Top News: 'શિક્ષકો દારૂ-જુગારના રવાડે ચડતા શિક્ષણનું સ્તર નીચું ગયું'

પ્રતિકાત્મક તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતિકાત્મક તસવીર

'સંદેશ'ના અહેવાલ અનુસાર નર્મદા જિલ્લાના નાંદોદના વાવડી ગામ ખાતે યોજાયેલ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં સંસદ સભ્ય મનસુખ વસાવાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

તેમણે નિવેદન આપ્યું હતું કે 60- 70 ટકા શિક્ષકો દારૂ અને જુગારના રવાડે ચઢી ગયા છે. તેમજ વિદ્યાર્થીઓ ગુટખાના રવાડે ચઢી ગયા છે. જેના કારણે નર્મદા જિલ્લામાં શિક્ષણનું સ્તર નીચું ગયું છે.

અહેવાલ અનુસાર નર્મદા જિલ્લાનું પરિણામ હંમેશાં નીચું આવતું હોય છે. તેને સુધારવા વહીવટી તંત્ર દ્વારા કેટલાય પ્રયાસો કરવામાં આવે છે.

તેમ છતાં સુધારો નહીં થવાને કારણે વસાવાએ રોષ પ્રગટ કરતા આ નિવેદન આપ્યું હોવાનું અહેવાલમાં કહેવામાં આવ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે જો શિક્ષકો પોતાની જવાબદારીથી કામ કરે તો પરિણામ ચોક્કસ સુધરી શકે છે.

તેમણે ભાષણની શરૂઆતમાં કહ્યું કે જો અમારા જેવા નેતાઓના ગામોમાં જ શિક્ષણ કથળતું જોવા મળે તે પછી અંતરિયાળ વિસ્તારોમાં શું સ્થિતિ હશે.

સાંસદે વધુમાં ઉમેર્યું કે સરકારી શાળાઓ બંધ થવાના આરે છે. નર્મદા જિલ્લાના શિક્ષકો આંકડા (સટ્ટો) રમવામાં જ વધુ ધ્યાન આપે છે.


ભારતમાં પાણીની ભયાનક સમસ્યા : નિતિ આયોગ

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતિકાત્મક તસવીર

'ધ હિંદુ' અખબારે નૅશનલ ઇન્સ્ટિટ્યુશન ફૉર ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા(નિતિ) આયોગને ટાંકીને જણાવ્યું છે કે ભારત પાણીની ભયાનક સમસ્યાનો સામનો કરી રહ્યું છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો વર્ષ 2030 સુધીમાં પીવાનાં પાણીની ભારે તંગી સર્જાઈ શકે એમ છે.

અહેવાલમાં ઉમેરાયું છે કે લગભગ 60 કરોડ ભારતીયો 'વૉટર સ્ટ્રૅસ'નો સામનો કરે છે. જ્યારે અપૂરતાં અને પ્રદૂષિત પાણીને કારણે દર વર્ષે લગભગ 2 લાખનાં મોત નીપજે છે.

આ અભ્યાસમાં એવો દાવો પણ કરાયો છે કે દિલ્હી, બેંગલુરુ, ચૈન્નઈ અને હૈદરાબાદ સહિતના 21 શહેરોમાં 2020 સુધીમાં ભૂગર્ભ જળના સ્ત્રોત ખતમ થઈ જશે. જેને લીધે દસ કરોડ લોકો પ્રભાવિત થશે.

જોકે, આ રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે ગુજરાત, મધ્ય પ્રદેશ અને આંધ્ર પ્રદેશે જળ સંસાધન બાબતે સારું કામ કર્યું છે.


તુલસી પ્રજાપતિ કેસ : વણઝારા વિરુદ્ધ પોલીસકર્મીની જુબાની

Image copyright Getty Images
ફોટો લાઈન ડી. જી. વણઝારા

'ગુજરાત સમાચાર'ના અહેવાલ અનુસાર તુલસી પ્રજાપતિના ઍન્કાઉન્ટર કેસમાં આરોપી ડી.જી. વણઝારા વિરુદ્ધ કચ્છના બે પોલીસકર્મીઓએ જુબાની આપી છે.

ગુરુવારે મુંબઈમાં સીબીઆઈ કોર્ટ સામે જુબાની આપવા આવેલા કચ્છ પોલીસના બે કૉન્સ્ટેબલ કાનજી જાડેજા અને મેઘજી મહેશ્વરીએ વણઝારા વિરુદ્ધ જુબાની આપી હતી.

બન્નેએ કોર્ટને જણાવ્યું કે તુલસી પ્રજાપતિનું બનાવટી ઍન્કાઉન્ટર કરનારા ઇન્સ્પેક્ટર આશિષ પંડ્યા રજા પર હોવાને લીધે તેમનાં ગામ મેઘપર તેમને બોલાવવા ગયા હતા. સંબધીત આદેશ વણઝારાએ તેમને આપ્યો હતો.

આ બન્ને પોલીસકર્મીઓ આ અગાઉ સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ અને બાદમાં સીબીઆઈ સામે આપેલાં પોતાના નિવેદનને વળગી રહ્યા હતા.

નોંધનીય છે કે સોહરાબુદ્દીન શેખ અને તુસલી પ્રજાપતિ ઍન્કાઉન્ટર કેસમાં મોટા ભાગના સાક્ષીઓ પોતાના નિવેદનને ફેરવી રહ્યા છે.


નૉન-પર્ફૉર્મિંગ ઍસેટ્સમાં રૂ.1,44,093 કરોડનું નુકસાન

Image copyright Getty Images

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલ અનુસાર નૉન-પર્ફૉર્મિંગ ઍસેટ્સ (એનપીએ)માં ચિંતાજનક પ્રમાણ નોંધાયું છે.

માર્ચ 2018માં પૂરાં થઈ રહેલાં નાણાકીય વર્ષ સુધીમાં બૅન્કોને વિક્રમજનક રૂ.1 લાખ 44 હજાર 93 કરોડનું નુકસાન થયું છે.

ગત વર્ષે નોંધાયેલા 89 હજાર 48 કરોડના નુકસાન સામે આ વર્ષે નોંધાયેલું નુકસાન 61.8 ટકા વધુ છે.

રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે ખાનગી અને સરકારી બૅન્કોને છેલ્લા 10 વર્ષમાં રૂ.4 લાખ 80 હજાર 093 કરોડનું નુકસાન થયું છે.

જેમાંથી 83.4 ટકા અથવા તો રૂપિયા 4 લાખ,584 કરોડ નુકસાન સરકારી બૅન્કોમાં જ નોંધાયું છે. વર્ષ 2017-18માં આ નુકસાન 1 લાખ 20 હજારા 165 કરોડ હતું.

'ઇન્ડિય એક્સપ્રેસ' માટે રૅટિંગ ઍૅજેન્સી ICRAએ આ આંકડા એકઠા કર્યા હોવાનો રિપોર્ટમાં દાવો કરાયો છે.


કાશ્મીરમાં અપહ્રત જવાનનો મૃતદેહ મળી આવ્યો

Image copyright Getty Images

'નવભારત ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ઉગ્રવાદીઓએ ગુરુવારે સેનાના જવાનનું અપહરણ કર્યું હતું. તેમની લાશ મળી આવી છે.

જવાન ઔરંગઝેબનો મૃતદેહ પુલવામાના ગૂસો વિસ્તારમાંથી મળી આવ્યો હતો.

તેઓ પુંછ જિલ્લાના નિવાસી હતા અને ઇદના તહેવારની રજા લઈને ઘરે પરત જઈ રહ્યા હતા ત્યારે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. અહેવાલ અનુસાર તેમની ઉગ્રવાદીઓએ હત્યા કરી છે.

રિપોર્ટ અનુસાર ઔરંગઝેબ હિઝબુલ કમાન્ડર સમીર ટાઇગરને ઠાર મારનારા કમાન્ડો ગ્રૂપના જવાન હતા.

તેઓ 44 રાષ્ટ્રીય રાઇફલ્સમાં રાઇફલમેન તરીકે શોપિયા જિલ્લામાં ફરજ બજાવતા હતા.

વધુમાં બુધવારે પણ ઉગ્રવાદીઓએ એક સ્થાનિક પોલીસકર્મી અને નાગરિકનું અપહરણ કર્યાના અહેવાલ નોંધાયા હતા. આ બન્ને વ્યક્તિની હજુ કોઈ ભાળ મળી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો