Top News: ભારતીય વિદ્યાર્થીઓને સહેલાઈથી નહીં મળે બ્રિટિશ વિઝા

પ્રતિકાત્મક તસવીર Image copyright Getty Images

'ધ હિંદુ'માં પ્રકાશિત અહેવાલ અનુસાર બ્રિટને 25 દેશોના વિદ્યાર્થીઓને સરળ સ્ટુડન્ટ વિઝા આપવા મામલે નિયમોમાં સુધાર કર્યા છે, પરંતુ 25 દેશોના આ યાદીમાં ભારતનો સમાવેશ કરાયો નથી.

25 દેશોના વિદેશી વિદ્યાર્થીઓ માટે ટાયર-4 વીઝા કેટૅગરીના નિયમો હળવા કર્યા હોવાની યુકે દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

તેમાં ચીન, બહેરીન અને સર્બિયા, અમેરિકા તથા ન્યૂઝિલેન્ડ સહિતના દેશોનો સમાવેશ થાય છે. પરંતુ તેમાં ભારતનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અન્ય દેશોના વિદ્યાર્થીઓ યુકે આવીને સરળતાથી આવીને અભ્યાસ કરી શકે એટલા માટે આ સુધારા કરવામાં આવ્યા છે.

જે દેશોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેના વિદ્યાર્થીઓએ બ્રિટનમાં ભણવા માટે શૈક્ષણિક, આર્થિક, અંગ્રેજી ભાષા સંબંધિત કુશળતા મામલે ઓછા પરીક્ષણોમાંથી પસાર થવું પડશે.

જેઓ અર્થ આ બાબતના નિયમો હળવા કરી દેવાયા છે. 6 જુલાઈથી તેનો અમલ શરૂ થઈ જશે.


એલજીના નિવાસે ધરણા કરનારા કેજરીવાલને 4 મુખ્યમંત્રીનું સમર્થન

Image copyright Getty Images
ફોટો લાઈન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર દિલ્હીના ઉપ-રાજ્યપાલ અનિલ બૈજલના નિવાસસ્થાને ધરણા પર બેઠેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુ, કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામી અને કેરળના મુખ્યમંત્રી પી. વિજયને સમર્થન જાહેર કર્યું હતું.

આ ચારેય મુખ્યંમત્રીઓએ તેમને મળવા માટે અનિલ બૈજલ પાસે મંજૂરી પણ માગી હતી પણ તેમને મંજૂરી આપવામાં આવી ન હતી.

આથી મમતા બેનરજી સહિત ચારેય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પરિવારને તેમના નિવાસસ્થાને મળ્યા હતા.

શું તમે આ વાંચ્યું?

અત્રે નોંધવું રહ્યું કે કેજરીવાલ અને તેમના કેબિનેટ કક્ષાના મંત્રીઓ ઉપ-રાજ્યપાલના નિવાસે કેટલીક માગણી સાથે ધરણા પર બેઠા છે.

તેમની માગણી છે કે દિલ્હી સરકારમાં જે આઈએએસ અધિકારીઓ હળતાળ પર બેઠા છે તેમની સામે પગલા લેવામાં આવે અને તેમને નિર્દેશ આપવામાં આવે કે તેઓ ફરજ પર પાછા ફરે.

કેજરીવાલે કહ્યું હતું કે જ્યાં સુધી આ માગણી સ્વીકારાશે નહીં ત્યાં સુધી તેઓ ઉપ-રાજ્યપાલના નિવાસસ્થાને ધરણા ચાલુ રાખશે.

કેજરીવાલના પરિવારને મળ્યા બાદ ઉપરોક્ત ચારેય મુખ્યમંત્રીઓએ પત્રકાર પરિષદ કરી હતી.

જેમાં મમતા બેનરજીએ સમગ્ર વિવાદ મામલે કહ્યું કે આ લોકશાહી નથી. આ પરિસ્થિતિ બંધારણ પર સંકટ છે. સીએમ કેજરીવાલને મળવા ન દેવાયા તે અયોગ્ય છે.


નર્મદા ડૅમમાં જળસ્તરમાં વધારો

Image copyright Getty Images

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર સરદાર સરોવર ડૅમના જળસ્તરમાં વધારો થયો છે.

છેલ્લા કેટલાક સપ્તાહમાં તેની પાણીની સપાટીમાં 2 મીટર જેટલો વધારો જોવા મળ્યો છે. ડૅમમાં પાણી 106 મીટરની સપાટીને સ્પર્શી ગયું છે.

નર્મદા કૅચમેન્ટમાં ચોમાસાનો હળવા વરસાદ અને મધ્યપ્રદેશના બે રિઝર્વાયર(જળાશય)માંથી પણ પાણી છોડવામાં આવતા નર્મદા ડૅમમાં પાણીનો વધારો થયો છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અધિકારોએ કહ્યું કે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષો કરતા આ વખતે પાણીની સ્થિતિ મુશ્કેલ રહી હતી.

ગુજરાત રાજ્ય માર્ચ મહિનાથી ડૅમના 'ડેડ સ્ટોરેજ'માંથી પાણીનો ઉપયોગ કરતું હતું. અને તેમાં છેલ્લા પંદર વર્ષોમાં સૌથી નિમ્ન સ્તર 104 મીટરથી પણ ઓછું જળસ્તર નોંધાયું હતું.

એપ્રિલના અંતમાં 104 મીટરની સપાટી આવી હતી. 15 જૂનના રોજ ડૅમમાં પાણીની સપાટી 106.2 મીટર નોંધાઈ છે.

અહેવાલ અનુસાર નર્મદા ડૅમમાં પાણીની આવક વધવી એ ગુજરાત માટે તે રાહતના સમાચાર છે.


ગુજરાત દલિત વીડિયો વિવાદ : બેની ધરપકડ

Image copyright Getty Images

'સંદેશ'ના અહેવાલ અનુસાર મહેસાણા જિલ્લાના બેચરાજીના બસ સ્ટેન્ડમાંથી એક દલિત યુવકને મોટરસાઇકલ પર ઉઠાવી જઈને બે યુવકોએ માર માર્યો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો.

માંડલ જિલ્લાના વિઠ્ઠલપુર તાલુકાના દલિત યુવક પર કથિત અત્યાચારનો વીડિયો ફરતો થતા સરકારી તંત્ર દોડતું થયું હતું અને અહેવાલ અનુસાર બે યુવકોની આ મામલે ધરપકડ કરવામાં આવી છે.

બન્ને આરોપીના મોબાઇલ જપ્ત કરીને તેને ફોરેન્સિક તપાસ માટે મોકલી આપ્યા છે.

વળી વીડિયોને વ્યાપક પ્રમાણમાં ફરતો કરનાર અસામાજિક તત્વોને સામે કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

આ મામલે હજી ભાગતા ફરી રહેલા બે આરોપીને પકડવા માટે પોલીસ સક્રિય છે.


અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલો: 26ના મોત

Image copyright AFP/Getty Images
ફોટો લાઈન 16મી જૂને અફઘાનિસ્તાનના જલાલાબાદમાં થયેલા આત્મઘાતી હુમલામાં 26 લોકો મૃત્યુ પામ્યા છે

'રૉયટર્સ'ના અહેવાલ પ્રમાણે અફઘાનિસ્તાનના જલાલાબાદ શહેરમાં કાર બોમ્બ વિસ્ફોટમાં 26 લોકોનાં મૃત્યુ થયા છે.

સત્તાધિશોના જણાવ્યા અનુસાર શનિવારે ઈદના તહેવાર પર અફઘાન સુરક્ષા દળો અને તાલિબાનના દળો એક સ્થળે ભેગા થયા હતા.

આ સ્થળને નિશાન બનાવાતા વિસ્ફોટ થયો હતો. આઈએસ સંગઠને હુમલાની જવાબદારી લીધી છે.

અફઘાન સુરક્ષા દળો અને તાલિબાનના સૈનિકો ઈદ નિમિત્તે યુદ્ધવિરામ સાથે તહેવારની ઉજવણી માટે ભેગા થયા હતા.

હુમલામાં તાલિબાને પોતાની સંડોવણી હોવાનો ઇન્કાર કર્યો છે.

અત્રે નોંધવું રહ્યું કે તાલિબાને ત્રણ દિવસ માટે યુદ્ધવિરામ જાહેર કર્યો હતો.

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘનીએ તાલિબાનને આ સમયમર્યાદા વધારી શાંતિ મંત્રણા માટે અપીલ પણ કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો