરા પર નિશાન તાકતાં એક ઇસ્લામ વિરોધી ટ્વીટ કર્યું હતું. જોકે, કોચરે એ ટ્વીટને ડિલીટ પણ કરી નાખ્યું હતું અને સ્પષ્ટતા પણ કરી હતી.

કોચરે રવિવારે વિવાદાસ્પદ ટ્વીટ કર્યું હતું કે, “અત્યંત દુઃખદ છે કે તમે (પ્રિયંકા ચોપરાએ) હિંદુઓની લાગણીનું સન્માન ના કર્યું કે જે છેલ્લા બે હજાર વર્ષોથી ઇસ્લામ દ્વારા હેરાન થઈ રહ્યા છે. તમને શરમ આવવી જોઈએ.”

જોકે, આ અંગે વિવાદ વકરતા તેમણે ટ્વીટ ડિલિટ કરી નાખ્યું અને નવું ટ્વીટ પોસ્ટ કર્યું.

જેમાં તેમણે લખ્યું, “મારા ટ્વીટમાં હું કોઈ સ્પષ્ટતા રજૂ નથી કરી શકતો. રવિવારે ક્ષણિક લાગણીઓમાં વહીને મારાથી ભૂલ થઈ ગઈ. હું ઇસ્લામોફોબિક નથી.”

ટ્વિટ ડિલીટ કરવા અને માફી માગવા છતાં હોટેલે તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા.

નોંધનીય છે કે 'ક્વૉન્ટિકો' નામના અમેરિકન શોમાં પ્રિયંકા ચોપડાએ કથિત રીતે હિંદુઓની લાગણી દુભાવી હોવાનો છેલ્લા કેટલાંક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો