71નાં યુદ્ધમાં જ્યારે કચ્છની મહિલાઓએ રાતોરાત ઍરબેઝનો રનવે બનાવ્યો

વીરાંગનાસ્મારકની તસવીર Image copyright KutchMitra

અષાઢી બીજને કચ્છીઓ દ્વારા નવા વર્ષ તરીકે ઊજવવામાં આવે છે. ત્યારે કચ્છની ખમીરવંતી મહિલાઓની એ વાત એવી હિંમત બતાવી હતી કે એનો જોટો ઇતિહાસમાં જવલ્લેજ મળે છે.

ઇતિહાસની અટારીએ ડોકિયું કરતાં જણાશે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 1971માં લડાયેલું યુદ્ધ માત્ર 13 દિવસ ચાલ્યું હતું, પણ આંગળીના વેઢે ગણી શકાય એટલા દિવસ ચાલેલાં એ યુદ્ધમાં વીરત્વ અને જાંબાઝીની કેટલીય કહાણીઓ આલેખાઈ ગઈ હતી.

એ મહિલાઓની આ જ હિંમતને ધ્યાનમાં રાખીને કચ્છમાં બની રહેલાં રાજ્યનાં સૌથી મોટા વનને 'શૌર્યવન' નામ આપવામાં આવ્યું છે.

આગામી સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આ વનનું લોકાર્પણ કરવાના છે.

ત્યારે અહીં વાંચો ગુજરાતના ગૌરવવંતા ઇતિહાસનું એ ઊજળું પાનું.


બાંગ્લા વિદ્રોહ

Image copyright Getty Images

વાત 1971ની છે. પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ)માં પશ્ચિમ પાકિસ્તાન (હાલનું પાકિસ્તાન) વિરુદ્ધ જનઆક્રોશ ભભૂકવા લાગ્યો હતો.

લોકાક્રોશને કાબૂ કરવો પાકિસ્તાનની સરકાર માટે અશક્ય બની રહ્યું હતું.

આખરે 25મી માર્ચે પાકિસ્તાનના સૈન્ય સરમુખત્યાર યાહ્યા ખાને અંતિમ નિર્ણય લીધો. તેમણે બાંગ્લા પ્રજાના વિદ્રોહને કચડી નાખવા સૈન્યને છૂટો દોર આપી દીધો.

બંગબંધુ શેખ મુજિબુર રહમાનની ધરપકડ કરવામાં આવી અને એ સાથે જ શરણાર્થીઓના ધાડાં ને ધાડાં ભારતમાં ઊતરવાં લાગ્યાં.

બાંગ્લા પ્રજા પર જેમજેમ પાકિસ્તાની સૈન્યના અત્યાચારોના સમાચાર આવવા લાગ્યા, તેમતેમ ભારત પર સૈન્ય હસ્તક્ષેપ કરવા દબાણ સર્જાવાં લાગ્યું.


કચ્છ પર બૉમ્બ ફેંકાયા

Image copyright Getty Images

3 ડિસેમ્બર 1971ના રોજ સાંજે 05:40 વાગ્યે પાકિસ્તાની વાયુસેનાનાં સૅબર જેટ્સ અને સ્ટાર ફાઇટર્સ વિમાનો ભારતીય આકાશ પર ગરજવાં લાગ્યાં.

પઠાણકોટ, શ્રીનગર, અમૃતસર, જોધપુર અને આગ્રાના સૈન્ય હવાઈ મથકો પર બૉમ્બ વરસાવવાં લાગ્યાં અને ભારત પાસે યુદ્ધમાં ઝંપલાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ જ ના બચ્યો.

ભારતની પૂર્વ સરહદે યુદ્ધ ફાટી નીકળ્યું હતું, પણ ભારતને ભીડવવા પાકિસ્તાને પશ્ચિમ સરહદ પર પણ હુમલો કરી દીધો હતો.

પાકિસ્તાનના સૅબર જેટ્સે કચ્છમાં નેપામ પ્રકારનાં બૉમ્બ વરસાવવાં લાગ્યાં. એકલાં ભુજના ઍરપૉર્ટ પર 63 બૉમ્બ ફેંકાયા અને રનવેને તહસનહસ કરી નખાયો.


મહિલાઓની ઍરફોર્સને મદદ

Image copyright Kutchmitra
ફોટો લાઈન પાકિસ્તાનના હવાઈ હુમલા બાદ રનવેનું સમારકામ કરી રહેલી મહિલાઓ (સૌ. કચ્છમિત્ર)

એ વખતે પાકિસ્તાને ભુજ ઍરપૉર્ટ (જે સૈન્ય એરબેઝ પણ હતું)નો રનવે તબાહ કરી નાખ્યો હતો. ઍરસ્ટ્રિપ વચ્ચે મોટો ખાડો પડી ગયો હતો. જો રનવેની મરમ્મત ના કરવામાં આવે તો ભારતીય વિમાનો માટે ઊડવું શક્ય જ નહોતું.

આ પહેલાં ક્યારેય આવી પરિસ્થિતિ નહોતી સર્જાઈ એટલે આવી પરિસ્થિતિમાં કઈ રીતે કામ લેવું એવો અનુભવ પણ કોઈ પાસે નહોતો.

આખરે ભુજ હવાઈ મથકના એ વખતના ઍરફોર્સ કમાન્ડર વિજય કર્ણિકે કચ્છ કલેક્ટર પાસે મદદ માગી.

ભારતના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એન.ગોપાલાસ્વામી એ વખતે કચ્છના કલેક્ટર હતા. તેમણે ઍરસ્ટ્રિપના સમારકામ માટે માનવબળ પૂરું પાડવાની જવાબદારી ઉપાડી લીધી.

બીબીસી સાથેની વાતચીતમાં એન. ગોપાલાસ્વામી જણાવે છે, ''8મી ડિસેમ્બરની રાતે અને 9મી ડિસેમ્બરની સવારે પાકિસ્તાની વાયુસેનાએ ચાર વખત હવાઈ હુમલા કર્યા હતા અને ઍરસ્ટ્રિપને તબાહ કરી નાખી હતી.''

તેઓ ઉમેરે છે, ''એ વખતના ભુજના ઍરફોર્સ ઇન્ચાર્જ વિજય કર્ણિકે મારી પાસે માનવબળ પૂરું પાડવા મદદ માગી એટલે મેં નજીકમાં આવેલા માધાપર ગામના સરપંચ વી.કે પટેલને આ અંગે જાણ કરી.

''સરપંચને જાણ કરતાં જ ગણતરીની કલાકોમાં લોકો એકઠા થઈ ગયા. જેમાંથી મહિલાઓને હવાઈપટ્ટીના સમારકામની કામગીરી સોંપાઈ''


મોતનાં જોખમ વચ્ચે સમારકામ

Image copyright KutchMitra

એ વખતે ભુજની નજીક આવેલા માધાપર ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગોવિંદ ખોખાણી એ ઘટનાને યાદ કરતા બીબીસીને જણાવે છે,

''સરપંચે આ અંગે માધાપરનાં પંચાયત સભ્ય સુંદરબહેન જેઠાભાઈ માધાપરિયાને ગામની મહિલાઓને એકઠાં કરવાનું કામ સોંપાયું હતું.''

''જે બાદ બીજા દિવસ સવારે માધાપરની બહેનો નજીકના ગામ વથાણમાં એકઠી થઈ. અહીંથી તેમને ભુજ ઍરપૉર્ટ પર લઈ જવામાં આવી.''

''એ બહેનો 300 કરતાં વધુ હતી અને બાંધકામમાં નિપુણ હતી. પાવડા, ધમેલા જેવા સાધનો પણ ઘરેથી સાથે લઈને કામ પર આવી હતી.''

ઍરપૉર્ટના અધિકારીઓએ મહિલાઓને જેમ બને એટલી જલદી હવાઈપટ્ટીનું સમારકામ કરી આપવા જણાવ્યું. સાથે જ કામ દરમિયાન રહેલાં જોખમ અંગે પણ તેમણે જાણકારી આપી.

ઍરપૉર્ટ પર પાકિસ્તાનના હવાઈ હુમલાનું જોખમ હજું ટળ્યું નહોતું, એટલે હુમલાની આશંકાને પગલે ગમે ત્યારે સાયરન વાગતું હતું.


ભારતીય વિમાનો ફરી ઊડ્યા

Image copyright Getty Images

મહિલાઓ હવાઈપટ્ટીના સમારકામમાં લાગી ગઈ. સમારકામ દરમિયાન ગમે ત્યારે જોખમ ઊભું થતું અને સાયરન વાગવા લાગતું.

મહિલાઓ દોડીને બાવળના ઝાડ તળે છૂપાઈ જતી અને જેવું જ સાયરન બંધ થાય કે ફરીથી કામે વળગી પડતી.

યુદ્ધના એ માહોલમાં મોતનો સતત ભય તોળાઈ રહ્યો હતો. ગમે ત્યારે પાકિસ્તાની યુદ્ધ વિમાનો ત્રાટકી શકે એમ હતા.

આવાં જોખમ વચ્ચે એ મહિલાઓએ માત્ર ત્રણ દિવસમાં જ હવાઈપટ્ટી તૈયાર કરી દીધી.

ભુજના ઍરપૉર્ટની હવાઈપટ્ટી ફરીથી તૈયાર થઈ ગઈ. ભારતીય વાયુસેનાના વિમાનો ફરીથી ભુજ ઍરપૉર્ટ પરથી ઉડાણ ભરવા લાગ્યા.

ઇતિહાસમાં ભાગ્યે જ નોંધાઈ હોય એવી બહાદુરીની આ ઘટનાના એક અઠવાડિયામાં જ પાકિસ્તાને હાર સ્વીકારી લીધી.


મહિલાઓની શૌર્યગાથા

Image copyright BharatRakshak

90 હજારથી વધુ પાકિસ્તાની સૈનિકોએ પૂર્વ સરહદ પર આત્મસમર્પણ કર્યું અને બાંગ્લાદેશ નામે એક નવા રાષ્ટ્રનો પૃથ્વીનાં નકશા પર ઉદય થયો.

યુદ્ધ પૂરું થતાં એ વખતના ગુજરાતના રાજ્યપાલ ડૉ. શ્રીમન નારાયણે માધાપરની મુલાકાત લીધી. તેઓ આ મહિલાઓને રૂબરૂ મળ્યા.

તેમણે ગામના વિકાસ માટે રૂ. 50 હજાર પણ આપ્યા, જેમાંથી માધાપર ગ્રામ પંચાયત કચેરી ખાતે 'વીરાંગના ભવન' તૈયાર કરાયું.

માધાપર ગામની મહિલાઓની આ શૌર્ગાથાને એ વખતના ઍર ચીફ માર્શલ પી. સી. લાલે પણ બિરદાવી હતી, તેમણે ભેટ સ્વરૂપે જેટ વિમાનની પ્રતિકૃતિ પણ આપી.

વર્ષ 2015માં એ વખતના કેન્દ્રીય સંરક્ષણ મંત્રી મનોહર પારિકર તેમજ કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ માધાપરમાં વીરાંગના સ્મારક ખુલ્લું મુક્યું હતું.

એન. ગોપાલાસ્વામી આ ઘટનાને યાદ કરતા જણાવે છે, ''કચ્છ ખમીરવંતો પ્રદેશ છે અને એટલે જ મહિલાઓએ કરેલી એ કામગીરી મને બિલકુલ અજુગતી નહોતી લાગી.''


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ