ડિજિટલ ઇન્ડિયા: પીએમ મોદીના દાવામાં તથ્ય કેટલું?

ડિજિટલ ઇન્ડિયા Image copyright digitalindia.gov.in

મે 2014માં સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક નવી વિકાસલક્ષી યોજનાઓની જાહેરાત કરી હતી. એમાંથી એક યોજના ડિજિટલ ઇન્ડિયા હતી.

શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઇન્ડિયાના કહેવાતા લાભાર્થીઓ સાથે વાતચીત કરી અને દેશને એવું દર્શાવવાનો પ્રયાસ કર્યો કે ડિજિટલ ઇન્ડિયાના પગલે દેશ બદલાઈ રહ્યો છે.

મોદી નમો એપ દ્વારા દેશભરના ડિજિટલ ઇન્ડિયાના લાભાર્થીઓને સંબોધિત કરતા હતા.

આ દરમિયાન તેમણે કહ્યું કે ડિજિટલ ઇન્ડિયાનો શરૂઆતથી જ સંકલ્પ રહ્યો છે કે દેશની સામાન્ય વ્યક્તિ, યુવાનો અને ગ્રામીણોને ડિજિટલ બનાવવા છે.

ઘણા સીએસસી(કૉમન સર્વિસ સેન્ટર)ના સંચાલકોએ વડાપ્રધાન મોદીને કહ્યું કે તેઓ આ યોજનાથી હજારો ગ્રામીણોને ડિજિટલ સાક્ષર કરી ચૂક્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

નરેન્દ્ર મોદીએ કહ્યું કે ડિજિટલ ઇન્ડિયાએ લોકોની આદત બદલી દીધી છે. તેમનો દાવો છે કે ગામે ગામમાં લોકો ડિજિટલ રીતે ચૂકવણી કરે છે.

શું ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ખરેખર દેશ બદલાઈ રહ્યો છે? શું ખરેખર ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોનું જીવન બદલાઈ ગયું છે?

ડિજિટલ બાબતોના જાણકાર અને ડિજિટલ ઍમ્પાવરમેન્ટ ફાઉન્ડેશનના સંસ્થાપક ડિરેક્ટર ઓસામા મંઝર કહે છે, "કોઈને દેખાય કે ન દેખાય, દેશ બદલાઈ રહ્યો છે, વડાપ્રધાન આવું કહે છે એનાથી જ પ્રશ્ન સર્જાય છે."


શું ડિજિટલ ઇન્ડિયાથી નોકરીઓ મળી?

Image copyright Pib

સરકાર દાવો કરે છે કે ડિજિટલ ઇન્ડિયાથી લોકોને નોકરીઓ મળી રહી છે. જોકે ઓસામા મંઝરનું કહે છે કે આ વાતમાં કોઈ જ તથ્ય નથી.

તેઓ કહે છે કે, "ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત લોકોને કૅશલેસ કરવાના ચક્કરમાં ઘણી સમસ્યાઓ થઈ છે. ગામોમાં ઇન્ટરનેટ ચાલતું નથી. છેલ્લાં બે ચાર વર્ષોમાં એયરટેલ જેવી કંપનીઓ પણ સંઘર્ષ કરી રહી છે."

"સરકારી બીએસએનએલ કંપનીનું નેટવર્ક દરેક જગ્યાએ છે, પણ બહુ મંદ સ્થિતિમાં છે. તેના પર લોડ વધી ગયો છે. સરકાર યોજનાઓની જાહેરાત કરી દે છે પણ તે લાગુ થઈ શકતી નથી."

ડિજિટલ ઇન્ડિયાના ટ્વીટ પ્રમાણે વર્ષ 2014માં મોબાઇલ ફોન બનાવવા માટે ફક્ત બે ફેકટરીઓ હતી, જ્યારે હવે 120 ફેકટરીઓ છે.

જેનાથી યુવાનોને રોજગારી મળી છે. દાવો કરાઈ રહ્યો છે કે આશરે સાડા ચાર લાખ નાગરિકોને રોજગારી મળી છે.

Image copyright Thinkstock

સાઇબર સંલગ્ન બાબતોના વકીલ વિરાગ ગુપ્તા કહે છે કે જ્યારે નવા જમાનાની ઈ-કૉમર્સ કંપનીઓ આવે છે ત્યારે ડિલિવરી બૉય જેવી લૉજિસ્ટિક્સ સ્વરૂપે રોજગારી પેદા થાય છે.

એમાં કોઈ જ બેમત નથી પરંતુ તેનાથી કેટલી રોજગારીની તકો ખતમ થઈ એ પણ જોવું પડે.

તેઓ કહે છે, "અસંગઠિત ક્ષેત્રમાં કેટલી રોજગારીની તકો ખતમ થઈ એ આંકડા પણ બહાર આવવા જોઈએ."

"જેનાથી સ્પષ્ટ થઈ જશે કે સરવાળે રોજગારીની તકો વધી કે ઘટી."

"ઓલા, ઉબરના આવવાથી દિલ્હીમાં જેટલા લોકોને રોજગારી મળી છે, એના કરતાં વધારે લોકોની નોકરી ગઈ નથી કે જેઓ આ ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા?"


આખરે સમસ્યા શું છે?

વિરાગ કહે છે કે, "ઈ-કૉમર્સની હજુ સુધી પરિભાષા આપી શકાઈ નથી. ઇન્ટરનેટ કંપનીઓ ડેટાનો દુરુપયોગ કરે છે, પણ આપણે હજુ સુધી ડેટા પ્રૉટેક્શનનો કાયદો બનાવી શક્યા નથી."

"તમામ કંપનીઓ ભારતથી બહાર ઑપરેટ થઈ રહી છે, પણ ગ્રીવન્સ ઓફિસરની નિમણૂક કરી નથી, આ કંપનીઓ ટૅક્સ આપતી નથી, તો પણ આપણે નિશ્ચિંત છીએ."

તેઓ કહે છે, "સરકારની જવાબદારી છે કે નવા પ્રકારની ઇકૉનોમી વિકસિત થઈ રહી છે તો તેને અનુરૂપ કાયદો પણ બનાવે. તેને નિયમિત વ્યવસ્થા અંતર્ગત લાવવાની જવાબદારી પણ સરકારની છે."

"આજે જો વ્હોટ્સઅપ બૅંકિંગ વ્યવસ્થા સાથે જોડાઈ રહ્યું છે તો તેની માલિકી કોની છે, ભારતમાં તેની ઓફિસ ક્યાં છે, તેની જવાબદારી શું છે, એ વ્યવસ્થા કરવાનું કામ સરકારનું છે."

"ડિજિટલના નામે કંપનીઓની અરાજકતા છે, કંપનીઓએ જે ડિજિટલ માફિયા પેદા કર્યા છે તે ચિંતાની બાબત છે."

વિરાગ સવાલ ઉઠાવે છે કે, "તમારે જો ભારતમાં એક નાની લારી લગાવવી હોય તો તમારી પાસે એમસીડીનુ લાઇસન્સ હોવું જોઈએ. પણ ગૂગલ, ફેસબુક અને વ્હોટ્સઅપ માટે કોઈ લાઇસન્સની જરૂર પડતી નથી."


ડિજિટલ ઇન્ડિયામાં મહિલાઓ ક્યાં?

વડાપ્રધાને કહ્યું કે ડિજિટલ ઇન્ડિયાથી સૌથી વધારે ફાયદો ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને થયો છે. તેમણે કહ્યું કે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત શરૂ કરાયેલી વાઈફાઈ ચોપાલ યોજનાથી ગ્રામ્ય વિસ્તારની છોકરીઓને નોકરી મળી રહી છે.

શું ડિજિટલ ઇન્ડિયાથી સૌથી વધારે ફાયદો ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને થયો છે?

ઓસામા મંઝર કહે છે કે, "લોકો પોતે સ્માર્ટફોન ખરીદી લે અને સરકાર દાવો કરે કે બધું બરાબર કરી દીધું છે. સ્થિતિ એવી છે કે ગ્રામીણ વિસ્તારોમાં 92 ટકા મહિલાઓ પાસે મોબાઇલ ફોન નથી."

"જો આખા દેશની વાત કરીએ તો 72 ટકા મહિલાઓ પાસે મોબાઇલ નથી."

"ટીઆરએઆઈના આંકડામાં એક અબજ લોકોના કનેક્શનની વાત કરાય છે, પણ એ સિમ કનેક્શનની વાત છે ઇન્ટરનેટ કનેક્શનની નથી."


તો ડિજિટલ ઇન્ડિયામાં સારું શું છે?

Image copyright Getty Images

ઓસામા મંઝર કહે છે, "ડિજિટલ ઇન્ડિયા પછાત ભારતને કેવી રીતે જોડે છે એ અંગે સરકારની બે યોજનાઓ બહુ સારી છે, એક ડિજિટલ લિટરસી અને બીજી ભારત નેટ."

તેઓ કહે છે, "ડિજિટલ પ્રશિક્ષણ આપવા 6 કરોડ લોકો માટે બજેટ પણ પાસ કરાયું છે. જેમાં આંકડા પૂરવાની હોડના બદલે કયા લોકોને ડિજિટલી શિક્ષિત કરવા છે એ નક્કી કરવું જોઈએ."

"6 કરોડ લોકોમાં તમામ શિક્ષક, પંચાયતના તમામ સભ્યો, તમામ આશા વર્કર્સ વગેરેને સામેલ કરવા જોઈએ. આ લોકોને ડિજિટલી સાક્ષર કરવું વધારે સાર્થક છે."

ઓસામા કહે છે, "સરકાર દાવો કરી રહે છે કે સવા લાખ ગામોમાં ઇન્ટરનેટ પહોંચ્યું છે, પણ અમે આશરે 270 પંચાયતોના સર્વે કર્યા તો ખ્યાલ આવ્યો કે માત્ર 18 થી 20 ટકા કનેક્શન જ કામ કરી રહ્યાં છે અથવા તો કામ કરવા યોગ્ય છે.

"જેટલી પણ યોજનાઓની જાહેરાત કરાઈ રહી છે તેની હકીકત શું છે એ મુદ્દો છે."


ડિજિટલ ઇન્ડિયા શું છે?

Image copyright Getty Images

ડિજિટલ ઇન્ડિયા એ કાર્યક્રમ છે જે અંતર્ગત દરેક જગ્યાએ લોકો સુધી ઇન્ટરનેટ પહોંચાડવું છે. ઈ-ડિસ્ટ્રિક્ટ બનાવવા, ઈ-ગવર્નન્સ અંતર્ગત તમામ સેવાઓને ઑનલાઇન કરવા જેવી બાબતો છે. પણ યોગ્ય માળખા વગર આ કામો કેવી રીતે શક્ય બને?

પાયાનું માળખું એટલે કે ઇન્ટરનેટ કનેક્શન. ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત કોઈ પણ કાર્યને છેવટ સુધી પહોંચાડવા માટે સારી સ્પીડનું ઇન્ટરનેટ જરૂરી છે.

ઓસામા મંઝર કહે છે, "ડિજિટલ ઇન્ડિયાની કરોડરજ્જુ નેટ કનેક્ટિવિટી અથવા બ્રૉડબૅન્ડ કનેક્ટિવિટી છે. હજુ પણ આપણા અધિકૃત બ્રૉડબૅન્ડ 256 કેબીપીએસ છે, જ્યારે આખા વિશ્વમાં 2 એમબીપીએસ પર પણ લોકો હસે છે."

"જો કૅશલેસ વિશ્વ બનાવવું હોય, એટીએમ, પેટીએમ કે ઑનલાઇન ટ્રાન્ઝેક્શન કરવાં હોય તો તેના માટે બૅન્ડવ્રિથ હાઈ છે કે નહીં એ મહત્ત્વનું છે. 2જી પર કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરવું શક્ય છે?"

વિરાગ ગુપ્તા કહે છે કે ડિજિટલ એક પ્રક્રિયા છે. તેઓ કહે છે, "ટેકનિકલ વિકાસના અનેક તબક્કા છે, જેની શરૂઆત આઝાદી પછી થઈ હતી. ટેકનિકલ વિકાસથી દેશ પ્રગતિ કરી શકે છે પણ તેની અવગણના કરવાથી દેશમાં સંકટ પણ સર્જાઈ શકે છે."

"ટેકનિકના પ્રયોગો થઈ રહ્યા છે. સરકારના પ્રયાસો વગર પણ થઈ રહ્યા છે. આ ક્ષેત્રોમાં સરકારનો હસ્તક્ષેપ ન હોવાના કારણે અનેક સંકટ સર્જાયાં છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ